સુરત : 'મને ગૂગલ દેખાય છે અને ભોજન લેવાની ના પાડે છે', મોબાઇલની લતે યુવતીને આપઘાત કરાવ્યો?

વિશાખા રાણા

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, વિશાખા રાણા
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

“એ મોબાઇલમાં ઘણો સમય પસાર કરતી હતી, જેથી અમે તેની સારવાર પણ કરાવી રહ્યા હતા. મોબાઇલના વધુ પડતા વળગણના કારણે અમે તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. પરંતુ અમને ખબર નહોતી કે તેના કારણે એ પોતાનો જીવ લઈ લેશે.”

સુરતમાં ગત રવિવારે સાંજે કથિતપણે મોબાઇલના વધુ પડતા વળગણના કારણે આપઘાત કરનાર યુવતી વિશાખા રાણાના ભાઈના આ શબ્દો છે. આ ઘટના બાદ પરિવારજનો આઘાતમાં છે.

આ મામલે સુરતના આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો કેસ દાખલ કરાયો છે.

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

શું છે સમગ્ર મામલો?

મોબાઈલ એડિક્શન

ઇમેજ સ્રોત, Getty Images

પરિવારજનોએ આપેલી માહિતી અનુસાર સુરતના ગોપીપુરા વિસ્તારના મોટી છીપવાડમાં રહેતાં 20 વર્ષના વિશાખા રાણાએ મોબાઇલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. નોકરીથી ઘરે આવ્યા બાદ તેમણે અંતિમ પગલું ભર્યું હતું.

પરિવારજનો અનુસાર વિશાખા સતત મોબાઇલ પર જ રહેતાં હતાં અને તેમને સોશિયલ મીડિયાનું વળગણ લાગ્યું હતું. વળગણના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યાં હતાં. જેના કારણે તેમની સારવાર પણ ચાલી રહી હતી.

જરીકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં વિશાખાને લાંબા સમયથી મોબાઇલની લત હતી. પરિવારજનો અનુસાર તેઓ મોબાઇલ અને સોશિયલ મીડિયા પર કલાકો પસાર કરતાં હતાં.

પરિવારને વિશાખાના મોબાઇલ વળગણનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે દીકરીને તેમણે કહ્યું કે તેમનું જડબું વાંકું થઈ ગયું છે.

બીબીસી સહયોગી રૂપેશ સોનવણે સાથે વાતચીત કરતાં વિશાખાના ભાઈ વાસુ રાણાએ કહ્યું કે, ‘‘વિશાખાએ કહ્યું કે હું ગૂગલથી ફેસ ઍક્સર્સાઇઝ કરી રહી છું, કારણકે મારું જડબું વાંકું થઈ ગયું છે. અમે તેને તરત ડૉક્ટર પાસે લઈ ગયા. 15 -20 દિવસની સારવાર બાદ જ્યારે ડૉક્ટરે કહ્યું કે વિશાખાના ચહેરામાં કોઈ સમસ્યા નથી તો અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા.”

પરિવારજનો જણાવે છે કે છેલ્લા બે મહિનાથી વિશાખાની સારવાર ચાલતી હતી અને તેમને આશા હતી કે તેમની દીકરી સાજી થઈ જશે.

વાસુ રાણા કહે છે કે, “વિશાખાની સારવાર કરતા ડૉક્ટરે અમને આશ્વાસન આપ્યું હતું કે મારી બહેન થોડા સમયમાં સાજી થઈ જશે. જો વિશાખા દવાઓ નિયમિતપણે લેતી રહેશે તો બીમારી મટી જશે, પરંતુ અમને ખ્યાલ નહોતો કે વિશાખા અંતિમ પગલું ભરી લેશે.”

આ ઘટના સામે આવતાં મોબાઇલની લત કેટલી જોખમી હોઈ શકે એ વિશે ફરીથી ચર્ચાએ વેગ પકડ્યો છે. બીબીસી ગુજરાતીએ આ સમસ્યા સમજવા માટે કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.

'મોબાઇલ જ બની ગયો હતો તેની દુનિયા'

મોબાઇલની લતના કિસ્સામાં મોટાભાગે બાળકોને ગૅમનું વળગણ વધુ હોય છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિવારજનો અનુસાર વિશાખા દરરોજ મોબાઇલમાં ઘણો સમય પસાર કરતાં હતાં અને તેઓ તેઓ ઘણી વખત વિશ્વાસ ન થાય તેવી વાતો કરતાં હતાં.

વાસુ રાણા કહે છે કે, “વિશાખા અમને કહેતી કે મને ગૂગલ દેખાય છે. ગૂગલ ભોજન લેવાની ના પાડે છે. ઘણી વખત તે કહેતી કે મને મોબાઇલ દેખાય છે. અમે તેની સારવાર કરાવી રહ્યા હતા જે સારી રીતે ચાલી પણ રહી હતી.”

મોબાઇલની આ લતને કારણે પરિવારે વિશાખા પાસેથી એક માસ પહેલાં મોબાઇલ લઈ લીધો હતો.

બીના ગજ્જર સુરતમાં સાઇકૉથૅરાપિસ્ટ અને સાઇકૉલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ આ કિસ્સા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, ‘‘આ એક ગંભીર લતનો કિસ્સો છે. મારા અંદાજ પ્રમાણે વિશાખા દરરોજ સરેરાશ આઠ-દસ કલાક જેટલો સમય મોબાઇલમાં જોવામાં કાઢતી હશે, જેના કારણે તે એક કાલ્પનિક દુનિયામાં રહેવા લાગી હતી, જે વાસ્તિવકતાથી ઘણું દૂર હતું.”

“મોબાઇલમાં ગળાડૂબ રહેવાના કારણે વિશાખા પોતાની વિચારોની અને માન્યતાની દુનિયામાં રહેવા લાગ્યાં, જ્યાં તેઓ ગૂગલ જોઈ અને સાંભળી શક્તાં હતાં. તેઓ ગૂગલના કમાન્ડને ફોલો પણ કરતાં હતાં. જો તેઓ કમાન્ડને ફોલો ન કરે તો બેચેની પણ અનુભવતાં હશે.”

બીના ગજ્જર આગળ વાત કરતાં જણાવે છે કે સમાન્પણે પરિવારજનો મોબાઇલના વળગણને ગંભીરતાથી લેતા નથી. જેના કારણે પરિસ્થિતિ ઘણી વખત કાબૂ બહાર થઈ જાય છે.

“આ કેસની વિગતો જોતાં ખ્યાલ આવે છે કે વિશાખા એવી વ્યક્તિ બની ગયાં હતાં, જેમાં મોબાઇલની લતના કારણે મગજની વિચારવાની ક્ષમતા ખતમ થઈ જાય છે અને તે મનોરોગી બની જાય છે. મોબાઇલની લતને કારણે મોબાઇલ એ વિશાખાની સમગ્ર દુનિયા બની ગઈ હતી.”

મોબાઇલની લત કઈ રીતે લાગી જાય છે?

80થી 85 ટકા કેસમાં બાળકોને કાઉન્સેલિંગ કરીને આદતથી બહાર લાવી શકાય છે

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પૉરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલના સાઇકિયાટ્રિક વિભાગના વડા ડૉ. નિમેષ પરીખે બીબીસી ગુજરતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા વિભાગમાં સરેરાશ એક કેસ બાળકોમાં મોબાઇલની લતનો આવે છે. બાળકોની મોબાઇલની લત અંગેના દરેક કેસમાં અલગ-અલગ કારણો જોવા મળે છે. ક્યારેક માતાપિતા બંને કામના કારણે બાળકોને સમય આપી શકતાં નથી. તો કેટલાક કિસ્સામાં બાળકો જિદ્દી હોય છે. કયારેક બાળકોને તેમના આસપાસના મિત્રવર્તુળને કારણે પણ મોબાઇલની લત લાગતી હોય છે.”

ડૉ. પરીખ બાળકોને મોબાઇલની લતથી બચાવવા માટેના ઉપાય સૂચવતા કહે છે કે, “માતા પિતાએ બાળકોને મોબાઇલ અપાવ્યા બાદ મોબાઇલ વાપરવા પર સમયમર્યાદાનું પાલન કરવા જણાવવું જોઈએ, તેમજ બાળકો શું સર્ચ કરે છે ? તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત માતાપિતાએ તેમને બાળકોને ઇન્ડોર ગેમ્સ ,આઉટડૉર ગૅમ્સ રમવા લઈ જવાં જોઈએ. બાળકોના અભ્યાસ માટે મોબાઇલના હકારાત્મક ઉપયોગ પણ છે. મોબાઇલ વાપરવા અંગે મર્યાદા જરૂર નક્કી કરી શકાય."

ડૉ. પરીખ અનુસાર મોબાઇલની લતના કિસ્સામાં મોટા ભાગે બાળકોને ગેમનું વળગણ વધુ હોય છે.

તેઓ આ લત અને બાળકોમાં તેની અસર અંગે વધુ વાત કરતાં કહે છે કે,"મોબાઇલની લત અંગેના કેસોમાં 60થી 70 ટકા કેસમાં બાળકોને ગેમનું વળગણ હોય છે, જ્યારે 30 ટકા કેસમાં તેઓ ઇન્ટરનેટ સર્ફ કરતાં હોય છે. જેમાં દસ ટકા જેટલા કિસ્સામાં કિશોરો પોર્ન સાઇટ પણ સર્ફ કરતા હોય છે. મોબાઇલની લત છોડાવવામાં આવે ત્યારે બાળકોમાં ‘વિડ્રોઅલ લક્ષણો’ જોવા મળતાx હોય છે. બાળકો ગુસ્સે થાય છે. ક્યારેક વધુ ગુસ્સો કરીને તોડફોડ પણ કરે છે. 80થી 85 ટકા કેસમાં બાળકોને કાઉન્સેલિંગ કરીને આદતથી બહાર લાવી શકાય છે. જયારે દસથી 15 ટકા કેસમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. ઍન્ટિ-ડિપ્રેશન ટેબ્લેટ આપવી પડે છે."

મગજ પર અસર

મોબાઇલની લત અંગેના દરેક કેસમાં અલગ-અલગ કારણો જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

મનોવૈજ્ઞાનિકો અનુસાર આપણા મગજમાં હજારો વસ્તુઓ સિગ્નલ મારફતે પહોંચતી રહેતી હોય છે.

જ્યારે કોઈ સ્માર્ટફોન વાપરે છે, તો તેને વીડિયો અને ઑડિયો તો મળે જ છે, પરંતુ તેની સાથોસાથ કેટલીક એવી પણ વસ્તુઓ મગજમાં પ્રવેશ કરી રહી હોય છે, જે રોમાંચ અને જિજ્ઞાસા પેદા કરે છે અને તે એક ચુંબક તરીકે કામ કરે છે.

ડૉક્ટર પંકજકુમાર વર્મા, રેજુવેનેટ માઇન્ડ ક્લિનિક ચલાવે છે.

તેઓ કહે છે કે કોરોના દરમિયાન પણ અમે બાળકોના સ્ક્રીન ટાઇમમાં વધારો થયો હતો અને ઘરમાં બંધ રહેવાથી ગુસ્સો પણ વધ્યો હતો. સાથે જ બાળકો ચિંતા અને અવસાદનો પણ શિકાર બન્યાં હતાં.

તેઓ વધુમાં જણાવે છે, "નાનાં બાળકોને એ ખબર જ નથી હોતી કે તેઓ જે જોઈ રહ્યાં છે, તે તેમના માટે સારું છે કે ખરાબ. બીજી વાત એ છે કે જો તેઓ કોઈ કાર્ટૂન જોઈને સારું અનુભવે તો મગજ ડોપામાઇન નામનું એક કેમિકલ રિલીઝ કરે છે. જે તેમને ખુશીનો આભાસ કરાવે છે."

તેઓ કહે છે કે ડિજિટલ ઍક્સપોઝરને કારણે બાળકોને એક રીતે આની લત લાગી ગઈ છે. આને લીધે બાળકો ભણતર, રમતગમત ભૂલીને માત્ર સ્માર્ટફોનમાં જ રમમાણ રહે છે. જે તેમને ડોપામાઇન આપતું રહે છે. એટલે તેઓ એક બનાવટી દુનિયામાં જતાં રહે છે.

આવી સ્થિતિમાં તેઓ ડર, અસમંજસ, ચિંતા જેવી મનોસ્થિતિમાં ઘેરાઈ જાય છે અને આગળ વધીને તેમના પર આ વાતની અસર રહે છે. વળી બાળકોનો સામાજિક વાતાવરણમાં જેવો વિકાસ થવો જોઈએ, તેવો વિકાસ નથી થઈ શકતો અને આગળ ભવિષ્યમાં પછી એની તેમના પર ખરાબ અસર થાય છે."