અમેરિકાનો ચંદ્ર પર બૉમ્બ ફોડવાનો એ પ્લાન જેણે આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી

પરમાણુ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માર્ક પિસિંગ
    • પદ, બીબીસી ફ્યુચર

સોવિયેટ સંઘ 1950ના દાયકામાં અંતરિક્ષમાં સફળતા મેળવવાની હોડમાં દેખીતી રીતે આગળ નીકળી રહ્યો હતો અને ત્યારે અમેરિકાના વિજ્ઞાનીઓએ એક અનોખી યોજના બાબતે વિચારવાનું શરૂ કર્યું હતું. એ યોજના ચંદ્ર પર અણુબૉમ્બ વિસ્ફોટ કરીને સોવિયેટ સંઘને ડરાવવાની હતી.

અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા 1969માં ચંદ્ર પર પહેલું ડગલું ભરવાની ક્ષણ માનવ ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણો પૈકીની એક છે, પરંતુ જે ચંદ્રની સપાટી પર આર્મસ્ટ્રોંગે ડગલાં ભર્યાં હતાં તેના પર મોટા ખાડા પડી ગયા હોત અને અણુબૉમ્બ વિસ્ફોટને કારણે તેનું વાતાવરણ ઝેરીલું બની ગયું હોત તો શું થાત?

મેં ‘અ સ્ટડી ઑફ લૂનર રિસર્ચ ફ્લાઈટ્સ, પાર્ટ-1’ નામનું રિસર્ચ પેપર વાંચવાનું શરૂ કર્યું, ત્યારે તે મને ઉપરથી એકદમ વહીવટી અને શાંતિપૂર્ણ જણાયું હતું. શિર્ષક વાંચ્યા પછી તમે તેની અવગણના આસાનીથી કરી શકો અને તેના લેખકો પણ કદાચ એવું જ ઇચ્છતા હતા.

અલબત, તેના મુખપૃષ્ટ પરની તસવીરને જોતાં જ પરિસ્થિતિ બદલાઈ જાય છે. તેમાં એક અણુ, એક અણુબૉમ્બ અને મધ્યમાં એક મશરૂમ ક્લાઉડ (અણુવિસ્ફોટ પછી સર્જાતા વાદળનું કાલ્પનિક ચિત્ર) વાસ્તવમાં ન્યૂ મૅક્સિકો ખાતેના કર્ટલૅન્ડ ઍરફૉર્સ બેઝના સ્પેશિયલ વેપન્સ સેન્ટરનું પ્રતીકચિહ્ન છે. આ સેન્ટરે અણુશસ્ત્રોના પરીક્ષણ તથા વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તસવીરની નીચે લેખકનું નામ છે : એલ. રીફેલ યા લેનર્ડ રેફેલ. તેમને અમેરિકાના લોકપ્રિય અણુવિજ્ઞાની માનવામં આવે છે. આ ભૌતિક વિજ્ઞાનીએ એનરિકો ફર્મી સાથે કામ કર્યું હતું, જેમણે વિશ્વનું સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટર બનાવ્યું હતું. એનરિકો ફર્મીને અણુબૉમ્બના જનક પણ માનવામાં આવે છે.

‘પ્રોજેક્ટ એ 119’ નામની એ યોજનામાં ઉપરોક્ત દરખાસ્ત અત્યંત ગુપ્ત રહસ્ય તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી. તે ચંદ્ર પર હાઇડ્રોજન બૉમ્બ ઝીંકવાની યોજના હતી.

અહીં એ યાદ રાખવું જોઈએ કે હાઇડ્રોજન બૉમ્બને, 1945માં હિરોશિમા પર ઝીંકવામાં આવેલા અણુબૉમ્બ કરતાં પણ વધુ વિનાશકારક માનવામાં આવે છે અને ન્યુક્લિયર ડિઝાઈનના સંદર્ભમાં એ વખતે તે અત્યાધુનિક હતો.

વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રોજેક્ટના ઝડપભેર અમલની મંજૂરીનો આદેશ આપ્યા બાદ રેફેલે મે, 1958 અને જાન્યુઆરી, 1959 દરમિયાન આ પ્રોજેક્ટનો અમલ શક્ય હોવાનો અહેવાલ આપ્યો હતો.

બીબીસી ગુજરાતી

અમેરિકાએ 1952માં હાઇડ્રોજન બૉમ્બનો પહેલીવાર કર્યો પ્રયોગ

અમેરિકાને ચિંતા થઈ રહી હતી કે સોવિયત સંઘ મિસાઇલ ટેકનૉલૉજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અત્યંત વિનાશકારક પ્રોજેક્ટના પ્લાનિંગમાં સામેલ એક વિજ્ઞાની આગળ જતાં ખ્યાતિ પામનારી વ્યક્તિ કાર્લ સેગન હતા તે યોગાનુયોગ છે. કાર્લ સેગને 1990માં એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કરેલી અરજીમાં તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે આવો કોઈ પ્રોજેક્ટ રચાયો હોવાની જાણ દુનિયાને સૌપ્રથમવાર પડી હતી.

એક તરફ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ચંદ્ર વિશેના કેટલાક મૂળભૂત સવાલોના જવાબ મેળવવાનો હતો, જ્યારે બીજી તરફ તેનો વાસ્તવિક હેતુ શક્તિપ્રદર્શનનો હતો. ચંદ્રની ઊજળી અને અંધારી બાજુ વચ્ચેની સીમાને ટર્મિનેટર લાઈન કહેવામાં આવે છે. તે બૉમ્બ વિસ્ફોટ ટર્મિનેટર લાઈન પર થવાનો હતો.

તેનો હેતુ એવો જોરદાર પ્રકાશ સર્જવાનો હતો, જે કોઈ ઉપકરણ વિના પૃથ્વી પર ગમે ત્યાંથી જોઈ શકાય અને ખાસ કરીને રશિયા જોઈ શકે. ચંદ્ર પરના એ પ્રદેશમાં અવકાશને કારણે મશરૂમ ક્લાઉડ સર્જાવાની શક્યતા નહોતી. આ અત્યંત ભયાનક યોજના રજૂ કરવાનું સમજી શકાય તેવું કદાચ એક જ કારણ હતું અને તે કારણ એ સમયે રશિયા કરતાં વધુ સારું કામ ન કરી શકવાને લીધે સર્જાયેલી અસલામતીની ભાવના તથા બેચેની હતું.

અમેરિકા શીતયુદ્ધ જીતી જશે એવું 1950માં લાગતું ન હતું. અમેરિકામાં રાજકીય અને સામાન્ય મત એવો હતો કે અણુશસ્ત્રો બનાવવાની બાબતમાં સોવિયેટ યુનિયન અમેરિકાથી આગળ છે. ખાસ કરીને અણુશસ્ત્રોના વિકાસ, અણુબૉમ્બ અને મિસાઈલોની સંખ્યાની બાબતમાં અમેરિકા કરતાં રશિયા ઘણું આગળ હતું.

અમેરિકાએ 1952માં હાઇડ્રોજન બૉમ્બનો પ્રયોગ પહેલીવાર કર્યો હતો. તેના ત્રણ વર્ષ પછી સોવિયેટ સંઘે હાઇડ્રોજન બૉમ્બનો પ્રયોગ કરીને વોશિંગ્ટનને આશ્ચર્યચકિત કર્યું હતું. સોવિયેટ સંઘ 1957માં પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવતો સ્પુતનિક-1 ઉપગ્રહ લૉન્ચ કરીને અંતરિક્ષની સ્પર્ધામાં અગ્રેસર બની ગયો હતો.

સ્પુતનિકના લૉન્ચિંગ પહેલાં સોવિયેટ સંઘે ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઈલ લૉન્ચ કર્યું હતું અને કૃત્રિમ ચંદ્ર લૉન્ચ કરવાના અમેરિકાના પ્રયોગ પર એક મોટા વિસ્ફોટને કારણે પાણી ફરી વળ્યું હતું. એ વિસ્ફોટ તથા તેના વેંગાર્ડ રૉકેટને લીધે લાગેલી આગનો વીડિયો સમગ્ર વિશ્વમાં દેખાડવામાં આવ્યો હતો.

એ સમયના એક બ્રિટિશ ન્યૂઝ રીલમાં ખૂંચે તેવી વાત કહેવામાં આવી હતીઃ “ધ વેંગાર્ડ નિષ્ફળ ગયું છે. આ નિશ્ચિત રીતે એક મોટો ફટકો છે, ખાસ કરીને દુષ્પ્રચાર અને પ્રતિષ્ઠાના સમયમાં.”

બીબીસી ગુજરાતી

પ્રોજેક્ટ એ-119 સ્પૂતનિકના લૉન્ચ વિરુદ્ધના અનેક વિચારોમાંથી એક

વર્ષ 1957માં સોવિયેત સંઘે સ્પૂતનિક ઉપગ્રહ લૉન્ચ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા એ સમયે સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ‘ડક ઍન્ડ કવર’ નામની ઇન્ફર્મેશન ફિલ્મ દેખાડતું હતું. એ ફિલ્મમાં 'બર્ટ' નામનો એક એનિમેટેડ કાચબો, અણુહુમલો થાય ત્યારે શું કરવું તેની માહિતી બાળકોને આપવામાં મદદ કરતો હતો. એ વર્ષે અમેરિકાનાં અખબારોમાં એક વરિષ્ઠ ગુપ્ત સ્રોતને ટાંકીને એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સોવિયેટ યુનિયન સાતમી નવેમ્બરે ક્રાંતિની વર્ષગાંઠ નિમિત્તે ચંદ્ર પર હાઇડ્રોજન બૉમ્બ ફેંકવાની યોજના બનાવી રહ્યું છે.

એ સમાચાર ઓહાયોના ‘ધ ડેઈલી ટાઈમ્સ’ ન્યૂ ફિલાડેલ્ફિયા અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એ પછી એવા સમાચાર પણ આવ્યા હતા કે અમેરિકાની સૌથી નજીકના પાડોશી દેશ પર અણુશસ્ત્રોથી સજ્જ રૉકેટ વડે હુમલો કરવાની યોજના સોવિયેટ સંઘ ઘડી રહ્યો છે. શીતયુદ્ધ સંબંધી આવી અફવાઓ કેવી રીતે ફેલાઈ હતી અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી તે કોઈ જાણતું નથી.

આશ્ચર્યની વાત એ છે કે એ ભયને લીધે સોવિયેટ સંઘ પણ એવી યોજના બનાવવા મજબૂર બન્યું હતું. તે યોજનાનું ગુપ્ત નામ ‘ઈ ફોર’ રાખવામાં આવ્યું હતું અને તે અમેરિકાની યોજનાની કાર્બન કૉપી હતી.

એ યોજના નિષ્ફળ થાય તો બૉમ્બનો વિસ્ફોટ સોવિયેટ ધરતી પર પણ થઈ શકે એવા કારણસર સોવિયેટ સંઘે પણ તે યોજના પડતી મૂકી હતી. તેમણે એવું તારણ કાઢ્યું હતું કે તેને લીધે ‘અત્યંત બિનજરૂરી આંતરરાષ્ટ્રીય દુર્ઘટના’ સર્જાવાનો ભય છે. તેને ચંદ્ર પર મોકલવાનું કામ જંગી છે તેની ખબર કદાચ તેમની પડી ગઈ હતી. જોકે, પ્રોજેક્ટ એ-119 સફળ થવાની શક્યતા પણ હતી.

આ વાત રેફેલે વર્ષ 2000માં કહી હતી. આ યોજના “ટેકનિકલી શક્ય” હોવાની અને તેનો વિસ્ફોટ ધરતી પરથી સ્પષ્ટ દેખાઈ શકે તેની પુષ્ટિ તેમણે કરી હતી. વિજ્ઞાનીઓની આશંકા છતાં અમેરિકન ઍરફૉર્સને એ વાતની બહુ ચિંતા ન હતી કે હાઇડ્રોજન બૉમ્બના વિસ્ફોટને લીધે ચંદ્રનું સ્વચ્છ વાતાવરણ ખરાબ થઈ જશે.

વિજ્ઞાન અને પરમાણુ ટેકનૉલૉજીના ઇતિહાસ ક્ષેત્રે કામ કરી ચૂકેલા ઍલેક્સ વેલર્સટીનના કહેવા મુજબ, પ્રોજેક્ટ એ-119, સ્પૂતનિકના લૉન્ચ વિરુદ્ધના અનેક વિચારોમાંથી એક હતો. તેમણે કહ્યું હતું કે, “તેમાં સ્પૂતનિકને શૂટ કરવાની યોજના પણ હતી એ સાંભળવાનું બહુ ખરાબ લાગે છે. તેઓ તે લોકોને પ્રભાવિત કરવા માટે ઉપયોગી કલ્પના ગણતા હતા.”

“આખરે તેમણે પોતાનો ઉપગ્રહ બનાવવા વિચાર્યું હતું અને તેમાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ આ પ્રોજેક્ટનું કામ તેમણે ઘણી ગંભીરતા સાથે 1950ના અંત સુધી ચાલુ રાખ્યું હતું.”

તેમણે ઉમેર્યું હતું કે, “આ બધું અમેરિકાના એ સમયના વિચારોને જાણવામાં મદદરૂપ થાય છે. તે વાસ્તવમાં એક પ્રભાવશાળી ચીજ બનાવવાનો પ્રયાસ હતો. મારા મતે, એ પ્રભાવશાળી જ નહીં, પરંતુ ડરામણો પણ હતો.” તેમને કહેવા મુજબ, “એ કામમાં સામેલ વ્યક્તિ પોતાની મરજીથી કામ કરતો હોય છે. તેને એ કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી. તેમને ડર હોય તો બીજા લાખો લોકો એ કામ કરી શકતા હતા. અનેક વિજ્ઞાનીઓએ શીતયુદ્ધ દરમિયાન એવું કર્યું હતું અને પછી એવું કહ્યું હતું કે ભૌતિકશાસ્ત્ર બહુ રાજકીય બની ગયું છે.”

બીબીસી ગુજરાતી

પ્રોજેક્ટ એ-119ની વિગત આજે પણ એક કોયડો

અમેરિકાએ વર્ષ 1957માં પોતાનો ઉપગ્રહ સ્પેસમાં પહોંચાડવાના પ્રયાસો કર્યા, પરંતુ તેને લઈ જનારું વેનગાર્ડ રૉકેટ લૉન્ચ થતાં જ ઊડી ગયું

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, આ વલણ બાબતે વિયેતનામ યુદ્ધ સુધી વધારે આત્મનિરીક્ષણ થયું હશે.

અંતરિક્ષની પશ્ચાદભૂમાં આંતરરાષ્ટ્રીય સંબંધ વિશે વાત કરતાં બ્લેડિન બોવેને કહ્યું હતું કે, “પ્રોજેક્ટ એ-119 મને કાર્ટૂન શ્રેણી 'ધ સિમ્પસન્સ'ના એક એપિસોડની યાદ અપાવે છે. તેમાં નેલ્સનના રૂમની દિવાલ પર 'ન્યૂક ધ વ્હેલ્સ'નું પોસ્ટર જુએ છે અને કહે છે કે તમારે કોઈ ચીજ પર અણુબૉમ્બ ફેંકવો છે.”

બોવેને ઉમેર્યું હતું કે, “એ બહુ ગંભીર અભ્યાસ હતો, પરંતુ તેમને જરૂરી ફંડિંગ ન મળ્યું, તેના પર ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું ત્યારે તેમણે અંતરિક્ષનો અભ્યાસ પડતો મૂક્યો હતો.

1950ના અંત અને 1960ની શરૂઆતમાં અંતરિક્ષ સંબંધે પાગલપણાનો સમય હતો, કારણ કે અંતરિક્ષ યુગનું ભવિષ્ય શું હશે એ ત્યારે કોઈ જાણતું ન હતું.”

તેમના કહેવા મુજબ, “ચંદ્ર પર પહોંચવાની આવી પરિસ્થિતિ બીજીવાર સર્જાશે તો તેને વૈશ્વિક કાયદાકીય વ્યવસ્થાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને એ બાબતે વિશ્વના તમામ દેશ સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે.” આંતરરાષ્ટ્રીય સહમતિ છતાં આ પ્રકારના પ્રોજેક્ટ ભવિષ્યમાં આકાર પામી શકે?

બોવેને કહ્યું હતું કે, “મેં પેન્ટાગોન વગેરે પાસેથી આવી કેટલીક વાતો સાંભળી છે. તેમાં ચંદ્ર પરના વાતાવરણ વિશે શોધ કરી શકાય એટલા માટે અમેરિકન સ્પેસ ફોર્સના મિશનની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.”

બોવેનના જણાવ્યા અનુસાર, “ચીનમાંનો એક વર્ગ આ પ્રકારના વિચારોને ઉત્તેજન આપતો હોય તો તેનાથી મને જરાય આશ્ચર્ય નહીં થાય, કારણ કે તેઓ ચંદ્રને આકર્ષક ચીજ માને છે અને તેવા વિચાર ધરાવતા લોકો સૈન્યમાં કામ કરે છે.” પ્રોજેક્ટ એ-119ની વિગત આજે પણ એક કોયડો છે. તેના તમામ રેકૉર્ડ નષ્ટ કરી નાખવામાં આવ્યા હોય એવું લાગે છે.

આ ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે જેનું શિર્ષક આકર્ષક ન હોય તેવા એકેય રિસર્ચ પેપરની અવગણના ન કરવી જોઈએ. એ રિસર્ચ પેપરનો અભ્યાસ જરૂર કરવો જોઈએ.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી