કચ્છના એ ભૂજળ જાણકારો જે સૂકી જમીનને લીલાં ખેતર અને પાણીને પીવાલાયક બનાવે છે

પાણી, કચ્છ, ગુજરાત, ભૂગર્ભ જળ, સિંચાઈ, વરસાદ, દુકાળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છમાં કેટલાંય ગામોમાં ભૂગર્ભજળના સ્તર ખૂબ જ નીચા જતા રહ્યા છે
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કચ્છના નલિયા તાલુકામાં ચાર હજારની વસતી ધરાવતા બાગ ગામમાં પંચાયતના બે બોર હોવાં છતાં, છ વર્ષ પહેલાં સુધી ગામલોકો એ બોરવેલોનું પાણી પીવાના ઉપયોગમાં નહોતા લઈ શકતા. કારણ હતું પાણીમાં ટીડીએસ (ટોટલ ડિસોલ્વ્ડ સોલિડ્સ)નું 4000-4200 જેટલું ઊંચું પ્રમાણ.

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) અનુસાર પીવાના ઉપયોગમાં લેવાતા પાણીમાં આ ટીડીએસની મહત્તમ માત્રા 500 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ ન હોવી જોઈએ, ત્યારે બાગ ગામમાં આવું પાણી વાપરવાની મજબૂરી હતી. પણ હવે એવું નથી અને ગામના પાણીને પીવાલાયક બનાવ્યું ગામના જ યુવાન શરદ નાકરે.

સાત વર્ષ પહેલાં શરદ નાકર ગામમાં વરસતા વરસાદના પાણીનું યોગ્ય આયોજન કરવાની તાલીમ લઈને આવ્યા અને એ તાલીમ પ્રમાણે તેમણે ગામમાં પાણીના સ્રોતોનું આયોજન કર્યું.

તેઓ જણાવે છે કે વર્ષ 2019માં તેમણે વરસાદી પાણીનો જે ઉપયોગ કર્યો તેનાથી માત્ર ત્રણ જ દિવસમાં બાગ ગામના એ બોરવેલમાંથી મળતા પાણીમાં ટીડીએસનું પ્રમાણ 4000 મિલિગ્રામ પ્રતિ લિટરથી ઘટીને 1000 મિલિગ્રામ પ્રતિ લિટર થઈ ગયું હતું.

શરદ નાકરે જે તાલીમ લીધી તેને લીધે લોકો તેમને ભૂજળ જાણકાર કરે છે અને તેમના જેવા સેંકડો ભૂજળ જાણકાર આજે કચ્છમાં પીવાના પાણીને અને પાણી સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓનું અસરકારક નિરાકરણ કરી રહ્યા છે.

શું છે ભૂજળ જાણકાર?

પાણી, કચ્છ, ગુજરાત, ભૂગર્ભ જળ, સિંચાઈ, વરસાદ, દુકાળ

ઇમેજ સ્રોત, AMRUT GARVA

ઇમેજ કૅપ્શન, બાગ ગામના તળાવમાં ફિલ્ટર ચેમ્બર સાથે રિચાર્જ બોરવેલ

પોતે ભૂજળ જાણકાર એવા જિયોહાઇડ્રોલૉજિસ્ટ યોગેશ જાડેજા અન્ય યુવાનોને ભૂજળ જાણકાર બનવાની તાલીમ આપે છે.

યોગેશ જાડેજા કચ્છમાં વિવિધ ગ્રમીણ સમુદાયો સાથે ગામડાંમાં ભૂગર્ભજળનું સ્તર સુધારવા માટે પ્રયત્નશીલ છે.

ભૂગર્ભ જાણકાર એટલે ગામમાં જ રહેતો એવો રહીશ જે ગામના પાણીના ટીપેટીપાંનો હિસાબ રાખે, વરસાદ વરસે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેનું આયોજન કરે. ટૂંકમાં ગામમાં પાણીનું સંતુલન અને ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવાનું કામ કરે તે ભૂજળ જાણકાર.

શરદ નાકરે યોગેશ જાડેજા તેમજ ગામના ખેડૂતો તથા પંચાયત સાથે મળીને ગામમાં આવેલા તળાવમાં ફિલ્ટર ચેમ્બર સાથેનો રિચાર્જ બોરવેલ બનાવ્યો હતો.

શરદ નાકર બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "2019માં અમે એ રિચાર્જ બોરવેલ બનાવ્યો એ પછી જ્યારે વરસાદ આવ્યો અને તળાવ ભરાયું ત્યારે માત્ર ત્રણ જ દિવસમાં પંચાયતના બોરના પાણીમાં ટીડીએસનું પ્રમાણ 4000 મિલિગ્રામ પ્રતિ લિટરથી ઘટીને 1000 મિલિગ્રામ પ્રતિ લિટર થઈ ગઈ હતી."

રાજ્યમાં 252માંથી 86 તાલુકાઓમાં ભૂગર્ભજળ ચિંતાજનક રીતે નીચે ગયાં છે

પાણી, કચ્છ, ગુજરાત, ભૂગર્ભ જળ, સિંચાઈ, વરસાદ, દુકાળ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલાં આંકડા અનુસાર રાજ્યના કુલ 252માંથી 86 તાલુકાઓમાં ભૂગર્ભજળ ચિંતાજનક રીતે નીચે ગયાં છે.

વિશ્વમાં ભૂગર્ભજળનો મહત્તમ ઉપયોગ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત સહિત વિશ્વનાં ઘણાં શહેરોમાં બે પ્રકારે સમસ્યા જોવા મળી રહી છે. ભૂગર્ભજળસ્તર સતત ઊંડાં જઈ રહ્યાં છે, તેમજ પાણીની ગુણવત્તા નબળી પડી રહી છે.

ભૂગર્ભજળનો સંચય થતો હોય તેવા 71 ટકા સ્રોતો નબળા પડી રહ્યા છે.

યોગેશ જાડેજા ભૂગર્ભજળના નિષ્ણાત અને ઍરિડ કૉમ્યુનિટીઝ ઍન્ડ ટેકનૉલૉજીના સ્થાપક છે. તેમણે કચ્છનાં ગામોમાં શરદ નાકર જેવા યુવાનોને તાલીમ આપીને તેમને ભૂજળ જાણકાર બનાવ્યા છે.

યોગેશ જાડેજાએ ભૂગર્ભજળની ચિંતાજનક સ્થિતિ અને તેની પાછળ લોકોની સમજણ વિશે બીબીસી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "આપણે ત્યાં સામાન્ય શિરસ્તો એવો છે કે જમીનમાંથી પાણી ઉલેચવાનું જ હોય. પાણી ઊંડે જાય તો વધારે ખોદાણ કરીને પણ પાણી ઉલેચવાનું જ હોય. જમીનમાં પાણી સીંચવાનું કે ઉમેરવાનું હોય એવું લોકોને લાગતું જ નથી. આને લીધે ભૂગર્ભજળસ્તર સતત ઊંડાં ગયાં છે અને પાણીની ગુણવત્તા નબળી પડી છે. દેશમાં 80 ટકા લોકો ભૂગર્ભજળ પર નભે છે. પાણી જો જમીનમાં ઊતરશે તો તેની ગુણવત્તા સુધરશે."

હવે કચ્છના બાગમાં હરિયાળી છવાય છે

વરસાદમાં છલોછલ થઈ જતું બાગ ગામનું તળાવ.

ઇમેજ સ્રોત, SHARAD NAKAR

ઇમેજ કૅપ્શન, વરસાદમાં છલોછલ થઈ જતું બાગ ગામનું તળાવ.

શરદ નાકરનું બાગ ગામ મોટા ભાગે ખેતીવાડી પર નભે છે. એનું તળાવ રિચાર્જ થતાં ગામનાં ખેતરો હરીયાળા થઈ ગયાં છે.

ગામના ખેડૂત મોહનભાઈ બીબીસીને જણાવે છે, "અમારી વાડીમાં ભૂગર્ભજળની ગુણવત્તા સુધરી છે અને ટીડીએસનું પ્રમાણ 4200 મિલિગ્રામ પ્રતિ લીટરથી ઘટીને 2300 મિલિગ્રામ પ્રતિ લીટર જેટલું થઈ ગયું છે. વરસાદ પછીના દિવસોમાં તો ટીડીએસનું પ્રમાણ 1800 મિલિગ્રામ પ્રતિ લીટર જેટલું થઈ જાય છે."

"ખેતીમાં ફરક એ આવ્યો છે કે 2020 અગાઉ અમે બાજરો જેવો પાક જ લઈ શકતા હતા. હવે અમે કપાસ, એરંડા, બાગાયત અને શાકભાજીના પાક પણ લઈએ છીએ. એક તળાવ રિચાર્જ થતાં અમારાં ખેતરોમાં ક્રાન્તિ થઈ ગઈ છે."

તેમણે આ ગામમાં પાણીનાં તળ ઊંચાં આવ્યાં અને ગુણવત્તા સુધરી એનો શ્રેય ભૂજળ જાણકારને આપ્યો. ભૂજળ જાણકાર બનેલા શરદ નાકર દર બે મહિને ગામનાં ખેતરોમાં જઈને ભૂગર્ભજળમાં ટીડીએસનું પ્રમાણ તેમજ ભૂગર્ભજળનું સ્તર કેટલી ઊંડાઈએ છે, તેનું માપ મેળવે છે.

કચ્છનાં સંખ્યાબંધ ગામોમાં આવા ભૂજળ જાણકાર તૈયાર થયા છે.

"બેટા, તારે લીધે અમારે ઘેર આકરે ઉનાળે પણ પાણી મળી રહે છે"

પાણી, કચ્છ, ગુજરાત, ભૂગર્ભ જળ, સિંચાઈ, વરસાદ, દુકાળ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, વરસાદી પાણીનો જળસંગ્રહ : પ્રતિકાત્મક તસવીર

કચ્છના માંડવી તાલુકાના મોટી ખાખર ગામમાં હીરાબહેન ગઢવી રહે છે અને પોતાના ગામ ઉપરાંત મોટા ભડિયા, નાના ભડિયા સહિત આસપાસનાં ગામોમાં ભૂજળ જાણકાર તરીકે સેવા આપે છે. તેમનો મોટા ભડિયા ગામનો એક કિસ્સો રસપ્રદ છે.

મોટા ભડિયા ગામમાં પીવાના પાણી માટે બહેનોને એક – દોઢ કિલોમીટર દૂર જવું પડતું હતું. કેટલીક સંસ્થાના સહયોગથી હીરાબહેને ત્યાં વરસાદી પાણીના ટાંકા બનાવવાનું સૂચવ્યું અને મદદની તૈયારી દર્શાવી હતી. પણ ગામલોકો એના માટે તૈયાર નહોતા.

હીરાબહેન પોતાનો અનુભવ જણાવતાં બીબીસીને કહે છે કે, "ગામમાં કેટલીક બહેનો વરસાદી પાણીના ટાંકા બનાવવા તૈયાર થઈ ત્યારે એક કાકા તો દંડો લઈને સામે આવી ગયા અને કહેવા લાગ્યા કે અમે ત્યાં ખાડા કેમ ખોદાવી રહ્યા છીએ. તેમણે અમને એમ પણ કહી દીધું કે અમારે એમની જમીન હડપી લેવી છે."

હીરાબહેને વધુમાં કહ્યું, "ધીમે ધીમે બહેનોનો વિશ્વાસ સંપાદિત કરીને અમે 2020 પછી ત્રણ બહેનોનાં ઘરે વરસાદી પાણીના ટાંકા બનાવ્યા. હવે તે બહેનોને પીવાના પાણી માટે રોજ એક-દોઢ કિલોમીટર જવું પડતું નથી. વરસાદનું પાણી તે ટાંકામાં સંગ્રહવામાં આવે છે અને આખા વર્ષના પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. એ બહેનો હવે ખેતીના કામમાં વધારે સમય ફાળવી શકે છે."

તેમણે ઉમેર્યું, "હું જ્યારે પણ મોટા ભડિયા જાઉં ત્યારે દંડો લઈને આવ્યા હતા તે કાકા હવે આશીર્વાદ આપે છે. કાકાએ મને વહાલથી કહ્યું હતું કે -બેટા, મને માફ કરી દેજે. તારે લીધે અમારે ઘેર આકરે ઉનાળે પણ પાણી મળી રહે છે."

હીરાબહેન ગઢવી મોટી ખાખર ગામનાં વિવિધ ખેતરોમાં સોઇલ મોઇશ્ચર એટલે કે માટીમાં રહેલા ભેજનું પ્રમાણ જાણીને ખેતીમાં કેટલા દિવસે પાણી પાવું તેનું માર્દગર્શન આપે છે.

તેઓ કહે છે, "કેટલાક પાકમાં ખેડૂતો દર ત્રણ કે ચાર દિવસે પાણી નાખતા હતા. અમે ત્યાં માટીનો ભેજ જાણીને તેમને કહ્યું હતું કે સાત દિવસે પાણી નાખો. જેને લીધે તેમનો પાણીનો પણ બચાવ થયો છે."

ભૂજળ જાણકાર કેવી રીતે કામ કરે છે?

હાલ કચ્છમાં પચાસથી વધારે ભૂજળ જાણકાર છે અને તેઓ પોતાના ઉપરાંત આસપાસનાં ગામોમાં પણ જળસંચયના કામમાં મદદરૂપ થાય છે
ઇમેજ કૅપ્શન, હાલ કચ્છમાં પચાસથી વધારે ભૂજળ જાણકાર છે અને તેઓ પોતાના ઉપરાંત આસપાસનાં ગામોમાં પણ જળસંચયના કામમાં મદદરૂપ થાય છે

ભૂજળ જાણકાર એટલે એવી વ્યક્તિ કે જેની પાસે ગામમાં રહેલા સપાટીય એટલે કે નદી, નાળાં, તળાવ વગેરેમાં રહેલા પાણી તેમજ ભૂગર્ભીય જળ વિશે માહિતી હોય.

યોગેશ જાડેજા સમજાવે છે, "ચોમાસામાં નદી બે કાંઠે થાય ત્યારે તેમાંથી દર કલાકે કેટલું પાણી વહે છે? નદીના પાણીનો ગામ લોકો ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરે છે? તળાવ હોય તો એ કેટલી ઊંડાઈનું છે? એના પાણીની ગુણવત્તા કેવી છે? ગામમાં ભૂગર્ભીય જળ કેટલી ઊંડાઈએ મળે છે? ગામમાં કેટલા બોર અને કૂવા છે? પાણીમાં ટીડીએસની માત્રા કેવી છે? વગેરે માહિતીની તેઓ જાણકારી રાખે છે."

તેમણે જણાવ્યું, "આ માહિતીને આધારે તેઓ ગામમાં પાણીની જાળવણી અને વિકાસનું આયોજન કરવાનું હોય છે. જેમાં તળાવ ઊંડાં કરવાં, બંધ કૂવા તેમજ બોર રિચાર્જ કરવા, વરસાદી પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકા બનાવવા વગેરે આયોજનો સૂચવે છે અને પંચાયત સક્રિયતા દાખવે છે."

ગામેગામ ભૂજળ જાણકાર તૈયાર કરવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો? એના વિશે જણાવતાં યોગેશ જાડેજાએ કહ્યુ હતું કે, "હું જિયૉલૉજીના વિષય સાથે સંકળાયેલો છું. મેં કેટલાંક જિયૉલૉજિસ્ટને આ કામમાં લાવવા પ્રયાસ કર્યો હતો. એ કોઈને કોઈ કારણસર શક્ય બન્યું નહોતું. દરમ્યાન મેં જોયું કે ગામના કેટલાંક યુવકો આ કામથી ઉત્સાહિત થતા હતા. તેમને જોઈને એવું લાગ્યું કે ગામમાં જ એવા લોકો તૈયાર કરવામાં આવે જે પાણીના જથ્થાનો હિસાબ રાખે. એ રીતે ભૂજળ જાણકાર બનાવવાનું શરૂ થયું."

હાલ કચ્છમાં પચાસથી વધારે ભૂજળ જાણકાર છે. જેઓ પોતાના ઉપરાંત આસપાસનાં ગામોમાં પણ જળસંચયના કામમાં મદદરૂપ થાય છે.

પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે ભૂજળ જાણકારો એક વિકલ્પ બની શકે?

પાણી, કચ્છ, ગુજરાત, ભૂગર્ભ જળ, સિંચાઈ, વરસાદ, દુકાળ

ઇમેજ સ્રોત, SHARAD NAKAR

ઇમેજ કૅપ્શન, ભૂજળ જાણકાર શરદ નાકર

ભૂજળ જાણકારે ગામનાં જળસંસાધનોની વિગતો મેળવીને અભ્યાસ તેમજ નકશા દ્વારા દસ્તાવેજીકરણ કરવાનું હોય છે. જેને આધારે ગ્રામ પંચાયત અને ગામના લોકો તેમજ પાણીના નિષ્ણાતો સાથે મળીને કામ કરવાનું હોય છે.

ગામમાં પાણીનું સંતુલન તૈયાર કરવું તેમજ ઉત્તરોત્તર ગામની પાણીની સ્થિતિ સુધારવા ગામલોકો સાથે મળીને કામ કરવાનું હોય છે. પાણી માટે કોઈ સંસ્થા કામ કરવા માગતી હોય તો પંચાયત સાથેનું અનુસંધાન ભૂજળ જાણકાર કરે છે.

યોગેશ જાડેજા જણાવે છે, "2003-04થી અમે એક ટીમ ઊભી કરીને તાલીમ આપીને માળખાગત રીતે ભૂજળ જાણકાર કેળવવાનું કામ કરી રહ્યા છીએ. કચ્છમાં 50 જેટલા ભૂજળ જાણકારો અમારી સાથે સીધા સંકળાયેલા છે."

"આ સિવાય અમે તાલીમ આપી હોય તેવા પણ બીજા ઘણા છે. જળસંરક્ષણ અને સંવર્ધનનાં વિવિધ કૌશલ્યો સાથે અલગ અલગ પ્રકારના ભૂજળ જાણકારો છે."

"ભૂજળ જણકાર જે-તે ગામના જ પસંદ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે પાણીના કોઈપણ કામમાં તે ગામલોકોનો વિશ્વાસ સરળતાથી સંપાદિત કરી શકે છે. જો બહારની કોઈ વ્યક્તિ કોઈ ગામમાં માળખાગત કામ કરવા જશે તો ગામલોકો તે માટે ઝડપથી તૈયાર ન પણ થાય."

બાગ ગામના મોહનભાઈ કહે છે, "પહેલાં તો અમારા ગામમાં ખેડૂતો બોર રિચાર્જ કરાવવા માટે તૈયાર નહોતા થતા."

"ખેડૂતોએ ગામમાં તળાવ રિચાર્જનું કામ અને એના સારાં પરિણામો જોયાં એટલે હવે તો પોતાની રીતે બોર રિચાર્જ કરાવવા લાગ્યા છે, અને વરસાદી પાણી જમીનમાં ઉતારવા માંડ્યા છે. મેં પણ મારી વાડીમાં જે બંધ બોર હતો તે ભૂજળ જાણકારની મદદથી પુનર્જીવિત કર્યો છે."

ગામની પંચાયત તેમજ ખેડૂતો સાથે મળીને ભૂજળ જાણકારની પંદગી કરવામાં આવે છે.

યોગેશ જાડેજાના મતે ગુજરાતનાં ગામો અને શહેરોમાં ભૂગર્ભજળની ગુણવત્તા કથળી છે. પાણીનાં તળ પણ ખૂબ ઊંડાં ગયાં છે. જો ઠેર ઠેર આવા ભૂજળ જાણકાર તૈયાર કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન ઘણે અંશે ઉકેલાઈ શકે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.