સુદાન ગૃહયુદ્ધ: લાચાર માતાઓ કરગરે છે- 'મારી સાથે જે કરવું હોય તે કરો, દીકરીઓને છોડી દો'

સુદાન ગૃહયુદ્ધ, જાતીય શોષણ, બળાત્કાર, મહિલાઓ, સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/MOHANAD HASHIM

ઇમેજ કૅપ્શન, એક મહિલાએ કહ્યું કે "અમે ભૂખ્યાં છીએ, અમારે ખાવાનું જોઈએ છે"
    • લેેખક, બારબરા પ્લેટ અશર
    • પદ, બીબીસી આફ્રિકા સંવાદદાતા, ઓમડરમૅનથી

આફ્રિકન દેશ સુદાન તબાહ થઈ જવાના આરે ઊભો છે.

17 મહિનાથી ચાલી રહેલા ઘાતક ગૃહયુદ્ધે આ દેશને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો છે.

સુદાનની સેના તેના કટ્ટર હરીફ અર્ધસૈનિકદળ રૅપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) સાથે અતિશય ભયાનક યુદ્ધ ખેલી રહી છે.

હાલમાં જ તેણે રાજધાની ખાર્તૂમમાં અર્ધસૈનિકદળો સામે મોટી જવાબી કાર્યવાહી કરી છે.

સેના એ વિસ્તારમાં હુમલા કરી રહી છે કે જે વિસ્તારો રૅપિડ સપોર્ટ ફોર્સિસના કબજામાં છે. જોકે, સેનાનો ખાર્તૂમના મોટા ભાગના વિસ્તારો પર કબજો છે.

(ચેતવણી: આ અહેવાલના કેટલાક અંશ તમને વિચલિત કરી શકે છે.)

“દુનિયા ક્યાં છે, તમે અમારી મદદ કેમ નથી કરતાં?”

સુદાન ગૃહયુદ્ધ, જાતીય શોષણ, બળાત્કાર, મહિલાઓ, સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/ED HABERSHON

ઇમેજ કૅપ્શન, સુદાનના ગૃહયુદ્ધે લાખો લોકોને ઘર છોડવા મજબૂર કરી દીધાં છે

આરએસએફએ આ સંઘર્ષની શરૂઆતમાં જ ખાર્તૂમના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો હતો. જ્યારે સેના નાઈલ નદીની બીજી તરફ વસેલા ખાર્તૂન સાથે જોડાયેલા શહેર ઓમડોરમૅનમાં છે.

પરંતુ હજુ પણ એવી કેટલીય જગ્યા છે જ્યાંથી લોકો બંને તરફથી આવજા કરી શકે છે. આજકાલ તેઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમાંથી એક જગ્યાએ મારી મુલાકાત મહિલાઓના એક સમૂહ સાથે થાય છે.

આ મહિલાઓ ઓમડોરમૅનના કિનારાથી સેનાના નિયંત્રણવાળા વિસ્તારોમાં આવેલા બજારો સુધી ચાર કલાક ચાલીને આવી છે. અહીં ખાવાનું સસ્તું છે.

આ મહિલાઓ અહીં આરએસએફના નિયંત્રણવાળા વિસ્તારમાં દાર-એ-સલામથી આવી છે. આ મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના પતિનું હાલમાં ઘરમાંથી નીકળવાનું જ બંધ થઈ ગયું છે.

બહાર નીકળતાં જ આ લોકોને આરએસએફના લડવૈયા પકડીને માર મારે છે. તેમની પાસેથી કમાયેલા પૈસા છીનવી લે છે. ક્યારેક તેમને પકડી લેવામાં આવે છે અને ક્યારેક છોડવા માટે તેમના પરિવાર પાસેથી લાંચ પણ માગવામાં આવે છે.

તેમાંથી જ એક મહિલાએ કહ્યું હતું કે, “અમે અહીં બધું સહન કરીને એટલા માટે અહીં આવ્યા છીએ કે અમારે અમારાં બાળકોનું પેટ ભરવું છે. અમે ભૂખ્યાં છીએ એટલે અમારે ખાવાનું જોઈએ છે.”

મેં એ મહિલાઓને પૂછ્યું કે, “શું મહિલાઓ અહીં પુરુષોની સરખામણીમાં વધુ સુરક્ષિત છે? મેં મહિલાઓના બળાત્કાર વિશે પણ સાંભળ્યું છે.” આ સવાલ સાંભળતાં જ એ મહિલાઓએ મૌન સેવી લીધું.

પણ તેમાંથી એક મહિલા પોતાને રોકી ન શકી. તેમણે કહ્યું, “ક્યાં છે આ દુનિયાના લોકો, તેઓ અમારી મદદ કેમ નથી કરી રહ્યા?”

આમ કહેતાં જે તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.

તેમણે કહ્યું, “અહીં અનેક એવી મહિલાઓ છે કે જેમની સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પરંતુ તેઓ તેમનો ઉલ્લેખ નથી કરતાં. તેનાથી શું ફર્ક પડશે?”

મહિલાઓએ કહ્યું કે, “આરએસએફના લોકો રાત્રે પોતાના નિયંત્રણમાં રહેલા વિસ્તારોમાંથી છોકરીઓને ઉઠાવી લે છે. જો છોકરીઓ બજારમાંથી મોડેથી પસાર થતી દેખાય તો આરએસએફના લોકો તેને પાંચ-છ દિવસ સુધી પોતાની પાસે જ રાખી લે છે.”

જ્યારે આ વાત તેઓ મને કહી રહ્યાં હતાં ત્યારે તેમનાં માતા પોતાના કપાળે હાથ દઈને દુ:ખભરી મુદ્રામાં બેસી રહ્યાં હતાં. તેઓ હીબકાં ભરી રહ્યાં હતાં અને તેમની આસપાસની મહિલાઓએ પણ રડવાનું શરૂ કરી દીધું.

એ મહિલાએ મને ફરીથી સવાલ કર્યો, “તમે મને તમારા વિશે જ કહો. તમે જ્યાં રહો છો ત્યાં જો તમારી દીકરી ઘરની બહાર મોડેથી જશે તો તમને તેની ચિંતા નહીં થાય? જો તેને ઘરે આવતાં મોડું થશે તો તમે તેને નહીં શોધો? પણ તમે જ અમને કહો કે અમે શું કરીએ? અમારા હાથમાં કંઈ જ નથી. અમારી ચિંતા કોઈ કરતું નથી. ક્યાં છે આ દુનિયા? તમે લોકો અમારી મદદ કેમ કરતા નથી? ”

આરએસએફના લોકો પર બળાત્કારના આરોપો

સુદાન ગૃહયુદ્ધ, જાતીય શોષણ, બળાત્કાર, મહિલાઓ, સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુદાનમાં સેના અને આરએસએફ વચ્ચેની લડાઈએ મોટા પાયે તબાહી મચાવી છે

બંને તરફથી આવતાં-જતાં લોકો માટે ઉપયોગમાં લેવાતી આ એવી બારી હતી કે જ્યાંથી એક એવી દુનિયા દેખાઈ રહી હતી જે બેચેની અને નિરાશાથી ભરેલી હતી.

આ જગ્યાએથી પસાર થતાં લોકોએ જણાવ્યું હતું કે, “સેના અને આરએસએફ વચ્ચેના સંઘર્ષમાં તેમને કેટલી અરાજકતા, લૂંટફાટ અને ક્રૂરતા સહન કરવી પડી હતી. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ સંઘર્ષને કારણે લગભગ દોઢ કરોડ લોકોએ તેમના ઘર છોડીને ભાગવું પડ્યું છે.

યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ વૉલ્કર તુર્કે કહ્યું છે કે, “બળાત્કારનો ઉપયોગ 'યુદ્ધના હથિયાર' તરીકે થઈ રહ્યો છે.”

આ મિશનની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે સેનાના સભ્યો તરફથી બળાત્કાર અને બળાત્કારની ધમકીઓને પણ રેકૉર્ડમાં લીધી છે.

પરંતુ તેમાં જાણવા મળ્યું કે આરએસએફ અને તેનાં સહયોગી લશ્કરોએ મોટા પાયે જાતીય હિંસા આચરી છે. આ લોકોએ એવા ગુના કર્યા છે જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

બીબીસી સાથે વાત કરતી વખતે એક મહિલાએ કહ્યું કે આરએસએફના માણસોએ તેની સાથે બળાત્કાર કર્યો.

અમે તેમને બજારમાં એક ચોક પર મળ્યા. આ ચોકનું નામ હતું - શૌક અલ-હર એટલે કે 'હિટ માર્કેટ'.

સેના અને આરએસએફ વચ્ચે લડાઈ શરૂ થઈ ત્યારથી બજાર બીજી તરફ ખસી ગયું છે અને નજીકમાં આવેલી ખાલી રણવિસ્તારની જમીન સુધી પહોંચી ગયું છે.

આ બજાર ઓમડરમૅનની બહાર છે. આ બજાર ગરીબ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે અહીં વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે વેચાય છે.

સુદાન ગૃહયુદ્ધ, જાતીય શોષણ, બળાત્કાર, મહિલાઓ, સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ વૉલ્કર તુર્કે કહ્યું છે કે, “બળાત્કારનો ઉપયોગ 'યુદ્ધના હથિયાર' તરીકે થઈ રહ્યો છે.”

મરિયમ (નામ બદલ્યું છે) દાર એ- સલામથી ભાગી ગયાં છે અને તેઓ તેમના ભાઈ સાથે રહે છે. તેઓ હવે ચાની દુકાનમાં કામ કરે છે.

તેમણે કહ્યું કે આ લડાઈની શરૂઆતમાં જ બે સશસ્ત્ર માણસો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમની દીકરીઓ પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો. તેમની એક દીકરી 17 વર્ષની અને બીજી 10 વર્ષની છે.

તેમણે કહ્યું, "મેં બંને છોકરીને મારી પાછળ છુપાવી દીધી અને આરએસએફના લોકોને કહ્યું, "જો તમે બળાત્કાર કરવા માગતા હો તો મારો બળાત્કાર કરો. પણ તેમને છોડી દો.”

તેમણે ચાલુ રાખ્યું, “તેમણે મને માર માર્યો અને મારાં બધાં કપડાં ઉતારવાં કહ્યું. મારાં કપડાં ઉતારતાં પહેલાં મેં મારી છોકરીઓને તરત જ ભાગી જવા કહ્યું. તે બીજાં બાળકોને લઈને કૂદીને બહાર ભાગી ગઈ. ત્યાં સુધી એક વ્યક્તિ મારા પર પડેલી રહી હતી.”

જોકે, આરએસએફએ આંતરરાષ્ટ્રીય તપાસકર્મીઓને કહ્યું છે કે તેણે જાતીય હિંસા અને માનવાધિકાર હનન કરનારી બીજી તમામ પ્રકારની હિંસાને રોકવા માટે જરૂરી પગલાં ભર્યાં છે.

પરંતુ જાતીય હુમલાના આવા કિસ્સા સતત સાંભળવા મળે છે અને તેની ઘાતક અસર પડી રહી છે.

‘એ ભયાનક દુનિયામાં પાછા ફર્યાં સિવાય કોઈ આરો નથી’

સુદાન ગૃહયુદ્ધ, જાતીય શોષણ, બળાત્કાર, મહિલાઓ, સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મહિલાઓ પર ઘાતક જાતીય હુમલા વધી રહ્યા છે અને તેની તેમના જીવન પર ગંભીર અસર પડી રહી છે

વૃક્ષોના છાંયડામાં એક નાનકડા સ્ટૂલ પર બેસેલાં ફાતિમા (બદલાવેલું નામ)એ મને કહ્યું હતું કે તેઓ ઓમડરમૅનમાં તેમનાં બાળકોને જન્મ આપવા માટે આવ્યાં છે. તેમનો અહીં જ રહેવાનો ઇરાદો છે.

તેમણે જણાવ્યું હતું કે આરએસએફના ચાર લડવૈયાએ બળાત્કાર કર્યા પછી તેમના પાડોશમાં રહેતી એક 15 વર્ષની છોકરી ગર્ભવતી બની ગઈ હતી. આ લોકોએ તેમની 17 વર્ષની બહેન પર પણ બળાત્કાર કર્યો હતો.

તેમની ચીસો અને અવાજ સાંભળીને લોકો તેની તરફ દોડ્યા. પરંતુ હથિયારબંધ લોકોએ તેમને રોકી લીધાં અને કહ્યું કે જો તેઓ આગળ વધશે તો તેમને ગોળી મારી દેવાશે.

એ પછીની સવારે બંને છોકરીએ પોતાના પર વીતેલી ઘટનાનાં નિશાન જોયાં. 17 વર્ષની છોકરીએ પોતાને એક ઓરડામાં બંધ કરી દીધી હતી.

ફાતિમાએ જણાવ્યું કે, "યુદ્ધ શરૂ થયા પછી આરએસએફ આવતાંની સાથે જ અમને બળાત્કારની ઘટનાઓ વિશે સાંભળતાં થયાં. પરંતુ હવે આ ઘટનાઓ અમારા પડોશમાં બનવા લાગી છે. શરૂઆતમાં અમને આ ઘટનાઓ વિશે શંકા હતી પરંતુ અમને ખબર પડી કે આરએસએફના લોકો જ છોકરીઓ પર બળાત્કાર કરે છે.”

ત્યાં હાજર અન્ય મહિલાઓ હવે આરએસએફના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં પાછા ફરવાની તૈયારી કરવા લાગી હતી. તેમણે કહ્યું કે, “તેઓ એટલાં ગરીબ છે કે તે દાર અસ સલામ છોડીને મરિયમની જેમ નવું જીવન શરૂ કરી શકે તેમ નથી.”

જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેમની પાસે ભયંકર સ્થિતિમાં પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.