ચંદ્રયાન 2 : ચંદ્રની ઉત્પત્તિ અને પૃથ્વી સાથે તેના સંબંધનું રહસ્ય શું છે?

ઇમેજ સ્રોત, TWITTER/ISRO
- લેેખક, કેટી સિલ્વર
- પદ, બીબીસી ગુજરાતી માટે
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હંમેશાં રહસ્યમય રહ્યો છે. પૃથ્વી પરથી આપણે તેને જોઈ તો શકીએ છીએ પણ તેની માત્ર એક જ બાજુ આપણને દેખાય છે. ચંદ્રની અસરથી જ સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે.
ઈ.સ. 1969 સુધી તો ચંદ્ર પર કોઈ ગયું નહોતું. તેની અડધી સદી પછી પણ એટલે કે ઈ.સ. 2015 સુધીમાં માંડ 12 લોકો ચંદ્ર સુધી પહોંચી શક્યા હતા.
ચંદ્ર પર પગ મૂકનારા અવકાશયાત્રીઓના આપણે આભારી છીએ. ઉપરાંત કેટલાક મનુષ્યવિહિન અવકાશયંત્રોના પણ આભારી છીએ કે જેને લીધે આપણને ચંદ્ર અંગે ખરી માહિતી મળી.
જોકે, આ બધી માહિતીઓનો ઢગલો છતાં વૈજ્ઞાનિકોને હજુ એક સવાલનો જવાબ મળ્યો નથી કે ચંદ્ર હકીકતમાં આવ્યો ક્યાંથી? એટલે કે તેની ઉત્પત્તિના કારણથી હજી આપણે અજાણ છીએ.
પૃથ્વીની આસપાસ ક્યારથી ફર્યા કરે છે? સૂર્યમાળાને કારણે તે આમ પરિભ્રમણ કરે છે? કે પછી કશુંક એવું છે જે બધુ આ સૂર્યમાળાના ગ્રહો અને ઉપગ્રહોની ગતિ માટે જવાબદાર છે?
આપણા પૂર્વજો ભલે ચંદ્ર સુધી નહોતા પહોંચી શક્યા પણ તેથી કંઈ તેઓએ ચંદ્ર વિશે વિચારવાનું છોડી નહોતું દીધું.

ગેલેલિયોએ ચંદ્રને સમજવાનો પ્રયાસ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઇટાલિયન ખગોળવિજ્ઞાની, ભૌતિકશાસ્ત્રી અને તત્વચિંતક ગેલેલિયો ગેલીલીએ ઘણાં વર્ષો અગાઉ ટેલિસ્કોપ બનાવીને જે તે સમયે ચંદ્રને સમજવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમયે ટાંચાં વૈજ્ઞાનિક સાધનો અને વિજ્ઞાનના મર્યાદિત વિકાસ છતાં ગેલેલિયોનો અભ્યાસ ખૂબ ઊંડાણપૂર્વકનો હતો.
ઈ.સ. 1600ની શરૂઆતમાં ગેલેલિયોએ શોધી કાઢ્યું કે ચંદ્રની સપાટી પૃથ્વીને મળતી આવે છે. તેની સપાટી પૃથ્વીની જેમ ક્યાંક ખરબચડી છે તો ક્યાંક પર્વતો છે તો ક્યાંક સપાટ છે.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સરખામણી કરવામાં આવી હોય એવો એ પહેલો પ્રસંગ હતો.
હવે ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ઈ.સ 1800માં ચાર્લ્સ ડાર્વિનના પુત્ર જ્યોર્જને એક વિચાર સ્ફૂર્યો.
તેમનું કહેવું હતું કે, જ્યારે પૃથ્વીની વય નાની હતી એટલે કે તેની ઉત્પત્તિને વધારે વર્ષો નહોતા થયા ત્યારે તે પોતાની ધરીની આસપાસ બહુ ઝડપથી ફરતી હતી. આના પરિણામસ્વરૂપે તેનો એક ભાગ છુટ્ટો પડીને અવકાશમાં ગયો જે ચંદ્ર તરીકે ઓળખાયો. પેસિફિક મહાસાગર આ દ્વિભાજનનો એક ટુકડો હોઈ શકે છે.
ચાર્લ્સ ડાર્વિનના પુત્ર જ્યોર્જની આ થિયરી 'ફિશન થિયરી' તરીકે ઓળખાઈ.
જ્યોર્જ ડાર્વિનની આ થિયરીને બહુ સમર્થન પ્રાપ્ત થયું નહીં. બીજા વિશ્વયુદ્ધ બાદ આ દિશામાં એક સાવ અલગ જ વિચારે આકાર લીધો.

ઇમેજ સ્રોત, ISRO.GOV.IN
ભૌતિક રસાયણવિજ્ઞાની હેરોલ્ડ ઉરેએ કહ્યું કે, આકાશગંગાના અન્ય કોઈ ભાગમાંથી ચંદ્ર ફરતો ફરતો પૃથ્વી પાસેથી પસાર થાય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તેની ફરતે પરિભ્રમણ કરવા લાગે છે.
આ થિયરી સાથે સહમત થનાર એક વર્ગ હતો. ચંદ્ર પૃથ્વીની સરખામણીએ મોટો હોવાનું મનાતું હતું, જે એક ઉપગ્રહ માટે ગળે ઉતરે એવી વાત નહોતી.
ચંદ્રની રચના જો ક્યાંક બીજે થઈ હોત તો કદાચ આમ માનવાને કારણ હતું. આ સિદ્ધાંતમાં એ પણ કહેવામાં આવ્યું કે ચંદ્રની એક જ બાજુ હંમેશાં પૃથ્વી તરફ રહે છે.
છતાં આ થિયરી સાથે કેટલાક વૈજ્ઞાનિકો સહમત નહોતા. તેઓને લાગતું હતું કે, જો પૃથ્વી ચંદ્રને ગળી જાય તો પણ ભ્રમણકક્ષામાં કશો ફરક નહીં પડે.
તેમને એમ પણ લાગતું હતું કે, કદાચ પૃથ્વી અને ચંદ્ર એકબીજા સાથે ટકરાઈ શકે છે.
આ ગૂંચવણનો એક ઉકેલ પણ હેરોલ્ડ ઉરે આપ્યો હતો. હેરોલ્ડ ઉરે કહ્યું કે, જે તે વખતે પૃથ્વીના વાતાવરણની અસરનો વ્યાપ એટલો વિશાળ હતો કે તે એક મોટાકદની ઍરબૅગ જેમ વર્તતી હોઈ શકે છે. પરિણામે ચંદ્ર તેની અસરમાંથી છટકીને જઈ શકે તે પહેલાં તેની અસર હેઠળ ત્યાં જ ગોઠવાઈ ગયો.
જોકે આ માન્યતા સાથે પણ સંપૂર્ણ સહમતી સધાઈ શકે તેમ નહોતી.
ચંદ્ર વિશે સંશોધન કરતા વૈજ્ઞાનિકોને એક એવા સિદ્ધાંતની જરૂર હતી કે, જેમાં અમુક તારણો વૈજ્ઞાનિક દૃષ્ટિએ સર્વમાન્ય હોય.
જેમ કે ચંદ્ર પ્રમાણમાં અન્ય કુદરતી ઉપગ્રહો કરતાં કદમાં મોટો છે. વળી તે ગતિમાન છે. ઝડપને કારણે પૃથ્વીથી ધીમે-ધીમે દૂર જઈ રહ્યો છે.
આ સિવાય એક અક્રીશન થિયરી હતી. જેમાં પૂર્વધારણા બાંધી લેવામાં આવી છે કે એક સતત ફરતી રકાબી જેવા આકારમાંથી ચંદ્ર અને પૃથ્વીની એકસાથે ઉત્પત્તિ થઈ હતી, જેની આસપાસ બ્લૅકહોલ હતો.
આ થિયરી લાંબુ ટકી શકી નહીં. કારણ કે તેમાં ચંદ્ર અને પૃથ્વીની ફરવાની ઝડપ વિશે કશી સમજણનો સમાવેશ થતો નહોતો.
ઉપરાંત ખગોળશાસ્ત્રીઓએ કરેલી ગણતરી મુજબ પૃથ્વીના વાતાવરણની ઘટ્ટતાની સરખામણીએ ચંદ્રની ઘટ્ટતા લગભગ અડધી હતી. જેને કારણે એમ કહી શકાય નહીં કે બન્નેનું સર્જન એક જ જગ્યાએથી થયું હોય.
વળી બ્લૅકહોલ તેની આસપાસ હોય તેવી પણ કોઈ સાબિતી નહોતી.

ઉરેની થિયરી ઑફ કૅપ્ચર સૌથી વધુ અસરકારક

ઇમેજ સ્રોત, NASA
આ બધાનો અર્થ એ થતો હતો કે ઉરેની થિયરી ઑફ કૅપ્ચર 1960ના દશકમાં સૌથી વધુ અસરકારક રહી.
એ જ સમયગાળામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ચંદ્ર પર સમાનવ યાન મોકલવાના પ્રયત્નોમાં હતું.
જો ઉરે સાચા હતા તો ચંદ્રનું બંધારણ પૃથ્વીના રાસાયણિક બંધારણથી અલગ હોવું જોઈએ.
આ વાતમાં તથ્ય છે કે કેમ તે તપાસવા માટે અપોલો સાથે જનાર અવકાશયાત્રીને ચંદ્ર પરથી માટીના નમૂનાઓ લઈ આવવાનું કહેવામાં આવ્યું હતું.
ચંદ્રના ખડક પરથી જે માટી મળી તેણે આ બધી થિયરીઓનો ભૂકો બોલાવી દીધો.
જે થિયરીઓ પડી ભાંગી તેમાં સૌથી પહેલી હતી જ્યોર્જ ડાર્વિનની ફિશન થિયરી.
કારણ કે ચંદ્રના ખડકો પરથી લેવામાં આવેલા નમૂનાઓનું પરીક્ષણ કરતા માલૂમ પડ્યું હતું કે ચંદ્ર પેસિફિક મહાસાગર કરતાં ક્યાંય જૂનો છે.
યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીના એલેક્સ હલ્લીડેનું માનવું હતું કે ચંદ્ર પરથી લીધેલા નમૂનાઓ સૂચવે છે કે ચંદ્રના ખડકો સૌથી પ્રાચીનતમ ખડકો છે. કારણ કે તે ખનીજતત્ત્વોમાં ઘટ્ટતા નહોતી. જે કંઈક અંશે લાવાની નજીકનું હતું. લાવા સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર વધુ જોવા મળે છે.
એમણે કહ્યું પૃથ્વી પરના ખડકની બાહ્યસપાટી માંડ 20 કરોડ વર્ષ જૂની છે. જે ચંદ્રની સપાટી પર મળેલાં તત્ત્વોનું મૂળ ન હોઈ શકે.
હેરોલ્ડ ઉરેની કૅપ્ચર થિયરી પર પણ ઘણનો ઘા થયો. બધાની નવાઈ વચ્ચે ચંદ્ર પરથી લીધેલા નમૂનાઓનું પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે તેનું રાસાયણિક બંધારણ પૃથ્વીના બંધારણ સાથે સામ્યતા ધરાવે છે.
આ બાબત હેરોલ્ડ ઉરેએ સૂચવેલી થિયરીનો છેદ ઉડાડતી હતી.
વળી એ નમૂનાઓ પરથી એ પણ જાણવા મળ્યું કે સૂર્યમાળાના ચંદ્રના કદના પદાર્થોની રચના થઈ તેના બે કરોડ નેવું લાખ વર્ષ બાદ ચંદ્રની રચના થઈ હતી.
શરૂઆતના ગાળામાં તેની સપાટી સંપૂર્ણપણે લાવાથી છવાયેલી હશે.

અપોલો યાનની સફળતા બાદની ગૂંચવણ

ઇમેજ સ્રોત, NASA
ચંદ્રની ઉત્પત્તિની કોઈ પણ થિયરી સાથે આ હકીકતો મેળ ખાવી જરૂરી હતી. પરંતુ એક પણ થિયરી સાબિતીઓ સાથે મેળ ખાતી નહોતી.
આમ અપોલો યાનની સફળતા બાદ એક મોટી ગૂંચવણનો સમયગાળો જોવા મળ્યો.
વર્ષ 2014માં વેસ્ટલાફેટ, ઈન્ડિયાના (અમેરિકા) સ્થિત પર્ડ્યૂ યુનિવર્સિટીના એચ. જે. મેલોશે રજૂ કરેલા એક સંશોધનપત્રમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રના ખડકો પરથી મળેલા નમૂનાઓને આધારે ચંદ્ર વિશેની ઘણી અજાણી હકીકતો સામે આવી છે પરંતુ તેમ છતાંય તેના મૂળ સ્વરૂપ વિશે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.
અપોલોને ચંદ્ર પર લૅન્ડિંગ થઈ ગયાને ત્રણ વર્ષ બાદ એટલે કે ઈ.સ.1975માં વળી એક નવી પૂર્વધારણા રજૂ થાય છે.
જે 'જાયન્ટ ઇમ્પેક્ટ હાઈપોથિસિસ' તરીકે ઓળખાય છે. જે થોડી નાટ્યાત્મક હતી.
એ પૂર્વધારણા મુજબ 4.5 અબજ વર્ષ પહેલાં જ્યારે સૂર્યમાળાની રચના થઈ રહી હતી ત્યારે કેટલાય પદાર્થના ખડકો આસપાસ ફરી રહ્યા હતા.
જેમાંથી એક ખડક પૃથ્વી સાથે ટકરાયો હોઈ શકે છે. આવી ધારણા ટક્સન (એરિઝોના, યુએસએ)ની પ્લેનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના વિલિયમ હાર્ટમેન અને ડોનાલ્ડ ડેવિસને રજૂ કરી હતી.
આ ટકરાનાર ખડક મંગળ ગ્રહના કદનો હશે. જેની ઘનતા પૃથ્વી કરતાં દસમાં ભાગની હશે. આ ધારી લીધેલા ખડક કે ગ્રહને 'થિયા' નામ આપવામાં આવ્યું. જે પૃથ્વી સાથે ટકરાયો હોવો જોઈએ.
જેને કારણે પૃથ્વીની બાહ્યસપાટી ઉખડી ગઈ હશે અને એક વિશાળ કદના ગોળામાં ફેરવાઈ ગઈ હશે. આ ગોળો ચળકતો હશે. જેણે પૃથ્વીનું ત્રીજા ભાગનું આકાશ રોકી લીધું અને સમય જતાં તે ગોળો ઠર્યો અને ચંદ્ર બન્યો.
આ સર્વમાન્ય ધારણા છે. પરંતુ આ ધારણા બાંધવામાં મુશ્કેલી એ છે કે થિયાની હાજરીની કોઈ સાબિતી ચંદ્રના ખડકો પરથી મળી નથી. ચંદ્ર પર થિયાના ચિહ્ન હોવાનું જણાયું છે પરંતુ તેની રચના પૃથ્વી જેવી છે.
આમ આ ટક્કરના સિદ્ધાંતને સમર્થન આપે તેવી નક્કર સાબિતીઓ મળી નહીં.
હલ્લીડેએ આ ઇમ્પેક્ટને સૌથી ઓછી ખરાબ સમજૂતી ગણાવી. છતાં તાણાવાણા મળતા નહોતા.
ફરી એ જ સમસ્યા સામે આવી કે પૃથ્વી અને ચંદ્રનું રાસાયણિક બંધારણ એકસરખું છે આ બાબતને કારણે જ ઉરેની થિયરી પાટા પરથી ઉતરી ગઈ હતી.
ઘણાં બધાં વૈવિધ્યસભર તત્ત્વો મળી આવ્યાં હતાં જેને આઈસોટોપ્સ તરીકે ઓળખાયાં.
જેનો દરેક અણુ પ્રોટોન, ઈલેકટ્રૉન અને ન્યૂટ્રોનનો બનેલો છે. દરેક અણુમાં સરખી સંખ્યામાં પ્રોટોન અને ઈલેક્ટ્રૉન હોય છે જ્યારે ન્યૂટ્રોનની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે.
આઈસોટોપ્સ એક રીતની કેમિકલ ફિંગરપ્રિન્ટ છે. જો કોઈ રહસ્યમય પદાર્થ તમારી સામે આવે તો તેના આઈસોટોપ્સ પરથી જાણી શકાય છે કે તે પદાર્થનું મૂળ ક્યાં છે.
ચંદ્રના ખડકોના કિસ્સામાં વાત એવી છે કે તેના અમુક આઈસોટોપ્સ પૃથ્વીના અને કેટલાક થિયાના હોઈ શકે છે.


ઇમેજ સ્રોત, NASA
આમ આઈસોટોપિક બંધારણ આ બન્નેની વચ્ચેનું પણ હોઈ શકે છે. પરંતુ છતાં તેનું બંધારણ પૃથ્વી જેવું છે. એટલે જો થિયાનું અસ્તિત્વ કોઈ કાળે રહ્યું હશે તો પણ તેની સાબિતી ચંદ્ર પરથી મળતી નથી.
જાયન્ટ ઇમ્પેક્ટ હાઈપોથિસિસની પણ સમસ્યા હતી. ટંગસ્ટન અને સિલિકનના બનેલા આઈસોટોપ્સ જટિલ હોય છે કારણ કે તેઓ સૌરમંડળની રચના વખતે પેદા થયા હોય છે.
હલ્લીડેનું માનવું છે કે 'દરેક ગ્રહની રચનાનો ઈતિહાસ અલગ રહ્યો છે. આઈસોટોપ્સ દર્શાવે છે કે પૃથ્વી પર પણ ચંદ્રના અણુ આવ્યા હોઈ શકે છે.'
એચ જે. મેલોશ આ તારણને આઈસોટોપિક ક્રાઇસિસ ગણાવે છે. જોકે છતાં તેને લીધે પૂર્વધારણાનો અંત આવતો નથી.
બીજી એક સાવ સાદી સમજણ એ પણ આપવામાં આવે છે કે થિયા અદ્દલ પૃથ્વી જેવા જ આઈસોટોપિક ધરાવતો હતો.
કારણ કે બન્નેની ઉત્પત્તિ અને રચના એકબીજાની નજીક થઈ હતી. જોકે, આમ ખરેખર બન્યું હોવાની શક્યતા એક ટકા કરતાં પણ ઓછી આંકવામાં આવે છે.
આ દિશામાં આગળ વધીએ તો પૃથ્વી અને ચંદ્ર પરથી જે આઈસોટોપિક બંધારણ મળી આવ્યું હતું તે પ્રકારનું કે તેની નજીકનું કશું સૌરમંડળમાં જોવા મળતું નથી.

ઇમેજ સ્રોત, NASA
વૈજ્ઞાનિકોએ શુક્ર અને બુધના ઉલ્કાપિંડોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું કે ક્યાંક તેઓની ચંદ્ર પરથી મળેલા પદાર્થો સાથે કોઈ સમાનતા નીકળી આવે. પણ તે માર્ગ જટિલ હતો એટલો જ જટિલ જેટલા જટિલ આઈસોટોપ્સ હોય છે.
વિકલ્પરૂપે એવી પણ શક્યતા રજૂ કરવામાં આવી કે ટક્કર એટલી તીવ્ર હશે કે થિયા અને પૃથ્વી એકબીજામાં ઓગળી ગયા હોય અને પરિણામે બન્નેના અણુ એકબીજામાં ભળી ગયા હોય.
તેને કારણે એવું માની શકાતું હતું કે પૃથ્વી અને ચંદ્ર એકબીજા સાથે આટલું સામ્ય ધરાવે છે.
અન્ય એક ધારણા પ્રમાણે અસર છોડી જનાર પદાર્થ બરફનો બનેલો હોવાની શક્યતા છે.
સૌરમંડળની બહાર કેટલાક બરફના ગોળાઓ છે જેમાંથી એકાદ ગોળો તીવ્ર ઝડપે પૃથ્વી સાથે ટકરાયો હોઈ શકે.
પરંતુ જો આમ થયું હોય તો ચંદ્રનો 73 ટકા ભાગ પૃથ્વીનો બન્યો હોય જે આઈસોટોપ્સ સાથે બંધ બેસે તેવી બાબત નથી.
પૃથ્વીની બાજુમાંથી પસાર થતી વખતે હળવી ટક્કર થઈ હોઈ શકે છે.
કારણ કે જો તેમ ન બન્યું હોત તો ચંદ્ર બીજી જ ભ્રમણકક્ષામાં ફરતો હોત. આ હળવી ટક્કરને પરિણામે બંન્ને આઈસોટોપ્સ એકબીજા સાથે ભળી ગયા હોય એમ બની શકે.
વર્ષ 2012માં મેસેચુએટ્સની કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં મટિજા કુક અને સારા સ્ટુઅર્ટ આ ધારણાને અવગણવાની વાત કરે છે.
તેમનું માનવું છે કે જ્યારે થિયા ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો ત્યારે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ખૂબ ઝડપથી ફરી રહી હતી.
એટલે પૃથ્વીનો વેગ એટલો હતો કે તે પોતાના કુદરતી ઉપગ્રહ ચંદ્રને યોગ્ય ભ્રમણકક્ષામાં મોકલી શકે. તે માટે થિયાની બાજુમાંથી હળવા સ્પર્થની જરૂર નહોતી. થિયા અને પૃથ્વીની સીધી ટક્કર થઈ હોય તેવી શક્યતા વધુ છે.
આનો અર્થ એ થયો કે થિયાનું કદ અગાઉ ધારવામાં આવ્યું તેના કરતાં ક્યાંય નાનું હોઈ શકે છે. એટલું નાનું કે પૃથ્વીના કદથી માંડ બે ટકા જેટલું તેનું કદ હોય. આમ ચંદ્રનું પ્રાથમિક ઘડતર પૃથ્વીના પદાર્થોમાંથી થયું હોય.
આ સંભાવનાને લીધે અગાઉ વ્યક્ત થયેલી બધી ધારણાઓ અને વૈજ્ઞાનિક માન્યતાઓ તૂટી પડે છે તેમ મેલોશ કહે છે.
વર્ષ 2015ના એપ્રિલ માસમાં વધુ કેટલાક પુરાવાઓ સામ આવ્યા જે આ પૂર્વધારણાને સમર્થન આપતા હતા.
હૈફાની ઈઝરાયલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનૉલૉજીનાં સંશોધક એલેસાંન્દ્રા માસ્ત્રોબુઓનો-બટ્ટીસ્ટી અને તેમના સહકર્મીએ સૌરમાળા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે.
તેમના મતે થિયા અને પૃથ્વી વચ્ચે સમાનતા હોવાની શક્યતા 1 ટકો છે, જ્યારે વિષમતા હોવાની શક્યતા 20 ટકા કરતાં વધુ છે.
પૃથ્વી અને ચંદ્રની વિલક્ષણ સમાનતાઓ સમજવાની દિશામાં આ સંશોધનને કારણે મદદ મળી રહે તે બનાવજોગ છે.
સ્ટુઅર્ટ કહે છે કે કામ પત્યું નથી. હજી કશુંક એવું છે જે આપણા ધ્યાનમાં નથી આવ્યું. મોટા ભાગના સંશોધકોની થિયરીઓ પૂર્વધારણાઓ પર ટકેલી છે પરંતુ આઈસોટોપ્સની સમજૂતી આપે તેવી સંતોષકારક સાબિતીઓ મળવાની હજી બાકી છે.
સૌથી મોટી સમસ્યા છે પૃથ્વી અને ચંદ્રની સમાનતાઓને સમજવા માટે કઈ થિયરી સાચી ગણવી?
જ્યારે કોઈ એક થિયરીને લઈને વાત નીકળે છે ત્યારે થિયાના કદ અને પૃથ્વી સાથેની તેની ટક્કરને મામલે એકમત કેળવાતો નથી.
ચંદ્રની રચના અંગેના મતમતાંતરોનો પાર નથી. શું ચંદ્રની રચનાની આપણી બધી થિયરીઓ અંધારામાં તીર મારવા જેવી પ્રવૃત્તિથી વિશેષ કંઈ નથી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












