પાકિસ્તાન સામેના એ યુદ્ધે કેવી રીતે ભારતમાં જાસૂસી સંસ્થા રૉની રચના કરાવી? રૉમાં એજન્ટોની ભરતી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું જે 22 દિવસ સુધી ચાલ્યું હતું, પરંતુ તે નિર્ણાયક યુદ્ધ નહોતું. આ યુદ્ધમાં ભારતનો હાથ ઉપર જરૂર હતો, પરંતુ પાકિસ્તાન પાસે હથિયારોની કેટલી અછત છે તેની ગુપ્ત માહિતી ભારત પાસે નહોતી.
હકીકત એ હતી કે 22 સપ્ટેમ્બરે જે દિવસે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી, તે જ દિવસે પાકિસ્તાનનાં લગભગ તમામ હથિયારો ખતમ થઈ ગયાં હતાં.
આ હથિયારોના સપ્લાયની પણ કોઈ શક્યતા ન હતી, કારણ કે અમેરિકાએ પાકિસ્તાનને હથિયાર આપવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
રૉના ભૂતપૂર્વ વડા શંકરન નાયર પોતાના પુસ્તક 'ઈનસાઈડ આઈબી એન્ડ રૉ: ધ રોલિંગ સ્ટોન ધેટ ગેધર્ડ માસ'માં લખે છે કે સેનાના તત્કાલીન વડા જનરલ જે એન ચૌધરીએ સંરક્ષણ મંત્રી યશવંત રાવ ચવ્હાણને રિપોર્ટ આપ્યો, "ભારતીય સેના પાકિસ્તાન પર નિર્ણાયક જીત હાંસલ કરી ન શકી કારણ કે આપણી પાસે સચોટ ગુપ્તચર માહિતી ન હતી. તેનું કારણ એ હતું કે આ બાતમી એકઠી કરવાની જવાબદારી આઈબીના નકામા જાસૂસોને આપવામાં આવી હતી."
આ ટીકાનું એક પરિણામ એ આવ્યું કે ભારતે એક નવી ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ (રૉ) ની સ્થાપના કરવાનું નક્કી કર્યું. દેશની બહાર ગુપ્ત માહિતી એકત્ર કરવાનું કામ રૉને સોંપાયું.
'રિલેટિવ્સ ઍન્ડ ઍસોસિએટ્સ વૅલ્ફેર ઍસોસિયેશન'

ઇમેજ સ્રોત, Getty Images
આરએડબ્લ્યૂની સ્થાપના 21 સપ્ટેમ્બર, 1968ના રોજ કરવામાં આવી હતી. રામેશ્વરનાથ કાઓ તેના પ્રથમ વડા હતા. શંકરન નાયરને તેમની પાછળ નંબર ટુ બનાવવામાં આવ્યા.
આ બે ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યૂરોમાંથી 250 લોકોને રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
1971 પછી રામેશ્વરનાથ કાઓએ કૉલેજો અને યુનિવર્સિટીઓમાંથી રૉના એજન્ટોની સીધી ભરતી કરવાની પરંપરા શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિણામ એ આવ્યું કે રૉમાં પહેલેથી કામ કરી રહેલાં ઘણા લોકોના સગાંસંબંધીઓ અને મિત્રોને સંગઠનમાં નોકરી મળી ગઈ. તેથી તેને મજાકમાં 'રિલેટિવ્સ ઍન્ડ ઍસોસિએટ્સ વૅલ્ફેર ઍસોસિયેશન' કહેવામાં આવ્યું.
પરંતુ 1973 પછી આ પરંપરા બદલાઈ ગઈ અને સીધા ભરતી થયેલા લોકોએ એક આકરી સ્પર્ધા અને વિવિધ પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું.
નીતિન ગોખલે પોતાના પુસ્તક ‘આરએન કાઓ, જેન્ટલમૅન સ્પાયમાસ્ટર’માં લખે છે, “સૌથી પહેલા મનોવૈજ્ઞાનિક ટેસ્ટ લેવામાં આવતો. ઉમેદવારોને સવારે 3 વાગે એક સ્થળે આવવા માટે જણાવાયું. ત્યાં પહોંચતા જ તેમની ઑબ્જેક્ટિવ ટેસ્ટ (હેતુલક્ષી કસોટી) લેવામાં આવી હતી. જેમણે આ પરીક્ષા પાસ કરી તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. એક સંયુક્ત સચિવ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા."

ઇમેજ સ્રોત, MANAS PUBLICATIONS
જયદેવ રાનડે 1973 માં રૉમાં પસંદ થયા હતા અને ઍડિશનલ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ કહે છે, “આગલા રાઉન્ડના ઇન્ટરવ્યૂ રૉના વરિષ્ઠ અધિકારીઓ એન. એન. સંતુક અને શંકરન નાયર દ્વારા લેવામાં આવ્યા. પસંદગી થયા પછી અમે છ સભ્યોની પસંદગી સમિતિ પાસે ગયા જેમાં વિદેશ સચિવ, રૉના વડા આર એન કાઓ અને એક મનોવૈજ્ઞાનિક સામેલ હતા. મારો ઇન્ટરવ્યૂ લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો હતો."
બે મહિના પછી રાનડેને જાણ કરવામાં આવી કે તેમને રૉમાં પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે અન્ય ત્રણ લોકો પ્રતાપ હેબલીકર, ચકરુ સિન્હા અને બિધાન રાવલની પણ પસંદગી કરવામાં આવી.
રૉના સ્પેશિયલ સેક્રેટરીના પદેથી નિવૃત્ત થયેલા રાણા બેનરજી જણાવે છે, “ત્યાર પછી 1985 અને 1990ની વચ્ચે રૉમાં એવી રીતે કેટલાક લોકોની ભરતી કરવામાં આવી જેથી તે સ્પેશિયલ સર્વિસ બની. ત્યાર બાદ અજ્ઞાત કારણોસર આ પ્રયોગ બંધ કરવામાં આવ્યો. હવે 95 ટકા કરતાં વધુ લોકોને ભારતીય પોલીસ સેવામાંથી જ પસંદ કરવામાં આવે છે અને ઈકોનોમિક ઈન્ટેલિજન્સનું કામ જોવા માટે કેટલાક લોકોને કસ્ટમ્સ અને ઇન્કમટૅક્સ સર્વિસમાંથી લેવામાં આવે છે.”
આઈપીએસમાંથી ભરતી પર સવાલ

રૉના કેટલાક વર્ગમાં આ પ્રકારની ભરતીપ્રક્રિયાની ટીકા થઈ છે.
રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદ પોતાના પુસ્તક 'ધ અનઍન્ડિંગ ગેમ'માં લખે છે, "કોઈ વ્યક્તિ પોલીસ સર્વિસમાં ઑફિસર બને ત્યાં સુધીમાં તેની ઉંમર સરેરાશ 27 વર્ષ થઈ ગઈ હોય છે. તેઓ ત્રણ વર્ષ પછી રૉમાં જોડાય ત્યારે તેમની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોય છે. આ ઉંમરે એક નવા પ્રોફેશનમાં પોતાની જાતને ઢાળવાનું કામ બહુ મુશ્કેલ હોય છે. આ સમયે તેઓ વધુ જોખમ ઉઠાવવાની સ્થિતિમાં પણ નથી હોતા."
વિક્રમ સૂદ લખે છે, "ગુપ્તચર એજન્સીઓના લોકોને પોલીસ સર્વિસમાંથી લેવામાં આવે તે હવે પહેલાં જેવું ઉપયોગી નથી રહ્યું. આ એક નવો વ્યવસાય છે, તેમાં ભાષાનું કૌશલ્ય અને માહિતી કઢાવવાની કળા બહુ મહત્ત્વની હોય છે. પોલીસ અધિકારીઓને તેની તાલીમ નથી હોતી. તેમને આર્થિક, સાઈબર, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રમાં પણ કુશળતાની જરૂર પડે છે જેની તાલીમ આઈપીએસ અધિકારીને નથી મળતી હોતી."
રૉના અધિકારીઓની તાલીમ

ઇમેજ સ્રોત, PENGUIN
રૉમાં પસંદ કરવામાં આવેલા લોકોને ગુપ્ત બાતમી એકઠી કરવાની બેઝિક તાલીમ આપવામાં આવે છે. તેમને કોઈ પણ એક વિદેશી ભાષામાં નિપુણતા અપાવવામાં આવે છે.
બેઝિક તાલીમ આપ્યા પછી તેમને ફિલ્ડ ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે રાખવામાં આવે છે, જ્યાં તેમને શીખવવામાં આવે છે કે અત્યંત ઠંડીમાં કઈ રીતે કામ કરવાનું હોય છે. કઈ રીતે ઘૂસણખોરી કરવી, કઈ રીતે પકડાઈ જવામાંથી બચવું, કઈ રીતે સવાલોના જવાબ આપવા અને કઈ રીતે નવા સંપર્ક સ્થાપિત કરવા.
ફિલ્ડમાં જતા પહેલાં તેમને સ્વરક્ષણ માટે 'ક્રાવમગા'ની તાલીમ આપવામાં આવે છે. આ એક પ્રકારની ઈઝરાયલી માર્શલ આર્ટ છે જેમાં આમને-સામનેની લડાઈમાં જીતવા માટે બિનપરંપરાગત દાવ શીખવવામાં આવે છે.
રાણા બેનરજી જણાવે છે, "વિદેશ જતાં અગાઉ તેમને એવી ચીજો શીખવવામાં આવે છે જે તેમને પછી કામ લાગી શકે છે. જેમ કે એક જમાનામાં 'ડેડ લેટર બોક્સ'ની વાત થતી હતી. તમે કોઈ ઝાડના થડમાં કાગળ રાખી દેશો. ત્યાંથી બીજા લોકો તે કાગળ લઈ જશે. કાગળ રાખવાની અને ઉઠાવવાની પ્રક્રિયામાં નિશાન કરવામાં આવે છે. આ ઉપરાંત કોડ લેંગ્વેજ પણ શીખવવામાં આવે છે."
દૂતાવાસોમાં 'અંડરકવર' પોસ્ટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુનિયાના તમામ દેશો વિદેશમાં પોતાના દૂતાવાસોનો ઉપયોગ જાસૂસીના ગુપ્ત અડ્ડા તરીકે કરે છે.
રૉના એજન્ટોને પણ ઘણીવાર વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં નિયુક્ત કરવામાં આવે છે. ઘણી વખત તેમને નકલી નામ સાથે બહાર મોકલવામાં આવે છે.
ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર યતીશ યાદવ પોતાના પુસ્તક ‘રૉ: અ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઝ કોવર્ટ ઑપરેશન્સ’માં લખે છે, “આની પાછળનું કારણ એ છે કે તેમનાં અસલી નામ સિવિલ સર્વિસના લિસ્ટમાં હોય છે. એક વખત રૉમાં કામ કરતા વિક્રમ સિંહને વિશાલ પંડિત બનીને મોસ્કો જવું પડ્યું. તેમના પરિવારજનોએ પણ નામ બદલવાં પડ્યાં. વિદેશમાં પોસ્ટિંગ દરમિયાન તેમના ઘરે બાળકનો જન્મ થાય તો તેની સરનેમ પણ નકલી રાખવામાં આવી અને આખી જિંદગી તે સરનેમ તેની સાથે રહી."
રૉના વડા રહી ચૂકેલા અમરજિત સિંહ દુલત એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે. તેઓ કહે છે, "અમારો એક કાશ્મીરી મિત્ર છે હાશિમ કુરૈશી જેણે પહેલી વખત ભારતનું વિમાન હાઈજેક કર્યું હતું. તેઓ મને દેશની બહાર ક્યાંક મળ્યા. મેં જ્યારે હાથ મિલાવ્યા ત્યારે મેં કહ્યું કે મારું નામ દુલત છે. તેમણે કહ્યું, એ તો ઠીક છે. પરંતુ તમે તમારું અસલી નામ તો જણાવો. મેં હસતા હસતા કહ્યું કે ક્યાંથી લાઉં? આ જ અસલી નામ છે. ત્યાર પછી કહ્યું કે તમે જ છો જેણે પોતાનું અસલી નામ જણાવ્યું છે."
ઓળખ છતી થવાનો અને દેશનિકાલનો ડર

ઇમેજ સ્રોત, Getty Images
આટલી તાલીમ છતાં ઓળખ છતી થઈ જવાનો ભય હંમેશાં રહે છે. પ્રોફેશનલ જાસૂસોને બહુ ઝડપથી ઓળખી લેવાય છે.
રાણા બેનરજી કહે છે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કૂટનીતિક પ્રોટોકોલ છે કે ગુપ્ત કામ માટેના માણસો જેને એકબીજાને ત્યાં મોકલવામાં આવે છે, તેમનાં નામ તે દેશને પહેલેથી જણાવી દેવાય છે. એવું નક્કી થાય છે કે આપણે એકબીજા સાથે ખરાબ વર્તન નહીં કરીએ. કોઈ લિમિટ બહાર જઈને કામ કરે તો તેને પરત બોલાવી લેવાય છે."
તેઓ કહે છે કે, “દેશમાંથી કાઢી મૂકવામાં આવે તેવો ભય હંમેશાં રહે છે. કોઈ ત્રણ વર્ષની પોસ્ટિંગ પર જાય તો તે પોતાનાં બાળકો માટે સ્કૂલની વ્યવસ્થા કરે છે. પરંતુ છ મહિનામાં જ દેશ છોડવા માટે જણાવાય તો તકલીફ પડે છે.”
રૉ અને આઈએસઆઈની સરખામણી

આઈએસઆઈ એ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા છે. તેથી તેની સાથે રૉની સરખામણી થતી રહે તે સ્વભાવિક છે.
રૉના પ્રમુખ રહી ચૂકેલા વિક્રમ સૂદ પોતાના પુસ્તક ‘ધ અનએન્ડિંગ ગેમ’માં લખે છે, “બંને એજન્સીઓની સરખામણી કરવામાં આવે તો રૉ પાસે કોઈની ધરપકડ કરવાનો અધિકાર નથી. રૉ ક્યારેય અડધી રાતે દરવાજે નથી આવી પહોંચતી. રૉ ક્યારેય દેશની અંદર જાસૂસી નથી કરતી જ્યારે આઈએસઆઈ આ બધું કરે છે. રૉ દેશના વડા પ્રધાન પ્રત્યે જવાબદાર હોય છે, જ્યારે આઈએસઆઈ પાકિસ્તાનની સેનાના વડાને રિપોર્ટ કરે છે. જોકે, કાગળ પર એવું દેખાડવામાં આવે છે કે તે વડા પ્રધાનને રિપોર્ટ કરે છે.”
આઈએસઆઈનો ઇતિહાસ રૉ કરતાં ઘણો જૂનો છે. આઈએસઆઈની સ્થાપના 1948માં બ્રિટિશ સેનામાં કામ કરતા એક ઑસ્ટ્રેલિયન ઑફિસર મેજર જનરલ વૉલ્ટર જોસેફે કરી હતી.
રૉના વડા રહી ચૂકેલા એ એસ દુલત જણાવે છે, “આઈએસઆઈના વડા અસદ દુર્રાની જણાવતા હતા કે તમારા રૉના એજન્ટો અમારા કરતાં વધુ હોશિયાર છે. અમારે ત્યાં જે આવે છે તેમાંથી મોટા ભાગના ફૌજી હોય છે. તેઓ દેકારો બહુ કરે છે. મારું પણ આકલન છે કે આપણે આઈએસઆઈથી કમ નથી. મને પાકિસ્તાનમાં પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. મેં જવાબ આપ્યો કે દુર્રાની સાહેબ કહેતા હોય કે અમે વધુ હોશિયાર છીએ, તો હું સ્વીકારી લઉં છું. પરંતુ મેં એ પણ કહ્યું કે આઈએસઆઈ બહુ મોટી એજન્સી છે. હું પણ આટલી મોટી એજન્સીનો ચીફ હોત તો કેટલું સારું હતું. આ વાત પર બધા હસી પડ્યા."
રૉના અધિકારીનો પીછો કરાયો

ઇમેજ સ્રોત, Getty Images
રૉ અને આઈએસઆઈ વચ્ચેની હરીફાઈના ઘણા કિસ્સા વિખ્યાત છે. રાણા બેનરજી યાદ કરતાં કહે છે, "હું 1984થી 1988 સુધી પાકિસ્તાનમાં પોસ્ટેડ હતો. આઈએસઆઈના લોકો હંમેશાં અમારી આસપાસ રહેતા હતા. તેઓ અમારા ઘરની સામે બેસતા. સવારના સાડા સાતથી રાતના આઠ વાગ્યા સુધીની તેમની શિફ્ટ રહેતી હતી."
બેનરજી કહે છે, "અમને તાલીમ આપવામાં આવતી કે તમારા પર નજર રાખનારાઓની ખામીઓ શોધો, અને પછી તે મુજબ તમારું કામ કરો. એક વખત તેઓ મારો પીછો કરતા હતા. મેં ડાઈવર્ઝન રુટ લઈને મારી કાર અટકાવી દીધી. તેમને મારી કાર દેખાતી નહોતી તેથી તેમણે પોતાની કાર મારા ઘર તરફ દોડાવી. દેખીતી રીતે જ હું ત્યાં ન હતો. હું પાછો આવ્યો ત્યારે તેમણે મને કારમાં જોયો. તેમને ચીડવવા માટે મેં હાથ હલાવ્યો. તેનાથી તેઓ ભોંઠા પડી ગયા."
રૉના પ્રમુખ રહી ચૂકેલા શંકરન નાયર પોતાની આત્મકથા ‘ઈનસાઈડ આઈબી ઍન્ડ રૉ: ધ રોલિંગ સ્ટોન ધેટ ગેધર્ડ માસ’માં લખે છે, “1960 અને 70ના દાયકામાં ખાન અબ્દુલ ગફાર ખાનના પુત્ર વલી ખાન લંડનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના ઘોર વિરોધી હતા. તેઓ રાજકીય અને નૈતિક સમર્થન માટે ઈંદિરા ગાંધીને એક સંદેશ મોકલવા માગતા હતા. મને તેમને મળવા માટે કહેવામાં આવ્યું.”

નાયર લખે છે, “આ મુલાકાત બીજા કોઈ દેશમાં કરવાની હતી કારણ કે લંડનમાં પણ પાકિસ્તાની દૂતાવાસની તેમના પર નજર હતી. હું પહેલાં લંડન ગયો, પછી ત્યાંથી ડેન્માર્કની રાજધાની કોપનહેગન ગયો. હું નાસ્તો કરતો હતો ત્યારે મારી પાછળના ટેબલ પર કેટલાક લોકોને ઉર્દૂમાં બોલતા સાંભળ્યાં. મને શંકા ગઈ કે તે લોકો આઈએસઆઈના એજન્ટો હતા. તેઓ નાસ્તો છોડીને શહેરની ગલીઓમાં મને અને વલી ખાનને શોધવા લાગ્યા ત્યારે મારી શંકા સાચી સાબિત થઈ ગઈ.
નાયરે તરત મુલાકાતનું સ્થળ બદલી નાખ્યું. તેમણે વલી ખાનને તેમની મનપસંદ મીઠાઈ કે સી દાસના રસગુલ્લાનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો જેનાથી તેઓ બહુ ખુશ થઈ ગયા.
ભારત પરત આવીને નાયરે વલી ખાનનો સંદેશ વડાં પ્રધાન ઈંદિરા ગાંધીને આપ્યો.
વાતચીત ટેપ કરવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, MANAS PUBLICATION
પાકિસ્તાનમાં રૉના જાસૂસોના ફોન હંમેશાં ટેપ કરવામાં આવતા હતા. તેમણે તેમના પરિવારજનો સાથે ફોન પર જે વાત કરી હોય તે પણ સાંભળવામાં આવતી હતી.
રાણા બેનરજી એક કિસ્સો સંભળાવે છે, “ઈસ્લામાબાદમાં અમારા એક વેઈટર હતા જેઓ એંગ્લો-ઇન્ડિયન ખ્રિસ્તી હતા. તેમની એક નબળાઈ હતી. તેઓ જ્યારે આલ્કોહોલિક ડ્રિંક સર્વ કરતાં, ત્યારે પોતે પણ બે ઘૂંટડા ભરી લેતા હતા. તેમને રોકવા માટે અમે કહેતા કે પાર્ટી પૂરી થઈ જાય પછી અમે તમને ડ્રિંક આપીશું જેને તમે ઘરે પણ લઈ જઈ શકો છો. પરંતુ તેઓ માનતા નહોતા.”
આ કારણથી જ બેનરજી તેમના પર નજર રાખતા હતા. તેઓ લખે છે, “એક વખત મેં જોયું કે તેઓ વિચિત્ર રીતે ઊભા હતા અને પોતાના પગથી કોઈ ચીજ મેજની નીચે સરકાવતા હતા. મેં જોયું તો તે એક બાકસના બોક્સ જેવી નાનકડી ડબ્બી હતી. વાસ્તવમાં તેઓ ડાઈનિંગ રૂમમાં એક ‘હિયરિંગ ડિવાઈસ’ લગાવતા હતા. મેં તે ડિવાઈસને બંધ કરીને અલગ રાખી દીધી. જાણે કંઈ થયું ન હોય તે રીતે પાર્ટી ચાલુ રહી. બીજા દિવસે આપણા રાજદૂતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ અંગે ફરિયાદ કરી.”
ફજેતી થઈ, પણ શિરપાવ ન મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
1999માં કંદહાર હાઈજેકની ઘટનામાં ભારતે ત્રણ ખતરનાક ઉગ્રવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા ત્યારે રૉની બહુ ફજેતી થઈ. એટલું જ નહીં, મસૂદ અઝહર અને મુશ્તાક અહમદ ઝરગરને પોતાના વિમાનમાં બેસાડીને રૉના તત્કાલિન પ્રમુખ એ એસ દુલતવશ્રીનગરથી દિલ્હી લાવ્યા, જ્યાં જસવંત સિંહ તેમને પોતાની સાથે કંદહાર લઈ ગયા.
જે રીતે આઈસી-814 વિમાનને અમૃતસરથી લાહોર ઊડી જવા દેવાયું તેની પણ ઘણી ટીકા થઈ હતી.
દુનિયાના બીજા જાસૂસોની જેમ રૉના જાસૂસોની છાતી પર ક્યારેય પદક નથી લાગ્યા. બહુ ઓછા લોકોને ખબર છે કે કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનમાંથી આવેલા ઘૂસણખોરો સામે પહેલું સફળ અભિયાન સરહદ પર તૈનાત રૉના 80 લોકોએ ચલાવ્યું હતું.
તેમાંથી કેટલાક લોકો જીવતા પાછા ફરી શક્યા નહોતા, પરંતુ તેમનાં નામો ક્યારેય જાહેર ન થયાં.
યતીશ યાદવ પોતાના પુસ્તક ‘રૉ અ હિસ્ટ્રી ઑફ કોવર્ટ ઑપરેશન્સ’માં લખે છે, “કારગિલ યુદ્ધ પછી રૉના એ લોકો ચૂપચાપ ઊભાં રહ્યાં જેમણે આ લડાઈમાં પોતાના મિત્રો અને સાથીદારો ગુમાવ્યા હતા. એક જાસૂસ જેનું કોડનેમ ‘રહેમાન’ હતું, તેણે રૉના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું કે જેમણે દેશ માટે પ્રાણ આપ્યા છે તેમના બલિદાનનો જાહેરમાં સ્વીકાર કરવામાં આવે. તે સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડા પ્રધાનના મુખ્ય સચિવ બ્રજેશ મિશ્રા સુધી આ પ્રસ્તાવ પહોંચ્યો તો તેમણે તેનો વિરોધ કર્યો.”
યતીશ યાદવ લખે છે, “કોઈ રીતે આ વાત વાજપેયી સુધી પહોંચી ગઈ. વડા પ્રધાનના નિવાસસ્થાનના એક બંધ હોલમાં રૉના 18 ઑફિસરો અને કારગિલની લડાઈમાં તેમના પરાક્રમો જોરથી વાંચવામાં આવ્યા. રૉના ઈતિહાસમાં પહેલી વખત આ યોદ્ધાઓને એક ખાસ મેડલ પ્રદાન કરવામાં આવ્યા. વાજપેયીએ રૉના ઉચ્ચ અધિકારીઓ સાથે હાથ મિલાવ્યા અને એ ગુમનામ બહાદુરોના બલિદાન બદલ આભાર વ્યક્ત કર્યો. આ સમારોહનો કોઈ રેકોર્ડ રાખવામાં ન આવ્યો. બીજા દિવસે અખબારોમાં પણ તેના વિશે કોઈ ઉલ્લેખ કરાયો ન હતો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












