ચંદ્રયાન-3ની આકાશી ઉડાન, ચંદ્ર પર પહોંચતાં કેટલા દિવસ લાગશે?

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ભારતના ચંદ્ર-અભિયાન અંતર્ગત ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે.

ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રોવર અને એક પ્રૉપલ્સન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે.

ફ્રાન્સ યાત્રા પર ગયેલા પીએમ મોદીએ ચંદ્રયાન-3ના લૉન્ચને શુભેચ્છા પાઠવતાં ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "ચંદ્રયાન-3એ ભારતની અંતરીક્ષયાત્રામાં એક ભવ્ય શરૂઆત કરી છે. "

તો રાહુલ ગાંધીએ લખ્યું, "આજે એક અબજ કરતાં વધારે લોકો આકાશ તરફ ગર્વથી જોઈ રહ્યા છે. ચંદ્રયાન-3 વૈજ્ઞાનિક સમુદાયની મહેનતનું પરિણામ છે. વૈજ્ઞાનિક સમુદાય 1962માં ભારતના સ્પેસ પ્રોગ્રામ અને એ પછી 1969માં ઈસરોની રચના બાદથી જ મહેનત કરી રહ્યા છે. આ અભિયાનને સફળતા મળતાં જ ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારનાર આપણે ચોથો દેશ બની જઈશું. "

આ દરમિયાન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે અને 5 ઑગષ્ટે તે ચંદ્રની કક્ષામાં પ્રવેશશે. સમાચાર સંસ્થા પીટીઆઈએ ઈસરોના વૈજ્ઞાનિકોને ટાંકીને લખ્યું છે કે લૅન્ડર મૉડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર, 23-24 ઑગષ્ટ દરમિયાન ઊતરશે.

ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે. આ મિશનમાં ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીન એમ ત્રણ જ દેશ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.

બીબીસી ગુજરાતી

ભારત અને ચંદ્રયાન મિશન

ચંદ્રયાન-3

ચંદ્રયાન-3 ઇસરોનું ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે ચંદ્ર સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર મિશન પર ગયેલા દેશમાં ભારતનો સમાવેશ થયો હતો.

ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.

એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી. અને ઑર્બિટર આજે પણ ગોળ ચક્કર લગાવી રહ્યું છે અને ચંદ્રનો અભ્યાસ કરી રહ્યું છે, પરંતુ વિક્રમ લૅન્ડર સૉફ્ટ લૅન્ડિંગ સમયે ક્રૅશ થઈ ગયું હતું.

અન્નાદુરાઈ ચંદ્રયાન-1ના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. તેઓ કહે છે કે, “છેલ્લી ઘડીએ બ્રેકિંગ સિસ્ટમમાં ખામી આવી” એ આમાં મુખ્ય કારણ હતું.

હવે ભારતીય ખગોળપ્રેમીઓને ચંદ્રયાન-3 મિશન સફળ થવાની આશા છે.

બીબીસી ગુજરાતી

ચંદ્રયાન-3 લૉન્ચિંગ માટે તૈયાર

ચંદ્રયાન-3
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસરોના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ કાળજીપૂર્વક ચંદ્રયાન-2ના ક્રેશને લગતા ડેટાની ચકાસણી કરી છે અને એ વખતની ખામીને ટાળવા સિમ્યુલેશનની પ્રક્રિયા પણ લાગુ કરી હતી. પણ ચંદ્રયાન-3 હવે ઉડાન માટે તૈયાર છે અને જરૂરી ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે.

ચંદ્રયાન-3નું વજન 3900 કિલો છે અને તેનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે અને તેનું લક્ષ્ય ચંદ્રયાન-2નું જે લક્ષ્ય હતું એ જ છે જેમાં ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગની ખાતરી કરવી એ સામેલ છે.

લૅન્ડર (વિક્રમ, જે નામ ઇસરોના સંસ્થાપકની યાદમાં અપાયું છે)નું વજન 1500 કિલો છે અને તેની સાથે ટ્રાવેલ કરનાર રોવર (જેને સંસ્કૃત નામ પ્રજ્ઞાન આપવામાં આવ્યું છે જેનો મતલબ જ્ઞાન થાય છે, ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નું વજન 26 કિલો છે.

શુક્રવારે ઉડાન ભર્યા બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ માટે આ પ્રક્રિયા લગભગ 15-20 દિવસ લેશે. વૈજ્ઞાનિકો ત્યારબાદ અમુક અઠવાડિયાંની અંદર રૉકેટની ઝડપ ઘટાડશે જે તેને નિર્ધારિત પૉઇન્ટ કે જ્યાં વિક્રમનું સૉફ્ટ લૅન્ડિંગ કરવાનું છે ત્યાં લઈ જશે.

જો બધું જ યોજના પ્રમાણે રહ્યું તો છ પૈડાંવાળું રોવર ત્યારબાદ બહાર આવશે અને ચંદ્ર પરના ખડકો અને પથ્થરોની આસપાસ ફરશે, જેમાં તે અગત્યના ડેટા અને તસવીરો એકત્ર કરશે અને પૃથ્વી પર અવલોકન માટે મોકલશે.

સોમનાથને મિરર નાઉ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “રોવર પાંચ યંત્રો તેની સાથે રાખશે જે ચંદ્રની સપાટીની ભૌતિક લાક્ષણિકતા, સપાટી નજીકનું તાપમાન અને રચનાત્મક ઍક્ટિવિટીનો અભ્યાસ કરશે કે સપાટી નીચે શું છે. હું આશા રાખું છું કે આપણને કંશુક નવું મળશે.”

બીબીસી ગુજરાતી

ચંદ્રયાન-3 મિશન મહત્ત્વનું શા માટે?

ચંદ્રયાન-3

ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવને લઈને મોટા ભાગે સંશોધન થયાં નથી. આ એક એવી જગ્યા છે જે પડછાયામાં છે અને તે ચંદ્રના ઉત્તર ધ્રુવ કરતા વિશાળ છે. તેનો અર્થ એ કે ત્યાં પાણીની શક્યતા પણ રહેલી છે કે જે કાયમ પડછાયાથી ઘેરાયેલી છે.

ચંદ્રયાન-1 પહેલું યાન હતું જેણે વર્ષ 2008માં ચંદ્ર ઉપર પાણીની ખોજ કરી હતી અને એ જગ્યા દક્ષિણ ધ્રુવની નજીક હતી.

સોમનાથ કહે છે કે, “અમને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ જગ્યામાં વધુ રસ છે, એનું કારણ વિષુવવૃત્તીય વિસ્તાર છે કે જે લૅન્ડિંગ માટે સુરક્ષિત છે, તેને લઈને અઢળક ડેટા હવે ઉપલબ્ધ છે.”

“જો અમારે મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરવી હશે તો અમારે નવા વિસ્તારમાં જવું જ પડશે, જેમ કે દક્ષિણ ધ્રુવ, પરંતુ ત્યાં લૅન્ડિંગ મુદ્દે મોટું જોખમ છે.”

સોમનાથ ઉમેરે છે કે ચંદ્રયાન-2ના ક્રૅશ મુદ્દે ડેટા “એકત્ર કરી લેવાયા હતા અને તેનું અવલોકન કરી લેવાયું છે” અને તેનાથી ગત મિશનની તમામ ભૂલોને સુધારવામાં મદદ મળી છે.

“ચંદ્રયાન-2માંથી ઑર્બિટરે અમારે જે સ્પોટ પર લૅન્ડ કરાવવું છે તેની ઘણી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી તસવીરો મોકલી છે અને એ ડેટાને કાળજીપૂર્વક ચકાસી લેવામાં આવ્યા છે જેથી અમને ખબર પડે કે ત્યાં કેટલા ગોળ પથ્થર અને ખડકો છે. અમે લૅન્ડિંગ માટે અમે વિશાળ વિસ્તારની સંભાવના ચકાસી લીધી છે.”

અન્નાદુરાઈ કહે છે કે લૅન્ડિંગ ખરેખર તો “એકદમ ચોક્કસ” લુનર દિવસ (પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી)ની સાથે જ થવું જોઈએ, કારણ કે લૅન્ડરની બૅટરી અને રોવરને કાર્યરત્ રહેવા અને કામ કરવા સૂર્યપ્રકાશની જરૂર પડશે.

અન્નાદુરાઈ કહે છે કે ચંદ્ર મિશનનો વિચાર વર્ષ 2000ની શરૂઆતમાં આવ્યો હતો, જ્યારે ભારતમાં આઈટી સૅક્ટરની માગ વધી રહી હતી અને નવાં ટેલેન્ટ સામે આવી રહ્યાં હતાં, કારણ કે ટેક્નૉલૉજી સાથે સ્નાતક થયેલા મોટા ભાગના સોફ્ટવૅર ઉદ્યોગ સાથે જોડાવા ઇચ્છુક હતા.

“ચંદ્રયાન-1ની સફળતા તેને આભારી હતી. સ્પેસ કાર્યક્રમ એ સમયે ભારત માટે ગર્વની વાત હતી અને ઇસરો માટે કામ કરવું એક સન્માનનીય કામ ગણાતું હતું.”

અન્નાદુરાઈના મતે ભારતના અવકાશ કાર્યક્રમમનો મુખ્ય હેતુ, “વિજ્ઞાનને આવરી લેવાનો, ટેક્નૉલૉજી અને માનવતાના ભવિષ્ય”ને ધ્યાનમાં રાખવાનો છે.

ચંદ્ર પર માત્ર ભારતની જ નજર છે એવું નથી, વૈશ્વિક રસ પણ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે કે જે અંતરિક્ષમાં વધુ ડૂબકી લગાવવા માટે મદદરૂપ માનવામાં આવે છે.

અન્નાદુરાઈ કહે છે કે, “જો આપણે ચંદ્રને એક ચોકી તરીકે વિકસાવવા માગીએ જે અંતરિક્ષનાં ગૂઢ રહસ્યો તરફ લઈ જશે, તો પછી આપણે અનેક સંશોધનનાં મિશન લાવવા પડશે કે આપણે ત્યાં કયા પ્રકારનું નિવાસસ્થાન બનાવી શકીએ છીએ અને તેના માટે જોવું પડશે કે કયા પ્રકારનાં સ્થાનિક સંસાધનો ઉપલબ્ધ છે અને આપણે કઈ રીતે તેને ત્યાં સુધી સપ્લાય કરી શકીએ છીએ.”

“એટલે ભારતના યાનનો અંતિમ ઉદ્દેશ્ય તો એ છે કે જ્યારે ચંદ્ર કે જે 3,60,000 કિલોમીટર દૂર છે એ પૃથ્વી માટે અન્ય પૃથ્વી બની રહે, આપણે ખાલી નિષ્ક્રિય પ્રેક્ષક તરીકે ન રહીએ. જીવનનું રક્ષણ કરવા એ જગ્યાએ અને એ દિશામાં આપણે સતત કામ કરવું પડશે”

અને ચંદ્રયાન-3ની સફળતા એ દિશામાં એક ખૂબ જ મહત્ત્વનું પગલું બની રહેશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી