ઉત્તર ગુજરાતમાં 'સુજલામ્ સુફલામ્' યોજના છતાં પાણી માટે લોકોની હાડમારી કેમ ઓછી નથી થઈ?

ઇમેજ સ્રોત, SAGAR PATEL
- લેેખક, જય શુક્લ, સાગર પટેલ અને પરેશ પઢિયાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત રાજસ્થાન સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું મોટી મોરી-મરાડ ગામ. આ ગામમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ નળની પાઇપલાઇન પહોંચી ગઈ છે, પણ ગામવાસીઓની ફરિયાદ છે કે આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.
પાણીની આવી જ તકલીફ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામની પણ છે. અહીં પણ પાઇપલાઇન નાખવામાં આવી છે, નળ લાગી ગયા છે પણ ગામવાસીઓની ફરિયાદ છે કે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. ઉનાળામાં ગામમાં પાણી માટે ટૅન્કરો મંગાવવા પડે છે. ઘણીવાર ગામની મહિલાઓને પાણી ભરવા બે-ત્રણ કિલોમીટર દૂર સુધી જવું પડે છે. ઉનાળો નજીક છે તેથી ગામવાસીઓ ચિંતામાં છે.
સરકારનો દાવો છે કે ઉત્તર ગુજરાતના નર્મદાનાં પાણીના લાભથી વંચિત રહી ગયેલાં બનાસકાંઠા જિલ્લાનાં ગામોને નર્મદાના પાણીનો લાભ આપવાની યોજના માટે કરોડો રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
ખેડૂતોનો પણ આરોપ છે કે નર્મદાની કૅનાલ અને પાઇપલાઇન વારંવાર તૂટી જાય છે. જોકે સરકારી અધિકારીઓ દાવો કરે છે કે તેમને મળેલી તમામ ફરિયાદોનો તેમણે ઉકેલ લાવીને નિકાલ કર્યો છે.
જોકે, આ કૅનાલ વારંવાર કેમ તૂટે છે તે સવાલનો જવાબ તેઓ આપતા નથી.
પાણીનાં સંરક્ષણ અને સંવર્ધન સાથે જોડાયેલા કર્મશીલો કહે છે કે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળના સતત દોહનને કારણે પાણીનાં તળ સાવ નીચે ગયાં છે.
તેઓ કહે છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરીને અને પાણીના સ્રોતોને રિચાર્જ કરીને જ પાણીની સમસ્યાનો ઉકેલ થઈ શકે તેમ છે.
‘પાણી નથી એટલે બધાં તાળાં મારી બહારગામ જતા રહ્યા’

ઇમેજ સ્રોત, SAGAR PATEL
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ચતરપુરા ગામમાં ઘણાં મકાનોમાં આજે તાળાં લાગેલાં જોવા મળે છે. ગામમાં નળ તો છે પણ પાણી નથી. ગામલોકોની ફરિયાદ છે કે પાણી ન હોવાને કારણે ગામવાસીઓએ સ્થળાંતર કરવું પડે છે. શિયાળામાં જ પાણીના અભાવે ખેતરોની જમીન સુકાઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામવાસીઓના કહેવા પ્રમાણે ગામમાં ખાડા ખોદીને પાઇપલાઇન નાંખવામાં આવી છે. ઘણાં ઘરોમાં નળ પણ નંખાઈ ગયા છે, પણ પાણી નથી.
ગામવાસીઓની એ પણ ફરિયાદ છે કે ગામની અંદર વર્ષોથી પાણી સંગ્રહ કરવાની ટાંકી જેને સંપ કહેવામાં આવે છે, તેનું નિર્માણ થયું છે પણ આજ સુધી તેમાં પાણી આવ્યું નથી.
ગામમાં રહેતાં ખેમીબહેન બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલને જણાવે છે, "પાણી ન હોય તો અમારે શું કરવાનું? મજૂરી પણ નથી તેથી બધા ગામ બહાર જતા રહ્યા છે. અઠવાડિયે-દસ દિવસે એકવાર ટૅન્કર આવે છે, જે મજૂરી કરવા ગયા હોય તે પાણી કેવી રીતે ભરી શકે? એટલે બધા તાળાં મારીને બહારગામ જતા રહ્યા છે."
ખેમીબહેન નિસાસો નાખતાં કહે છે, "પાણી ન મળે તો અમે મરી જઈએ, છોકરાં નાનાં-નાનાં છે. પાંચ-છ વર્ષથી આ સમસ્યા છે. લાઇન પણ આવી ગઈ છે પણ પાણી નથી. પાઇપ પડી-પડી સડી ગઈ છે. તેમાં પાણી કદી આવ્યું નથી."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગામમાં જ રહેતાં હેતલબહેન પણ પોતાનો રોષ ઠાલવતાં કહે છે કે પાણીનો બહુ ત્રાસ છે.
તેઓ કહે છે, "ટૅન્કર ગમે ત્યારે આવે તેથી અમારે મજૂરી છોડીને પાણી ભરવું પડે. માણસોને પીવા પાણી નથી તો ઢોરઢાંખરને શું પાવું? ઘરેઘરે ચકલી(નળ) નાખી ગયા છે પણ પાણી નથી, વળી અમારા ઘરે તો ચકલી(નળ) પણ નથી, ખબર નહીં કેમ ચકલી(નળ) કેમ ન નાખી?"
"શું અમે ગરીબ છીએ તેથી ચકલી(નળ) નહીં નાખી? તેથી કોઈકવાર પાણી ભરવા બે-ત્રણ કિલોમીટર દૂર જવું પડે. કેડે છોકરાં હોય અને ઘડો પણ હોય. પાણી માટે અમારે રખડવું પડે. જતાં-આવતાં બે કલાક થાય."
જોકે સરકારી અધિકારીઓ આ ગામમાં પાણી નહીં પહોંચતું હોવાનું કારણ આપતા કહે છે કે છેવાડાનાં ગામોમાં કોઈક વાર લીકેજ હોવાને કારણે પાણી પહોંચતું નથી.
બનાસકાંઠા જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વરભાઈ ઠાકોર બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં જણાવે છે, "ઘણીવાર સરહદી વિસ્તારના છેવાડાનાં ગામોમાં લીકેજને કારણે કે પછી વીજ સપ્લાય ન હોવાને કારણે પાણી પહોંચતું નથી. જેને કારણે તંત્ર આવાં ગામોમાં ટૅન્કર મારફતે પાણી પહોંચાડે છે."
"ચતરપુરામાં પણ ટૅન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. કારણ કે ગામમાં ભૂગર્ભજળ ઊંડાં છે. તેમાંથી ક્ષારવાળું પાણી નીકળે છે, જે પીવાલાયક નથી જેથી ટૅન્કરની મદદથી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે."
‘પાણીની યોજનાનું ઉદ્ઘાટન થઈ ગયું પણ પાણી નથી’

ઇમેજ સ્રોત, RAKESH DEDUN
ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલું છેલ્લું ગામ છે મોટી મોરી-રમાડ. બે હજાર લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં એક વર્ષ પહેલાં પાણીની પાઇપલાઇનની યોજનાનું ઉદ્ઘાટન થયું હતું. અહીં નળ પણ લાગી ગયા હતા, પરંતુ ગામવાસીઓની ફરિયાદ છે કે જ્યારથી આ યોજનાનું ઉદ્ઘાટન થયું છે, ત્યારથી ગામના નળોમાં એક ટીપું પાણી પણ નથી આવ્યું.
ગામના એક ખેડૂત રાકેશભાઈ ડેડૂન બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જ્યારે યોજનાનું ટેસ્ટિંગ થયું હતું ત્યારે પણ પાણી આવ્યું નહોતું અને આજે પણ નથી."
તેઓ ફરિયાદ કરતા કહે છે કે તેમના ગામમાં નર્મદાનાં પાણી પહોંચ્યાં નથી.
તેઓ સરકારી તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવતા કહે છે, "હાલ આ હાલત છે તો ઉનાળો કેવો જશે? અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા."
"બહુ રજૂઆતો બાદ સરકારે અમને બોર કરી આપ્યો અને ટાંકો મૂકી આપ્યો પણ નળમાં પાણી આવતું નથી. હાલ ગામની મહિલાઓ જે ઘરે બોર હોય ત્યાંથી પાણી ભરે છે."
આજ ગામના વધુ એક ખેડૂત બંસી ડેડૂન બીબીસીને ફરિયાદ કરતા કહે છે, "સરકારે જે બોર બનાવ્યો તેમાંથી ક્ષારવાળું પાણી નીકળે છે. જે પીવાલાયક નથી."
"ગામમાં એક વર્ષથી જે નળ લાગ્યા છે તે તૂટવા લાગ્યા છે, પણ પાણી નથી આવ્યું. ખેતી માત્ર ચોમાસામાં જ થાય છે, કારણકે ગામમાં પીવાનું પાણી નથી તો ખેતી માટે તો ક્યાંથી લાવીએ?"
આ ગામની આસપાસનાં ચીકારી, મોટી પંડોળી, માનડા, ડેકવા, નાની પંડોળી, ફૂટા, વાગપુર, વૈડી, જામગઢ, કદવાળી, નડાગામ જેવાં 15 જેટલાં ગામોમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે.
પાકિસ્તાનની સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાનાં મેઘપુરા ગામના પંચાયત સભ્ય તાલાભાઈ ચૌધરી પાણીની સમસ્યા વર્ણવતા કહે છે, "ગામમાં નળમાં પાણી આવે છે પણ તે ખારું છે. વળી ભૂતિયાં કનેક્શનો હોવાને કારણે છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું જ નથી."
"નર્મદાનું પાણી ખેડૂતોને તો મળ્યું જ નથી. સરકારે પીયત મંડળી બનાવી છે, પણ ગામના ખેડૂતોને તેનો કોઈ ફાયદો નથી. ઉનાળામાં પાણી બે-ત્રણ દિવસે મળે ત્યારે પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે."
"ઘણીવાર પુરવઠા વિભાગ પાણીનાં ટૅન્કરો મોકલે છે, તે પાણી પણ ક્ષારવાળું હોય છે.”
ઉત્તર ગુજરાતમાં પાણીની તંગીની સ્થિતિ કેમ સર્જાઈ?

ઇમેજ સ્રોત, RAKESH DEDUN
જાણકારો કહે છે કે ઓછો વરસાદ અને જિલ્લાની ભૌગોલિક સ્થિતિને કારણે પાણીની તંગી સર્જાઈ છે.
અહીં જમીન રેતાળ હોવાને કારણે પાણી જમીનમાં લાંબા સમય સુધી ટકતું નથી.
ખેડૂત નેતા સાગર રબારી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં આ વિશે જાણકારી આપતા કહે છે, "ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં પાણીની સમસ્યા છે. માણસાથી ચાલુ કરીએ તો અહીં જમીનમાં 600 ફૂટે પાણી મળે છે."
"મહેસાણામાં 800 ફૂટે અને બનાસકાંઠામાં કેટલીક જગ્યાએ 1400 ફૂટે પાણી મળે છે. આ જે પાણી છે તે દસ હજાર વર્ષ જૂનું પાણી છે. તેમાં ક્ષાર વધારે હોય છે તેના કારણે બીમારીઓ થઈ શકે છે."
જાણકારો એમ પણ કહે છે કે વર્ષમાં ત્રણ પાક લેવા માટે ખેડૂતો ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ કરે છે. જેને કારણે પણ ભૂગર્ભજળ ખતમ થઈ રહ્યું છે. તેમના મત પ્રમાણે ઓછા વરસાદના કારણે ભૂગર્ભજળસ્તર જેટલા પ્રમાણમાં રિચાર્જ થવું જોઈએ તે પ્રમાણે થતું નથી.
વિચરતા સમુદાય સમર્થન મંચ એટલે કે વીવીએસએમનાં સ્થાપક મિત્તલ પટેલ વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના આયોજન મામલે કામ કરી રહ્યાં છે.
મિત્તલ પટેલ બીબીસી ગુજરાતી સાથે આ મામલે જાણકારી આપતાં કહે છે, "ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેને કારણે પાણીનાં તળ નીચાં ગયાં છે."
તેઓ કહે છે કે, "રેઇન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંચય) અને ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિ માટે ખેડૂતો અથવા રાજ્ય સરકારે ખાસ કંઈ પહેલ ન કરતાં છેલ્લા બે દાયકાથી ખેતીનો સમગ્ર આધાર ભૂગર્ભજળ પર રહ્યો છે."
મિત્તલ પટેલ કહે છે, "કેટલાક ખેડૂતોને પાણી ન મળતા ખેતરોને સોલાર કંપનીને ભાડે આપી દીધાં છે."
સાગર રબારી કહે છે કે ભૂગર્ભજળના વધારે વપરાશને કારણે ટ્યૂબવેલના નિષ્ફળ જવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેઓ કહે છે કે ઘણાં ગામોમાં બે-ત્રણ વર્ષે જ ટ્યૂબવેલ નકામો થઈ જાય છે.
સાગર રબારી કહે છે, "જમીન રેતાળ હોવાથી ઘણીવાર કૅનાલો પણ તૂટી જાય છે પરિણામે પણ ઘણીવાર પાણી અવરોધાય છે. બનાસકાંઠામાં ઘણાં ગામોમાં કૅનાલો બની નથી જેથી પણ પાણી મળતું નથી. જેને કારણે પણ ભૂગર્ભજળનો વપરાશ વધ્યો છે અને તળ ઊંડાં ગયાં છે."
મિત્તલ પટેલ કહે છે કે લોકોએ બધું સરકાર પર ન છોડવું જોઈએ આ મામલે લોકોની પણ જવાબદારી થાય છે.
તેઓ કહે છે, "સરકાર તો પોતાનું કામ કરશે ત્યારે કરશે પણ સ્થાનિક સ્તરે નાગરિકોએ પણ પાણીને બચાવવાની જવાબદારી નિભાવવી જોઈએ. ખેડૂતોએ પણ પાણીની સ્થિતિ પ્રમાણે પાક લેવાની પદ્ધતિ બદલવી જોઈએ જેથી પાણીનો વપરાશ ઓછો થાય."
"વૉટર હાર્વેસ્ટિંગ (જળ સંચય) મામલે તો સ્થાનિક સ્તરે જ પ્રયત્નો થવા જોઈએ. અહીં સરેરાશ 125 કલાક વરસાદ પડે છે તો આ પાણીને જમીનમાં કેમ ન ઉતારી શકાય? આટલું પાણી પણ જો જમીનમાં જાય તો ઘણી સમસ્યા ઉકેલાઈ શકે છે."
‘ઉત્તર ગુજરાતના 47 તાલુકા પૈકી 34 તાલુકા ડેન્જર ઝોનમાં’

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
પાણીના સંરક્ષણ અને સંવર્ધન સાથે સંકળાયેલા કર્મશીલો કહે છે કે નેશનલ ગ્રાઉન્ડ વૉટર બૉર્ડે ઉત્તર ગુજરાતના 47 તાલુકા પૈકી 34 તાલુકાઓને ડેન્જર ઝોન જાહેર કર્યા છે.
તેઓ કહે છે કે ઉત્તર ગુજરાતનાં ઘણા ગામોમાં ભૂગર્ભજળ લગભગ ખતમ થઈ ગયું છે.
મિત્તલ પટેલ જણાવે છે, "ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે તેથી અહીં ભૂગર્ભજળનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ પાણીનાં તળ 1000 ફૂટથી નીચે ગયાં છે. ઘણાં ગામોમાં 200 પરિવાર હોય અને 300 બોરવેલ હોય તેવું પણ બને. બોરવેલ સૂકાઈ જવાનું પ્રમાણ પણ વધારે છે."
તેઓ વધુમાં જણાવે છે, "તળાવો, કૂવા રિચાર્જ કરવાનું જ બંધ થઈ ગયું. કારણ કે લોકો ભૂગર્ભજળનો ઉપયોગ વધારે કરવા લાગ્યા. તેને કારણે તળાવોનાં મોઢાં બંધ થઈ ગયાં, ગૌચરની જમીનોમાં ખેતી થવા લાગી. ખેડૂતો વર્ષના બે-ત્રણ પાક લેવા લાગ્યા, જેથી ભૂગર્ભજળનો ઉપયોગ વધી ગયો અને પાણીનાં તળ નીચે જવાં લાગ્યાં."
"સરકારે સુજલામ્ સુફલામ્ યોજના બનાવી છે તેને તમામ તળાવોને ભરવા માટે પાઇપલાઇન બિછાવી રહી છે તે યોગ્ય છે. તળાવો ભરાશે તો પાણીના સ્રોતોને જીવતદાન મળશે."
"અટલ ભૂજલ યોજનાથી પણ સ્થાનિક સ્તરે ફાયદો તો થયો છે, પણ પાણીના સ્રોતોને ચોમાસા સિવાય પણ રિચાર્જ કરી શકાય તેવા પ્રયત્નો થવા જોઈએ તો જ આપણે પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકીશું."
પાણીનાં સંવર્ધન અને સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના પૂર્વ નિયામક જાસ્કણભાઈ ચૌધરી કહે છે કે સરકારની અવ્યવસ્થાને કારણે પાણીની સમસ્યા ઉકેલાઈ નથી.
તેઓ સરકાર પર આરોપ લગાવતા કહે છે, "કૅનાલો વારંવાર તૂટી જાય છે. કેટલીક જગ્યાએ પાણીના અભાવને કારણે કૅનાલોમાં ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે. કેટલીક જગ્યાએ ખેડૂતોને હજુ પાણી મળ્યું નથી."
કૅનાલ વારંવાર તૂટી જતી હોવાનું તો સરકાર પણ સ્વીકારે છે

ઇમેજ સ્રોત, GOVERNMENT OF GUJARAT
બનાસકાંઠાના નર્મદા વિભાગના મુખ્ય અધિકારી એચ. કે. રાઠોડ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "અમને ગત વર્ષે અલગ-અલગ 16 જેટલી ફરિયાદો મળી હતી જેમાં કૅનાલ તૂટી જવાની કે પાણી ન મળવાની કે અન્ય રજૂઆતો પણ સામેલ હતી. અમે તમામ ફરિયાદોનો યોગ્ય રીતે ઉકેલ કરી નિકાલ કર્યો છે."
"ઘણી વખત ખેડૂતો પાણી મેળવવા માટે આડશ મૂકતા હોય છે કે પછી તેમને પાણીના ઉપયોગની ગેરવ્યવસ્થા સર્જાતી હોય ત્યારે સમસ્યા આવે છે. અમે તેના નિરાકરણ માટે વૉટર યૂઝર્સ ઍસોસિયેશન પણ બનાવ્યું છે પણ તે કામ કરતું નથી."
જ્યાં પાણી માટેની કૅનાલો નથી પહોંચી તે વિશે એચ. કે. રાઠોડ કહે છે, "કૅનાલ બનાવવાનું કામ ચાલે છે. જ્યાં જરૂર હતી ત્યાં અમે કૅનાલોને પહોળી પણ કરી છે."
"અમે જ્યાં જરૂર હોય ત્યાં નર્મદાનું પાણી પીવા માટે પણ આપીએ છીએ અને સિંચાઈ માટે પણ."
"ત્યાં બોરનું પાણી વધારે ટીડીએસ ધરાવે છે તેથી તેમને અમે કૅનાલનું પાણી આપીએ છીએ."
"કૅનાલની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળ પણ ઉપર આવ્યાં છે તેથી તેનો ફાયદો પણ લોકોને થયો છે."
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. વલ્લભભાઈ કથિરિયા કહે છે, "લોકોનો વપરાશ પણ વધ્યો છે અને જરૂરિયાત પણ. જ્યાં કૅનાલ ન જવાની હોય પરંતુ આસપાસના ખેડૂતો કે લોકોની માગ આવે તો ઘણીવાર તેમની માગ અને અનિવાર્યતાને જોતા કૅનાલ લંબાવવી પણ પડે."
"આ બધા કારણોને લઈને પણ કદાચ કૅનાલનું કામ બાકી છે અને જ્યાં બાકી છે તે કામ પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે."

ઇમેજ સ્રોત, SAGAR PATEL
ગુજરાત સરકારના પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આ સતત ચાલતી પ્રક્રિયા છે. અમે જ્યાં જરૂર છે ત્યાં સરવે કરાવી રહ્યા છીએ અને તે દિશામાં કામ ચાલી રહ્યું છે."
પાણીના સ્રોતોનાં સંરક્ષણ મામલે સરકારનાં કામોની વિગતો આપતા તેમણે કહ્યું, "અમે એક લાખ કરતાં વધારે ચેકડૅમો બનાવ્યા છે, જેને કારણે અને સુજલામ્ સુફલામ્ યોજનાને કારણે ભૂગર્ભજળ ઊંચાં આવ્યાં છે. પાણી જ્યાં વહી જતું હતું તે અટકાવીને તેનો ઉપયોગ કરવાની યોજના પર કામ થયું છે અથવા થઈ રહ્યું છે."
પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી સરકારનો બચાવ કરતા કહે છે, "ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડવા મામલે ઘણું કામ થયું છે. ચારે તરફ હરિયાળી છે."
જોકે તેઓ ક્યાંક પાણી ન પહોંચ્યું હોવાનું સ્વીકારે છે. આ વિશે તેઓ સરકારનો પક્ષ લેતા કહે છે, "ક્યાંક અપવાદ હોઈ શકે, રજૂઆતો પણ થાય છે, પણ તાજેતરમાં અમે પાણી પહોંચાડવાની ઘણી યોજના પર કામ કરી રહ્યા છીએ."
ખેડૂત નેતા સાગર રબારી કહે છે, "ઉત્તર ગુજરાતમાં સાબરમતી સિવાય કોઈ બારમાસી નદી નથી. બધી નદીઓ સુકાઈ જાય છે. તેને કારણે ભૂગર્ભજળ રિચાર્જ થતાં નથી અને લોકો પાણીની જરૂરિયાત માટે ભૂગર્ભજળનો જ ઉપયોગ કરે છે. નર્મદા-ધરોઈ ડેમનું પાણી પહોંચ્યું ત્યાર બાદ થોડી રાહત છે પણ નર્મદાનું પાણી બધી જગ્યાએ નથી પહોંચ્યું તેને કારણે તકલીફો છે."
ભૂગર્ભજળનાં તળ નીચે જવા પર ચિંતા વ્યક્ત કરતા સાગર રબારી કહે છે,"કેટલીક જગ્યાએ ટ્યૂબવેલમાં 1300-1400 ફૂટે પાણી મળે છે. જૂના ટ્યૂબવેલમાંથી પાણી નીકળતું નથી તેને કારણે ખેડૂતોએ દર બે-ત્રણ વર્ષે ટ્યૂબવેલ બનાવવા પડે છે અને તેઓ છેવટે દેવામાં ધકેલાઈ રહ્યા છે."
શું છે સરકારનો દાવો?

ઇમેજ સ્રોત, SAGAR PATEL
ઉત્તર ગુજરાતના નર્મદા વિભાગના મુખ્ય ઇજનેર એમ. ડી. પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "દરેક વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે. સરકારે તમામ સ્થિતિને ધ્યાનમાં રાખી વૉટર હાર્વેસ્ટિંગનાં કામો કર્યા છે. પાણીના સ્રોતો રિચાર્જ થાય તે માટે તળાવો ઊંડાં કરવાનું કે પછી કૅનાલો મારફતે તળાવો ભરવાનું કામ કે પછી ચેકડૅમો બનાવવાનું કામ કર્યું છે."
ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગ પાસે બીબીસીએ ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડવા કયાં-કયાં કામ થયાં છે તે વિશેની વિગતો માગી હતી.
જળસંપત્તિ વિભાગે જે વિગતો આપી તે મુજબ તેમનો દાવો છે કે ગુજરાત સરકાર દ્વારા ખેતીના વિકાસ માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવા માટે નર્મદાનાં પૂરનાં વધારાનાં પાણીને પાણીથી વંચિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવેલ છે.
‘સુજલામ્ સુફલામ્’ યોજના, ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’, મોટા ચેકડૅમો અને બંધારા, ટાઇડલ રેગ્યુલેટર યોજના, ઉદવહન સિંચાઈ યોજનાઓ, પાઇપલાઇન યોજનાઓ જેવાં અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.
સરકારનો દાવો છે કે, ઉત્તર ગુજરાત વિસ્તારનાં ભૂગર્ભજળ સંગ્રહને રીચાર્જ કરવા અને ઉત્તર ગુજરાતના વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી, ગુહાઈ, ઘરોઈ, મુક્તેશ્વર, દાંતીવાડા અને સિપુ જેવાં 9 જળાશયોને ભરવા માટે ‘સુજલામ્ સુફલામ્’ યોજના હેઠળ નર્મદા મુખ્ય નહેર આધારિત 14 ઉદવહન પાઇપલાઇન યોજનાઓ બનાવવામાં આવી છે.
આ પાઇપલાઇનો મારફતે પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાનાં કુલ 33 ગામોનાં તળાવો તથા બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપુર તાલુકાનાં લગભગ 70થી વધુ તળાવોને ભરવાની યોજના બનાવાઈ છે.
આ સિવાય સૂચિત પાઇપલાઇન યોજના થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાનાં 107 ગામોનાં 253 તળાવો ‘સુજલામ્ સુફલામ્’ સ્પ્રેડિંગ કૅનાલ, બાલારામ નદી મારફતે દાંતીવાડા જળાશયનું જોડાણ કરાશે અને તેનાથી 7,500 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.
‘સુજલામ્ સુફલામ્’ યોજના અંતર્ગત થરાદ-સીપુ પાઇપલાઇન યોજના પણ બનાવાઈ છે. જેને કારણે 6000 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે.













