અવકાશમાં આંંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઉપર વૈજ્ઞાનિકો શું કરે છે?

- લેેખક, જોનાથન ઓ’કોલાઘન
- પદ, બીબીસી ફ્યુચર
વૈશ્વિક સહયોગ અને માનવક્ષમતાના ગઢ જેવા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન(આઈએસએસ)નો આયુષ્યકાળ આઠ વર્ષ પછી સમાપ્ત થશે, પરંતુ એ ઉદાસ થવા જેવી ઘટના નહીં હોય. વાસ્તવમાં તે હ્યુમન સ્પેસ ફ્લાઇટના એક રોમાંચક ભવિષ્યની શરૂઆત હશે.
આઈએસએસ પ્રોજેક્ટની શરૂઆત 1998માં રશિયાના ઝરિયા મોડ્યુલ, સ્પેસ સ્ટેશનના પહેલા ઘટકના લોન્ચિંગ સાથે થઈ હતી. અવકાશમાં માનવ દ્વારા કરવામાં આવેલા આ સૌથી મોટા નિર્માણ માટે ડઝનેક દેશોએ સાથે મળીને કામ કર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે શીત યુદ્ધના અંત અને સોવિયેત યુનિયનના પતન પછી બે શત્રુ દેશ – અમેરિકા તથા રશિયા માટે આ પ્રોજેક્ટે સાથે મળીને કામ કરવાના નવા યુગના આરંભની તક આપી હતી.
અમેરિકન ઍરફોર્સની સ્કૂલ ઑફ ઍડ્વાન્સ્ડ ઍર ઍન્ડ સ્પેસ સ્ટડીઝના સ્પેસ પૉલિસી નિષ્ણાત વેન્ડી વ્હિટમેન કોબ કહે છે, “તે ખરેખર જંગી હતું. એ શીત યુદ્ધ પછીના સહકારની મહાન કથા છે. રશિયાનો અવકાશઉદ્યોગ બહુ મુશ્કેલીમાં હતો. અમેરિકા અને રશિયા માટે આ પ્રોજેક્ટ, સાથે મળીને કામ કરવાના નવા યુગની શરૂઆતની તક બન્યો હતો.”
તે સહકારનું પરિણામ વિશાળ સ્પેસ સ્ટેશન છે, જેનું કદ ફૂટબૉલના મેદાન જેવડું છે અને તેનું વજન 400 ટનથી વધારે છે. તેનું નિર્માણ ઓછામાં ઓછા 150 અબજ ડૉલરના ખર્ચે કરવામાં આવ્યું છે અને તે પ્રતિ કલાક 28,980 કિલોમીટરની ઝડપે આપણા ગ્રહનું પરિભ્રમણ કરે છે. નવેમ્બર, 2000માં પ્રથમ ચાલક દળ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું ત્યારથી તે ક્યારેય ખાલી રહ્યું નથી. જોકે, સ્પેસ સ્ટેશનનું હાર્ડવેર જૂનું થઈ રહ્યું છે. તેથી 2031માં તેને ભ્રમણકક્ષામાંથી પૃથ્વીના વાતાવરણમાં પાછું લાવવામાં આવશે અને તે સમુદ્રમાં તૂટી પડશે.
આઈએસએસ પર અમેરિકન અને રશિયન બંને બાજુ પર હજારો વૈજ્ઞાનિક પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. યુરોપ અને જાપાન નિર્મિત મોડ્યુલ પણ તેમાં જોડાયેલાં હતાં. આ સંશોધનમાં અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા રોગોની તપાસ, દ્રવ્યની નવી સ્થિતિનો અભ્યાસ અને લેટસ તથા મૂળા જેવી ખાદ્ય સામગ્રી ઉગાડવાની રીતોનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, NASA
યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી ફ્રેન્ક ડી વિને 2002 અને 2009માં બે વખત સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ફ્રેન્ક ડી વિન કહે છે, “તે આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં કામ કરવાનો અને માનવજાતને આગળ વધારવાનો જીવનમાં એક જ વાર થાય તેવો અનુભવ હતો.”
આ સ્પેસ સ્ટેશન અત્યંત સફળ સાબિત થયું હોવા બાબતે દરેક વ્યક્તિ સંમત નથી. બ્રિટનના ખગોળશાસ્ત્રી રૉયલ કહે છે, “માત્ર વૈજ્ઞાનિક વળતર માટે બહુ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. માત્ર વિજ્ઞાન માટે આટલો ખર્ચ યોગ્ય નથી.”
વિશ્વના દેશોએ અત્યંત સફળ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અથવા હાલ ચાલી રહેલા મંગળ મિશન જેવાં રોબોટિક મિશન પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, એવું સૂચન કરતાં તેઓ ઉમેરે છે, “લોકોને અવકાશમાં મોકલવાનું બહુ ખર્ચાળ છે. મને લાગે છે કે ભવિષ્યની માનવ અવકાશ ઉડાણ અબજોપતિઓ અને સાહસિકો માટે જ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, સંશોધનને બદલે કેટલાક એવી દલીલ કરે છે કે સ્પેસ સ્ટેશનની મુખ્ય સિદ્ધિ માનવજાતને અવકાશમાં મુસાફરી કરી શકે તેવી પ્રજાતિ તરીકે મજબૂત બનાવવાની છે. અમેરિકન કન્સલ્ટિંગ ફર્મના અવકાશ વિશ્લેષક લૌરા ફોર્ઝિકના જણાવ્યા અનુસાર, તેના પ્રક્ષેપણ પહેલાં લાંબા ગાળાની સ્પેસ ફ્લાઇટના પ્રયાસ કરવામાં આવ્યા હતા. રશિયન અવકાશયાત્રીઓ તેમના મીર સ્પેસ સ્ટેશનમાં એક વર્ષથી વધુ સમય રહેતા હતા, પણ આઈએસએસ અલગ જ સ્તરનું છે. લૌરા કહે છે, “અંતરિક્ષમાં પ્રવાસ કરતી સંસ્કૃતિનો અર્થ શું થાય એ વિશેનો આપણો દૃષ્ટિકોણ તેણે બદલી નાખ્યો છે.”
આ વાત સાથે સહમત થતાં ડી વિન કહે છે, “અમે સ્પેસ સ્ટેશનને છોડી શકીએ તેમ ન હતા. આપણે ઘણું બધું શીખ્યા છીએ. સ્પેસ સ્ટેશનને અવકાશમાંથી પૃથ્વી પર પાછું લાવવામાં આવશે એ દિવસ દુ:ખદ હશે.”
આઈએસએસનો અંત માનવ સહયોગના પ્રતિભાશાળી પ્રદર્શનનો અંત ભલે હોય, પરંતુ તેણે પૃથ્વી પર લાંબા સમયથી ચાલતા યુદ્ધ અને સંઘર્ષને પાછળ છોડી દીધા છે તે હકીકત છે. યુક્રેન પરના રશિયાના તાજેતરના આક્રમણને લીધે આ પ્રોજેક્ટની કઠોર કસોટી થઈ છે. સહકાર યથાવત્ છે, પરંતુ નજીકના ભવિષ્યમાં આવી ભાગીદારી ફરીથી થવાની શક્યતા દેખાતી નથી.
અમેરિકાના નૅશનલ ઍર ઍન્ડ સ્પેસ મ્યુઝિયમનાં ઇતિહાસકાર કેથી લુઈસ કહે છે, “હવે રશિયા તેમાં હિસ્સેદાર બનવાનું નથી. તેમણે પોતાની રીતે આગળ વધવાની વાત કરી છે અને યુક્રેન પરના તેમના આક્રમણને લીધે તેનો સ્વીકાર થશે નહીં.”
જોકે, આઈએસએસમાં શું સફળ થશે. તેના પર પહેલાંથી જ કામ ચાલી રહ્યું છે.

દર વર્ષે ત્રણ અબજ ડૉલરનો ખર્ચ

ઇમેજ સ્રોત, NASA
એવી આશા છે કે પૃથ્વીના ભ્રમણકક્ષામાં આઈએસએસનું સ્થાન નવાં વેપારી સ્પેસ સ્ટેશનો લેશે. માણસોને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં મોકલવાનું કામ નાસાએ અમેરિકામાં જ સ્પેસ એક્સ અને બોઇંગ કંપનીને પહેલેથી જ આઉટસોર્સ કરી દીધું છે. નાસાએ નવાં સ્પેસ સ્ટેશન વિકસાવવા માટે કંપનીઓને કરોડો ડૉલરના કૉન્ટ્રેક્ટ આપવાનું પણ શરૂ કર્યું છે. આવાં સ્પેસ સ્ટેશન, આપણા ગ્રહ પર માનવજાતિની હાજરી જાળવી રાખીને, નાની સંશોધન પ્રયોગશાળા અથવા અવકાશ પ્રવાસીઓ માટેનાં સ્થળો બની શકે છે.
એ પૈકીની એક કંપની એક્સિઓમ સ્પેસ પહેલેથી જ સ્પેસ એક્સ રૉકેટ મારફત અવકાશયાત્રીઓને પૈસા લઈને મોકલી રહી છે. 2025માં આ કંપની આઈએસએસ સાથે તેનાં મોડ્યુલ જોડવાનું વિચારી રહી છે. આખરે તે મોડ્યુલને અલગ કરીને કંપની તેને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી શકે અને લોકોને ભાડે આપી શકે.
દરેક વ્યક્તિ આ વિચાર સાથે સહમત નથી. અમેરિકામાં હાર્વર્ડ ઍન્ડ સ્મિથસોનિયન સેન્ટર ફૉર ઍસ્ટ્રૉફિઝિક્સના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલ કહે છે, “આવા ધંધાકીય સાહસ બાબતે મને ખરેખર શંકા છે. નફાકારક સ્પેસ સ્ટેશન કેવી રીતે ચલાવી શકાય એ હું સમજી શકતો નથી.”
નાસા અને આઈએસએસના અન્ય ભાગીદારો પણ આવી તકનું અન્વેષણ કરવા આતુર છે. યુરોપિયન સ્પેસ એજન્સીના વડા જોસેફ એશબેચર કહે છે, “અમે તમામ ભાગીદારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આઈએસએસના અંત પછી પણ પ્રોજેક્ટ ચાલુ રાખવાના વિકલ્પ શોધવા અમે આતુર છીએ.”
નાસાએ આઈએસએસ પાછળ દર વર્ષે ત્રણ અબજ ડૉલરનો ખર્ચ કર્યો છે. એ ખર્ચમાંથી મુક્તિ મળવાની સાથે નાસા અવકાશયાત્રીઓને ચંદ્ર અને આખરે મંગળ પર મોકલવા જેવા અન્ય હ્યુમન સ્પેસ ફ્લાઇટના લક્ષ્યને અનુસરી શકશે. નાસા હવે ચંદ્રની સપાટી પર જવાનો તેનો આર્ટેમિસ પ્રોગ્રામ હાથ ધરી રહી છે. 2024માં ચાર અવકાશયાત્રી, 1972ના એપોલો-17 મિશન પછી પ્રથમવાર ચંદ્રની નજીક જવા ઉડાણ ભરશે. 2025માં તેઓ સપાટી પર પરત આવી જાય તેવી યોજના છે.
જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના અવકાશનીતિ નિષ્ણાત જોન ક્લેઇન કહે છે, “સ્પેસ સ્ટેશન બહુ ખર્ચાળ છે. નાસા આર્ટેમિસ પ્રોગ્રામમાં આગળ વધી રહી છે.”

માનવજાતના ઇતિહાસની સૌથી મોંઘો પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, NASA
નાસા આંતરરાષ્ટ્રીય ભાગીદારોની મદદથી ચંદ્રની નજીક એક નવું સ્પેસ સ્ટેશન બનાવવા માગે છે, જે લુનર ગેટવે તરીકે ઓળખાશે. તેનું નિર્માણ આ દાયકાના અંતે શરૂ થઈ શકે છે. તેનું કદ આઈએસએસ જેવડું નહીં હોય, પરંતુ ચંદ્ર અને તેનાથી આગળની ભાવિ હ્યુમન સ્પેસ ફ્લાઇટનો મહત્ત્વનો હિસ્સો બની શકે છે તેમજ ચંદ્ર પર જતા અને પાછા આવતા અવકાશયાત્રીઓ માટે ચોકી બની શકે છે.
એક એવી શક્યતા પણ છે કે આઈએસએસનો સંપૂર્ણ નાશ નહીં થાય. કેટલીક કંપનીઓ માને છે કે આઈએસએસને પૃથ્વી પર પાછું લાવવું એ તો ખર્ચેલાં નાણાંનો વેડફાટ કહેવાય. તેના કેટલાંક મોડ્યુલ્સ અને સંસાધનોનો અવકાશમાં ફરી ઉપયોગ કરી શકાય. પોતે આવા વિચારને આવકારે છે, એવું નાસાએ હજુ સુધી કહ્યું નથી, પરંતુ આઈએસએસને પૃથ્વી પર પાછું લાવવાની સમયમર્યાદા નજીક આવે ત્યારે એ તેનો વિચાર બદલી શકે છે.
અમેરિકાની સિસિલુનર ઇન્ડસ્ટ્રીઝના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગેરી કેલન કહે છે, “આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ સ્પેસ સ્ટેશનને સમુદ્રમાં ડુબાડી દેવાય એવું ઇચ્છતી નથી.” આ સ્પેસ સ્ટેશનના હિસ્સાઓના પુનઃઉપયોગની એક દરખાસ્ત સિસિલુનર અને અન્ય અનેક કંપનીઓએ 2022ના અંતમાં વ્હાઇટ હાઉસ સમક્ષ રજૂ કરી હતી. તેમાં કેટલીક ધાતુને ઓગાળવાના અને તેનાં કેટલાંક મોડ્યુલ્સના પુનઃઉપયોગનો સમાવેશ થાય છે. ગેરી કેલન કહે છે, “વ્હાઇટ હાઉસને તે વિચાર ગમ્યો હતો. વર્તમાન વહીવટીતંત્રના રીયુઝ તથા સર્ક્યુલર ઇકૉનૉમીના રાજકારણ સાથે તે સુસંગત છે.”
2031માં આઈએસએસ પ્રોજેક્ટનો અંત આવશે તે નક્કી છે, પછી ભલે તે આગની જ્વાળામાં ભસ્મીભૂત થઈ જાય કે અન્ય ઉપયોગ માટે તેને તોડી પાડવામાં આવે. તેના સ્થાને અન્ય નાનાં અવકાશમથકો બની શકે, જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં માનવજાતની ઉપસ્થિતિ યથાવત્ રાખી શકે. તેમાંથી અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગલાં માંડી શકે. આઈએસએસ એક પ્રભાવશાળી વારસો છોડી જશે, પરંતુ ઐતિહાસિક તવારીખમાં તે માત્ર શરૂઆત હશે.
લેવિસ કહે છે, “તે પુરવાર કરશે કે આપણને રાષ્ટ્રવાદ અને સરહદ પ્રત્યે ઘેલછા ભલે હોય, પરંતુ આપણે સાથે મળીને કામ કરવા સક્ષમ છીએ, આપણે આ કરી શકીએ છીએ. આપણે આ સમૃદ્ધિમાં ભાગીદાર બની શકીએ છીએ.”














