મોબાઇલ ફોન કૅન્સરનું કારણ બને છે, રિસર્ચમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી મગજ પર કેવી અસર થાય તે બાબત ઘણાં વર્ષોથી ચિંતાનું કારણ રહી છે. મોબાઇલ પર વાત કરતી વખતે ઘણી વખત તેને માથાને અડાવીને રાખવામાં આવે છે અને તેમાંથી રેડિયો તરંગો નીકળતા હોય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નો હિસ્સો એવી ઇન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર (IARC) એ જ્યારે 2011માં રેડિયો તરંગોને માનવી માટે સંભવતઃ કૅન્સર પેદા કરી શકે તેવી શ્રેણીમાં મૂક્યા ત્યારે ખળભળાટ મચી ગયો.
આઈએઆરસીએ સ્પષ્ટતા કરી કે તેનું વર્ગીકરણ માનવીમાં અવલોકનાત્મક અભ્યાસોના બહુ મર્યાદિત પુરાવા પર આધારિત હતું. તેણે એવું પણ કહ્યું કે આ પુરાવા હજુ નિર્ણાયક ન હતા.
પરંતુ મોબાઇલ ફોનના ઉપયોગને મગજના કૅન્સર સાથે જોડતી સંભાવના જ એટલી ચોંકાવનારી વાત હતી કે દરેક જગ્યાએ તેની હેડલાઈન બની હતી.
જોકે, વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક અભ્યાસોની નવી સમીક્ષામાં શોધી કાઢવામાં આવ્યું છે કે મોબાઇલના ઉપયોગથી કૅન્સરનું જોખમ વધે છે તેવા કોઈ પુરાવા નથી મળ્યા.
આ વિશેના અંતિમ વિશ્લેષણમાં 1994થી 2022 સુધીમાં થયેલા 63 અભ્યાસોનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયન સરકારની રેડિયેશન પ્રૉટેક્શન ઑથોરિટીના નિષ્ણાતો સહિત કુલ 10 દેશોના 11 સંશોધકો દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ઑસ્ટ્રેલિયન રેડિયેશન પ્રૉટેક્શન ઍન્ડ ન્યુક્લિયર સેફ્ટી એજન્સી (ARPANSA) ખાતે હેલ્થ ઇમ્પેક્ટ ઍસેસમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર કેન કેરીપિડીસે હૂ દ્વારા સોંપાયેલા કામનું નેતૃત્વ કર્યું હતું.
ધ કન્વર્ઝેશનના એક લેખમાં કેરીપિડિસ અને સારાહ લોઘરન લખે છે કે, "આઈએઆરસીનું વર્ગીકરણ અગાઉના અવલોકનાત્મક અભ્યાસો પર આધારિત હતું જેમાં મગજના કૅન્સરવાળા લોકોએ મોબાઇલ ફોનનો હકીકતમાં જે ઉપયોગ કર્યો હોય, તેના કરતા વધારે ઉપયોગ જણાવ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારાહ લોઘરન પણ ARPANSA નિષ્ણાત અને આ સંશોધનપત્રના લેખક છે.
નવી સમીક્ષામાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયન નિષ્ણાતો કહે છે કે નવી પદ્ધતિસરની સમીક્ષા આઈએઆરસીના 2011ના મૂલ્યાંકન કરતાં ઘણા વ્યાપક ડેટા પર આધારિત છે અને તેમાં સાવ નવા અને વધુ વ્યાપક અભ્યાસનો સમાવેશ થાય છે.
તેઓ કહે છે, "આનો અર્થ એ થયો કે આપણે હવે વધુ ભરોસો રાખી શકીએ છીએ કે મોબાઇલ ફોન અથવા વાયરલેસ ટૅક્નૉલૉજીમાંથી નીકળતા રેડિયો તરંગો મગજ કૅન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલા નથી."
તેઓ લખે છે, "આ વ્યવસ્થિત સમીક્ષા અત્યાર સુધીમાં સૌથી મજબૂત પુરાવો આપે છે કે વાયરલેસ ટૅક્નૉલૉજીમાંથી નીકળતા રેડિયો તરંગો માનવ સ્વાસ્થ્ય માટે જોખમી નથી."
આ સમીક્ષામાં 5,000 થી વધુ અભ્યાસોને ધ્યાનમાં લેવાયા હતા. પરંતુ અંતિમ વિશ્લેષણમાં માત્ર 63નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસ કરનારા સંશોધકોએ સ્પષ્ટતા કરી કે અભ્યાસને બાકાત રાખવાનું મુખ્ય કારણ એ હતું કે તે "અપ્રસ્તુત હતા."
સંશોધનકર્તાઓ લખે છે, "મોબાઇલ ફોનના ઉપયોગ અને મગજના કૅન્સર, અથવા અન્ય કોઇપણ પ્રકારનાં માથા અથવા ગરદનના કૅન્સર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી."
આ સંશોધનમાં પ્રથમ વખતના ઉપયોગ પછીનો સમય, કૉલની સંખ્યા અને કૉલ કેટલો સમય ચાલ્યો વગેરે પરિબળો પર પણ ધ્યાન અપાયું હતું. તેમણે મોબાઇલ ફોનના ટાવરમાંથી નીકળતા સંભવિત રેડિયેશનને પણ ધ્યાનમાં લીધું હતું.
“જો કોઈ વ્યક્તિ દસ વર્ષ કે તેનાથી વધુ સમયથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે (લાંબા ગાળાના ઉપયોગ) તો તેને કૅન્સર સાથે કોઈ સંબંધ ન હતો. આ ઉપરાંત તેઓ કેટલી વખત ઉપયોગ કરે છે તેનાથી પણ કોઈ ફરક નથી પડતો, ભલે પછી ગમે તેટલી વખત કૉલ કરવામાં આવ્યા હોય અથવા ફોન પર ગમે તેટલો સમય ગાળવામાં આવ્યો હોય."
સંશોધકો લખે છે કે આ તારણો અગાઉના સંશોધન સાથે સુસંગત છે.
તેઓ દર્શાવે છે કે તાજેતરના દાયકાઓમાં વાયરલેસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ ખૂબ જ વધ્યો હોવા છતાં, મગજના કૅન્સર કેસમાં કોઈ વધારો થયો નથી.
હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
નવી સમીક્ષાનાં તારણો દર્શાવે છે કે નૉન-આયોનાઇઝિંગ રેડિયેશન પ્રૉટેક્શન (ICNIRP) પર ઇન્ટરનેશનલ કમિશન જેવી એજન્સીઓ દ્વારા નિર્ધારિત મર્યાદાઓ સુરક્ષિત છે.
કેરીપિડ્સ અને લોઘરન કહે છે, "આ પરિણામોનો અર્થ એ થયો કે આપણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેફ્ટી લિમિટ રક્ષણાત્મક છે. મોબાઇલ ફોન આ સેફ્ટી લિમિટથી ઓછા પ્રમાણમાં, નીચા-સ્તરના રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે અને તેમના સંપર્કમાં આવવાથી માનવ આરોગ્ય પર અસર થાય છે તેવા કોઈ પુરાવા નથી"
જોકે, બંને નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ ક્ષેત્રમાં સંશોધન ચાલુ રાખવું એ મહત્ત્વપૂર્ણ છે.
તેઓ કહે છે, “ટૅક્નૉલૉજી ઝડપી ગતિએ વિકાસ કરી રહી છે. તેની સાથે સાથે વિવિધ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરીને વિવિધ રીતે રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. તેથી વિજ્ઞાન આ ટૅક્નૉલૉજીમાંથી નીકળતા રેડિયો તરંગો સુરક્ષિત હોય તેની ખાતરી કરવાનું ચાલુ રાખે તે જરૂરી છે."
આપણે નવા સંશોધનનું કેવી રીતે અર્થઘટન કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પૅનિશ સંશોધનકર્તાઓ આલ્બર્ટો નાજેરા લોપેઝ, જેઓ આલ્બાસેટની ફૅકલ્ટી ઑફ મેડિસિન ખાતે રેડિયોલૉજી અને ફિઝિકલ મેડિસિનનાં પ્રોફેસર છે અને યુનિવર્સિટી ઑફ કેસ્ટિલા-લા મંચાના બાયૉસ્ટેટિસ્ટિક્સના ઍસોસિયેટ પ્રોફેસર જેસસ ગોન્ઝાલેઝ રુબિયો એક લેખમાં લખે છે, “આ નવા સંશોધનના આધારે આપણે વધારે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે મોબાઇલ ફોન આપણા માટે જોખમમાં વધારો કરતા નથી. આનાથી મુદ્દાનો અંત નથી આવતો. પરંતુ તે વધુ સંપૂર્ણ અને પુરાવા આધારિત સમજણની દિશામાં આગળનું એક પગલું છે.”
"અલબત્ત, તેનો અર્થ એ નથી કે આપણે સંશોધન બંધ કરવું જોઈએ. ટૅક્નૉલૉજી અને મોબાઇલના ઉપયોગમાં સતત નવું નવું આવતું જાય છે. વૈજ્ઞાનિકો જાહેર આરોગ્યનાં વલણોમાં કોઇપણ ફેરફારોનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે."
નાજેરા લોપેઝ અને ગોન્ઝાલેઝ રુબિયો સ્પષ્ટ વાત કરે છે. તેઓ કહે છે, “તમે ઈચ્છો તો મોબાઇલનો પ્રમાણસર ઉપયોગ કરી શકો છો. પરંતુ કૅન્સરની શક્યતા વધવાની ચિંતા કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. મોબાઇલ તમારા માટે જે રીતે ઉપયોગી છે તે રીતે સાયન્સ પણ તમને માહિતી આધારિત નિર્ણય લેવામાં મદદ કરે છે."
કેરિપિડિસ અને લોઘરન કહે છે કે, "મોબાઇલ ફોન અને મગજના કૅન્સર વિશેની સતત ગેરસમજણો અને ખોટી માહિતીનો સામનો કરવો એ એક પડકાર છે."
"મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી આરોગ્યને અસર થાય છે તેવા કોઈ પુરાવા નથી તે સારી બાબત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












