ચંદ્ર પર માનવવસાહતો ઊભી કરવા માટે ભારત અને રશિયા 'અંતરિક્ષમાં રેસ' લગાવી રહ્યા છે?

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચંદ્રયાન-3 દ્વારા મોકલાયેલી ચંદ્રની સપાટીની તસવીર
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્લી

ભારતનું ત્રીજું ચંદ્રઅભિયાન 'ચંદ્રયાન-3' હવે ધીરે-ધીરે તેના લક્ષ્યની નજીક પહોંચી રહ્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના એ દક્ષિણ ધ્રુવ તરફ આગળ વધી રહ્યું છે જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી.

ગુરુવારે જ 'ચંદ્રયાન-3' નું લૅન્ડર તેની પ્રૉપલ્શન સિસ્ટમથી અલગ થઈ ગયું હતું, જેનો અર્થ છે કે હવે તે ધીમે-ધીમે ચંદ્રની સપાટી તરફ આગળ વધશે. 23 ઑગસ્ટની આસપાસ ચંદ્રયાન-3નું લૅન્ડર અને રૉવર ચંદ્રની સપાટી પર ઊતરશે.

જોકે, તે પહેલાં રશિયાનું મિશન સફળ થશે તો ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ મિશન નહીં બને.

ગત અઠવાડિયે લૉન્ચ થયેલું રશિયાનું મિશન ‘લૂના-25’ એ ચંદ્રયાન-3ના એક કે બે દિવસ પહેલા જ ચંદ્રની સપાટી પર ઊતરી શકે છે. વર્ષ 1976 પછી એટલે કે પાંચ દાયકાના લાંબા અંતરાલ પછી લૉન્ચ કરવામાં આવેલા પોતાના પહેલા ચંદ્ર મિશનમાં જો રશિયા સફળ થશે તો એ પણ 21 કે 22 ઑગસ્ટે સફળતાપૂર્વક સૉફ્ટ લૅન્ડ કરી શકે છે અને એવામાં ચંદ્રયાન-3 ને બીજા સ્થાનેથી જ સંતોષ માનવો પડશે.

બીબીસી ગુજરાતી

લૂના-25 વિ. ચંદ્રયાન-3

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ANI

જોકે, તેમ છતાં પણ ભારત એ અમેરિકા, સોવિયેય યુનિયન અને ચીન પછી ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ચોથો દેશ બનશે.

રશિયાની અંતરિક્ષ સંસ્થા 'રૉસકૉસમોસે' જાહેરાત કરી છે કે 10 ઑગસ્ટે લૉન્ચ કરાયેલું લૂના-25 એના શક્તિશાળી રૉકેટ 'સોયુઝ'ને કારણે તે થોડા જ સમયમાં પૃથ્વીના ગુરૂત્વાકર્ષણને ભેદવામાં સફળ થયું હતું અને બુધવારે જ ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું હતું.

જોકે, ચંદ્રયાન-3ને 14 જુલાઈએ લૉન્ચ કરવામાં આવ્યું છે. તેણે 5 ઑગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશતાં પહેલા પૃથ્વીનું થોડું ભ્રમણ કર્યું હતું. લૅન્ડિંગની તૈયારી કરતાં-કરતાં અવકાશયાન ત્યારથી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે.

બીબીસી ગુજરાતી

અંતરિક્ષની 'મિની રેસ'

લૂના-25

ઇમેજ સ્રોત, ISRO/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઘણા લોકો બંને દેશોના આ ચંદ્ર મિશનને 'મિની સ્પૅસ રૅસ' ગણાવી રહ્યા છે. જોકે, ઈસરોએ બીબીસીને જણાવ્યું છે કે 'આ કોઈ રેસ નથી અને બંને દેશોનો હવે ચંદ્ર પર એક નવો 'મિટિંગ પૉઈન્ટ' હશે.'

ઇસરોના પ્રવક્તાએ કહ્યું, "ઇસરોએ 1960માં તેની સ્થાપનાના પ્રથમ દિવસથી આજ સુધી ક્યારેય કોઈ રેસમાં ભાગ લીધો નથી."

"અમે આ મિશનની યોજના અંતરિક્ષયાનની તૈયારી અને ચંદ્રના એ અજાણ્યા હિસ્સા સુધી પહોંચવા માટે ઉપલબ્ધ ટેકનિકલ જરૂરિયાતોના આધારે બનાવી છે.”

તેમણે કહ્યું કે, "લૂના-25નું આયોજન ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું. તેમણે પણ આ મિશનને કેટલાંક ટેકનિકલ પાસાંને ધ્યાનમાં રાખીને જ તૈયાર કર્યું હશે, જેના વિશે અમને ખબર નથી."

બીબીસી ગુજરાતી

ચંદ્ર પર માનવવસાહતની યોજના?

ઇસરો

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. ભારતના છેલ્લાં બે મિશન સફળ રહ્યાં છે અને ચંદ્રયાન-3 પણ સફળ થવાની આશા છે. ભારતે વર્ષ 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 ઉપગ્રહ ચંદ્ર પર મોકલ્યો હતો.

ચંદ્રયાન-1 એ ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની હાજરી માટે પુરાવા એકત્ર કર્યા અને એ હકીકતની ખરાઈ કરી કે ચંદ્ર પર દિવસ દરમિયાન વાતાવરણ હોય છે. ચંદ્રયાન-2 કે જેમાં ઑર્બિટર, લૅન્ડર અને રૉવરનો પણ સમાવેશ થાય છે, તે જુલાઈ 2019 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ તે માત્ર આંશિક રીતે સફળ રહ્યું હતું.

તેનું ઑર્બિટર હજી પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે અને તેનો અભ્યાસ કરી રહ્યું છે, પરંતુ લૅન્ડર-રૉવર એ સૉફ્ટ લૅન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયું અને ટચડાઉન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. ઇસરોના વડા શ્રીધર પણિકર સોમનાથે કહ્યું છે કે ભારતની અંતરિક્ષ સંસ્થાએ આ દુર્ઘટનાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને ચંદ્રયાન-3માં એક પછી એક ખામીઓ સુધારી.

ચંદ્રયાન-3નું વજન 3,900 કિલો છે અને તેની કિંમત લગભગ 615 કરોડ રૂપિયા છે.

લૅન્ડર મૉડ્યુલ કે(ઇસરોના સ્થાપકના નામ પરથી 'વિક્રમ' નામ આપવામાં આવ્યું છે) જે લગભગ 1,500 કિલો વજન ધરાવે છે અને તે 'પ્રજ્ઞાન' નામનું 26-કિલોનું રૉવર ધરાવે છે. સંસ્કૃતમાં પ્રજ્ઞાન એટલે જ્ઞાન.

એકવાર જ્યારે યાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે ત્યારે વૈજ્ઞાનિકો ધીમે-ધીમે રૉકેટની ગતિને એક પૉઇન્ટ સુધી ઘટાડશે અને પછી વિક્રમનું સૉફ્ટ લૅન્ડિંગ થઈ શકશે.

ભારતના પ્રથમ ચંદ્ર મિશનના વડા માયલસ્વામી અન્નાદુરાઈએ બીબીસીને જણાવ્યું હતું કે ગુરુવારે પ્રોપલ્શન મૉડ્યુલથી અલગ થયા પછી લૅન્ડર મૉડ્યુલ આગામી થોડા દિવસોમાં બે કામ પૂર્ણ કરશે. પહેલું એ કે તે ધીરે-ધીરે ચંદ્રની નજીક પહોંચશે અને પ્રતિદિન 100 કિલોમિટરની યાત્રા કરીને લૅન્ડિંગના એક દિવસ પહેલાં 30 કિમીની કક્ષામાં પહોંચી જશે.

એકવાર તે લૅન્ડ થઈ જાય પછી તેને સેટ થવામાં થોડા કલાકો લાગશે. ત્યારબાદ છ પૈડાવાળું રૉવર ચંદ્રની સપાટી પરના ખડકો અને ખાડાઓની આસપાસ ભ્રમણ કરશે. કેટલાક મહત્ત્વપૂર્ણ ડેટા અને તસવીરો એકત્રિત કરશે જેને વિશ્લેષણ માટે પૃથ્વી પર મોકલવામાં આવશે.

રૉવર તેની સાથે એવાં સાધનો લઈને ગયું છે કે જે સપાટીની નીચે શું ચાલી રહ્યું છે તેનો અભ્યાસ કરવા માટે ચંદ્રની સપાટીની ભૌતિક લાક્ષણિકતાઓ, નજીકની સપાટીના વાતાવરણ અને ટૅકટૉનિક પ્રવૃત્તિ વિશે જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ચંદ્રનો દક્ષિણ ધ્રુવ હજુ પણ મોટા ભાગે અજાણ્યો રહ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ કાયમી રૂપે અંધારાવાળા પ્રદેશમાં પાણી હોવાની સંભાવના છે. ચંદ્રયાન-3 અને લૂના-25 બંને મિશનનાં મુખ્ય ધ્યેયો પૈકી એક એ પાણીના બરફની શોધ કરવાનો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે ચંદ્ર પર ભવિષ્યની માનવવસાહતો બનાવવામાં મદદ કરી શકે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી