ચંદ્રયાન–3: નાસા ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચે પણ ISROને પહોંચતાં 40 દિવસ કેમ લાગે?

ચંદ્રયાન-3 રૉકેટ, એપોલો 11 રૉકેટ

ઇમેજ સ્રોત, NASA & ISRO

    • લેેખક, શ્રીકાંત બક્ષી
    • પદ, બીબીસી તેલુગુ

ભારતે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લૅન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના પ્રમુખ એસ. સોમનાથે અભિયાન સફળ થયાની જાહેરાત કરી હતી.

જોકે, અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'નું અવકાશયાન ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી જાય છે, પરંતુ શ્રીહરિકોટા ખાતેથી લૉન્ચ થનાર ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતાં 40 દિવસ લાગ્યા.

નાસા દ્વારા 1969માં મોકલવામાં આવેલું ઍપોલો-11 ક્રૂ સ્પેસક્રાફ્ટ ચાર દિવસમાં તેના ગંતવ્યસ્થાને પહોંચી ગયું હતું અને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, પરંતુ ઇસરોના ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં 40 દિવસનો સમય લાગે છે.

નાસા 50 વર્ષ પહેલાં આટલી ઝડપથી પહોંચી શકતું હતું તો ઇસરોને આટલો સમય કેમ લાગે છે?

બીબીસી ગુજરાતી

નાસાના ચાર દિવસ

બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ચાલનારા બીજા વ્યક્તિ હતા

ઇમેજ સ્રોત, PA Media

નાસાએ 1969ની 16 જુલાઈએ કેનેડી સ્પેસ સેન્ટરમાંથી સેટર્ન ફાઇવ એસએ 506 રૉકેટની મદદ વડે ત્રણ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, ઍડવિન ઍલ્ડ્રિન અને માઇકલ કૉલિન્સને ચંદ્ર પર મોકલ્યા હતા.

સવારે 8.32 વાગ્યે તે રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ઍપોલો-11 અવકાશયાન 102 કલાક અને 45 મિનિટ પછી 20 જુલાઈએ ચંદ્રની સપાટી પર ઊતર્યું હતું. તેનો અર્થ એ થયો કે તેઓ માત્ર ચાર દિવસ અને છ કલાકમાં તેમના લક્ષ્યસ્થાને પહોંચી ગયા હતા.

માઇકલ કૉલિન્સે ચંદ્રની પરિક્રમા કરતા એક કમાન્ડ મિશનમાંથી મિશન પર દેખરેખ રાખી હતી. લૅન્ડર મૉડ્યુલ ઇગલમાંથી નીલ આર્મસ્ટ્રોંગ અને ઍડવિન ઍલ્ડ્રિન ચંદ્ર પર ઊતર્યા હતા. તેમણે ત્યાંથી કાદવ તથા પથ્થર એકઠા કર્યા હતા અને 21 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરી હતી.

ઍપોલો-11 મોડ્યુલે અવકાશયાત્રીઓ સાથે ઉત્તર પેસિફિક મહાસાગરમાં 24 જુલાઈએ સલામત ઉતરાણ કર્યું હતું. તેનો અર્થ એ થયો કે તેમને પૃથ્વીથી ચંદ્ર પર જવામાં, ત્યાં સંશોધન કરવામાં અને પૃથ્વી પર પાછા ફરવામાં માત્ર આઠ દિવસ તથા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

બીબીસી ગુજરાતી

ઈસરો માટે 40 દિવસ

નાસા

ઇમેજ સ્રોત, NASA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસરો ચંદ્ર પર સંશોધન માટે માત્ર ઑર્બિટર અને લૅન્ડર મોકલી રહ્યું છે. જોકે, ચંદ્ર પર પહોંચવા માટે 40 દિવસના પ્રવાસનું આયોજન કરવા પાછળ એક મોટી કથા છે.

ચંદ્રયાન-3ની લાંબી મુસાફરી પાછળ ઘણાં ટેકનિકલ કારણ છે. નાસા દ્વારા 1969માં લૉન્ચ કરવામાં આવેલા ઍપોલો-11 રૉકેટનું વજન ઇંધણ સહિત લગભગ 2,800 ટન હતું, પરંતુ ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવનાર જીએસએલવી માર્ક-3 રૉકેટનું વજન ઇંધણ સાથે માત્ર 640 ટન છે.

તેમાં જે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્ર પર જવાનું છે તેનું વજન 2148 કિલોગ્રામ છે. લૅન્ડર અને રૉવરનું વજન 1752 કિલોગ્રામ છે. ઇસરોનું જીએસએલવી એમકે-3 રૉકેટ ચાર ટન વજન વહન કરવા સક્ષમ છે.

ઉપગ્રહોને અવકાશમાં પહોંચાડતા પીએસએલવી રૉકેટની વજન વહન ક્ષમતા સામાન્ય રીતે આટલી હોતી નથી, કારણ કે તેમણે માત્ર ઉપગ્રહનું વહન કરવાનું હોય છે અને તેને જીઓ-સિંક્રોનાઈઝ્ડ કે જિયો-સ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકવાનાં હોય છે.

ચંદ્રયાન અલગ છે, કારણ કે લૂનર લૉન્ચ વેહિકલ ઇંધણ ઉપરાંત ઘણાં બધાં સાધનો પણ હોય છે. આવા પ્રયોગો માટે સૌથી શક્તિશાળી રૉકેટનો ઉપયોગ કરવાનું કારણ આ છે.

આ સંદર્ભમાં નાસા દ્વારા લૉન્ચ કરવામાં આવેલાં રૉકેટો પણ વજનદાર હોય છે. પૃથ્વીની ભ્રમણકક્ષા પાર કર્યા પછી ચંદ્ર પર પહોંચેલા ઍપોલો અવકાશયાનનું વજન 45.7 ટન હતું. તેમાં 80 ટકાથી વધુ વજન ઇંધણનું હતું. ઍપોલો-11 લૅન્ડરને ચંદ્ર પર પહોંચ્યા પછી પૃથ્વી પર પાછા ફરવાનું હતું અને એ માટે મોટા પ્રમાણમાં ઇંધણ લઈ જવું જરૂરી હતું.

ઍપોલો-11 લૉન્ચ કરવા માટે સેટર્ન ફાઇવ એસએએ-506 નામના સૌથી શક્તિશાળી રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જંગી પ્રમાણમાં ઇંધણ અને મોટા રૉકેટને કારણે ઍપોલો-11એ ચંદ્રનો માત્ર ચાર દિવસ પ્રવાસ કર્યો હતો, એવું બી. એમ. બિરલા સાયન્સ સેન્ટરના ડિરેક્ટર બી. જી. સિદ્ધાર્થે જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

ઓછું ઇંધણ, વધુ મુસાફરી

ઇસરો દ્વારા

ઇમેજ સ્રોત, Getty Images

જીએસએલવી એમકે-3 ભારત પાસેનું સૌથી મોટું રૉકેટ છે. તેથી ઓછામાં ઓછા ઇંધણ સાથે ચંદ્ર પહોંચવાનો નવીન વિચાર ઇસરોએ અજમાવ્યો છે.

જૂના જમાનામાં લોકો ગોફણની મદદથી ખેતરોમાં પાક ચણી જતાં પક્ષીઓને ઉડાડતા હતા. ગોફણની વચ્ચેના ભાગમાં એક નાનો પથ્થર મૂકવામાં આવે છે અને દોરડાના બન્ને છેડા વડે તેને થોડી વાર ફેરવીને ગોફણમાંનો પથ્થર મહત્તમ ગતિએ છોડવામાં આવે છે. તેનાથી પથ્થર ઓછી મહેનતે મહત્તમ અંતર સુધી ફેંકાય છે. આને સ્લિંગ શૉટ થિયરી કહેવામાં આવે છે.

ઇસરો આ જ થિયરીનો ઉપયોગ કરીને, ઓછામાં ઓછા ઇંધણ સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ અભિગમને લીધે રૉકેટ સીધું ચંદ્ર પર જવાને બદલે ધીમે ધીમે ઊંચામાં ઊંચા બિંદુ પર પહોંચીને પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં જશે. એ પછી પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તેને લૂનર ઑર્બિટ ઇન્સર્શન કહેવામાં આવે છે.

એ પછી તે સમાન ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. ધીમેધીમે નીચું આવશે અને ચંદ્રની નજીક સરકશે અને તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 40 દિવસ થશે.

બીબીસી ગુજરાતી

ચંદ્રયાન-2નો પ્રવાસ કેવો હતો?

ચંદ્રયાન-2 ની મુસાફરી

ઇમેજ સ્રોત, ISRO

ઇસરોનું ચંદ્રયાન-2 પણ 2019માં આવી જ રીતે 48 દિવસની મુસાફરી કરીને ચંદ્ર પર પહોંચ્યું હતું. 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. તે મિશને પૃથ્વીના પરિભ્રમણમાં 23 દિવસ ગાળ્યા હતા. 23મા દિવસે તે પૃથ્વીની ભ્રમણકક્ષાથી અલગ થઈ ગયું હતું અને ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી હતી.

પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી અલગ થયા બાદ ચંદ્ર તરફની યાત્રાને લૂનર ટ્રાન્સફર ટ્રેજેક્ટરી કહેવામાં આવે છે. ચંદ્ર તરફ સાત દિવસ સુધી સીધો પ્રવાસ કર્યા બાદ 30મા દિવસે એટલે કે 20 ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંના આ પ્રવેશને લૂનર ઑર્બિટ ઇન્સર્શન કહેવામાં આવે છે. ત્યાંથી 13 દિવસ સુધી ચંદ્રની પરિક્રમા માટે તેને પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું.

ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના 13મા દિવસે લૅન્ડર ચંદ્રયાન-2માંના ઑર્બિટરથી અલગ થઈ ગયું હતું અને ચંદ્રની સપાટી તરફ આગળ વધ્યું હતું. 48મા દિવસે ચંદ્ર પર ઉતરાણ તથા સંશોધન કરવા લૅન્ડરને પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું.

લૅન્ડર ચંદ્રની સપાટી પર ઊતરે પછી તે ચંદ્ર પર સંશોધન કરી શકે અને એ માહિતી પૃથ્વી પર મોકલી શકે એટલા માટે તેને વિવિધ સેન્સર્સ વડે સજ્જ કરવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતાં લૅન્ડર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

બીબીસી ગુજરાતી

ચંદ્રયાન-3ની અવધિમાં ઘટાડો

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

ચંદ્રયાન-3 પણ 40 દિવસની સફર પછી તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. ઇસરોના અધ્યક્ષ સોમનાથે કરેલી જાહેરાત મુજબ, રૉકેટ 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-3ની સાથે ઑર્બિટર નથી. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લૅન્ડર અને રોવર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. ચંદ્રયાન-2 સાથે લૉન્ચ કરવામાં આવેલું ઑર્બિટર ત્રણ વર્ષથી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે.

ચંદ્રયાન-3માં લૉન્ચ કરવામાં આવનાર લૅન્ડર અને રોવર મૉડ્યુલને, તે ઑર્બિટરની મદદથી નિયંત્રિત કરવામાં આવશે. 'રેગોલિથ' તરીકે ઓળખાતી ચંદ્રની સપાટી પર લૅન્ડર સલામત રીતે ઉતરાણ કરશે એ પછી તેમાંથી રોવર બહાર આવશે. તે ચંદ્રની સપાટી પર આંટાફેરા કરશે અને જમીનનું વિશ્લેષણ કરશે.

ઇંધણના ઓછામાં ઓછા વપરાશ સાથે ચંદ્ર પર સફળતાપૂર્વક પહોંચવા માટે ઇસરોએ આ અભિગમ પસંદ કર્યો છે. આ અભિગમને લીધે ઇસરો તેના પ્રયોગો અત્યંત ઓછા ખર્ચે કરી શકશે.

ચંદ્રયાન-3નો લોન્ચિંગ ખર્ચ લગભગ 615 કરોડ રૂપિયા છે

ઇમેજ સ્રોત, ISRO

ઇસરોએ 2008માં રૂ. 386 કરોડના ખર્ચે ચંદ્રયાન-1 લૉન્ચ કર્યું હતું. એ પછી 2014માં શરૂ કરવામાં આવેલો મંગલયાન પ્રોજેક્ટ રૂ. 450 કરોડમાં પૂર્ણ કર્યો હતો.

બીબીસી સાયન્સના જણાવ્યા મુજબ, મંગળ માટે નાસા દ્વારા લૉન્ચ કરવામાં આવેલા યુએસ મેવેન ઑર્બિટરની કિંમત આના કરતાં દસ ગણી વધારે છે. એ સમયે ભારતના મંગલયાન પ્રયોગની સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાનીઓનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે હોલીવૂડમાં સ્પેસ મૂવીઝ બનાવવા માટે જંગી ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ઇસરોનો મંગલયાન પ્રોજેક્ટ એ ફિલ્મોના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે પૂર્ણ થયો છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી