ભારત દેશ જ્યાં પહોંચ્યો એ અંધારામાં ડૂબેલો ચંદ્રનો ભાગ રહસ્યમય કેમ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરી ચૂક્યું છે.
ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવની ધરી પર સૉફ્ટ લૅન્ડિંગ એટલે કે આરામદાયક રીતે ઊતરવામાં સફળ થતા આ અંતરિક્ષના વિસ્તારમાં ભારતની મોટી છલાંગ સમાન છે.
કારણ કે વિશ્વનો કોઈ પણ દેશ હજી સુધી ચંદ્રના આ ભાગ પર સોફ્ટ લૅન્ડિંગ કરવામાં સફળ નથી થઈ શક્યો.
તેનું કારણ આ વિસ્તારની વિશેષ ભૌગોલિક પૃષ્ઠભૂમિ છે.
આ જગ્યા ચંદ્રના એ ભાગની સરખામણીમાં તદ્દન અલગ અને રહસ્યમયી છે જ્યાં વિશ્વભરના દેશોએ સ્પેસ મિશનો મોકલ્યાં છે.

કેટલો ખતરનાક છે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ચંદ્ર તરફ મોકલાયેલાં મોટાં ભાગનાં મિશન ચંદ્રની ભૂમધ્યરેખાના ક્ષેત્રમાં પહોંચ્યાં છે. જ્યાંની જમીન દક્ષિણ ધ્રુવની સરખામણીએ સપાટ છે.
જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અનેક જ્વાળામુખી છે અને અહીંની જમીન એકદમ ઊબડખાબડ છે.
ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટીની જે નવી તસવીરો મોકલી છે, તેમાં પણ ઊંડા ખાડા, ઊબડખાબડ જમીન દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અંદાજે એક દોઢ હજાર કિલોમીટર પહોળો અને આઠ કિલોમીટર ઊંડા ખાડાના કિનારે છે, જેને સૌરમંડળનો સૌથી જૂનો ઇમ્પેક્ટ ક્રેટર મનાય છે.
ઇમ્પેક્ટ ક્રેટર એટલે કોઈ ગ્રહ કે ઉપગ્રહમાં થયેલા ખાડા, જે કોઈ મોટા ઉલ્કાપિંડ કે ગ્રહોની ટક્કરથી બને છે.

અબજો વર્ષોથી અંધારામાં ડૂબેલા વિસ્તારો

ઇમેજ સ્રોત, NASA
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નોહા પેટ્રો આ જગ્યા પર ચંદ્રયાન-3 પહોંચવાનું મહત્ત્વ સમજાવે છે.
તેઓ કહે છે, "ધ્રુવ પર ઊતરીને તમે આ ક્રેટર અને તેના મહત્ત્વને સમજવાનું શરૂ કરી શકો છો."
નાસા મુજબ, ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર સૂર્ય ક્ષિતિજની નીચે અથવા સામાન્ય ઉપર રહે છે.
એવામાં જેટલા દિવસ સૂર્યનો થોડો પ્રકાશ દક્ષિણી ધ્રુવ પાસે પહોંચે છે, એ દિવસોમાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયલ પહોંચી જાય છે.
પણ આ વિસ્તારમાં આકાશને આંબતા અનેક પર્વત અને ઊંડા ખાડા છે જે પ્રકાશના દિવસોમાં પણ અંધારામાં જ રહે છે. એમાંથી એક પર્વતની ઊંચાઈ સાડા ત્રણ હજાર મીટર છે.
આ ખાડાઓ અને પર્વતોના છાયડામાં રહેતા વિસ્તારોનું તાપમાન -203 ડિગ્રી સેલ્સિયસથી -243 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

દક્ષિણ ધ્રુવ તરફ કેમ આગળ વધી રહ્યા છે દેશો?

ઇમેજ સ્રોત, ROSCOSMOS
નાસાએ કહ્યું છે કે અત્યારે અત્યાધુનિક સૅન્સર છે. પણ આ ઊબડખાબડ જમીન અને પ્રકાશની સ્થિતિઓના કારણે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઊતરેલા યાન માટે જમીનની સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ રહેશે.
આ સાથે જ કેટલીક સિસ્ટમ વધતાં અને ઘટતાં તાપમાનના કારણે અસરગ્રસ્ત થઈ શકે છે.
ચંદ્રમા આજકાલ ભારત જ નહીં પણ રશિયા અને ચીનની અંતરિક્ષ એજન્સીઓ માટે પણ રસનો વિષય છે.
રશિયાએ ચંદ્રયાન-3 બાદ જ પોતાનું ચંદ્ર માટેનું અભિયાન લૂના-25 શરૂ કર્યું હતું. લૂના-25ને પણ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ લૅન્ડ થવાનું હતું.
પણ લૂના-25 ગયા અઠવાડિયે નિયંત્રણ બહાર થવાના કારણે ચંદ્રની સપાટી પર ક્રૅશ થઈ ગયું. છેલ્લાં 47 વર્ષમાં ચંદ્ર તરફ રશિયાનું આ પહેલુ અંતરિક્ષ અભિયાન હતું.

પાણીની શોધ એક મોટું કારણ

ઇમેજ સ્રોત, ISRO
આ સાથે જ ચીન પણ આવનારા સમયમાં ચંદ્ર તરફ જવાનું પોતાનું અભિયાન શરૂ કરી રહ્યું છે. ચીનનું ચાંગેય-4 વર્ષ 2019માં ચીનમાં ન દેખાતી સપાટી પર ઊતરી ચૂક્યું છે.
ભારત પણ ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-4 બાદ વર્ષ 2026માં જાપાન સાથે મળીને જૉઇન્ટ પોલર એક્સપ્લોરેશન મિશન પર કામ કરશે. જેનો હેતુ ચંદ્રના અંધારામાં ડૂબેલા ભાગો અંગે જાણકારી હાંસલ કરવાનો છે.
પણ સવાલ એ ઊભો થાય છે કે આ તમામ દેશ ચંદ્રના એ ભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ કરી રહ્યા છે જ્યાં પહોંચવું ખૂબ જ જોખમભરેલું છે.
વિશેષજ્ઞો મુજબ, આ રેસ પાછળ તમામ કારણો પૈકીનું એક કારણ પાણીની ઉપસ્થિતિ છે.
નાસાના અંતરિક્ષ યાન લૂનર રિકાનસંસ ઑર્બિટરના આંકડાથી સંકેત મળે છે કે ચંદ્ર પરના અંધારામાં રહેલા ઊંડા ખાડામાં બરફ છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ યાન છેલ્લાં 14 વર્ષથી ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. બરફની ઉપસ્થિતિના આધાર પર શક્યતાઓ જોવાઈ રહી છે કે તેનાથી ચંદ્ર પર માણસોને મોકલવાનો રસ્તો ખૂલી શકે છે.
ગુરુત્વાકર્ષણ ઓછું હોવાના કારણે ચંદ્ર પર કોઈ જ પ્રકારનું વાયુમંડળ નથી. એવામાં પાણી માત્ર કઠોર અથવા ગૅસના સ્વરૂપમાં હોઈ શકે છે.
ભારતનું ચંદ્રયાન-1 વિશ્વમાં પહેલું લૂનર મિશન હતું, જેણે વર્ષ 2008માં ચંદ્ર પર પાણીની શોધ કરી હતી.
અમેરિકી યુનિવર્સિટી નોત્રે ડેમમાં પ્લેનેટરી જિયૉલૉજીના પ્રોફેસર ક્લાઇવ નીલ કહે છે ''અત્યાર સુધીમાં આ બરફ પ્રત્યક્ષ રીતે નથી દેખાયો કે તેને હાંસલ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો શું એવા જળસ્રોત છે જેનાથી ઓછો ખર્ચો કરીને પાણી મેળવી શકાય?''
વૈજ્ઞાનિકો માટે ચંદ્ર પર પાણી મળવાની શક્યતા અનેક આશાને જન્મ આપે છે.
ચંદ્રમાના ઠંડા ધ્રુવીય ક્ષેત્રમાં સૂર્યના વિકિરણથી બચેલું બર્ફીલું પાણી છેલ્લાં લાખો વર્ષોથી તેના ઉપર પડ ચઢી જવાના કારણે તે સપાટી સુધી બરફના રૂપમાં પહોંચી શકે છે.
જો વૈજ્ઞાનિકોને આવી કોઈ રીતે બરફનો નમૂનો મળે તો તેને આપણા સૌરમંડળમાં પાણીના ઇતિહાસને સમજવાની તક મળશે.
યુરોપીય સ્પેસ એજન્સીની સાથે કામ કરનારાં બ્રિટનની ઑપન યુનિવર્સિટીની પ્લેનેટરી સાઇન્ટિસ્ટ સિમોન બાર્બર કહે છે કે "અમે એ પ્રકારના સવાલોના જવાબ શોધી શકીએ છીએ કે પાણી ક્યારે આવ્યું? ક્યાંથી આવ્યું? અને પૃથ્વી પર જીવનના વિકાસ માટેના સૂચવાયેલા અર્થો શું છે?"

ચંદ્ર પર કમાણીની તક

ઇમેજ સ્રોત, POT
પ્રોફેસર બાર્બર કહે છે કે ચંદ્રમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીઓના વિશેષ રસ માટે ચંદ્રની સપાટી નીચે પાણી શોધવાથી પણ વધુ વ્યાવહારિક કારણો પણ છે.
વિશ્વના અનેક દેશો ચંદ્રમા પર માણસ મોકલવાની યોજના બનાવી રહ્યા છે. પણ અંતરિક્ષયાત્રીઓને ચંદ્રમા પર રહેવા માટે પાણીની જરૂર હોય છે.
અને પૃથ્વીથી ચંદ્ર સુધી પાણી પહોંચાડવું એ ખૂબ જ મોંઘો સોદો છે, કારણ કે પૃથ્વીથી એક કિલો સામાન બહાર લઈ જવાની કિંમત એક મિલિયન ડૉલર છે.
પ્રોફેસર બાર્બર કહે છે, "એવામાં પ્રતિ લિટર પીવાના પાણીની કિંમત એક મિલિયન ડૉલર છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ઊતરી રહેલા વેપારીઓ નિશ્ચિત રીતે ચંદ્રના બરફને અંતરિક્ષયાત્રીઓ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની તક સ્વરૂપે જોઈ રહ્યા છે."
એટલું જ નહી, પાણીના અણુઓને હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓમાં તોડી શકાય છે. જેનો ઉપયોગ રૉકેટ પ્રોપેલેન્ટ્સના સ્વરૂપમાં કરાય છે.
પરંતુ સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ એ જાણવું પડશે કે ચંદ્ર ઉપર બરફ કેટલો છે, કયા સ્વરૂપમાં છે, અને શું તેને યોગ્ય રીતે કાઢી શકાય છે અને પીવાના પાણીના સ્વરૂપમાં શુદ્ધ કરી શકાય છે કે નહીં.















