હોમી ભાભા : ભારત અણુબૉમ્બ ના બનાવી શકે એ માટે અમેરિકાએ 116 મુસાફરો સાથેનું વિમાન તોડી પાડ્યું હતું?

ઇમેજ સ્રોત, TIFR
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
હોમી ભાભા 1966ની 23 જાન્યુઆરીએ આખો દિવસ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) ખાતેની પોતાની ઓફિસના ચોથા માળે કામમાં વ્યસ્ત રહ્યા હતા.
તેમના સહયોગી એમ.જી.કે. મેનને એ દિવસને યાદ કરતાં કહ્યું હતું કે “એ દિવસે હોમી ભાભાએ મારી સાથે લગભગ બે કલાક વાત કરી હતી. તેમણે મને જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ તેમને ફોન કર્યો હતો. ઇન્દિરા ગાંધી ચાર દિવસ પહેલાં જ વડાં પ્રધાન બન્યાં હતાં. તેમણે ભાભાને જણાવ્યું હતું કે તમે વિજ્ઞાન તથા ટેકનૉલૉજીની દરેક બાબતમાં મને મદદ કરો એવું હું ઇચ્છું છું.
હોમી ભાભાએ તે જવાબદારી સ્વીકારી હોત તો તેમણે દિલ્હી શિફ્ટ થવું પડ્યું હોત. હોમી ભાભાએ મને જણાવ્યું હતું કે તેમણે ઇન્દિરા ગાંધીની ઑફર સ્વીકારી લીધી છે. તેમણે મને કહ્યું હતું કે 'વિયેનાથી પાછા ફર્યા બાદ હું તમને ટીઆઇએફઆરના ડિરેક્ટર બનાવવાની દરખાસ્ત કાઉન્સિલ સમક્ષ રજૂ કરીશ.'
હોમી ભાભાના ભાઈ જમશેદ, માતા મેહરબાઈ, જેઆરડી ટાટા, મિત્ર પિર્સી વાડિયા અને તેમના દાંતના ડોક્ટર ફલી મહેતા પણ ઇન્દિરા ગાંધીની ઑફરની વાતથી વાકેફ હતાં.
તાજેતરમાં પ્રકાશિત હોમી ભાભાની જીવનકથા ‘હોમી ભાભા, અ લાઈફ’માં લેખક બખ્તિયાર કે. દાદાભોયે લખ્યું છે, “ઇન્દિરા ગાંધીએ શું ઓફર કરી હતી એ ભાભાએ સ્પષ્ટ રીતે મેનને જણાવ્યું ન હતું, પરંતુ મેનને ધાર્યું હતું કે ઇન્દિરા ગાંધીએ હોમી ભાભાને કેબિનેટ પ્રધાન બનાવવાની ઓફર કરી હતી.”

પહાડ સાથે ટકરાયું ભાભાનું વિમાન

ઇમેજ સ્રોત, Getty Images
હોમી ભાભા વિયેના જવા માટે 1966ની 24 જાન્યુઆરીએ ઍર ઇન્ડિયાની ફ્લાઈટ 101માં બેઠા હતા. એ જમાનામાં મુંબઈથી વિયેનાની સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નહોતી. તેથી લોકોએ જીનિવામાં ફ્લાઇટ બદલીને વિયેના જવું પડતું હતું. ભાભાએ જીનિવા જતી ફ્લાઇટમાં એક દિવસ પહેલાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તેમણે કોઈ કારણસર એ દિવસે પ્રવાસ કરવાનું ટાળ્યું હતું.
ઍર ઇન્ડિયાનું કાંચનજંઘા નામનું બોઈંગ-707 24 જાન્યુઆરીની સવારે 7.02 વાગ્યે મોંબ્લાં પર્વત પર 4807 મીટરની ઊંચાઇ પર ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
એ વિમાન દિલ્હી, બૈરુત થઈને જીનિવા જઈ રહ્યું હતું. એ દુર્ઘટનામાં તમામ 106 પ્રવાસી અને 11 વિમાનકર્મી માર્યા ગયા હતા. ઍર ઇન્ડિયાનું મલબાર પ્રિન્સેસ નામનું એક અન્ય વિમાન નવેમ્બર, 1950માં જે જગ્યાએ ક્રેશ થયું હતું, લગભગ એ જ જગ્યાએ કાંચનજંઘા પણ ક્રેશ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલબાર પ્રિન્સેસ અને કાંચનજંઘા બન્ને વિમાનનો કાટમાળ તથા તેમાં પ્રવાસ કરી રહેલા લોકોના મૃતદેહ ક્યારેય મળ્યા નહોતા. એ વિમાનના બ્લેક બૉક્સ પણ મળ્યાં નહોતાં. ખરાબ હવામાનને કારણે પ્લેનનો કાટમાળ શોધવાનું કામ અટકાવી દેવું પડ્યું હતું.
ફ્રેન્ચ તપાસ સમિતિએ સપ્ટેમ્બર, 1966માં તપાસ ફરી શરૂ કરી હતી અને માર્ચ, 1967માં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે “પહાડ પર ભારે બરફવર્ષા અને પાઇલટ તથા ઍર ટ્રાફિક કંટ્રોલર વચ્ચેની ગેરસમજને કારણે એ અકસ્માત થયો હતો. વિમાનના કમાન્ડરે મોંબ્લાં અને પોતાના વિમાન વચ્ચેના અંતરનો ખોટો અંદાજ બાંધ્યો હતો. વિમાનમાં એક રિસીવર પણ કામ કરતું ન હતું.”
ભારત સરકારે ફ્રેન્ચ તપાસ અહેવાલ સ્વીકારી લીધો હતો.

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ

ઇમેજ સ્રોત, TIFR
હોમી ભાભાએ માત્ર 56 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમને કૉસ્મિક કિરણો વિશેના કામ માટે યાદ કરવામાં આવે છે. એ કામ બદલ તેમને નોબલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ ભાભાએ અસલી યોગદાન ભારતના અણુઊર્જા કાર્યક્રમ તથા ટાટા ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં આપ્યું હતું.
ભાભાના અચાનક મૃત્યુને કારણે આખા દેશને આઘાત લાગ્યો હતો. એ સમયના સૌથી મોટા ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટા માટે ભાભાનું મૃત્યુ બેવડા ફટકા સમાન હતું. તેમના સાળા ગણેશ બર્ટોલી ઍર ઇન્ડિયાના યુરોપના રિજનલ ડિરેક્ટર હતા. તેઓ પણ એ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા.
ભાભાએ પ્લેનમાં બેસવાના બે દિવસ પહેલાં જ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની શોકસભાનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. એવું કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રીએ પણ ભાભાએ પોતાની કૅબિનેટમાં સામેલ કરવાની ઑફર કરી હતી, પરંતુ ત્યારે ભાભાએ રાજકીય પદને બદલે વિજ્ઞાની તરીકે કાર્યરત રહેવાનો નિર્ણય કર્યો હતો.

ભાભાના મોતમાં સીઆઇએનો હાથ?

ઇમેજ સ્રોત, TIFR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વિડિશ પર્વતારોહક ડેનિયલ રોશને આલ્પ્સ પહાડ પરથી 2017માં એક વિમાનનો કાટમાળ મળ્યો હતો, તે કાટમાળ, હોમી ભાભા જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તેનો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
એ દુર્ઘટના સંબંધી કાવતરામાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએ સામેલ હોવાનું અનુમાન છે. 2008માં પ્રકાશિત ‘કોન્વર્સેશન વિથ ધ ક્રો’ નામના પુસ્તકમાં સીઆઇએના ભૂતપૂર્વ અધિકારી રૉબર્ટ ક્રોલી અને પત્રકાર ગ્રેગરી ડગલસ વચ્ચેની કથિત વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેનાથી લોકોને શંકા પડી હતી કે તે દુર્ઘટનામાં સીઆઇએનો હાથ હતો.
સીઆઇએમાં ક્રોલી ‘ક્રો’ નામે ઓળખાતા હતા અને તેમણે સમગ્ર કારકિર્દી દરમિયાન સીઆઇએના પ્લાનિંગ ડિરેક્ટોરેટમાં કામ કર્યું હતું, જેને 'ડિપાર્ટમેન્ટ ઑફ ડર્ટી ટ્રિક્સ' પણ કહેવામાં આવતું હતું.
ક્રોલી ઑક્ટોબર, 2008માં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે ડગલસ સાથે અનેક વખત વાત કરી હતી. તેમણે ડગલસને દસ્તાવેજો ભરેલાં બે બૉક્સ મોકલાવ્યાં હતાં અને પોતાના મૃત્યુ બાદ તેને ખોલવાની સૂચના ડગલસને આપી હતી.
ડગલસ સાથે 1996ની પાંચમી જુલાઈએ થયેલી વાતચીતમાં ક્રોલીને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે “સાઠના દાયકામાં ભારતે અણુબૉમ્બની દિશામાં કામ શરૂ કર્યું ત્યારથી તેની સાથેની અમારી મુશ્કેલીની શરૂઆત થઈ હતી. ભારત એવું દેખાડવાનો પ્રયાસ કરતું હતું કે તે કેટલું ચાલાક છે અને ટૂંક સમયમાં વિશ્વની એક મોટી શક્તિ બની જશે. બીજી વાત એ હતી કે ભારતનો સોવિયેટ સંઘ સાથેનો સંબંધ વધારે પડતો ગાઢ થઈ રહ્યો હતો.”
એ પુસ્તકમાં ક્રોલીએ ભાભા વિશે કહ્યું હતું કે “ભાભા ભારતના અણુ કાર્યક્રમના જનક છે અને તેઓ અણુબૉમ્બ બનાવવા સંપૂર્ણપણે સક્ષમ હતા. ભાભાને આ સંદર્ભે ઘણીવાર ચેતવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું. ભાભાએ સ્પષ્ટ કરી દીધું હતું કે વિશ્વની કોઈ તાકાત તેમને તથા ભારતને અણુશક્તિ ધરાવતા અન્ય દેશોનું સમોવડિયું બનતા રોકી શકશે નહીં. તેઓ અમારા માટે ખતરો બની ગયા હતા. તેમના બોઇંગ-707ના કાર્ગો હોલ્ડમાં રાખવામાં આવેલા બૉમ્બનો વિસ્ફોટ થવાને કારણે તેમનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.”

ભાભા સાથે 116 લોકો મૃત્યુ પામ્યા

ઇમેજ સ્રોત, BASILISK PRESS
એ પુસ્તકમાં જણાવ્યા મુજબ, ક્રોલીએ એવી ડંફાસ પણ મારી હતી કે પ્લેન વિયેના પર હોય ત્યારે તેમાં વિસ્ફોટ કરવાનું પહેલાં નક્કી થયું હતું, પરંતુ બાદમાં એવું નક્કી થયું હતું કે ઊંચા પહાડ પર વિસ્ફોટ કરવામાં આવશે તો નુકસાન ઓછું થશે. એક મોટા શહેર પર મોટું વિમાન તૂટી પડી તેની સરખામણીએ તે પહાડ પર તૂટી પડે તો ઓછું નુકસાન થાય એવું મને લાગે છે, એમ ક્રોલીએ જણાવ્યુ હતું. સીઆઇએમાં ક્રોલીને સોવિયેટ સંઘની ગુપ્તચર એજન્સી કેજીબીના નિષ્ણાત માનવામાં આવતા હતી.
આ પુસ્તકમાં તેમને એવું કહેતા પણ ટાંકવામાં આવ્યા છે કે “વાસ્તવમાં લાલ બહાદુર શાસ્ત્રી ભારતનો અણુ કાર્યક્રમ શરૂ કરવા ઇચ્છતા હતા. તેથી અમે તેમનાથી પણ છુટકારો મેળવ્યો હતો. હોમી ભાભા જીનિયસ હતા અને અણુબૉમ્બ બનાવવાની ક્ષમતા પણ ધરાવતા હતા એટલે અમે એ બન્નેથી છુટકારો મેળવ્યો હતો. ભાભાના મૃત્યુ પછી ભારત શાંત થઈ ગયું હતું.”
ભાભાની જીવનકથાના લેખક દાદાભોયે લખ્યું છે કે “ઇટાલીના ક્રુડના વેપારી એનરિકો મેટીના માફક ભાભાનું મૃત્યુ થયું હતું. મેટીએ ઇટાલીના સૌપ્રથમ પરમાણુ રિએક્ટરનું કામ શરૂ કરાવ્યું હતું અને સીઆઈએએ તેમના ખાનગી જહાજમાં કથિત રીતે તોડફોડ કરાવીને તેમની હત્યા કરાવી હતી. આ આશ્ચર્યજનક દાવાની પુષ્ટિ ક્યારેય થઈ શકી નથી. તેનું સત્ય ક્યારેય બહાર ન આવે એ પણ શક્ય છે. ગ્રેગરી ડગલસને વધુમાં વધુ એક અવિશ્વસનીય સ્રોત માની શકાય. ભારત અણુબૉમ્બ બનાવે એવું અમેરિકા ભલે ન ઇચ્છતું હોય, પરંતુ એક વ્યક્તિની હત્યા માટે 117 લોકોના જીવ લેવાની વાત સમજી શકાય તેવી નથી.”

અણુબોમ્બ બાબતે ભાભા અને શાસ્ત્રી વચ્ચે મતભેદ

ઇમેજ સ્રોત, RUPA
હોમી ભાભાએ 1964ની 24 ઑક્ટોબરે પરમાણુ નિઃશસ્ત્રીકરણ બાબતે આકાશવાણી પર વાત કરતાં કહ્યુ હતું કે “50 અણુબૉમ્બ બનાવવા માટે માત્ર રૂ. 10 કરોડનો ખર્ચ થશે અને બે મેગાટનના 50 બનાવવા માટે રૂ. 15 કરોડથી વધુ ખર્ચ નહીં થાય. ઘણા દેશોના સૈન્ય બજેટને ધ્યાનમાં લેતાં આ ખર્ચ બહુ મામૂલી છે.”
જવાહરલાલ નહેરુના ઉત્તરાધિકારી લાલ બહાદુર શાસ્ત્રી પાક્કા ગાંધીવાદી હતા અને અણુશસ્ત્રો સામેનો તેમનો વિરોધ જગજાહેર હતો. તે પહેલાં સુધી ભાભા નહેરુની નજીક હોવાને કારણે અણુનીતિની બાબતમાં તેમના કહેવા મુજબ જ બધું થતું રહ્યું હતું, પરંતુ શાસ્ત્રી વડા પ્રધાન બન્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
બખ્તિયાર દાદાભોયે લખ્યું છે કે “પોતે વડા પ્રધાનની ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધા વિના પ્રવેશી ન શકતા હોવાને કારણે ભાભા બહુ પરેશાન હતા. ભાભા જે સમજાવવા ઇચ્છતા હતા એ બધું સમજવામાં શાસ્ત્રીને મુશ્કેલી થતી હતી. ચીનના પરમાણુ પરીક્ષણ પહેલાં ભાભાએ 1964ની આઠમી
ઑક્ટોબરે યુકેમાં જાહેરાત કરી દીધી હતી કે ભારત સરકાર નિર્ણય લીધાના 18 મહિનામાં અણુબૉમ્બનું પરીક્ષણ કરી શકે છે.”
એ બાબતે ટિપ્પણી કરતાં લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે “અણુઊર્જાના શાંતિમય ઉપયોગની વિરુદ્ધ હોય તેવો કોઈ પણ પ્રયોગ નહીં કરવાનો કડક આદેશ પરમાણુ પ્રબંધનને આપવામાં આવ્યો છે.”

ભાભાએ શાસ્ત્રીને મનાવી લીધા

ઇમેજ સ્રોત, TIFR
એ ઘટનાના થોડા સમય પછી ભાભાએ શાસ્ત્રીને અણુઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે મનાવી લીધા હતા.
જાણીતા અણુ-વિજ્ઞાની રાજા રમન્નાએ ઇન્દિરા ચૌધરીને આપેલી મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે “અણુબૉમ્બ બનાવવો કે નહીં એ બાબતે અમારી વચ્ચે ચર્ચા થતી ન હતી. એ કેવી રીતે બનાવવો તે અમારા માટે મહત્ત્વનું હતું. અમારા માટે તે આત્મસન્માનની વાત હતી. ડેટરન્સની વાત તો બહુ પાછળથી આવી. ભારતીય વિજ્ઞાનીઓ તરીકે અમે અમારા પશ્ચિમી સમોવડિયાઓને દેખાડી આપવા ઇચ્છતા હતા કે અમે આ પણ કરી શકીએ છીએ.”
આ મામલે અમેરિકા તરફથી કોઈ મદદ નહીં મળે તેને ધ્યાનમાં રાખીને ભાભાએ એપ્રિલ, 1965માં 'ન્યુક્લિયર ઍક્સપ્લોઝન ફૉર પીસફૂલ પર્પસીઝ' નામનું એક નાનકડું જૂથ બનાવ્યું હતું અને રાજા રામન્નાને તેના વડા બનાવ્યા હતા.
બખ્તિયાર દાદાભોયે લખ્યું છે કે “લાલ બહાદુર શાસ્ત્રીએ ડિસેમ્બર, 1965માં ભાભાને શાંતિપૂર્ણ હેતુ માટે અણુ વિસ્ફોટનું કામ ઝડપી બનાવવા જણાવ્યું હતું. એ દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું ભાભાએ તેમને જણાવ્યું ત્યારે શાસ્ત્રીએ કહ્યું હતું કે તમે તમારું કામ ચાલુ રાખજો, પણ તેના માટે કૅબિનેટની મંજૂરી વિના કોઈ પ્રયોગ કરશો નહીં.”

શાસ્ત્રી અને ભાભા બન્નેનું એક પખવાડિયામાં મોત

ઇમેજ સ્રોત, DRDO
લાલ બહાદુર શાસ્ત્રી 1966ની 11 જાન્યુઆરીએ તાશ્કદંમાં અચાનક મૃત્યુ પામ્યા હતા. તેમનાં ઉત્તરાધિકારી ઇન્દિરા ગાંધીને ભાભાની સેવા લેવા માટે વધુ સમય મળ્યો ન હતો, કારણ કે ઇન્દિરા ગાંધીએ વડાં પ્રધાન તરીકે શપધ લીધા પછી 24 જાન્યુઆરીએ જ ભાભાનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
શાસ્ત્રી અને ભાભા બન્ને એક જ પખવાડિયામાં મૃત્યુ પામ્યા હતા. અણુબૉમ્બ સંબંધી નિર્ણયોની સત્તાવાર નોંધ કરવામાં આવતી ન હતી. તેથી શાસ્ત્રી અને ભાભા વચ્ચે ક્યા મુદ્દે વાતચીત થતી હતી તેની જાણકારી સરકારની બીજી કોઈ વ્યક્તિ પાસે ન હતી. ભાભાના નિધનને કારણે ભારતની પરમાણુનીતિના ઘડતરમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો હતો.
હોમી ભાભાના ભાઈ જમશેદ ભાભાએ ઇન્દિરા ચૌધરીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે હોમી પહેલાં જે પ્લેનમાં સફર કરવાના હતા એ જ પ્લેનમાં પ્રવાસ નહીં કરવાની વાત મારા માતા સમજી શક્યાં નથી.
દાદાભોયે લખ્યું છે કે “ભાભાએ તેમનાં મહિલા મિત્ર પિપ્સી વાડિયાને લીધે આગલા દિવસે જવાનું મોકૂફ રાખ્યું હોવાનું આર. એમ. લાલાએ મને કહ્યું હતું. તેનાથી ભાભાનાં માતા મેહરબાઈને એટલું માઠું લાગ્યું હતું કે તેમણે પેપ્સીને ક્યારેય માફ કર્યાં ન હતાં. વડા પ્રધાનની શપથવિધિ કરતાં કોઈ વિજ્ઞાનીના મોતને પ્રાધાન્ય આપવામાં આવે એ સામાન્ય બાબત નથી, પરંતુ ભાભા સાથે આવું થયું હતું. ઇન્દિરા ગાંધીએ શપથ લીધા તે જ દિવસે વિમાન દૂર્ઘટનામાં ભાભાનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે અખબારોએ તેને મુખ્ય સમાચાર બનાવ્યા હતા.”

સંખ્યાબંધ યુવા વિજ્ઞાનીઓને તૈયાર કર્યા

ઇમેજ સ્રોત, THE STATESMAN
ટીઆઈએફએસમાં 25 ઑગસ્ટે ભાભા માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ જાણીતી વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે રજા જાહેર કરવાની પ્રથા પર ભાભાએ તેઓ જીવંત હતા ત્યારે પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ માનતા હતા કે કોઈ મહાન વ્યક્તિને કામ અટકાવીને નહીં, પણ વધુ કામ કરીને વધુ સારી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય.
ભાભાના મૃત્યુને કારણે તેમના પાળેલા કુતરા 'ક્યૂપિડે' ખાવાનું બંધ કરી દીધું હતું અને થોડા દિવસોમાં માલિકના વિયોગમાં તેનું પણ મૃત્યુ થયું હતું.
એમજીકે મેનન માનતા હતા કે ભાભા તેમની કારકિર્દીના ચરમ શિખર પર હતા ત્યારે જ તેમનો દેહાંત થયો હતો. ભાભા એવા જૂજ લોકો પૈકીના એક હતા, જે તેમના જીવનકાળમાં જ દંતકથા બની ગયા હતા.
ઇન્દિરા ગાંધીએ ભાભા વિશેના શોક સંદેશમાં જણાવ્યુ હતું કે “આપણા અણુઊર્જા કાર્યક્રમના મહત્ત્વપૂર્ણ તબક્કામાં હોમી ભાભાને ગૂમાવવા જે આપણે દેશ માટે બહુ મોટો આંચકો છે. તેમનું બહુઆયામી દિમાગ, જીવનના અનેક ક્ષેત્રોમાંની તેમની રુચિ અને દેશમાં વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને ક્યારેય ભૂલી શકાશે નહીં.”
હોમી ભાભાને શ્રદ્ધાંજલિ આપતાં જેઆરડી ટાટાએ કહ્યું હતું કે “હોમી ભાભા એવી ત્રણ મહાન હસ્તીઓ પૈકીના એક હતા, જેમના લીધે મને આ દુનિયા વિશે જાણવામાં મદદ મળી હતી. એ ત્રણમાં એક જવાહરલાલ નેહરુ, બીજા મહાત્મા ગાંધી અને ત્રીજા હોમી ભાભા હતા. હોમી મહાન ગણીતજ્ઞ તથા વિજ્ઞાની હોવા ઉપરાંત એક મહાન એન્જિનિયર અને નિર્માતા પણ હતા. એ સિવાય તેઓ કળાકાર પણ હતા. જેટલા લોકોને હું ઓળખી શક્યો છું અને જે બે લોકો સામેલ છે તેનો ઉલ્લેખ મેં કર્યો છે, તેમાં હોમી ભાભા એક જ એવી વ્યક્તિ છે જેમને પૂર્ણ પુરુષ કહી શકાય.”

જ્યારે ભાભાનું સપનું સાકાર થયું

ઇમેજ સ્રોત, TIFR
હોમી ભાભાના મૃત્યુ પછી વિક્રમ સારાભાઈને અણુ ઊર્જાપંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ જેને આ પદ ઑફર કરવામાં આવ્યું હોય તેવી પહેલી વ્યક્તિ તેઓ ન હતા.
એસ. ચંદ્રશેખરની જીવનકથામાં જણાવવામાં આવ્યું છે કે “ભાભાના દેહાંત પછી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ વિખ્યાત વિજ્ઞાની એસ. ચંદ્રશેખરને તે પદની ઓફર કરી હતી, પરંતુ ચંદ્રશેખર અમેરિકન નાગરિક છે એ વાત તેઓ જાણતા ન હતાં. નવેમ્બર, 1968માં બીજું જવાહરલાલ નહેરુ સ્મારક લેક્ચર આપવા ચંદ્રશેખર આવ્યા ત્યારે તેમણે વડાં પ્રધાન સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ મુલાકાત દરમિયાન તેમણે ઇન્દિરા ગાંધીને જણાવ્યું હતું કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી. એ પછી તે પદ વિક્રમ સારાભાઈને આપવામાં આવ્યું હતું.”
વિક્રમ સારાભાઈ અણુશસ્ત્રો તથા શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમના વિરોધી હતા. વિક્રમ સારાભાઈએ પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવવાની નૈતિકતા તથા ઉપયોગિતા સામે સવાલ ઉઠાવ્યા હતા અને હોમી ભાભા જેના પુરસ્કર્તા હતા તે આખી યોજનાને પલટી નાખવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા.
વિક્રમ સારાભાઈએ તત્કાલીન કૅબિનેટ સચિવ ધરમવીરાને કહ્યું હતું કે “હોમી ભાભાના ઉત્તરાધિકારી બનવું આસાન નથી. તેનો અર્થ તેમનું પદ લેવું એટલો જ નહીં, બલકે તેમની વિચારધારાને આત્મસાત કરવાનો પણ છે.”
હોમી સેઠના પોતાને ભાભાના સ્વાભાવિક ઉત્તરાધિકારી માનતા હતા અને વિક્રમ સારાભાઈએ હોમી સેઠનાના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. હોમી સેઠનાએ તે પદ પામવા માટે આકરા પ્રયાસ કર્યા હતા.
વિક્રમ સારાભાઈ પણ બહુ નાની વયે અવસાન પામ્યા હતા. આખરે અણુવિસ્ફોટનું હોમી ભાભાનું સપનું રાજા રમન્ના અને હોમી સેઠનાએ મે, 1974માં સાકાર કર્યું હતું.














