મંગળ પર પ્રથમ વખત પ્રવાહી સ્વરૂપે પાણી હોવાનું જાણવા મળ્યું

ઇમેજ સ્રોત, POT
- લેેખક, વિક્ટોરિયા ગિલ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર પ્રવાહી સ્વરૂપે પાણી મળી આવ્યું છે. મંગળના પથરાળ પોપડાની અંદર આ પાણી મળી આવ્યું છે.
નાસાએ મંગળ પર મોકલેલા 'ઇનસાઇટ લૅન્ડર'ના ડેટાનું નવેસરથી વિશ્લેષણ કરાતાં રાતા ગ્રહ ઉપર પ્રવાહી સ્વરૂપે પાણી હોવાની વાત જાણવા મળી છે. 2018માં ઇનસાઇટ લૅન્ડરે મંગળ પર ઉતરાણ કર્યું હતું.
લૅન્ડર પર સાઇઝ્મોમીટર હતું, જેણે મંગળના ગર્ભમાં અનુભવાતા કંપનને ચાર વર્ષ સુધી નોંધ્યું હતું.
એ હળવા કંપન અને ગ્રહ ખરેખર કઈ રીતે ફરે છે એ અંગેનું વિશ્લેષણ કરાતાં મંગળમાં પ્રવાહી સ્વરૂપે રહેલા પાણીના 'ભૂકંપીય હસ્તાક્ષરો' ઉજાગર થયા છે.
અલબત્ત, મંગળના ધ્રૂવો પર થીજેલા સ્વરૂપે પાણી અને વાતાવરણમાં બાષ્પના પુરાવા પહેલાંથી જ મળી ચૂક્યા છે. જોકે, મંગળ ગ્રહ પર પ્રવાહી સ્વરૂપે પાણી હોવાની વાત પ્રથમ વખત જ જાણવા મળી છે.
આ વિશ્લેષણ સંબંધિત અભ્યાસ નેશનલ ઍકેડૅમી ઑફ સાયન્સની જર્નલમાં પ્રકાશિત કરાયો છે.
અહીં મહત્ત્વપૂર્ણ છે કે ચાર વર્ષ સુધી 'મંગળના ધબકારા' સાંભળનારા ઇનસાઇટ લૅન્ડરનું અભિયાન ડિસેમ્બર 2022માં પૂર્ણ થયું હતું. આ સમયગાળા દરમિયાન લૅન્ડરે 1,319 ભૂકંપો નોંધ્યા હતા.
ભૂકંપીય તરંગો જે ગતિએ દોડે છે એનો અભ્યાસ કરતાં આ તરંગો કયા પદાર્થમાં દોડે છે એ પણ વૈજ્ઞાનિકો જાણી શક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે વાત કરતાં કૅલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ માંગાએ જણાવ્યું કે "આ એ જ ટેકનિક છે જે આપણે પૃથ્વી પર પાણી, ગૅસ કે ઑઇલ શોધવા માટે વાપરીએ છીએ."
વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું કે મંગળ ગ્રહના પોપડામાં 10થી 20 કિલોમીટર ઊંડે પાણીનો જથ્થો છે.
આ શોધ કેમ મહત્ત્વની છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાં સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનગ્રાફીના ડૉ. વશેન રાઇટ જણાવે છે, "બાહ્ય અને આંતરિક હવમાનની ઉક્રાંતિને સમજવા માટે મંગળ પરની વૉટર સાઇકલ સમજવી મહત્ત્વની છે."
તો પ્રોફેસર માંગા જણાવે છે કે "ગ્રહની ઉક્રાંતિ માટે સૌથી મહત્ત્વનો અણુ જળ છે." તેમનું એવું પણ માનવું છે કે મંગળ ઉપરનું પાણી ક્યાં જતું રહ્યું એ પ્રશ્નો જવાબ પણ આ શોધ આપી રહી છે.
પાણીની નહેરો અને એની લહેરો સહિત મંગળનો અભ્યાસ દર્શાવે છે કે મંગળ પર ભૂતકાળમાં નદીઓ અને તળાવો હતાં. જોકે, છેલ્લાં 3 બિલિયન વર્ષથી આ ગ્રહ ઉજ્જળ છે.
મંગળે જ્યારે પોતાનું ગુરુત્વાકર્ષણ ગુમાવ્યું ત્યારે કેટલુંક પાણી અવકાશમાં ઊડી ગયું હતું. જોકે, પ્રોફેસર માંગા કહે છે કે આપણી ધરતી પર ભૂગર્ભમાં ઘણું પાણી સંગ્રહાયેલું છે અને મંગળ પર એવું ના હોય એવું માનવાનું કોઈ કારણ નથી.
સંશોધકોનું માનવું છે કે મંગળ ગ્રહના જે પડમાં પાણી છે, એ કાઢવું લોઢાના ચણા ચાવવા સમાન હશે અને મંગળ પર વસાહત સ્થાપવાનાં સપનાં જોનારા અરબપતિઓ માટે પણ એ કામ સરળ નહીં હોય.
પ્રોફેસર માંગા બીબીસીને જણાવે છે, "મંગળના પોપડામાં 10-20 કિલોમીટર નીચેથી ડ્રિલિંગ કરીને પાણી કાઢવું એ તો ઍલન મસ્ક માટે પણ કાઠું કામ હશે."
જોકે, નવીન શોધ મંગળ પર જીવનની શોધી રહેલાં અભિયાનોમાં નવીન આશાનો સંચાર કરી શકશે.
પ્રોફેસર માંગા જણાવે છે, "પ્રવાહી સ્વરૂપના પાણી વગર જીવન શક્ય નથી. એથી જો મંગળ પર રહેવાલાયક વાતાવરણ હશે તો એ ઊંડે અંડરગ્રાઉન્ડમાં હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












