પૃથ્વી પરનો મહાકાય દેશ વિખેરાઈ ગયો અને તેનો ‘છેલ્લા નાગરિક’ અવકાશમાં ફસાઈ ગયો, પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કાર્લોસ સેરાનો
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
સોવિયેટ સંઘના મિર (MIR) સ્પેસ સેન્ટર પરથી પૃથ્વીને નિહાળવાનો વિશેષાધિકાર અવકાશયાત્રી સર્ગેઈ ક્રિકાલેવને મળ્યો હતો, પરંતુ વિચિત્ર વાત એ હતી કે તેઓ તેમના દેશમાં સળગી રહેલી રાજકીય આગને નિહાળી શકતા ન હતા.
પૃથ્વીનું પરિભ્રમણ કરતા મિર અવકાશ મથકના પાંચ મહિનાના મિશન માટે ક્રિકાલેવ 1991ની 18 મેએ સોયુઝ અવકાશયાનમાં રવાના થયા હતા. તેમની સાથે સોવિયેટ અવકાશયાત્રી ઍનાટોલી આર્ટસેબાર્સ્કી અને બ્રિટિશ અવકાશયાત્રી હેલેન શર્મા પણ હતા.
સોયુઝ અવકાશયાન કઝાકિસ્તાનના સુપ્રસિદ્ધ બાયકોનુર કોસ્મોડ્રો ખાતેથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
તે એ જ સ્થળ હતું, જ્યાંથી સોવિયેટ સંઘ અવકાશ સ્પર્ધામાં અમેરિકાથી આગળ નીકળી ગયું હતું. તેમાં પ્રથમ ઉપક્રમ સ્પુટનિકને ભ્રમણકક્ષામાં મૂકવાના, લાઇકા નામના કૂતરાને અને પ્રથમ માનવ યુરી ગાગરીનને અવકાશમાં મોકલવા જેવા સીમાચિહ્નોનો સમાવેશ થાય છે. તે 1961ની ઘટના છે. ત્યાં સુધીમાં મિર સ્પેસ સ્ટેશન સોવિયેટ સંઘની અવકાશ સંશોધનની શક્તિનું પ્રતિક બની ગયું હતું.
ક્રિકાલેવનું મિશન રાબેતા મુજબનું હતું. તેમણે અવકાશ મથકમાં કેટલુંક સમારકામ અને સુધારા-વધારા કરવાના હતા, પરંતુ અવકાશમાં કામકાજ સરળતાથી ચાલતું હતું ત્યારે પૃથ્વી પરના સોવિયેટ સંઘમાં ઝડપથી તિરાડ પડવા લાગી હતી.
થોડા મહિનાઓમાં જ વિશાળ અને શક્તિશાળી સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું હતું. શરૂઆતમાં એકદમ સરળ જણાતું સ્પેસ મિશન આ કારણસર ગૂંચવાઈ ગયું હતું.
ક્રિકાલેવ મહિનાઓ સુધી અવકાશમાં લટકી પડ્યા હતા. આયોજન કરતાં બમણા સમય સુધી તેમણે અવકાશમાં રહેવું પડ્યું હતું અને તેમના શરીર તથા દિમાગ પર તેની માઠી અસર થઈ હતી.
તે અવકાશયાત્રી ક્રિકાલેવની દીર્ઘ અવકાશયાત્રા હતી. તેમણે 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરતા રહેવું પડ્યું હતું અને આખરે તેમણે એવા દેશમાં ઉતરાણ કર્યું હતું, જેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હતું. આ કારણે તેમને ઇતિહાસમાં ‘છેલ્લા સોવિયેટ નાગરિક’ તરીકે ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સૌથી વધુ લોકપ્રિય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સર્ગેઈ ક્રિકાલેવનો જન્મ 1958માં લેનિનગ્રાદમાં થયો હતો, જે આજના સેન્ટ પીટર્સબર્ગ જેવું છે. 1918માં લેનિનગ્રાદ મિકેનિકલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ ઍન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ચાર વર્ષ તાલીમ લીધી હતી અને અવકાશયાત્રી બન્યા હતા.
1988માં તેઓ પ્રથમ વખત મિર સ્ટેશનની મુલાકાતે ગયા હતા. મિર પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઉપર પ્રરિભ્રમણ કરતું હતું. મે, 1991માં તેઓ બીજી વખત મિર સ્પેસ સ્ટેશનની યાત્રાએ ગયા હતા. હાલ તેઓ રશિયાની અવકાશ એજન્સી રોસકોસમોસના સમાનવ મિશનના ડિરેક્ટર છે.
અમેરિકાના વૉશિંગ્ટન ડીસી ખાતેના સ્મિથસોનિયન નેશનલ ઍર ઍન્ડ સ્પેસ મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમો તથા સ્પેસસૂટ્સ વિભાગના ક્યુરેટર તેમજ ઇતિહાસકાર કેથરીન લુઈસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "ક્રિકાલેવ બહુ લોકપ્રિય બન્યા, કારણ કે તેઓ પૃથ્વી પરના રેડિયો એમટર્સ સાથે સ્પેસ સ્ટેશનના રેડિયો મારફત વાતચીત કરનાર અવકાશયાત્રીઓ પૈકીના એક હતા."
કેથરીન લુઈસે જણાવ્યું હતું કે મિર સ્પેસ સ્ટેશનમાં લાંબા સમયના રોકાણ દરમિયાન ક્રિકાલેવ, પૃથ્વી પરથી તેમની રેડિયો ફ્રિકવન્સી જે વ્યક્તિ શોધી કાઢે તેની સાથે સ્પેસ રેડિયો મારફત વાત કરતા હતા. "આ રીતે તેમણે વિશ્વભરના લોકો સાથે અનૌપચારિક સંબંધ સ્થાપિત કર્યો હતો," એમ લુઈસે કહ્યું હતું.
મિર સ્પેસ સ્ટેશનના રેડિયો પર ક્રિકાલેવ ક્યારેય એકલા ન હતા, પરંતુ તેઓ સૌથી વધુ લોકપ્રિય હતા, એમ જણાવતાં લુઈસે ઉમેર્યું હતું, "સ્પેસ સ્ટેશન પર તેઓ એકલા ન હતા, પરંતુ તેઓ રેડિયો વડે સતત સંપર્કમાં રહેતા હતા."
અલબત, સોવિયેટ યુનિયનના વિઘટન સમયે મિરમાં ક્રિકાલેવની સાથે બીજા અવકાશયાત્રી ઍલેકઝેન્ડર વોલ્કોવ પણ હતા, પરંતુ રેડિયો મારફત સતત સંપર્કમાં રહેતા હોવાને કારણે ક્રિકાલેવને જ ‘છેલ્લા સોવિયેટ નાગરિક’ તરીકે યાદ કરવામાં આવે છે, એવું કેથરીન લુઈસ માને છે.
તેમણે કહ્યું હતું, "ક્રિકાલેવ સ્પેસ સ્ટેશન પર એકલા ન હતા, પરંતુ તેઓ બહુ જાણીતી વ્યક્તિ બન્યા હતા."

સોવિયેટ સંઘનું વિઘટન

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયેટ સમાજવાદી પ્રજાસત્તાક સંઘ (યુએસએસઆર) હેઠળના તમામ ગણતંત્રોએ 1990 અને 1991ની વચ્ચે ખુદને સ્વતંત્ર દેશ જાહેર કર્યા હતા. એ સમયે રશિયાના રાષ્ટ્રપ્રમુખ મિખાઇલ ગોર્બાચેવ હતા. ‘પેરેસ્ત્રોઇકા’ માટે વિખ્યાત ગોર્બાચેવે દેશના આધુનિકીકરણના, તેને મૂડીવાદની નજીક લાવવાના, ઘણી કંપનીઓની આર્થિક શક્તિના વિકેન્દ્રીકરણના પ્રયાસ કર્યા હતા અને ખાનગી માલિકીના બિઝનેસ શરૂ કરવાની છૂટ આપી હતી. આ પ્રક્રિયાનો સામ્યવાદી પક્ષમાં જોરદાર વિરોધ થયો હતો.
સામ્યવાદી પક્ષની કટ્ટર પાંખના એક જૂથે 1991ની 19 તથા 21 ઑગસ્ટ વચ્ચે ગોર્બાચેવ સામે બળવાનો પ્રયાસ કર્યો હતો. તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ સોવિયેટ સંઘને જીવલેણ ફટકો લાગ્યો હતો.
ગોર્બાચેવે દેશ પરનો અંકુશ ગુમાવ્યો ત્યારે પણ ક્રિકાલેવ અવકાશમાં જ હતા. વધુને વધુ વિભાજિત થઈ રહેલું યુએસએસઆર રાજકીય તથા આર્થિક સંકટનો સામનો કરતું હતું અને ક્રિકાલેવને આગામી સૂચના ન મળે ત્યાં સુધી અવકાશમાં રહેવા જણાવવામાં આવ્યું હતું.
બીબીસીની 1993ની દસ્તાવેજી ફિલ્મ ‘ધ લાસ્ટ સોવિયેટ સિટિઝન’માં ક્રિકાલેવે કહ્યું હતું. "અમારા માટે તે કશુંક અણધાર્યું હતું. શું થઈ રહ્યું છે તે અમે સમજી શકતા ન હતા. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી વડે અમે સંપૂર્ણ ચિત્રને સમજવાનો પ્રયાસ કર્યો હતો."
લુઈસના જણાવ્યા મુજબ, તે સમયે સોવિયેટ સંઘમાં "બધું બરાબર છે," એવી કથાઓ ચાલતી હતી, પરંતુ પશ્ચિમી દેશોના લોકોને લીધે ક્રિકાલેવને જાણવા મળ્યું હતું કે તેમના દેશમાં શું થઈ રહ્યું છે.
ક્રિકાલેવનાં પત્ની અને સોવિયેટ અવકાશ કાર્યક્રમમાં રેડિયો ઑપરેટર તરીકે કામ કરતાં ઍલેના તેરેખીનાએ પણ તેમના પતિ સાથે વાત કરી હતી, પરંતુ દેશમાં શું થઈ રહ્યું છે તે જણાવ્યું ન હતું.
એ દિવસોની વાત કરતાં તેરેખીનાએ બીબીસીની દસ્તાવેજી ફિલ્મમાં કહ્યું હતું, "હું તેમની સાથે અપ્રિય બાબતો વિશે વાત કરવા ઇચ્છતી ન હતી. મને લાગે છે કે તેઓ પણ એવો જ પ્રયાસ કરી રહ્યા હતા."
"તેઓ મને કાયમ કહેતા હતા કે બધું બરાબર છે. તેથી તેઓ ખરેખર શું અનુભવી રહ્યા છે તે જાણવું મુશ્કેલ હતું."

ફરજ બજાવતા રહો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકાલેવે અવકાશમાંના તેમના રોકાણને લંબાવવાના આદેશને સ્વીકાર્યો હતો. સાથે એ પણ સ્વીકાર્યું હતું કે તે સરળ ન હતું. તેમણે કહ્યું હતું, "મને શંકા હતી કે મારામાં પૂરતી શક્તિ હશે, વધુ સમય અવકાશમાં રહેવાનું મને ગોઠશે?"
વાસ્તવમાં ક્રિકાલેવ અને વોલ્કોવ કોઈ પણ સમયે પૃથ્વી પર પાછા આવી શક્યા હોત, પરંતુ તેનો અર્થ સ્પેસ સ્ટેશનને નધણિયાતું છોડી દેવું તેવો થાય.
લુઈસે કહ્યું હતું, "તે સરકારી વહીવટની સમસ્યા હતા. તેઓ સ્પેસ સ્ટેશનને ત્યજવા ઇચ્છતા ન હતા અને તેમની પાસે બીજા અવકાશયાત્રી મોકલવાના પૈસા પણ ન હતા."
એ ઉપરાંત રશિયન સરકારે કઝાકિસ્તાનને વચન આપ્યું હતું કે તેઓ ક્રિકાલેવના સ્થાને કઝાકિસ્તાનના અવકાશયાત્રીને મોકલશે. બન્ને દેશ વચ્ચેના મતભેદને શમાવવાના ભાગરૂપે તે વચન આપવામાં આવ્યું હતું.
જોકે, કઝાકિસ્તાન પાસે ક્રિકાલેવ જેટલો અનુભવ ધરાવતો અવકાશયાત્રી ન હતો અને બીજા અવકાશયાત્રીને તાલીમ આપવામાં સમય લાગવાનો હતો.
તે દરમિયાન ક્રિકાલેવ અવકાશમાં જ હતા. તેમને માઠી શારીરિક અને માનસિક તકલીફ થઈ રહી હતી. એની અસર તેઓ આજ સુધી સંપૂર્ણપણે સમજી શક્યા નથી.
અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના જણાવ્યા મુજબ, "અવકાશમાં નિવાસ સાથે રેડિએશન સંબંધી જોખમો સંકળાયેલાં હોય છે. તે કૅન્સર અથવા ડિજનરેટિવ રોગોનું કારણ બની શકે છે."
"ગુરુત્વાકર્ષણનો અભાવ સ્નાયુ તથા હાડકાને નુકસાન પહોંચાડી શકે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ માઠી અસર થઈ શકે છે. એ ઉપરાંત એકલતાથી માનસિક સમસ્યા વકરી શકે છે."
અલબત, ક્રિકાલેવ જાણતા હતા કે સ્પેસ સ્ટેશનમાં કાર્યરત રહેવું એ તેમની ફરજ છે.

વિકલ્પનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબરમાં ત્રણ નવા અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં આવ્યા હતા, પરંતુ એ પૈકીના એકેયને ક્રિકાલેવનું સ્થાન લઈ શકે તેવી તાલીમ આપવામાં આવી ન હતી.
સોવિયેટ સંઘ બહારના લોકોને ક્રિકાલેવની સૌથી વધુ ચિંતા હતી, એમ જણાવતાં લુઈસે કહ્યું હતું, "તેમને અવકાશમાં ફસાયેલી માણસની હાલતથી ચિંતિત હતા."
બીજી બાજુ, રશિયન સરકારની અગ્રતા અલગ હતી. તેમને બીજી બાબતોની ચિંતા હતી.
એ ઉપરાંત 1991ની 25 ઑક્ટોબરે કઝાકિસ્તાને ખુદને સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કર્યું હતું. તેનો અર્થ એ થાય કે જે કૉસ્મોડ્રોમમાંથી ક્રિકાલેવને રાહત મળવાની હતી, તે હવે રશિયાના નિયંત્રણ હેઠળ ન હતું.
1991ની 25 ડિસેમ્બરે સોવિયેટ સંઘનું સંપૂર્ણ વિભાજન થઈ ગયું હતું. તે જ દિવસે ગોર્બાચેવે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
સોવિયેટ સંઘ 15 રાષ્ટ્રોમાં વિભાજિત થઈ ગયો હતો અને જે દેશે ક્રિકાલેવને અવકાશમાં મોકલ્યા હતા તેનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. તેમના વતન લેનિનગ્રાદનું નામ બદલીને સેન્ટ પીટર્સબર્ગ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

પૃથ્વી પર પુનરાગમન

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેસ સ્ટેશનમાં ક્રિકાલેવ પૃથ્વી વિશે વિચાર કરીને, સાથીદારો દ્વારા વગાડવામાં આવતું સંગીત સાંભળીને તેમજ રેડિયો પર લોકો સાથે વાતો કરીને સમય પસાર કર્યો હતો.
ત્રણ મહિના પછી 1992ની 25 માર્ચે ક્રિકાલેવ અને વોલ્કોવ પૃથ્વી પર પાછા ફર્યા હતા. ક્રિકાલેવે અવકાશમાં કુલ 312 દિવસ ગાળ્યા હતા અને પૃથ્વીની ફરતે 5,000 ચક્કર લગાવ્યા હતાં.
ક્રિકાલેવે કહ્યું હતું, "અમે અનેક તકલીફોનો સામનો કર્યો હતો, તેમ છતાં પૃથ્વી પર પાછા ફરવું સુખદ હતું."
" અમે ખુદને માનસિક બોજમાંથી મુક્ત કર્યા હતા. તે અત્યંત આનંદની ક્ષણ હતી એવું હું નહીં કહું, પરંતુ એ સારી ક્ષણ તો હતી જ."
અગ્નિપરીક્ષામાંથી બચી જવા છતાં ક્રિકાલેવ આગામી સાહસ માટે તૈયાર થયા હતા.
વર્ષ 2000માં તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે ગયેલી પ્રથમ ટુકડીનો હિસ્સો બન્યા હતા.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નવા અવકાશ યુગનું પ્રતિક હતું. તેનાથી જૂના ઝઘડાઓનો અંત આવ્યો હતો અને અનેક રાષ્ટ્રો માટે બ્રહ્માંડના રહસ્યો પામવાનો સહિયારો માર્ગ ખુલ્યો હતો.














