ચંદ્રયાન-2 : ચંદ્ર પર કોઈ દેશ નથી ગયા ત્યાં જવાનું ભારતે કેમ નક્કી કર્યું હતું?

ઇમેજ સ્રોત, ISRO.GOV.IN
- લેેખક, ગૌહર રઝા
- પદ, વિજ્ઞાની અને ઉર્દૂના શાયર, બીબીસી માટે વિશેષ
એક સામાન્ય માણસને મિશન ચંદ્રયાન-2 સાથે શું લાગેવળગે?
ક્યારેય વિજ્ઞાન ન ભણેલા, ગરીબીની જાળમાં ફસાયેલા આમ આદમી માટે આટલું મોટું મિશન કોઈ પરીકથાથી ઓછું જરાય નથી. રૉકેટ, ઉપગ્રહ, ઑર્બિટર, લૅન્ડર અને રોવર જેવા શબ્દો સાથે તેમને ક્યારેય સીધો પનારો પડ્યો હોતો નથી.
આપણે ઉપરના સવાલનો જવાબ શોધીએ તે પહેલાં એ પણ પૂછવું જોઈએ કે જે દેશની સંપદા બ્રિટિશ સામ્રાજ્યવાદ ઉલેચીને લઈ ગયું હતું તે નવા દેશે શા માટે અંતરિક્ષ વિજ્ઞાન પાછળ આટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું?
શરૂઆતના ગાળામાં વિક્રમ સારાભાઈ તથા ઈસરોના અન્ય વિજ્ઞાનીઓએ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિજ્ઞાનીઓ પર આવા સવાલોનો વારંવાર મારો ચાલ્યો હતો.

વિક્રમ સારાભાઈનું સપનું

ઇમેજ સ્રોત, Getty Images
વિક્રમ સારાભાઈ તે વખતના રાજકીય નેતૃત્વને એ સમજાવી શક્યા હતા કે "મનુષ્ય અને સમાજની અસલી સમસ્યાઓને હલ કરવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાની બાબતમાં આપણે પાછળ રહેવું જોઈએ નહીં."
તેઓ એ વાતે પણ સ્પષ્ટ હતા કે ભારતીય અંતરિક્ષ અભિયાનનું લક્ષ્ય, "ચંદ્ર અને અન્ય ગ્રહોની તપાસ કરવા માટે સમાનવ અવકાશયાન ઉડાવવા મોકલવા માટે આર્થિક રીતે સધ્ધર દેશો સાથે સ્પર્ધામાં ઊતરવાનું નથી."
તેના કારણે બાકીના દેશો કરતાં આપણે એ રીતે પણ જુદા પડ્યા હતા કે સૈનિક તાકાત મેળવવા માટે આપણે અંતરિક્ષ અભિયાનનો આરંભ કર્યો નહોતો.
અમેરિકા, યુરોપ અને સોવિયેટ સંઘનું સ્પેસ રિચર્ચ શીતયુદ્ધને કારણે પણ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું આપણો હેતુ બદલાઈ ગયો છે?

ઇમેજ સ્રોત, TWITTER/ISRO
સ્વાભાવિક એવો સવાલ થવાનો કે શું હવે ભારતનું અંતરિક્ષ અભિયાનનો હેતુ પણ બદલાઈ ગયો છે? કે પછી એવો સવાલ પણ થવાનો કે ચંદ્ર કે અન્ય ગ્રહો પર પહોંચવાની સિદ્ધિથી માનવ "માનવ અને સમાજની કઈ અસલી સમસ્યાઓ"નું નિવારણ થઈ શકે છે?
આ સવાલનો જવાબ 'વૈજ્ઞાનિક શોધ'ની મૂળભૂત પ્રકૃતિમાં જ છે.
સામાન્ય રીતે વિજ્ઞાન અને ખાસ કરીને અંતરિક્ષ સંશોધનનો મતલબ છે - એવાં અજાણ્યાં ક્ષેત્રોને સમજીને એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જે માનવજાતિના પાર્દુભાવ અને વિકાસના આધારને સમજાવી શકે.
એ વાત સર્વવિદિત છે કે સારાભાઈ આર્થિક રીતે સમૃદ્ધ રાષ્ટ્રોની નકલ કરવા અને તેની સાથે સ્પર્ધામાં ઊતર્યા છે તેવી ટીકા થઈ હતી.
પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે 1960ના દશકમાં આપણે રમકડાં જેવાં લાગતાં રૉકેટ ન બનાવ્યાં હોત અને કેરલા થુંબા પાસેના એક ચર્ચ પાસેથી તેમને લૉન્ચ ન કર્યાં હોત તો આજે ભારત ચંદ્ર કે મંગળ મિશન કરવા માટે સક્ષમ બની શક્યું ના હોત.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
તે વખતના ટીકાકારોને સમજાવવું મુશ્કેલ હતું કે એક દિવસ એવો આવશે કે ભારતના પોતાના ઉપગ્રહો દ્વારા કુદરતી આફતોની ચેતવણી આપી શકશે અને તેનાથી લાખોની જિંદગી બચી જશે.
એવા ઉપગ્રહો બનશે કે કૃષિ અને વનના સંવર્ધનમાં તથા સંદેશાવ્યવહારને મજબૂત કરવામાં ઉપયોગી થશે તે સમજી શકાય તેમ નહોતું.
આ દિશા ન પકડી હોત તો આપણે પણ અન્ય દેશોની જેમ સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિકસિત દેશોની કૃપા પર જીવતા હોત.
ઈસરો, સીએસઆઈઆર, આઈએઆરઆઈ, એટમિક એનર્જી અને ડીઆરડીઓએ છેલ્લાં 70 વર્ષોમાં જે હાંસલ કર્યું છે તેને 1950 અને 60ના દાયકામાં સાયન્સ ફિક્શનની પટકથા જ સમજી લેવામાં આવી હોત.
કોને કલ્પના હતી કે વાવાઝોડાની માહિતી આગોતરી મળી જવાને કારણે કાંઠાના લગભગ 8 લાખ લોકોનું સ્થળાંતર કરીને લોકોના જીવ બચાવી શકાય છે.
એ કલ્પનાતીત હતું કે દેશમાં એક દિવસ 1000થી વધારે ટીવી ચૅનલ હશે અને તેમાંથી મોટા ભાગની સ્વદેશી ટૅક્નૉલૉજીથી ચાલતી હશે. આવા ફાયદાની યાદી બહુ લાંબી છે.

ચંદ્રયાન વિશે શું જાણવું જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફરી એક વાર મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ કે શું આમ આદમીએ વિજ્ઞાન પર આધાર રાખવો જોઈએ ખરો અને ખાસ કરીને ચંદ્રયાન-2 સાથે જનતાને શું લાગેવળગે છે.
આના જવાબમાં અંતહીન ચર્ચાઓ થઈ શકે છે, પણ હું અહીં કેટલાંક કારણોનો ઉલ્લેખ કરવા માગું છું.
સૌથી પહેલું કારણ એ કે વિજ્ઞાનના ઇતિહાસમાં એવા અસંખ્ય દાખલા છે, જેમાં કોઈ એક શોધને કારણે બ્રહ્માંડ, સૌરમંડળ અને મનુષ્ય વિશેની આપણી પાયાની સમજ પૂર્ણ રીતે બદલાઈ ગઈ હોય.
વૈજ્ઞાનિક જાણકારીને કારણે આપણા જીવન અને સામાજિક સંબંધો પર સીધી અસર પડી છે. જોકે આજની દુનિયામાં સમાજના સહયોગથી કોઈ વૈજ્ઞાનિક શોધ કરી શકાય તેમ નથી.

ઇમેજ સ્રોત, ISRO
હવે જ્યારે મોટા ભાગનું વિજ્ઞાનને આગળ લઈ જવાનું કામ એકાંતમાં અને લોકોની નજરથી દૂર છુપાઈને કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારનો મોટો કાર્યક્રમ રાષ્ટ્રીય ચર્ચા જગાવતો હોય છે.
તેના કારણે લોકોની વૈજ્ઞાનિક સમજ પણ વધતી હોય છે. તેના લીધે વૈજ્ઞાનિક સમુદાય અને આમ આદમી વચ્ચે વિશ્વાસ પેદા થાય છે.
જનતાને એ જાણવાનો અધિકાર છે કે વિજ્ઞાનીઓ શું કામ કરી રહ્યા છે અને જરૂર જણાય ત્યારે જનતા તેમને "મનુષ્ય અને સમાજની અસલ સમસ્યાઓ"ના ઉકેલ લાવવા માટે કામ કરવાનો પણ નિર્દેશ આપી શકે છે.
ચંદ્રયાન-2 જેવો પ્રોજેક્ટ પૂરો થાય તો તેને વૈજ્ઞાનિક સમુદાયનો રિપોર્ટ કાર્ડ સમજી શકાય છે, કેમ કે તેનાથી એ ખ્યાલ આવે છે કે દેશનું વિજ્ઞાન કયા સ્તરનું અને કેવી સ્થિતિમાં છે.

સૉફ્ટ લૅન્ડિંગ શા માટે મહત્ત્વનું?

ઇમેજ સ્રોત, Getty Images
જનતાએ એ પણ જાણવું જોઈએ કે શા માટે ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ રાષ્ટ્રીય સન્માનનો વિષય છે.
આ પ્રકારના લૅન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને કેમ પસંદ કરવામાં આવ્યો તેનું મહત્ત્વ પણ સમજવું જોઈએ.
ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ અને વાયુમંડળની સ્થિતિ પૃથ્વીથી બહુ અલગ છે. પૃથ્વી પર આપણે સૉફ્ટ લૅન્ડિંગની કુશળતા ક્યારનાય પ્રાપ્ત કરી ચૂક્યા છીએ.
લૅન્ડરની ગતિ કેવી રીતે વધારવી, કેવી રીતે ઓછી કરવી, કઈ દિશામાં વાળવી તે માટે આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ.
વિમાન, હેલિકૉપ્ટર, હોવરક્રાફ્ટ અને ડ્રોન વગેરે પૃથ્વીની સપાટી પર ક્રૅશ થયા વિના સરળતાથી લૅન્ડ કરી શકે છે, પરંતુ ચંદ્ર પર હવા નથી. તેથી ત્યાં સૉફ્ટ લૅન્ડિંગ માટે ઈંધણની જરૂર પડે છે.
ગતિ વધારવા અને ઘટાડવા તથા લૅન્ડરને ચોક્કસ જગ્યાએ ઉતારવા માટે ગાઈડ કરવા માટે પણ ઈંધણની જરૂર પડે છે.
આ સમગ્ર પ્રક્રિયા બહુ જટિલ છે અને તેમાં કુશળતા પ્રાપ્ત કરનારો ભારત ચોથો દેશ બનશે.

દક્ષિણ ધ્રુવ જ શા માટે?

ઇમેજ સ્રોત, ISRO
લૅન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને પસંદ કરવા માટે બે કારણો છે.
એક એ કે તેના કારણે આપણને એ જાણવા મળશે કે ત્યાંની માટી ઉત્તર ધ્રુવ જેવી છે કે કેમ. તેનાથી સોલર સિસ્ટમની ઉત્પત્તિને સમજવામાં પણ આપણને મહત્ત્વની જાણકારી મળશે.
બીજું કારણ એ કે ત્યાં પાણી છે કે કેમ તે જાણવા મળશે. પાણી છે તો કેટલું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે જાણવા મળશે.
આ સવાલ વિજ્ઞાનીઓ માટે લાંબા સમયથી ઉત્સુકતાનો વિષય છે, કેમ કે ત્યાં પાણી મળશે તો ચંદ્ર પર વસાહત કરવા માટેનો રસ્તો ખૂલી શકે છે.
આ ઉપરાંત અંતરિક્ષમાં વધુ આગળના અભિયાન માટે લૉન્ચ પેડ તરીકે પણ ચંદ્રની ભૂમિનો ઉપયોગ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, JAXA/NHK
જો દક્ષિણ ધ્રુવ પર આપણને પાણીનો સ્રોત મળી આવશે તો ચંદ્ર વિશેની આપણી સંપૂર્ણ ધારણાઓ બદલાઈ જશે.
ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની હાજરી મળી છે ખરી, પણ હજી સુધી ચંદ્રને પાણી વિનાનો સૂકો જ ગણવામાં આવે છે.
ચંદ્રયાન-2 પ્રોજેક્ટ એક પરિવર્તનનો સંકેત પણ છે. અત્યાર સુધી ઈસરોનું ફોકસ અંતરિક્ષ સાથે જોડાયેલી ટેકનિકમાં કુશળતા પ્રાપ્ત કરવાનું હતું.
પણ હવે ઈસરો પોતાની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓને પણ પોતાના કાર્યક્રમમાં જોડશે.
ઘણી વાર સારાભાઈના એક નિવેદનનો ઉલ્લેખ થાય છે કે, "સરકારનું સૌથી સારું સ્વરૂપ કયું છે? સરકાર એ જે "શાસન" ઓછું કરે અને તેના બદલે જનતાની શક્તિઓને એકઠી કરીને તેનો ઉપયોગ કરવાના રસ્તા વિચારે."

ઇમેજ સ્રોત, ISRO/BBC
જનશક્તિનો ઉપયોગ કરવાના સારાભાઈના સપનાને પૂર્ણ કરવા માટે હવે વૈજ્ઞાનિક સમુદાય મોટા પાયે જાહેરજનતાને પણ પોતાની સાથે જોડવાનું કામ કરશે.
છેલ્લે એક મહત્ત્વની વાત. આવા પ્રોજેક્ટ દેશની જનતાનાં નાણાંમાંથી ચલાવવામાં આવે છે.
તેથી તેમને એ જાણવાનો અધિકાર છે કે તેમનાં નાણાંનો ઉપયોગ આવનારી પેઢી માટે ફાયદાકારક રહેશે કે કેમ.
મને વિશ્વાસ છે કે ચંદ્રયાન-2 આગામી પેઢીઓને જ્ઞાનની એ ક્ષિતિજ સુધી પહોંચવા માટે પ્રેરિત કરશે, જેના વિશે આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી.
શક્ય છે કે ચંદ્ર કે મંગળ પર પ્રથમ માનવ વસાહત ભારતીયોની હોય તેવું સપનું પણ જોવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













