મંગળ ગ્રહ અચાનક રહસ્યમય રીતે ઝડપથી કેમ ફરવા લાગ્યો છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
આપણા પાડોશી ગ્રહ મંગળની ધરીભ્રમણની ગતિમાં વધારો થઈ રહ્યો છે, અને વૈજ્ઞાનિકોને આવું થવા માટેનાં કારણોને લઈને ચોકસાઈપૂર્વક કંઈ ખબર નથી.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સાત ઑગસ્ટના રોજ જણાવ્યું હતું કે નિષ્ણાતો ઇનસાઇટ મૉડ્યુલના ડેટાનું વિશ્લેષણ કરી ગ્રહના ભ્રમણની ગતિને ટ્રૅક કરી રહ્યા છે.
નિષ્ણાતોને જાણવા મળ્યું છે કે લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ પર દિવસની લંબાઈ દર વર્ષે એક મિલી સેકન્ડ જેટલી ઘટી છે, કારણ કે ગ્રહની ધરીભ્રમણની ગતિ વધુ તીવ્ર બની છે.
આ ટીમને આવું થવા પાછળનાં કારણો અંગે ચોકસાઈપૂર્વક ખબર નથી પરંતુ તેમની પાસે એક થિયરી છે.
નિષ્ણાતોના મતે મંગળની ગતિ વધવા પાછળનું કારણ એ હોઈ શકે કે ગ્રહમાં સમગ્રપણે કેટલાક ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે ગ્રહના દળ અને તેની સપાટી પરની પ્રક્રિયાઓ વગેરે.
સંશોધકોના મતે આવું કદાચ ગ્રહના ધ્રુવો પર હિમખંડોમાં થઈ રહેલા વધારાને કારણે અથવા તો અગાઉ બરફને કારણે ઢંકાઈ ગયેલી જમીન ફરીથી ઉપર આવવાને કારણે સર્જાયેલ સ્થિતિને કારણે થઈ રહ્યું છે. જેને પોસ્ટગ્લેશિયલ રિબાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પરંતુ અત્યાર સુધી આ બદલાવ ક્યારેય ડિટેક્ટ નહોતા થઈ શક્યા, કારણ કે અગાઉ ઇનસાઇટ મૉડ્યુલની માફક ચોક્કસ માપ નોંધી શકાતા નહોતા.
નોંધનીય છે કે વધારાનો મિશન પિરિયડ પૂરો થયા બાદ ઇનસાઇટ મૉડ્યુલ બંધ કરી દેવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇનસાઇટના લીડ તપાસકાર બ્રુસ બેનેર્ડ્ટે કહ્યું કે, “આવી ચોકસાઈ સાથે નવીન માપ મેળવવાનું ખૂબ જ ઉત્સાહજનક છે.”
“હું મંગળ માટે ઇનસાઇટ જેવું જિયોફિઝિકલ સ્ટેશન મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યો છું, અને આ પ્રકારનાં પરિણામો આટલા દાયકાના એ પ્રયાસોને સફળ પુરવાર કરે છે.”

માપ કેવી રીતે લેવાય છે?

ઇમેજ સ્રોત, POT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મે 2018માં પાડોશી ગ્રહની પ્રકૃતિ અંગે વૈજ્ઞાનિકો વધુ સમજ કેળવી શકે એ હેતુસર ઇનસાઇટ મૉડ્યુલ લૉન્ચ કરાયું હતું.
ઇનસાઇટ મૉડ્યુલમાં મુખ્યત્વે ત્રણ મહત્ત્વપૂર્ણ સાધનો હતાં જે માપ લેવા માટે ઉપયોગી થઈ પડે છે :
સિસ્મોમીટર, તાપમાન માપવા માટેનું સાધન અને રેડિયો તરંગોનો માપ કાઢવા માટેનું સાધન.
આ બધાને સંયુક્તપણે રૉટેશન અને ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઍક્સિપેરિમેન્ટ કે RISE કહેવાતું.
સિસ્મોમીટર ધૈર્ય સાથે ગ્રહની સપાટી પર રહીને ગ્રહમાં અનુભવાતા કંપન અને ઉલ્કાપિંડોની અથડામણને કારણ થતા બદલાવોને માપવાનું કામ કરે છે.
તાપમાન માપવા માટેનું સાધન ગ્રહની સપાટીની અંદરના તાપમાન અંગે જાણકારી એકત્રિત કરે છે. આવું કરવા માટે સાધને નોંધપાત્ર ઊંડાઈનો ખાડો કર્યો છે, જે અગાઉનાં મિશનોમાં કરાયેલ આવી પ્રવૃત્તિ કરતાં વધુ ઊંડો છે.
રેડિયો ઇન્સ્ટ્રુમૅન્ટ ઇનસાઇટના ચોક્કસ લોકેશનનો ટ્રૅક રાખે છે જેથી ગ્રહના પરિક્રમણનો માર્ગે નિર્ધારિત કરી શકાય.
આ તમામ માહિતી ગ્રહના ધરીભ્રમણ અને તેની ગતિનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી. અને હવે તેઓ ગ્રહની ધરીભ્રમણની ગતિ વધવા પાછળનાં કારણો શોધી રહ્યા છે.
સંશોધનપત્રના મુખ્ય લેખક અને RISEના મુખ્ય તપાસકર્તા બેલ્જિયમની રૉયલ વેધશાળાના સેબેશ્ચિયન લે માઇટર કહે છે કે, “આપણે અહીં મંગળના એક વર્ષ સંદર્ભે અમુક સેન્ટિમીટરના બદલાવો અંગે વાત કરી રહ્યા છીએ.”
તેઓ ઉમેરે છે કે, “આપણે આ બધા ફેરફારો જોઈ શકીએ એ માટે આપણને ઘણા સમય અને તે દરમિયાન એકત્રિત કરાયેલ ડેટાની જરૂર પડે.”
આ અભ્યાસમાં ઇનસાઇટે મંગળ પર પસાર કરેલા પ્રથમ 900 દિવસના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું, જે આ પ્રકારના બદલાવોની નોંધ માટે પૂરતો સમયગાળો છે.














