ત્રીજા ભાગનું જીવન જેના પર વિતાવીએ છીએ એ ચાદર કેટલીવાર બદલવી જોઈએ?

ચાદર અને ઓશીકાંમાં પસીનો અને ત્વચાના મૃત કોષ રહી જતા હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાદર અને ઓશીકાંમાં પસીનો અને ત્વચાના મૃત કોષ રહી જતા હોય છે.
    • લેેખક, જાસ્મિન ફોક્સ-સ્કેલી
    • પદ, .

આપણે આપણા જીવનનો લગભગ ત્રીજો ભાગ પથારીમાં ચાદર અને ઓશીકાં પર વિતાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે તમારી પથારીમાં જ તમે દરેક પ્રકારના અનિચ્છનીય જીવજંતુઓ સાથે સંપર્કમાં આવો છે.

આખો દિવસ કામ કર્યા પછી રાતે પથારીમાં આરામથી સૂઈ જવાની મજા જ અલગ છે. નરમ, આરામદાયક ઓશીકા પર માથું રાખીને અને રજાઈ ઓઢીને સૂઈ જવામાં બહુ શાંતિની અનુભૂતિ થાય છે. પરંતુ માત્ર માનવીને જ પથારીમાં રહેવાનું ગમે છે એવું નથી.

તમે જેના પર સૂવો છો તે પથારીમાં એવાં એવાં જંતુ છે કે તમે ગભરાઈ જશો. તમારી બેડશીટમાં કરોડો બૅક્ટેરિયા, ફૂગ, જીવાત અને વાઇરસ પણ રહેતાં હોય છે.

તમને જે રીતે પથારી ગમે છે તે રીતે તેમના માટે પણ તમારી પથારી સ્વર્ગ સમાન છે જ્યાં તેઓ ઝડપથી વૃદ્ધિ કરી શકે છે. પથારીમાં તેમને પરસેવો, લાળ, ત્વચાના મૃત કોષ અને ખોરાકના ટુકડા મળી રહે છે જે તેમને માફક આવે છે.

બૅક્ટેરિયાનું આશ્રયસ્થાન

ચાદર, બેડશીટ, બૅક્ટેરિયા, રોગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવામાં આવે છે કે 2018માં બ્રિટનના એક આરોગ્ય કર્મચારીને દર્દીની પથારીની ચાદર બદલતી વખતે વાઇરસના સંસર્ગમાં આવવાથી મંકીપૉક્સની બીમારી થઈ હતી.

ધૂળની જીવાતની વાત કરીએ. આપણા શરીર પરથી દરરોજ 500 મિલિયન ત્વચાના કોષ ઊતરે છે. ધૂળની સૂક્ષ્મ જીવાતો માટે તો આ કોષ છપ્પનભોગ સમાન છે. પરંતુ આ જીવાતો અને તેની વિષ્ટાથી માનવીને એલર્જી, અસ્થમા અને ખરજવું થઈ શકે છે.

આપણી પથારીની ચાદર (બેડશીટ) બૅક્ટેરિયા માટે પણ આશ્રયસ્થાન છે. ઉદાહરણ તરીકે 2013માં ફ્રાન્સમાં ઇન્સ્ટિટ્યુટ પાશ્ચર ડી લિલીના સંશોધકોએ હૉસ્પિટલના દર્દીઓની પથારીની ચાદરનું વિશ્લેષણ કર્યું. તેમણે જોયું કે ગંદી ચાદરમાં સ્ટેફાયલોકોકસ બૅક્ટેરિયા ભરપૂર પ્રમાણમાં હતા, જે સામાન્ય રીતે માનવ ત્વચા પર જોવા મળે છે. સ્ટેફાયલોકોકસની મોટાભાગની પ્રજાતિઓ જોખમી નથી, પરંતુ એસ. ઓરિયસ જેવી પ્રજાતિ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓમાં ચામડીના ચેપ, ખીલ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે.

બ્રિટનમાં વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના માઈક્રોબાયોલૉજિસ્ટ મનાલ મોહમ્મદ કહે છે, લોકો પોતાની ત્વચાના માઇક્રોબાયોમના ભાગરૂપે બૅક્ટેરિયાનું વહન કરે છે અને શરીર પરથી તે મોટી સંખ્યામાં ખરે છે. મનાલ મોહમ્મદ આ સંશોધનમાં સામેલ ન હતા.

મોહમ્મદ કહે છે, "સામાન્ય રીતે આ બૅક્ટેરિયા હાનિકારક નથી હોતા. પરંતુ તે ખુલ્લા ઘાવ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે જે હૉસ્પિટલોમાં વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં તે બીમારીનું કારણ બની શકે છે."

હૉસ્પિટલો પાસેથી આ અંગે પુષ્કળ ડેટા મળી શકે છે કારણ કે ત્યાં સ્વચ્છતાને ગંભીરતાથી લેવામાં આવે છે તથા દર્દીઓની પથારીની ચાદરો અને ઓશીકાં ધોવામાં આવે છે. 2018માં નાઈજિરિયામાં ઈબાદાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હૉસ્પિટલની પથારીમાં ધોયા વગરના કપડાંમાં ઈ. કોલાઈ તથા અન્ય રોગજનક બૅક્ટેરિયા શોધી કાઢ્યા હતા. આ બૅક્ટેરિયા મૂત્રમાર્ગના ચેપ, ન્યુમોનિયા, ડાયેરિયા, મેનિન્જાઇટિસ અને સેપ્સિસ (ઘાવ પર સડો) માટે કારણભૂત બની શકે છે.

આવી સ્થિતિમાં ગંદી ચાદરોના કારણે ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. 2022માં સંશોધકોએ હૉસ્પિટલોમાં મંકીપૉક્સ (હવે જેને એમ પોક્સ કહેવાય છે)ની સારવાર લઈ રહેલા દર્દીઓના રૂમમાંથી સેમ્પલ લીધાં હતાં. તેમાં તેમણે જોયું કે પથારીની ચાદર બદલતી વખતે હવામાં વાઇરલ કણ રિલીઝ થાય છે. 2018માં બ્રિટનના એક આરોગ્ય કર્મચારીને દર્દીની પથારીની ચાદર બદલતી વખતે વાઇરસના સંસર્ગમાં આવવાથી આ બીમારી થઈ હતી એવું માનવામાં આવે છે.

વિકસિત દેશોમાં હૉસ્પિટલોએ આવા સંક્રમણની શક્યતા ઘટાડવા માટે ચુસ્ત પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.

અનેક રોગ થવાની શક્યતા

ચાદર, બેડશીટ, બૅક્ટેરિયા, રોગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓશીકાં અને ગાદલાંઓમાં ભેજ થાય છે અને તે બૅક્ટેરિયા અને ફૂગના નિર્માણ માટે સાનુકૂળ જગ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ચેપી રોગો અને ગ્લોબલ હેલ્થના પ્રોફેસર ડેવિડ ડેનિંગ કહે છે કે, "હૉસ્પિટલોમાં દર્દીની પથારીની ચાદરોને અત્યંત ઊંચા તાપમાને ધોવામાં આવે છે જેથી મોટા ભાગના બૅક્ટેરિયા મરી જાય છે."

પરંતુ સી. ડિફિસાઈલ તેમાં અપવાદ છે. આ જીવાણુ ખાસ કરીને મોટી વયના લોકોમાં ડાયેરિયા (ઝાડા)નું કારણ બની શકે છે. ડેવિડ ડેનિંગના કહેવા પ્રમાણે ચાદરોને ધોવાથી લગભગ અડધા સી. ડિફિસાઇલ બૅક્ટેરિયા મૃત્યુ પામે છે. પરંતુ બૅક્ટેરિયાના બીજાણુકને ખતમ કરવા મુશ્કેલ હોય છે.

આમ છતાં યુકેમાં સી. ડિફિસાઈલથી ચેપ લાગવાના કેસમાં ઘટાડો થયો છે. તે દર્શાવે છે કે હૉસ્પિટલની લોન્ડ્રીમાં સ્ટાન્ડર્ડ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તો સંક્રમણ થવાનું જોખમ અત્યંત ઘટી જાય છે.

અલબત્ત, તમને તંદુરસ્ત લોકોની પથારીની તુલનામાં હૉસ્પિટલની ચાદરમાં જ્યાં બીમાર દર્દીઓ સૂતા હોય, ત્યાં રોગજનક બૅક્ટેરિયા મળવાની શક્યતા વધારે રહે છે. પરંતુ ઘર પર રોજેરોજ વપરાતાં ઓશીકાં અને બેડશીટનું શું?

2013માં બેડ બનાવતી અમેરિકન કંપની અમેરિસ્લીપે દાવો કર્યો હતો કે તેમણે એક અઠવાડિયાથી ધોવાયું ન હોય તેવા ઓશીકાના કવરમાંથી નમૂનો લીધો હતો. ઓશીકાના કવરમાં ચોરસ ઇંચ દીઠ ત્રીસ લાખ બૅક્ટેરિયા મળી આવ્યા હતા જે સરેરાશ ટૉઇલેટ સીટ પર મળતા બૅક્ટેરિયા કરતા 17,000 ગણા વધુ હતા.

શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકોએ ચાદર અને ઓશીકાં બદલવા અંગે વધુ સાવચેત રહેવું જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો અનુસાર શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકોએ ચાદર અને ઓશીકાં બદલવા અંગે વધુ સાવચેત રહેવું જોઈએ.

દરમિયાન 2006માં ડેનિંગ અને તેમના સહકર્મીઓએ મિત્રો અને પરિવાર પાસેથી છ ઓશીકાં એકત્ર કર્યા હતા. આ ઓશીકાં નિયમિત ઉપયોગમાં લેવાતાં હતાં અને 18 મહિનાથી 20 વર્ષ સુધી જૂનાં હતાં. તમામ ઓશીકામાં ફૂગ હતી. ખાસ કરીને તેમાં એસ્પરગિલસ ફ્યુમિગેટ્સ નામની ફૂગ હતી જે સામાન્ય રીતે માટીમાં જોવા મળે છે.

ડેનિંગ કહે છે કે, "સંખ્યાની રીતે જોવામાં આવે તો દરેક ઓશીકાંમાં અબજો અથવા લાખો કરોડો ફૂગના કણો હોય છે."

"અમને લાગે છે કે ઓશીકાંમાં આટલી બધી ફૂગનું કારણ એ છે કે મોટા ભાગના લોકો રાતે સુઈ જાય ત્યારે માથામાં પરસેવો આવે છે. આપણા બધાની પથારીમાં ઘરની રજકણો હોય છે. ધૂળના કણો ફૂગને જીવીત રહેવા માટે ખોરાક આપે છે. આ ઉપરાંત આપણે ઓશીકા પર માથું રાખીને સૂઈએ છીએ, તેથી દરરોજ રાતે ઓશીકું ગરમ થાય છે. તેથી ફૂગને ભેજ, ખોરાક અને ગરમી એમ બધું જ મળે છે"

આપણામાંથી મોટા ભાગના લોકો ભાગ્યે જ પોતાના ઓશીકા ધુએ છે, તેથી ફૂગને વૃદ્ધિ કરવા માટે અનુકુળ વાતાવરણ મળી જાય છે અને તે વર્ષો સુધી જીવિત રહી શકે છે. આપણે જ્યારે ઓશીકાને ઝાટકીએ ત્યારે જ તેને અસર થાય છે અને આપણા બેડરૂમમાં ફૂગના બીજાણુ મુક્ત થાય છે. આપણે તેને ધોઈએ તો પણ 50 ડિગ્રી સેલ્સિયસ (122 ડિગ્રી ફેરનહિટ) સુધી તાપમાનમાં ફૂગ જીવિત રહી શકે છે. આ ઉપરાંત ઓશીકાને ધોવાથી તેમાં વધારે ભેજ જમા થાય છે અને ફૂગ વધારે ગ્રોથ કરી શકે છે.

લોકો સૂવામાં જે સમય ગાળે છે અને સૂતી વખતે ઓશીકું તેમના મોઢાંથી જેટલું નજીક રહે છે, તેને ધ્યાનમાં રાખતા શ્વસનની તકલીફ ધરાવતા દર્દી માટે આ સંશોધન બહુ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને અસ્થમા અને સાઈનસાઇટિસના દર્દીઓ પર તેની અસર પડે છે. ગંભીર અસ્થમાથી પીડાતા અડધાથી વધુ લોકોને એસ્પરગિલસ ફ્યુમિગેટ્સની એલર્જી હોય છે. ફૂગના સંસર્ગમાં આવવાથી લોકોને ફેફસાની લાંબા ગાળાની બીમારી થઈ શકે છે, જેઓ પહેલેથી ટીબી અથવા ધૂમ્રપાન સંબંધિત ફેફસાંની બીમારીઓથી પીડાતા હોય છે.

પાલતુ પ્રાણી ઊંઘતાં હોય તો ખાસ ધ્યાન રાખવું

ચાદર, બેડશીટ, બૅક્ટેરિયા, રોગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો તમારાં પાલતુ પ્રાણીઓ તમારી પથારી પર ઊંઘે છે તો તેમનાથી તમારી બૅડશીટ્સ પર વધુ પ્રમાણમાં બૅક્ટેરિયા આવી શકે છે.

ડેનિંગના કહેવા પ્રમાણે તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ હોય તેવા 99.9 ટકા લોકોને એ. ફ્યુમિગેટસ ફૂગના બીજાણુઓ શ્વાસમાં જાય તો પણ વાંધો નથી આવતો. પરંતુ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં ફૂગ તેમની નબળી સુરક્ષા પર ભારે પડે છે અને જીવલેણ ચેપ લાગી શકે છે.

ડેનિંગ કહે છે કે, "કોઈને લ્યુકેમિયા હોય અથવા કોઈ અંગનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) કરાવ્યું હોય, અથવા કોવિડ કે ઇનફ્લુએન્ઝાના કારણે ઇન્સેન્ટિવ કેરમાં રહેવું પડ્યું હોય, તો તેમને ઇનવેઝિવ ઍસ્પરગિલોસિસ થઈ શકે છે. ફૂગ જ્યારે ફેફસાંમાં પહોંચી જાય, ત્યાં વૃદ્ધિ કરતી જ રહે અને ફેફસાંના ટિશ્યુને ખતમ કરી નાખે ત્યારે આ સ્થિતિ પેદા થાય છે."

ઓશીકાં ધોવાથી ફાયદો ન થતો હોય તો બીજું શું કરી શકાય? ડેનિંગના જણાવ્યા પ્રમાણે તમને અસ્થમા, અથવા ફેફસાંની બીમારી અથવા સાઇનસની બીમારી ન હોય તો તમારે દર બે વર્ષે એક વખત પોતાનાં ઓશીકાં બદલી નાખવાં જોઈએ. પરંતુ જેમને આ બીમારીઓ હોય તેમણે દર છ મહિને નવાં ઓશીકાં ખરીદવાં જોઈએ.

દરમિયાન, તમારી પથારીની ચાદરને કેટલી વખત ધોવી જોઈએ તેની વાત કરીએ તો મોટા ભાગના નિષ્ણાતો દર અઠવાડિયે ધોવાની ભલામણ કરે છે. ચાદરને ધોવાની સાથે સાથે તેને ઇસ્ત્રી કરવાથી પણ લિનેનમાં બૅક્ટેરિયાની સંખ્યા ઘટી જાય છે.

ડેનિંગ કહે છે કે, "તમારી પાસે ફાજલ સમય પડ્યો હોય તો તમે તમામ ચાદરોને સાવધાનીથી ઇસ્ત્રી કરી શકો છો. પરંતુ આપણા સૌના શરીરમાં આમ પણ બૅક્ટેરિયા હોય છે. તેથી તંદુરસ્ત વ્યક્તિ માટે તેનું ખાસ મહત્ત્વ નથી."

"પરંતુ જો તમે બીમાર અથવા નબળી વ્યક્તિ છો, તો તે વધુ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. તમારું બાળક રાતે પથારીને ભીની કરતું હોય તો તમારે ચોક્કસપણે ચાદર ધોવા અને તેમાં ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

પાલતુ પ્રાણીને પથારી પર સુવડાવવાથી પણ બૅક્ટેરિયા અને ફૂગનું પ્રમાણ વધી જશે. તેવી જ રીતે સ્નાન કર્યા વગર સૂવાથી, ગંદાં મોજાં પહેરીને સૂવાથી અથવા મેક-અપ ઉતાર્યા વગર કે ત્વચા પર લોશન લગાવેલું હોય અને સૂવાથી પણ બૅક્ટેરિયા અને ફૂગ વધશે. આ ઉપરાંત પથારીમાં બ્રેકફાસ્ટ કે અડધી રાતે નાસ્તો કરવો તો નુકસાનકારક છે જ.

ડેનિંગ કહે છે, "હું એમ નથી કહેતો કે કોઈએ પથારીમાં ખાવું ન જોઈએ, પરંતુ મને લાગે છે કે તમે આમ કરો તો ચાદરને નિયમિતપણે ધોવી જરૂરી છે. મને લાગે છે કે દર અઠવાડિયે ધોવામાં આવે તે પૂરતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.