નર્મદા: આદિવાસી મહિલાઓએ દેવા અને ગરીબીમાંથી બહાર નીકળવા કયો રસ્તો અપનાવ્યો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારા વિસ્તારમાં રાસાયણિક જંતુનાશક દવાઓ 400થી 500 રૂપિયાની એક લિટર વેચાય છે. અમે બધાં ખેતીની બહુ ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો છીએ. અમને દવાઓનો આટલો બધો ખર્ચ પોષાય નહીં."

"વળી, અમારે અમારી જમીનને ઝેર આપવું નહોતું. અમારે કુદરતી ખેતી જ કરવી હતી અને લોકોને પણ તે તરફ વાળવા હતા."

"એટલે અમે ગામની કેટલીક બહેનોએ જાતે જ જૈવિક દવાઓ બનાવીને ઉપયોગ કરવાનું અને તેના વેચાણમાંથી આવક ઊભી કરવાનું શરૂ કર્યું."

બોરીપીઠા ગામનાં આદિવાસી મહિલા સુકરા સુભાષ વસાવાના આ શબ્દો છે.

બોરીપીઠા ગામ, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ છે.

બોરીપીઠાનાં ખેડૂત સુકરાબહેન અને ગામની બીજી ચાર મહિલાઓએ પોતે પ્રાકૃતિક ખેતીનો રાહ તો અપનાવ્યો જ છે, સાથે-સાથે સ્થાનિક વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વાળવા માટે જૈવિક દવાઓ બનાવીને વેચવાનું સાહસ પણ આદર્યું છે.

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

ઇમેજ કૅપ્શન, આ મહિલાઓએ સ્થાનિક સંસ્થાની મદદથી પોતાનું એક જૂથ બનાવીને દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે

આ મહિલાઓએ સ્થાનિક સંસ્થાની મદદથી પોતાનું એક જૂથ બનાવીને દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે.

‘ઉન્નતિ જૈવિક દવા ઉત્પાદન કેન્દ્ર’ નામનું આ જૂથ બિનહાનિકારક જૈવિક દવા લિટર-દીઠ માત્ર 80થી 100 રૂપિયાની સાવ નજીવી કિંમતે વેચે છે.

એટલું જ નહીં, આ મહિલાઓ જૈવિક દવાઓના વેચાણની આવકના સહારે, ગરીબી અને દેવાના વિષચક્રમાંથી બહાર આવી છે.

આ જૂથ સાથે જોડાયેલાં બોરીપીઠા ગામનાં મેથાબહેન રતીલાલભાઈ વસાવા પાસે એક એકર જેટલી ખેતીની જમીન છે. તેમાં તેઓ મુખ્યત્વે ડાંગર, તુવેર, કપાસનો પાક લે છે. વરસાદ આધારિત ખેતી હોવાથી તેમને તેમાંથી ખૂબ નજીવી આવક થાય છે.

પરિવારનું જીવન ગુજરાન ચલાવવામાં તથા બાળકોના શિક્ષણનો ખર્ચ કાઢવામાં તેમને બહુ તકલીફ પડતી. ખેતી માટેનું બિયારણ લાવવા માટે પણ તેમને તેમના ચાંદીના દાગીના ગિરવી મૂકીને દેવું કરવાની ફરજ પડતી. જોકે, ગામની પાંચ મહિલાઓએ ભેગા મળીને જૈવિક દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું, તેમાં તેઓ જોડાયાં ત્યારથી તેમની આર્થિક સ્થિતિમાં હકારાત્મક સુધારો આવ્યો છે.

બીબીસી

જૈવિક દવાઓ બનાવીને મહિલાઓ કેવી રીતે કમાણી કરે છે?

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

ઇમેજ કૅપ્શન, બોરીપીઠાનાં ખેડૂત સુકરાબહેન અને ગામની બીજી ચાર મહિલાઓએ પોતે પ્રાકૃતિક ખેતીનો રાહ તો અપનાવ્યો જ છે

મેથાબહેનને જૈવિક દવા બનાવવાની મજૂરી પેટે દૈનિક 120 રૂપિયા લેખે વર્ષમાં આશરે 200 દિવસની મજૂરી મળતી થઈ છે. આ પ્રવૃત્તિ તેમના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં નિમિત્ત બની છે.

જૈવિક દવા બનાવવાની મજૂરીની આવકમાંથી તેઓ તેમના ગિરવી મૂકેલાં ઘરેણાં છોડાવી શક્યાં છે. ઉપરાંત, બી.એડ.નો અભ્યાસ કરી રહેલાં તેમનાં દીકરા-દીકરીનો શિક્ષણનો ખર્ચ કરવા માટે તેઓ સક્ષમ બન્યાં છે.

મેથાબહેનના જ ગામનાં લલિતાબહેન વિનોદભાઈ વસાવા પણ આ જૂથમાંનાં એક છે. 35 વર્ષનાં લલિતાબહેન પાસે માત્ર 30 ગુંઠા ખેતીની જમીન હોવાથી, રોજી રળવા માટે તેમના પરિવારના સાતેય સભ્યોને સુરત, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચ સુધી સ્થળાંતર કરીને જવું પડતું.

જૈવિક દવા બનાવવાની આર્થિક પ્રવૃત્તિમાં જોડાવાથી તેમને પણ વર્ષે વીસ હજાર રૂપિયાથી વધુ આવક મળવાની શરૂઆત થઈ છે. ઉપરાંત, તેમના જૂથે બનાવેલી દવાઓ તેમની ખેતીમાં વાપરીને તેઓ જંતુનાશક દવા પાછળ થતો ખર્ચ બચાવી શક્યાં છે.

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

તેમનું કહેવું છે કે ખેતીનો ખર્ચ ઘટવાથી આજે તેમને ખેતીમાં પણ 20,000 રૂપિયા જેટલી વાર્ષિક આવક થાય છે. પરિણામે, તેમને હવે સ્થળાંતર કરવાની ફરજ પડતી નથી. વળી, આઈટીઆઈમાં અભ્યાસ કરી રહેલા તેમના દીકરાની ફી ભરીને તેઓ તેનું શિક્ષણ બચાવી શક્યાં છે.

જૂથનાં બીજાં એક મહિલા સવિતાબહેન વસાવા પોતાના સાત સભ્યોના પરિવારનું ગુજરાન તેમની માત્ર એક એકર જમીનના સહારે કરી રહ્યાં છે.

તેમને પોતાની ખેતીમાંથી અને ભાગે રાખીને ખેડવામાં આવતી જમીનમાંથી વર્ષે 25,000 રૂપિયા જેટલી આવક થાય છે. હવે જૈવિક દવા વેચવાથી તેમને 25,000 રૂપિયાની ખેતી સિવાયની આવક પણ મળતી થઈ છે.

તેમના દીકરા સુભાષભાઈ અને પુત્રવધૂ સુકરાબહેન જૈવિક દવા બનાવવાની પ્રક્રિયામાં આગેવાની પૂરી પાડી રહ્યાં છે. જૈવિક દવાના વેચાણમાંથી આવક થવાથી સુકરાબહેન અને સુભાષભાઈ એક ટુ-વ્હીલર ખરીદી શક્યાં છે. તેનો ઉપયોગ પણ તેઓ દૂરનાં ગામો સુધી દવા વેચવા માટે કરી રહ્યાં છે.

બીબીસી

દવા બનાવવાનું કામ દૂર નદીકિનારે ખસેડ્યું

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

ઇમેજ કૅપ્શન, મહિલાઓનું કહેવું છે કે ખેતીનો ખર્ચ ઘટવાથી આજે તેમને ખેતીમાં પણ 20,000 રૂપિયા જેટલી વાર્ષિક આવક થાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુકરાબહેને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘એકેઆરએસપીઆઈ’ પાસેથી દવા બનાવવાની તાલીમ લીધી છે. પછી સંસ્થા દ્વારા તેમને 25,000 રૂપિયાની કિંમતનું જૈવિક દવા પીલવાનું મશીન તથા તૈયાર કરવામાં આવેલી દવા ભરવા માટે 500 ખાલી બૉટલો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી.

તેના સહારે સુકરાબહેને ગામની બીજી ચાર બહેનો અને સુભાષભાઈ સાથે મળીને ‘ઉન્નતિ જૈવિક દવા ઉત્પાદન કેન્દ્ર’ શરૂ કર્યું છે.

જૈવિક દવા બનાવવાનું ચાલુ તો કરી દીધું, પણ તે કંઈ સહેલું ન હતું. દવા બનાવવાની શરૂઆત કર્યાના થોડાક દિવસોમાં એક વિઘ્ન આવ્યું. ગામની કુલ 11 બહેનોએ સાથે મળીને, 6 જુલાઈ 2021થી આ દવા ઉત્પાદન કેન્દ્ર શરૂ કર્યું હતું.

દવા બનાવવામાં વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ થતો હોવાથી તેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી.

એટલે 11માંથી 6 બહેનોએ તો દુર્ગંધથી કંટાળીને આ કામ છોડી દીધું. છતાં, બાકીની પાંચ મહિલાઓ અને એક પુરુષ સુભાષભાઈએ આ કામ ચાલુ રાખ્યું, કેમ કે આ તેમની રોજગારીનો મહત્ત્વનો આધાર હતો.

એક મુશ્કેલી પૂરી થઈ ત્યાં બીજી મુશ્કેલી ઊભી થઈ. થોડાક દિવસો પછી, આજુબાજુના લોકો પણ જૈવિક દવાઓની તીવ્ર દુર્ગંધ સહન થતી ન હોવાથી વિરોધ કરવા લાગ્યા.

છતાં આ મહિલાઓ હિંમત ન હારી. તેમણે તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો.

તેમણે દવા બનાવવાની પ્રક્રિયા ગામથી દૂર, નદીકિનારે કરવાનું નક્કી કર્યું અને ત્યાં બધો સામાન ખસેડીને કામ ફરી શરૂ કર્યું.

જોકે, મુશ્કેલી આ બહેનોનો પીછો છોડતી ન હતી. મુશ્કેલીના એ દિવસોને યાદ કરતાં જૂથનાં સુકરાબહેન સવિતાબહેન થોડાંક વ્યથિત થઈ જાય છે.

તેઓ કહે છે, "અમે જૈવિક દવાઓ બનાવીને અમારાં આઠ પીપડાંમાં ભરી રાખી હતી. એ ચોમાસાના દિવસો હતા. એ દિવસોમાં અણધાર્યો ભારે વરસાદ પડ્યો. તેથી ગામની નદીમાં પૂર આવ્યું અને અમારી આકરી મહેનત પર પાણી ફેરવતું ગયું."

"પૂરમાં પીપડાં તણાઈ ન જાય તે માટે અમે પીપડાં ખાલી કરવાનું નક્કી કર્યું, કારણ કે ભરેલાં પીપડાં ત્યાંથી ખસેડીને અમારા ઘર સુધી લાવવાં શક્ય જ ન હતાં. આખરે અમારે બધી જ દવા ઢોળી દેવી પડી."

બીબીસી

જૈવિક દવા બનાવાનો વિચાર અને વેપાર-ધંધાનું મૅનેજમૅન્ટ

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

ઇમેજ કૅપ્શન, બોરીપીઠા ગામની આ જૈવિક દવાઓની માગ હવે ડેડિયાપાડા તાલુકાનાં સજનવાવ, બન્ટાવાડી ગામમાંથી જ નહીં, પણ ઝગડિયા, નિઝર, સુરતથી પણ આવે છે

જોકે, બોરીપીઠાના ઉન્નતિ જૂથની આ મહિલાઓએ ફરી વાર દવા બનાવવાનું શરૂ કર્યું અને ફરી વાર પોતાનો વ્યવસાય બેઠો કર્યો.

જૈવિક દવા બનાવીને વેચવાનો વિચાર કેવી રીતે આવ્યો? તે સવાલનો જવાબ આપતાં સુકરાબહેન કહે છે, "વર્ષ 2021માં અમને ‘એકેઆરએસપીઆઈ’ દ્વારા મધ્ય પ્રદેશનાં ગામોમાં પ્રેરણા-પ્રવાસમાં લઈ જવામાં આવ્યાં હતાં."

"ત્યાં અમે ગ્રામીણ બહેનોને જૈવિક દવા બનાવતાં જોઈ. તે બહેનોને મળીને મને પણ આવી રીતે જૈવિક દવા બનાવીને વેચવાનો વિચાર આવ્યો. સંસ્થાએ પણ મને તે માટે બળ પૂરું પાડ્યું. એટલે મેં મારા ગામની બહેનો સાથે મળીને આ કેન્દ્ર શરૂ કર્યું."

"આજે જૈવિક ખેતી બાબતે ઘણી ચર્ચા થાય છે. પરંતુ, તેમાં ઝેરી જંતુનાશકોને બદલે કયા દવા-ખાતરનો ઉપયોગ કરવો અને તે ક્યાંથી લાવવા તે અંગે આજે પણ ઘણા ખેડૂતો મૂંઝવણ અનુભવતા હોય છે."

"અમારા આદિવાસી વિસ્તારના ખેડૂતોની આવી મૂંઝવણ દૂર થાય તે માટે અમે ગામની મહિલાઓએ જૈવિક દવા બનાવીને વેચવાનું શરૂ કર્યું છે."

"અમારી ખેતીની જમીનને પણ લાભ થયો. એટલું જ નહીં, દવાના વેચાણની આવકમાંથી અમે હવે વધારે સારું જીવન જીવી રહ્યાં છીએ."

જુલાઈ 2021થી ફેબ્રુઆરી 2024 સુધીમાં આ ઉદ્યોગ-સાહસિક મહિલાઓએ એક લિટરની 5000થી વધારે જૈવિક દવાની બૉટલો તૈયાર કરીને વેચી છે. તેમાં ખેતીના પાકમાં આવતી હાનિકારક કીટકોનો નાશ કરવા માટે પેન્ટાફાઇટર, અમૃત પાણી અને અગ્નિઅસ્ત્ર દવા સામેલ છે.

આ દરેક દવા તેઓ આજે લિટરદીઠ 80થી 100 રૂપિયાના ભાવે વેચે છે. દવાના વેચાણમાંથી થયેલી ત્રણ લાખ રૂપિયાની આવકનું પણ આ બહેનોએ સરસ મૅનેજમૅન્ટ કર્યું છે.

બધી આવક અંદરોઅંદર વહેંચી દેવાને બદલે તેમણે તેમના આ ઉદ્યોગનો વિકાસ કરવા માટે દોઢ લાખ જેટલી રકમ અલાયદી રાખી છે.

બીબીસી

સુરત, નર્મદા જિલ્લામાં ખેતમજૂરીએ જવું પડતું પણ હવે...

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

જૂથના બૅન્ક ખાતામાં સાચવવામાં આવેલી આ રકમનો ઉપયોગ તેઓ ધંધાનો વ્યાપ વધારવા માટે કરવા માગે છે. એટલું જ નહીં, દવા-વેચાણની આવકમાંથી તેઓએ ગામમાં દવા-વેચાણ માટે એક નાનકડી દુકાન પણ બનાવી છે.

સિમેન્ટના થાંભલા, પતરાં, ડોલ અને તગારાંમાં મૂડીરોકાણ કરીને આ મહિલાઓએ વેપારમાં કુશળતા મેળવી છે. જૂથની બહેનો આર્થિક રીતે વંચિત છે એટલે આવકનો હિસ્સો તેમના પરિવારમાં પણ ઉપયોગી થાય તે માટે દર વર્ષે આશરે 20થી 21 હજાર રૂપિયા આવક રૂપે, દરેક સભ્યને આપવામાં આવે છે.

જૈવિક દવા બનાવવાનું શરૂ કર્યું તે પહેલાં જૂથના સભ્યોને સુરત અને નર્મદા જિલ્લાનાં ગામોમાં ખેતમજૂરીએ જવા માટે સ્થળાંતર કરવાની ફરજ પડતી. વળી, ત્યાં તેમને માંડ એક-બે મહિના કામ મળે તેમાંથી આખા વર્ષની માંડ દશેક હજાર રૂપિયા જેટલી આવક થતી.

અત્યારે જૂથના દરેક સભ્ય ખેતીમાંથી અને જૈવિક દવાના વેચાણમાંથી વર્ષે 40,000 રૂપિયાની આવક રળતા થયા છે.

ગામના લોકો પણ મહિલાઓએ બનાવેલી દવા ખરીદી રહ્યા છે

આદિવાસી મહિલાઓ

ઇમેજ સ્રોત, sanjay dave

ઇમેજ કૅપ્શન, વર્ષ 2023ના એક વર્ષમાં જ આ જૂથે જૈવિક દવાઓની કુલ 1500 બૉટલો વેચી છે

જૂથમાં જોડાયેલાં વયોવૃદ્ધ સુકરાબહેન અને તેમના પતિ રૂપસિંહ વસાવા ખેતીમાં યથાશક્તિ મજૂરી કરીને બે ટંકનો રોટલો રળવાનો પ્રયત્ન કરે છે. થોડાં વર્ષો પહેલાં તેમનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો તે પછી ખેતીની બધી જવાબદારી આ દંપતીના શિરે છે.

તેમને તેમની ખેતીની બે એકર જમીનમાંથી વર્ષે 25,000 રૂપિયા જેટલી આવક થાય છે. ઉપરાંત, જૈવિક દવાના વેચાણમાંથી થતી 21,000 રૂપિયાની આવક પણ તેમના માટે સધિયારો બની છે.

જૂથનાં સક્રિય સભ્ય મેથાબહેન વસાવા કહે છે, "અમે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર વનસ્પતિનાં પાન, લીંબોળી, ગોળ, ચણાનો લોટ, છાશ વગેરેનો ઉપયોગ કરીને જૈવિક દવાઓ બનાવીએ છીએ. તેનો ઉપયોગ કર્યા પછી વધુ ને વધુ ખેડૂતો અમારી પાસેથી દવા ખરીદી રહ્યા છે. અમારા ગામના 150થી વધુ ખેડૂતો આ જૂથની દવાઓ ખરીદે છે."

પ્રાકૃતિક ખેતીને વેગ આપતી બોરીપીઠા ગામની આ જૈવિક દવાઓની માગ હવે ડેડિયાપાડા તાલુકાનાં સજનવાવ, બન્ટાવાડી ગામમાંથી જ નહીં, પણ ઝગડિયા, નિઝર, સુરતથી પણ આવે છે.

વર્ષ 2023ના એક વર્ષમાં જ આ જૂથે જૈવિક દવાઓની કુલ 1500 બૉટલો વેચી છે. અહીં વધુ નોંધપાત્ર વાત તો એ છે કે, જૂથ દ્વારા ગામનાં બધાં વિધવા-બહેનોને આ જૈવિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

યુનિટ સાથે જોડાયેલી ખેડૂત-બહેનો અને ખેડૂત સુભાષભાઈએ પોતાના ખેતરમાં જ આ દવાઓ વાપરવાનો અખતરો કરી બતાવ્યો છે.

સુભાષભાઈએ તેમની એક એકર ખેતીની જમીનમાં કપાસ, ડાંગર, તુવેર અને પાપડીના પાકમાં આ જૈવિક દવાઓનો ઉપયોગ કરીને રાસાયણિક જંતુનાશકો પાછળ થતો 6000 રૂપિયાથી વધારે ખર્ચ બચાવ્યો છે. ઉપરાંત,જમીનની ફળદ્રુપતા વધારી છે.

બીબીસી
બીબીસી