ટ્રમ્પનું બૉર્ડ ઑફ પીસ શું છે, જેમાં વડા પ્રધાન મોદીને આમંત્રણ અપાયું

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી

અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ગાઝા માટેના નવા 'બોર્ડ ઑફ પીસ'માં સામેલ થવાનું આમંત્રણ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપ્યું છે. ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તેમના સત્તાવાર ઍક્સ હેન્ડલ પર આ વિશેનો વ્હાઇટ હાઉસનો પત્ર જાહેર કર્યો છે.

સર્જિયો ગોરે લખ્યું છે, "પ્રમુખ ટ્રમ્પ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝાના બોર્ડ ઑફ પીસમાં સામેલ થવા માટે આમંત્રણ આપવું તે મારા માટે મોટા સન્માનની વાત છે. આ બોર્ડ ગાઝામાં સ્થાયી શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અસરકારક વહીવટમાં સહયોગ કરશે."

રૉયટર્સ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, બોર્ડ ઑફ પીસમાં સામેલ થવાનું આમંત્રણ પાકિસ્તાનને પણ આપવામાં આવ્યું છે.

જોકે, પોતે આ બોર્ડમાં સામેલ થશે કે નહીં તેની પુષ્ટિ ભારત તથા પાકિસ્તાનના વડા પ્રધાનોએ હજુ સુધી કરી નથી.

આ અગાઉ ઑક્ટોબર 2025માં ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગાઝામાં શાંતિ સંદર્ભે એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી. તેમાં લગભગ 20 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

એ પરિષદ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેમાં હાજરી આપી ન હતી. ભારત તરફથી રાજ્યમંત્રી (વિદેશ) કીર્તિવર્ધન તેમાં સામેલ થયા હતા.

આ બોર્ડ ટેકનિકલ નિષ્ણાતોની સમિતિના કામ પર દેખરેખ રાખશે. એ સમિતિને ગાઝામાં અસ્થાયી શાસન અને તેના પુનર્નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે.

અમેરિકાનો દાવો છે કે તેનું આ બોર્ડ ઑફ પીસ એક નવા આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન તરીકે કામ કરશે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ અખબારના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ દેશ આ બોર્ડનું કાયમી સભ્યપદ મેળવવા ઇચ્છતો હશે તો એ માટે તેણે જંગી ખર્ચ કરવો પડશે.

કોઈ દેશ બોર્ડની શરૂઆતનાં ત્રણ વર્ષ પછી બોર્ડમાં રહેવા ઇચ્છતો હશે તો તેણે એક અબજ ડૉલર અથવા આશરે રૂ. 9,000 કરોડ ખર્ચવા પડશે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ બોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનો હિસ્સો છે, પરંતુ બોર્ડના ચાર્ટરમાં ગાઝાનો કોઈ ઉલ્લેખ નથી.

ઇઝરાયલને વાંધો

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પના બોર્ડ ઑફ પીસમાં કતાર અને તુર્કીના વિદેશમંત્રીને સામેલ કરવામાં આવ્યા છે. ગાઝામાં તુર્કીની કોઈ પણ ભૂમિકાનો ઇઝરાયલે વિરોધ કર્યો છે અને તે કતારને પણ હમાસનું સમર્થક માને છે.

દરમિયાન, ઇઝરાયલની ન્યૂઝ ચૅનલ N12એ અમેરિકન અધિકારીઓને ટાંકીને એવો અહેવાલ આપ્યો છે કે બોર્ડ ઑફ પીસમાં કતાર અને તુર્કીની હાજરી બાબતે ઇઝરાયલને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી.

ટ્રમ્પના પ્રસ્તાવિત બોર્ડ ઑફ પીસ વિશે ચર્ચા કરવા માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના ટોચના સલાહકારો સાથે એક બેઠક યોજવાના છે. બોર્ડની રચના અંગેની ચર્ચામાં પોતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તેવું ઇઝરાયલે જણાવ્યું છે ત્યારે આ બેઠક યોજવામાં આવી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, "ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડ" જમીન પરની તમામ કામગીરી પર નજર રાખશે, જ્યારે જમીન પરની કામગીરી એક અન્ય વહીવટી સંસ્થા નૅશનલ કમિટી ફૉર ધ ઍડમિનિસ્ટ્રેશન ઑફ ગાઝા દ્વારા હાથ ધરવામાં આવશે.

આ સંદર્ભે ઘણા નિષ્ણાતો એવું અનુમાન કરી રહ્યા છે કે ટ્રમ્પનું બોર્ડ ઑફ પીસ ગાઝા ઉપરાંત વિશ્વભરના તમામ સંઘર્ષોને સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવવાનો ઈરાદો ધરાવે છે અને તેનો હેતુ ખુદને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના વિકલ્પ તરીકે પ્રસ્તુત કરવાનો છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ બોર્ડના દરેક સભ્ય "ગાઝાની સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ" હોય એવા વિભાગની જવાબદારી સંભાળશે.

અલબત્ત, કોણે, કઈ પ્રાથમિકતાની જવાબદારી સંભાળશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

ટોચના આ સ્તર માટે હજુ સુધી કોઈ મહિલા કે પેલેસ્ટિનિયનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વ્હાઇટ હાઉસ કહે છે કે આગામી અઠવાડિયાંમાં વધુ સભ્યોનાં નામ જાહેર કરવામાં આવશે.

સ્થાપક એક્ઝિક્યુટિવ બોર્ડમાં કોણ-કોણ સામેલ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters / Getty Images / EPA

ઇમેજ કૅપ્શન, અજય બંગા, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ

સર ટોની બ્લેર:

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન સર ટોની બ્લેરને લાંબા સમયથી ટ્રમ્પના બોર્ડ ઑફ પીસના સંભવિત સભ્ય ગણવામાં આવી રહ્યા છે.

બ્લેરે આ બોર્ડ સાથે જોડાવામાં રસ દેખાડ્યો હોવાની પુષ્ટિ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બરમાં કરી હતી.

લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા બ્લેર 1997થી 2007 સુધી બ્રિટનના વડા પ્રધાન હતા.

તેમણે તેમના દેશને 2003માં ઇરાક યુદ્ધમાં સામેલ કર્યો હતો. એ કારણસર બોર્ડમાં તેમની સામેલગીરીને કેટલાક લોકો વિવાદાસ્પદ ગણી શકે છે.

વડા પ્રધાનપદ છોડ્યા પછી 2007થી 2015 સુધી બ્લેરે ચાર દેશોના સંગઠન માટે મધ્યપૂર્વના દૂત તરીકે કામ કર્યું હતું. એ ચાર દેશોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન યુનિયન, અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે.

સર ટોની બ્લેર આ સ્થાપક એક્ઝિક્યુટિવ બોર્ડના એકમાત્ર એવા સભ્ય છે, જે અમેરિકન નાગરિક નથી.

તેમણે ગાઝા માટેની ટ્રમ્પની યોજનાઓને "બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધની વેદના અને દુઃખનો અંત લાવવાની શ્રેષ્ઠ તક" ગણાવી છે.

માર્કો રૂબિયો:

અમેરિકાના વિદેશમંત્રી તરીકે માર્કો રૂબિયો ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશનીતિની વિચારસરણીના કેન્દ્રસ્થાને છે.

ટ્રમ્પ સત્તા પર પાછા ફર્યા એ પહેલાં રૂબિયોએ ગાઝામાં યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલ "હમાસના એ દરેક હિસ્સાનો નાશ કરે" એવું તેઓ ઇચ્છતા હતા.

જોકે, એ પછી તેમણે ઑક્ટોબરમાં થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કાની પ્રશંસા કરતાં તેને "શ્રેષ્ઠ અને એકમાત્ર" યોજના ગણાવી હતી.

કબજા હેઠળના વેસ્ટ બૅન્ક વિસ્તારને પોતાના દેશમાં સામેલ કરવાની ઇઝરાયલી સંસદની પહેલની ટીકા પણ રૂબિયોએ ઑક્ટોબરમાં જ કરી હતી.

સ્ટીવ વિટકોફ:

મધ્યપૂર્વ માટેના અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ પણ બોર્ડ ઑફ પીસમાં જોડાવાના છે. તેઓ રિયલ એસ્ટેટના ધંધાર્થી છે અને ટ્રમ્પના ગોલ્ફ પાર્ટનર પણ છે.

ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજનાના બીજા તબક્કાના પ્રારંભની જાહેરાત વિટકોફે આ મહિનાની શરૂઆતમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ તબક્કામાં ગાઝાના પુનર્નિર્માણ અને સંપૂર્ણ બિનલશ્કરીકરણનો સમાવેશ કરવામાં આવશે. તેમાં હમાસને નિઃશસ્ત્ર કરવાનો પણ સમાવેશ થાય છે.

તેમના કહેવા મુજબ, હમાસ કરાર હેઠળની તેની બધી જવાબદારીનું સંપૂર્ણ પાલન કરશે, એવી તેમની અપેક્ષા છે. હમાસ એવું નહીં કરે તો તેણે "ગંભીર પરિણામ"નો સામનો કરવો પડશે.

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિકરાર કરાવવાના અમેરિકાના નેતૃત્વ હેઠળના પ્રયાસોમાં પણ વિટકોફે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં ડિસેમ્બરમાં યોજાયેલી પાંચ કલાકની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટોની બ્લૅર 1997થી 2007 સુધી બ્રિટન વડા પ્રધાન રહ્યા હતા

જેરેડ કુશનર

અમેરિકાના રાષ્ટ્રપતિના જમાઈ જેરેડ કુશનરે પણ ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશનીતિ સંબંધી વાટાઘાટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

કુશનરે વિટકોફની સાથે મળીને રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં અમેરિકા વતી મધ્યસ્થી તરીકે અનેક વાર કામ કર્યું છે.

શાંતિકરાર સંબંધી મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવા તેઓ નવેમ્બરમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા.

2024માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક વાર્તાલાપ દરમિયાન જેરેડ કુશનરે કહ્યું હતું, "લોકો આજીવિકા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો ગાઝાના દરિયાકાંઠાની જમીન ખૂબ જ મૂલ્યવાન બની શકે છે."

માર્ક રોવન

અબજોપતિ માર્ક રોવન ન્યૂ યૉર્કસ્થિત એક મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની અપોલો ગ્લોબલ મૅનેજમૅન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે.

ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન રોવનને અમેરિકાના નાણામંત્રીપદના સંભવિત દાવેદાર માનવામાં આવતા હતા.

અજય બંગા

વિશ્વ બૅન્કના પ્રમુખ અજય બંગાએ તેમની લાંબી કારકિર્દી દરમિયાન અમેરિકાના અનેક વરિષ્ઠ નેતાઓને સલાહ આપી છે. તેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો પણ સમાવેશ થાય છે.

1959માં ભારતમાં જન્મેલા અજય બંગા 2007માં અમેરિકન નાગરિક બન્યા હતા.

એ પછી તેમણે એક દાયકાથી વધુ સમય સુધી માસ્ટરકાર્ડના સીઇઓ તરીકે સેવા આપી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને 2023માં તેમને વર્લ્ડ બૅન્કના વડા તરીકે નૉમિનેટ કર્યા હતા.

રૉબર્ટ ગ્રેબ્રિયલ

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ગેબ્રિયલ આ 'સ્થાપક એક્ઝિક્યુટિવ બોર્ડ'ના અંતિમ સભ્ય હશે.

ગેબ્રિયલ 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પ્રચારવેળાથી ટ્રમ્પ સાથે કામ કરી રહ્યા છે.

અમેરિકન પબ્લિક બ્રૉડકાસ્ટર પીબીએસના અહેવાલ અનુસાર, તેના થોડા સમય પછી તેઓ ટ્રમ્પના અન્ય મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરના ખાસ સહાયક બન્યા હતા.

નિકોલાઈ મ્લાદેનેવ

વ્હાઇટ હાઉસના નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બલ્ગેરિયન રાજકારણી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના મધ્યપૂર્વના દૂત નિકોલ મ્લાદેનેવ ગાઝામાં બોર્ડના પ્રતિનિધિ હશે.

તેઓ ગાઝાના વહીવટ માટેની રાષ્ટ્રીય સમિતિ અથવા નૅશનલ કમિટી ફૉર ધ ઍડમિનિસ્ટ્રેશન ઑફ ગાઝા નામની 15 સભ્યોની એક અલગ સમિતિ પર નજર રાખશે.

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો

આ સમિતિને યુદ્ધ પછી ગાઝાના દૈનિક વહીવટનું કામ સોંપવામાં આવ્યું છે.

આ નવી સમિતિનું નેતૃત્વ પેલેસ્ટિનિયન ઑથૉરિટીના ભૂતપૂર્વ નાયબ મંત્રી અલી શાત કરશે. તે પેલેસ્ટિનિયન ઑથૉરિટીના કબજા હેઠળના, પરંતુ ઇઝરાયલના નિયંત્રણ હેઠળ ન હોય તેવા વેસ્ટ બૅન્કના ભાગોમાં તે શાસન કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન