ગુજરાતના ગામની એ પહેલ જેનાથી યુવાનોએ નોકરી માટે શહેર નથી જવું પડતું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
“આજથી આઠેક વર્ષ પહેલાં ખેતીમાંથી પૂરતી આવક થતી નહોતી ત્યારે, અમારા ગામના 40 ટકાથી વધુ યુવાનોએ જુદાં-જુદાં શહેરોમાં રોજગારી મેળવવા સ્થળાંતર કરવું પડતું. ગામના લોકોએ સાથે મળીને સામૂહિક સમ્પ(પાણી સંગ્રહ માટેની મોટી ટાંકી) બનાવી સિંચાઈની સુવિધા ઊભી કરી તે પછી ખેતીમાં વધુ ઉત્પાદન મળતું થયું. ખેતીની આવક વધી. તેથી હવે ગામના એક પણ યુવાનને નોકરી કરવા ગામ બહાર જવું પડતું નથી.”
આ શબ્દો છે નવાનગર ગામના ખેડૂત કનુભાઈ પ્રેમજીભાઈ પટેલના. તેઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની ‘સોમસરોવર પિયત સહકારી મંડળી’ના પ્રમુખ છે.
હિંમતનગરથી 16 કિલોમીટર દૂર આવેલા નવાનગર ગામના લોકોએ કોઈ પણ પ્રકારની સરકારી સહાય વગર સામૂહિક સમ્પ બનાવીને સામૂહિક સિંચાઈ વ્યવસ્થાથી આખા ગામની 470 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. આ વ્યવસ્થા ઊભી થતાં ગામની ન માત્ર દેખીતી પરંતુ નજરે ન પડે એવી પણ મુશ્કેલીઓ જાણે કે સાવ દૂર થઈ ગઈ છે. જેમાં ગામના યુવાધનનું તકોની શોધમાં મોટાં શહેરો તરફ થતું પલાયન પણ સામેલ છે.
ગામના તમામ ખેડૂતોએ ગામની 100 ટકા જમીનમાં છેલ્લાં 28 વર્ષથી માત્ર ને માત્ર ટપક પદ્ધતિથી સિંચાઈ કરીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની મિસાલ કાયમ કરી છે.
'યુવાધનનું શહેર તરફ સ્થળાંતર અટક્યું અને લાખો કમાતો થયો ખેડૂત'

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રામજનોએ આપબળે કરેલી પિયતની સુવિધાને કારણે ગામને વેઠવી પડતી યુવાધનના સ્થળાંતરની મુશ્કેલીનું પણ નિરાકરણ આવ્યાનો દાવો કરાય છે.
ગામમાં પહેલાં ખેતીમાં પિયતની યોગ્ય સુવિધા ન હોવાથી ખેતીની પૂરતી આવક થતી નહોતી.
આ પરિસ્થિતિને કારણે તકની શોધમાં અમદાવાદ સ્થળાંતર કરી ગયેલા એક યુવાન પાર્થ પટેલના પિતા કનુભાઈ જણાવે છ કે, “પાર્થને પહેલાં સ્થળાંતર કરીને અમદાવાદ જવું પડ્યું હતું. તેને અમદાવાદમાં 12 હજારના માસિક પગારથી નોકરી કરવી પડતી હતી.”
કંઈક આવી જ કહાણી ગામના અન્ય એક યુવાન દીપેન પટેલની પણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક સમયે જે ગામમાંથી નોકરીની તલાશમાં યુવાનો શહેર તરફ દોટ મૂકતા ત્યાં હવે દીપેન જેવા યુવાનો સરકારી નોકરી હોવા છતાં પાછા ફરી રહ્યા છે.
દીપેન કહે છે કે, “મારી સારી એવી સરકારી નોકરી હતી. પરંતુ હવે હું એ છોડીને ગામમાં ખેતી કરું છું. મેં એરંડાના વિષયમાં પીએચ. ડી. કર્યું છે.”
તેઓ ગામના પ્રયાસોથી ઊભી થયેલી સામૂહિક પિયતની પ્રણાલીની પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં આપેલ ફાળા અંગે વાત કરતાં કહે છે કે, “મેં મારી 70 વીઘા ખેતીની જમીનમાંથી સામૂહિક પિયતના આશરે ખેતીમાંથી સારી એવી આવક મેળવવાનું શરૂ કર્યું છે. હવે હું વાર્ષિક ત્રણ કરોડ રૂપિયાની આવક મેળવું છું.”
કનુભાઈ કહે છે કે, “આજે પિયતના કારણે ખેતીની આવક વધવાથી હવે પાર્થ જેવા ઘણા યુવાનોને સ્થળાંતર કરવું પડતું નથી. પાર્થ અને તેના જેવા યુવાનો આજે ગામમાં જ રહીને ગૌરવભેર ખેતી કરતા થયા છે. શહેરો તરફના પલાયનની સમસ્યા જાણે છે જ નહીં.”
ગામના યુવાધનને ઘરઆંગણે તકો ઉપલબ્ધ કરાવવાથી માંડીને ગામના સામાન્ય ખેડૂતોની આવકમાં સારી એવી વૃદ્ધિ કરાવવાનું મહામહેનત માગી લેતું કામ આ ગામે પોતાના સામૂહિક પ્રયત્નો વડે કર્યું. ગામે આ હેતુ પાર પાડવા માટે અપનાવેલી વ્યૂહરચના અંગે જાણવાની ઉત્કંઠા થાય એ વાજબી છે.
આ વ્યૂહરચના અને આયોજનની જ કમાલ છે કે જેને કારણે એક સમયે પાણીની તંગીથી પીડાતા નવાનગર ગામમાં હવે ખેડૂતો મબલક પાક મેળવી વીઘે લાખોની કમાણી કરતા થયા છે.
'ગામના બધા જ ખેડૂતોએ વર્ષોથી અપનાવી ટપક સિંચાઈ પદ્ધતિ'

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
કનુભાઈ પટેલ ગામના નસીબ બદલી નાખનાર ટપક સિંચાઈ પદ્ધતિની શરૂઆત અંગે કહે છે કે, “અમારા ગામમાં વર્ષો પહેલાં કૂવા-બોરમાં 100 ફૂટે પાણી મળતું, પણ હવે પાણીનાં સ્તર 650 ફૂટથી વધારે ઊંડાં ગયાં છે. આજથી 60 વર્ષ પહેલાં અમારા ગામના વડીલોએ દૂરંદેશી દાખવીને પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા ટપક સિંચાઈ પદ્ધતિનો વિચાર કર્યો હતો. તે વિચારનો અમે 28 વર્ષ પહેલાં અમલ શરૂ કર્યો.”
“શરૂઆતમાં ગામના સાત ખેડૂતોએ કોઈ પણ પ્રકારની સરકારી સબસિડી મેળવ્યા વગર, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી. તે પછી ધીરે ધીરે આર્થિક સગવડ થતી ગઈ તેમ તેમ બીજા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા ગયા. આજે ગામના બધા 100 ખેડૂતો, ખેતીમાં ધોરિયા કે ક્યારા પદ્ધતિને બદલે માત્ર ટપક પદ્ધતિથી જ પિયત કરે છે."
ગામના ખેડૂતોએ ઇઝરાયલે અપનાવેલી ડ્રિપ ઇરિગેશન પદ્ધતિમાંથી પ્રેરણા મેળવી હતી. તે પછી તેમણે ગુજરાતનાં જુદાં જુદાં ગામોનો પ્રવાસ કરીને ટપક પદ્ધતિ અપનાવી રહેલા ખેડૂતોની ખેતીમાં થયેલા ફાયદા જોયા.
અંતે, તેમણે દૃઢપણે ટપક પિયત પદ્ધતિ જ અપનાવવાનો નિર્ધાર કર્યો અને ધીરે ધીરે ‘ગામના તમામ ખેડૂતોને પણ ટપક અપનાવતા કરી દીધા.’
આમ, 1995થી ગામના બધા જ ખેડૂતો ટપક પદ્ધતિથી પિયત કરીને પાણીનાં ટીપેટીપાંનો કાર્યક્ષમ ઉપયોગ કરી રહ્યા છે.
નવાનગર ગામમાં પટેલ, રબારી, રાજપૂત વગેરે જાતિની મળીને કુલ 800 લોકોની વસતિ છે. ગામમાં 15 વીઘાથી 50 વીઘા જમીન ધરાવતા ખેડૂતો છે અને તેઓ ટપક સિંચાઈ પદ્ધતિથી મુખ્યત્વે કપાસ, તરબૂચ, ટેટી, વરિયાળી અને ઘઉંનો પાક લે છે.
હિંમતનગરમાં નવાનગર ગામ, તરબૂચ અને ટેટીના ઉત્પાદનનું હબ ગણાય છે. ગામના બધા જ ખેડૂતોએ 1995થી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે.
“વીઘે અઢી લાખની આવક”

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
આજે નવાનગર ગામના લોકો તળાવમાંથી સમ્પમાં પાણી એકઠું કરી, તેમાં દરેક કનેક્શન દીઠ પાંચ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર ગોઠવીને, ગામનાં બધાં જ ખેતરો સુધી પીવીસી પાઇપ મારફતે નિયમિત રીતે પાણી પહોંચાડે છે.
એટલે હવે ગામના ખેડૂતોને ખેતીમાં બોરવેલના ક્ષારવાળાં પાણીને બદલે વરસાદી મીઠું પાણી મળતું થયું છે. તેના કારણે તેમની ખેતી સમૃદ્ધ થઈ છે.
આ વ્યવસ્થાને કારણે કૂવા-બોર ન ધરાવતા હોય એવા ખેડૂતોને પાણી ભાડે લેવાની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે.

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
ખેડૂતો કહે છે કે સમ્પના નિર્માણ બાદ હવે તેમને પાણી વાળવા માટે રાતના ઉજાગરા નથી કરવા પડતા.
આજે નવાનગરનો ખેડૂત તરબૂચ અને ટેટીની ખેતીમાં વીઘાદીઠ એકથી અઢી લાખ રૂપિયા કમાતો થયો છે. નવાનગરના તરબૂચ અને ટેટીની, જમ્મુ-કશ્મીર અને દિલ્હી સુધી નિકાસ થાય છે.

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
નવાનગરને ટપક પિયત પદ્ધતિ તથા સામૂહિક સમ્પથી પિયતના લાભ મળેલા જોઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના તખતગઢ, ખેડબ્રહ્મા તાલુકાના તાંદલીયા તેમજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુ કંપા ગામના લોકોએ પ્રેરણા મેળવીને સામૂહિક પિયતની કામગીરી કરી છે.
ઉપરાંત, આજે દર મહિને બે-ત્રણ લક્ઝરી બસો ભરીને, ગુજરાતના જુદા જુદા સરકારી વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ગ્રામજનો નવાનગરની સામૂહિક પિયત વ્યવસ્થા જોવા-શીખવા આવે છે.
'ખેતીમાં 60થી 70 ટકા પાણીની બચત થઈ અને નિંદામણ ખર્ચ ઘટ્યો'

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
ગામનાં પૂર્વ સરપંચ મમતાબહેન પટેલ આ પદ્ધતિને કારણે ખેડૂતને થતી બચત અંગે કહે છે, “ટપક પદ્ધતિથી પિયતના કારણે ખેતીમાં 60થી 70 ટકા પાણીની બચત થઈ અને નિંદામણ ઘટવાથી તે કાઢવાનો ખર્ચ ઘટ્યો. પરિણામે, ખેતીની આવક વધી. પહેલાં અમે ક્યારા પદ્ધતિથી પિયતમાં પાણીનો આડેધડ ઉપયોગ કરતા તેથી પાણી વેડફાતું અને નિંદામણ પણ વધતું. આજે અમે ખાતરને પ્રવાહી સ્વરૂપે સીધું છોડના મૂળમાં જ આપી શકીએ છીએ એ પણ વધારાનો લાભ છે.”
ગામલોકોની ફરિયાદ હતી કે 60-65 બોરવેલનાં તળ 650 ફૂટ ઊંડાં ગયાં હોવાથી પાણી ક્ષારવાળું બની ગયું છે
ખેડૂતો પોતાના બોરવેલના પાણીથી ટપક સિંચાઈ કરતા જ હતા, તો પછી ગામના લોકોને સામૂહિક સમ્પ બનાવવાનો વિચાર કેમ આવ્યો?
કનુભાઈ પટેલ તરત જ તેનો જવાબ આપતા કહે છે, “ગામમાં એક પણ સરકારી બોર-કૂવા નથી. જોકે, ગામમાં વર્ષો પહેલાં પણ મોટા ભાગના ખેડૂતોનાં ખેતરોમાં પોતાનાં વ્યક્તિગત બોરવેલ તો હતા જ, ગામમાં આજે પણ 60-65 બોરવેલ છે. પરંતુ, તેમાં પાણીનાં તળ 650 ફૂટ ઊંડાં ગયાં હોવાથી અહીંનું પાણી બહુ જ ક્ષારવાળું બની ગયું છે. આ ક્ષારવાળા પાણીના કારણે ટપકની પાઇપો જામ થઈ જતી હતી. વળી, ખારાં પાણીના કારણે અમારી જમીનમાં ખારાશ વધી રહી હતી. આ વાત ધ્યાનમાં રાખીને અમે સ્થાનિક ગુહાઈ કૅનાલનાં પાણીનો સંગ્રહ કરીને, ખેતી માટે વરસાદી મીઠું પાણી મેળવવાનું નક્કી કર્યું.”
ગુહાઈ કૅનાલમાંથી સ્થાનિક 35 ગામોને 1992થી સિંચાઈનું પાણી મળે છે.
તેમાં કૅનાલથી સૌથી નજીકનું ગામ લીખી અને સૌથી છેલ્લું ગામ નવાનગર છે. ગામલોકોની ફરિયાદ હતી કે છેલ્લું ગામ હોવાથી નવાનગર ગામના ખેડૂતોનો વારો આવે ત્યારે પૂરતું પાણી મળે નહીં એવું બનતું.
કૅનાલનું પાણી નવાનગરનાં ખેતરો પાસે બનાવાયેલી કુંડીઓમાં સંઘરવામાં આવતું. આ કુંડીઓમાંથી ખેડૂતો પોતાનાં ખેતરોમાં વારાફરતી પાણી મેળવતા. પરંતુ, ફરિયાદ પ્રમાણે અહીં મુશ્કેલી એ ઊભી થતી કે, પિયતનું પાણી મેળવી રહેલા ખેડૂતો જો કૅનાલનું મુખ્ય બારું બંધ ન કરે તો, બીજાં ખેતરોમાં કૅનાલનું પાણી ભરાઈ જતું અને તેનાથી બીજા ઘણા ખેડૂતોની ખેતીને નુકસાન થતું.
'તળાવ ઊંડું કરવાનો 40 ટકા ખર્ચ ગામલોકોએ ભોગવ્યો'

ઇમેજ સ્રોત, Chandrapalsinh Rathod
કૅનાલમાંથી પાણી મેળવવા માટે સ્થાનિકોએ વેઠવી પડતી મુશ્કેલી અંગે મળેલી માહિતી અનુસાર કૅનાલનું પાણી મેળવવા માટે ખેડૂતે પોતાનો વારો આવવાની રાહ જોવી પડતી. આમ, કૅનાલ હોવા છતાં ખેડૂતોને તેનો યોગ્ય રીતે લાભ મળતો નહોતો. આ બધાં કારણોથી ગામના ખેડૂતો વચ્ચે અંદરોઅંદર પાણી મેળવવા બાબતે ઘણી વાર ઝઘડા થતા.
એટલે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગામના અગ્રણી ખેડૂતોને કૅનાલના પાણીનો ગામમાં સંગ્રહ કરવાનો વિચાર આવ્યો.
કૅનાલનાં પાણીનો ગામમાં સંગ્રહ કરવાનું નક્કી તો કર્યું, પણ સંગ્રહ કરવો ક્યાં એ સવાલ આવીને ઊભો. ગામના ખેડૂતોએ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘ડેવલપમૅન્ટ સપૉર્ટ સેન્ટર’ની મદદથી તેનો પણ રસ્તો શોધી કાઢ્યો.
ગામમાં એક તળાવ હતું, જો તેને ઊંડું કરવામાં આવે અને તેની બાજુમાં જળસંગ્રહ માટે સમ્પ બનાવવામાં આવે તો ગામના ખેડૂતોને કાયમ માટે પાણી મળતું રહે એવું સૌએ સાથે મળીને વિચાર્યું.
સદ્નસીબે, રાજ્ય સરકારની સુજલામ્ સુફલામ્ યોજનાની મદદથી આખરે 2016-2017માં ગામનું તળાવ ઊંડું કરવાનું કામ થઈ શક્યું. તળાવને જેસીબીથી ઊંડું કરવાનો ખર્ચ એક કરોડ 15 લાખ રૂપિયા થયો. તેમાં સરકારી યોજના હેઠળ 60 ટકા મદદ મળી અને બાકીના 40 ટકાનો ફાળો ગામલોકોએ આપ્યો.














