તમે તમારા મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરો છો ત્યારે તમારા મગજમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સાન્ટિયાગો વેનેગસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
એક કુરકુરિયાનો વીડિયો, પછી બીચ પરનો જૂના દોસ્તનો ફોટો, પછી વીડિયો મીમ, પછી દુનિયાની બીજી બાજુના સમાચાર. જે તમને ગમે છે તે તમે જુઓ છો અને નથી ગમતું તેને જતું કરો છો.
કેટલીકવાર આપણે લિફ્ટમાં હોઈએ ત્યારે થોડીક સેકન્ડો માટે, ક્યારેક સૂતા પહેલાં કલાકો સુધી. મોબાઇલ ફોન પર સ્ક્રીન સ્વાઇપ કરતા રહેવાની આદત આપણામાંના ઘણા લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે.
આપણે સ્ક્રોલ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં શું થાય છે, આનું વ્યસન કેમ છે અને તેને સમસ્યા બનતું કેવી રીતે અટકાવી શકાય એ ક્યારેય વિચાર્યું છે?
લીડ્ઝ બેકેટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના વરિષ્ઠ વ્યાખ્યાતા આઇલિશ ડ્યુકના કહેવા મુજબ, સૌપ્રથમ એ સમજવું જોઈએ કે ફોન ઉપાડવાનો અને સ્ક્રીન ચાલુ કરવાનો આવેગ ઑટોમેટિક છે.
આપણે તેનાથી અજાણ છીએ, કારણ કે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે દરવાજો બંધ કરવાની જેમ, તેને લાંબા સમયથી આદત બનાવી દીધી છે.
તેઓ કહે છે, "અમે થોડાં વર્ષ પહેલાં એક સંશોધન હાથ ધર્યું હતું. તેમાં ભાગ લેનાર લોકોને લાગતું હતું કે તેઓ દર 18 મિનિટે એકવાર ફોન ચેક કરે છે, પરંતુ અમે સ્ક્રીન રેકૉર્ડિંગનો ઉપયોગ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે તેઓ ખરેખર અનેક વખત ફોન ચેક કરતા હતા."
એ પહેલાં પ્રથમ ક્લિકથી જે આપણી સ્ક્રીન પર આવે છે તેનાથી આપણા મગજનાં અમુક કાર્યો અને આપણા સેલફોન ઍપ્લિકેશન્શની અત્યાધુનિક ડિઝાઇન સંપૂર્ણ સામંજસ્ય સાથે કામ કરવા માંડે છે.
એનવાયયુ લેંગોનમાં મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર એરિયન લિંગના જણાવ્યા અનુસાર, માણસ સ્વાભાવિક રીતે કેવો છે, પરંતુ પર્યાવરણીય કારણોસર કેવી રીતે ઉત્તેજિત થઈ જાય છે તે સ્ક્રોલિંગ જેવી આદતો સમજાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એરિયન લિંગના કહેવા મુજબ, માણસ શું થઈ રહ્યું છે તે જાણવા ઇચ્છતો હોય છે. તેથી જ આપણે સમાચાર વાંચીએ છીએ અથવા રસ્તા પર કોઈ અકસ્માત થાય ત્યારે તે જોવા માટે રોકાઈ જઈએ છીએ. તે કંઈક એવું છે, જે ઉત્ક્રાંતિનો એક હિસ્સો છે, જેને લીધે આપણે ટકી રહ્યા છીએ.
આપણો સેલફોન, આપણને રસ પડતો હોય તેવી માહિતી સતત પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આનંદ માટે સતત સર્ચ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આપણું મગજ કુદરતી રીતે વળતર મેળવવા ઇચ્છતું હોય છે. આપણા શરીરમાં અમુક ન્યૂરલ સેન્ટર્સ છે, જે સેક્સ, ડ્રગ્ઝ જુગારમાં પૈસા જીતવા વગેરે જેવા આનંદ માટે પ્રતિક્રિયા આપવા ઇચ્છે છે અને તેનું વારંવાર પુનરાવર્તન થાય એવું ઇચ્છે છે.
પ્રોફેસર ડ્યુક કહે છે, "તે સતત નવીનતા શોધે છે, આનંદની આગામી પળો શોધે છે, એવું કશુંક શોધતાં રહે છે જેનો આપણે ખરેખર આનંદ માણી શકીએ."
તે મગજની રિવૉર્ડ સિસ્ટમ અથવા સર્કિટ તરીકે ઓળખાય છે. તે એ જ મિકેનિઝમ છે, જેને કારણે વ્યક્તિ દારૂ જેવા પદાર્થની વ્યસની બની જાય છે.
"આપણા પૈકીના ઘણા લોકો માટે એ નાવીન્ય આપણા ફોનના સ્વરૂપમાં આવે છે."
ખાસ કરીને સોશિયલ નેટવર્ક્સ પાસે આપણને દેખાડવા માટે ફોટો, વીડિયો, ટ્વિટ કે મેસેજ જેવું કશુંક સુખદ કાયમ હોય છે.
તેની સામે તમારા મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ તરીકે ઓળખાતો એક અન્ય હિસ્સો છે, જે આનંદ અને તત્કાળ વળતર મેળવવાના તે આવેગ સામે લડે છે.
પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ મગજનો એ હિસ્સો છે, જે તમને ઓછા આવેગજન્ય અને વધુ સંતુલિત નિર્ણય લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, તે તમને સ્ક્રોલિંગ બંધ કરવા, પલંગ પરથી ઊઠવા અને ઘર વ્યવસ્થિત કરવા અથવા કસરત કરવા માટે જવાબદાર બનાવે છે.
જોકે, મગજનાં તે બે કાર્યો હંમેશાં સંપૂર્ણ સંતુલિત હોતાં નથી.
પ્રોફેસર ડ્યુક કહે છે, "આપણામાંના ઘણા લોકો સાથે એવું થાય છે કે આપણા આવેગોને નિયંત્રિત કરતો આપણા મગજનો તાર્કિક હિસ્સો તેના ભાગનું કામ કરતો નથી અથવા તે કરી શકે તેટલું કામ કરતો નથી. તે આનંદની શોધમાં ડૂબી જાય છે."
યુવા લોકોમાં તેવું વધારે પ્રમાણમાં થાય છે.
પ્રોફેસર ડ્યુકના કહેવા મુજબ, "કિશોર વયના લોકોમાં રિવૉર્ડ સર્કિટ હાઈ એલર્ટ પર હોય છે. તે સદા તત્પર હોય છે, પરંતુ વ્યક્તિ 23 અથવા 24 વર્ષની ન થાય ત્યાં સુધી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સતત વિકસતું હોય છે. તેથી તે ફોનના ઉપયોગ જેવા કેટલાક આવેગોને નિયંત્રિત કરી શકતું નથી."
સમયની તાણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર ડ્યુકના જણાવ્યા મુજબ, આપણે સ્ક્રોલ કરીએ છીએ ત્યારે પ્રવાહ(ફ્લો)ની સ્થિતિમાં પ્રવેશીએ છીએ.
મનોવિજ્ઞાનમાં ફ્લોની વિભાવના મનની એવી સ્થિતિનો સંદર્ભ આપે છે, જેમાં વ્યક્તિ જે કાર્ય કરી રહી છે તેની મુશ્કેલી, એ ક્ષણ પર આપવામાં આવેલા ધ્યાન અને કૌશલ્યના સ્તર સાથે બહુ સારી રીતે બંધ બેસે છે.
ટિકટૉક જેવી એપમાં ઍલ્ગોરિધમ સતત બદલાતી રહે છે અને યુઝરને સતત રસ પડે તથા તેના પર લક્ષિત હોય છે. ટિકટૉક તેને સીધી એ ફ્લો સ્ટેટમાં ફીડ કરે છે.
ડ્યુક કહે છે, "એ તમારું બધું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે અને તમે ટાઇમ વૉર્પ એટલે કે સમયની ખેંચની સ્થિતિમાં ચાલ્યા જાઓ છો. તેમાં તમને ખબર નથી પડતી બે કલાક પસાર થઈ ગયા છે, તમારા હાથમાં ખાલી ચડી ગઈ છે અને તમે તમારો બધો સમય ડોગ વીડિયો જોવામાં બરબાદ કરી નાખ્યો છે."
મનોરોગ નિદાન મેન્યુઅલમાં સેલફોન એડિક્શન (મોબાઈલ ફોનના વ્યસન)નો સમાવેશ થતો નથી. તેથી તેનો સ્વસ્થ ઉપયોગ કોને કહેવાય અને સમસ્યા કે લત કોને કહેવા તે નક્કી કરવાના કોઈ સ્થાપિત માપદંડ નથી.
પ્રોફેસર ડ્યુક કહે છે, "વ્યસનો માટે ક્લાસિક ડાયગ્નોસ્ટિક માપદંડો છે. જેમ કે, એક અનિયંત્રિત આવેગ અથવા વ્યવહાર, જેની વ્યક્તિના બાકીની જીવન પર થતી નકારાત્મક અસર. દાખલા તરીકે, વ્યક્તિ એવી ચીજો કરવાનું બંધ કરી દે છે, જે તેણે રોજ કરવી જરૂરી હોય છે અથવા તે વિડ્રૉઅલ સિન્ડ્રોમમાં સરી પડે છે."
તેની સાથે વ્યક્તિની ચિંતા પણ કાને ધરવી જરૂરી છે.
એનવાયયુ લેંગોનના એરિયન લિંગ કહે છે, "તમે ખુદને રોકવાનો પ્રયાસ કર્યો હોય, તમે વાસ્તવમાં પ્રયાસ કર્યા હોય અને તમે રોકી ન શક્યા હો તો હું તમને નિષ્ણાતની મદદ લેવાની કે વધારે મહત્ત્વપૂર્ણ સારવારની સલાહ આપીશ."
સ્ક્રોલિંગની લતથી કેવી રીતે બચવું

ઇમેજ સ્રોત, Getty Images
સ્ક્રીનથી દૂર રહો
પ્રોફેસર લિંગ કહે છે, "તમને તમારા સેલફોનથી દૂર રાખે તેવાં કેટલાંક કામ કાયમ મદદરૂપ સાબિત થાય છે."
તેમના જણાવ્યા મુજબ, સેલફોન સાથે રાખ્યા વિના ટહેલવાની સાધારણ ઍક્સરસાઇઝની કેટલી મોટી અસર થાય છે એ બાબતે ઘણું સંશોધન થયું છે.
આ વાત સાથે સહમત થતાં પ્રોફેસર ડ્યુક કહે છે, "ટહેલવા જવું હોય કે પછી જીમ જવું હોય, તમે કોઈ પણ સમયે તમારો ફોન બાજુ પર મૂકીને બ્રેક લઈ શકો છો. આવું કરવું બહુ સારું છે."
એ તમને તે સમયગાળા દરમિયાન તમને ફોનનો ઉપયોગ કરતા અટકાવે છે એટલું જ નહીં, બલ્કે તમને તમારી આસપાસની ચીજો પર ધ્યાન આપવામાં મદદ પણ કરે છે. મગજનાં અન્ય કાર્યોનો અભ્યાસ કરે છે અને ફોનને બાજુ પર મૂકી દેવાથી તમને કેવી અનુભૂતિ થાય છે તેનાથી તમને વાકેફ કરે છે.
તમે તમારા પરિવાર કે દોસ્તો સાથે હો ત્યારે ટેબલ પર સેલફોન ન રાખવાની આદત પાડવી આદર્શ છે, કારણ કે એ વખતે તે તમારા પર નિર્ભર જ નહીં હોય, પરંતુ અન્ય કોઈ તમને યાદ કરાવશે કે આ સમય સેલફોનનો ઉપયોગ કરવાનો નથી. જમતા પહેલાં સેલફોન ટોપલીમાં મૂકી રાખવાનો દૃઢ નિયમ તેને વધારે પ્રભાવશાળી બનાવી શકે છે.
સામાન્ય રીતે તમારી દિનચર્યામાં સેલફોનને દૂર રાખવાનો કોઈ પણ જાગૃત પ્રયાસ તમને આડેધડ, ડિફૉલ્ટ સ્ક્રોલિંગ કરવામાં મદદ કરી શકે છે.
પ્રોફેસર ડ્યુક સલાહ આપે છે, "તમે ફોનનો ઉપયોગ નહીં જ કરો અને માત્ર કોઈ કામ જ પર ધ્યાન કેન્દ્રિત કરશો કે પછી દોસ્તોને સમર્પિત રહેશો એવો સમય નક્કી કરી શકો છો. આવું કરવું એક સારો વિચાર છે."
પ્રોફેસર લિંગ કહે છે, "હું એક અન્ય કામ ક્યારેય કરું છું. હું મારા ફોનને બ્લૅક ઍન્ડ વાઇટ કરી દઉં છું. તેને લીધે સ્ક્રીન ઓછી આકર્ષક બની જાય છે."
ભૌતિક વિશ્વ સાથે સંવાદ કરો
તમે તમારા ફોન દ્વારા કરો છો તેવાં કાર્યો ફોનના ઉપયોગ વિના કરવા માટે તમારી દિનચર્યામાં નાના-નાના ફેરફાર કરવાથી તમને સ્ક્રોલિંગની સમસ્યાના નિવારણ ઉપરાંત સ્વસ્થ સંબંધ બાંધવામાં પણ મદદ મળી શકે છે.
પ્રોફેસર ડ્યુક કહે છે, "થોડાં વર્ષ પહેલાં કરવામાં આવેલા એક અભ્યાસમાં અમને સમય જોવા માટે હાથમાં ઘડિયાળ પહેરતા અને એ માટે સેલફોનનો ઉપયોગ કરતા લોકો વચ્ચે મોટો ફરક જોવા મળ્યો હતો."
જે લોકો સમય જોવા માટે સેલફોનનો ઉપયોગ કરતા હતા તેઓ અજાણપણે સ્ક્રોલિંગમાં અટવાઈ જતા હતા.
એ સિવાય, એક ઉદાહરણ આપતાં પ્રોફેસર ડ્યુક ઉમેરે છે, "તમે કશું વાંચી રહ્યા હો તે ઑનલાઇન થયા વિના વાંચી શકો તો એ અદ્ભુત છે."
પ્રોફેસર લિંગ કહે છે, "હું લોકોને જિજ્ઞાસુ બનવા અને તેમના સેલફોન ટાઇમને ઘટાડીને થ્રી-ડાયમેન્શનલ દુનિયામાં સમય પસાર કરવાની રીતો શોધવા પ્રોત્સાહિત કરું છું. આપણી પાસે સ્પર્શેન્દ્રિય છે. આપણે વાસ્તવિક દુનિયાની વસ્તુઓ સાથે જોડાવા ઇચ્છીએ છીએ."
આવેગને નિયંત્રિત કરો
સ્ક્રોલ કરવા માટે કોઈ ઍપ્લિકેશનમાં ઍન્ટર થવાની ઇચ્છા થાય કે આપણે કલાકોથી સ્ક્રોલિંગ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે તેવું શા માટે કરી રહ્યા છીએ અથવા તો તેનાથી આપણે કેટલા સંતુષ્ટ છીએ.
આપણા નિર્ણયો, આપણને કેવું લાગે છે અને તે ક્ષણોમાં આપણું મન કેવી રીતે કાર્ય કરે છે તે બાબતે વધુ જાગૃત રહેવાનો પ્રયાસ કરવો તે શક્તિશાળી કામ છે, જે આપણે કરી શકીએ.
પ્રોફેસર લિંગ કહે છે, "ફોન ઉપાડવાની ઇચ્છા એક તૃષ્ણા જેવી છે. તમને સમજાય છે કે તમારું શરીર તેને ઝંખી રહ્યું છે, પણ તમારું મગજ કહે છે, 'અમારી પાસે ડોપામાઇન નથી. ચાલ થોડુંક ડોપમાઇન મેળવી લઈએ.' પછી તે તૃષ્ણા સમુદ્રના મોજાની માફક ઉછળી શકે છે."
"તમે તે તૃષ્ણાને અંકુશમાં રાખી શકો. તમે કહી શકોઃ ઓકે. હું મારો ફોન હાથમાં લેવા ઇચ્છું છું, નોટિફિકેશન જોવા ઇચ્છું છું, પણ તેવું કરી શકું તેમ નથી."
પ્રોફેસર લિંગ ઉમેરે છે, "એ બહુ પ્રેક્ટિસ અને જવાબદારી માગી લે છે, પરંતુ જે લોકો આ બાબતના લાંબા ગાળાના કેટલાક લાભોનો ખંતપૂર્વક અભ્યાસ કરે છે તેમને ખરેખર સારી અનુભૂતિ થાય છે. તેમને એવી અનુભૂતિ થાય છે, જે તેમના જીવનને વધુ સમૃદ્ધ અને વધારે અર્થપૂર્ણ બનાવે છે."












