કમોસમી વરસાદ પડે તો જીરું અને વરિયાળી જેવા પાકોને બચાવવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના હવામાન ખાતાએ ગુજરાતના હવામાન ખાતાએ 9 જાન્યુઆરીથી ગુજરાતના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
નોંધનીય છે કે આ આગાહી અનુસાર ખાસ કરીને ગુજરાતના આદિવાસી બહુમતીવાળા જિલ્લા અને કેટલાક અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે કેટલાંક સ્થળોએ ખેડૂતોને નુકસાન થવાના અહેવાલો પણ જોવા મળી રહ્યા છે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વાત કરીએ તો પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદમાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાના અહેવાલ છે.
આમ, કમોસમી વરસાદને કારણે ફરી એક વાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જીરાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળવાની ઘણી આશા હોય છે, નુકસાનના ભય છતાં પણ ઘણા ખેડૂતો જીરાની ખેતી સાથે ખેડૂતોની ઘણી ઉમેદો જોડાયેલી હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે તેમની ખેતી પર પાણી ફરી વળવાનીય શક્યતા હોય છે.
આવી સ્થિતિમાં ખેડૂતોએ માવઠાની સમસ્યાથી પોતાના પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું જોઈએ એ સવાલ પણ હાલ પ્રાસંગિક બની જાય છે.
રવી પાકને કમોસમી વરસાદથી કઈ રીતે બચાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
કમોસમી વરસાદથી પાકને બચાવવા માટેનાં સૂચનો જણાવતાં પાટણ જિલ્લાના ખેતી અધિકારી એમ. એસ. પ્રજાપતિ કહે છે કે, “જો ખેડૂતોનું ઉત્પાદન તૈયાર થઈ ગયું હોય તો તેને ખેતરમાંથી કાઢી લઈ સલામત અને સૂકી જગ્યાએ મૂકવું જોઈએ અથવા જો પાક ખેતરમાં જ હોય તો તેને ઢાંકી દેવો જોઈએ.
“જો કોઈ પાક તૈયાર થઈ ગયો હોય તો તેને ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી (એપીએમસી)માં લઈ જવાનું ટાળવું જોઈએ. એપીએમસીમાં પાક ખુલ્લામાં મૂકવામાં આવે છે, તે પલળીને બગડી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય તેઓ નુકસાનથી બચવાની ભલામણ કરતાં કહે છે કે, “ખેડૂતોએ માવઠાના સમય દરમિયાન પાકને પાણી આપવું જોઈએ નહીં. જો પાણી અપાય તો પાકમાં ફૂગ થવાની શક્યતા વધી જાય છે અને તેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના રહે છે.”
ખેતી અધિકારી પ્રજાપતિ ફૂગ જેવા રોકડિયા પાકોને કમોસમી વરસાદના નુકસાન અને ઝાકળથી બચાવવા અંગે સલાહ આપતાં કહે છે કે, “જો ઝાકળ પડે તો જીરા જેવા પાકમાં ફૂગ તરત જ થઈ શકે છે. તેથી જંતુનાશક દવા છાંટી દેવી, જેથી પાકમાં ફૂગથી થતા નુકસાન શક્યતા ઘટી શકે.”
ઉંઝા એપીએમસીના ચૅરમૅન દિનેશભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી તેઓ કહે છે કે, “જ્યાં સુધી જીરુંની વાત છે, આ વર્ષનું તાજું જીરું બજારમાં આવતા હજુ એક મહિનો લાગશે. તેથી આ વખતના કમોસમી વરસાદથી તેને ઝાઝી અસર થાય એવું લાગતું નથી અને તેથી અમે હજુ સુધી જીરું માર્કેટમાં કોઈ ફેરફારની અપેક્ષા રાખતા નથી.”
જોકે, તેઓ કહે છે જીરુંના પાકને નુકસાન થવા માટે સંજોગો અંગે વાત કરતાં કહે છે કે, “અહીં નોંધનીય છે કે ઝાકળ પડવાથી જીરુંને નુકસાન થવાની શક્યતા ખરી.”
સારા રવી પાક માટે કમોસમી વરસાદની જરૂર હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખેતી અધિકારી એમ. એસ. પ્રજાપતિ માવઠું અને રવી પાકના સંબંધને સમજાવતાં કહે છે કે, “માવઠું કેટલાક રવી પાકો માટે ફાયદાકારક હોય છે. માવઠાથી માટીમાં પાણીનો સંગ્રહ ફરીથી થાય છે. એટલે તે માટી માટે તો સારું છે.”
“માવઠાથી ઘઉં અને રાયણ જેવા પાકોને પણ પૂરતું પાણી મળી રહે છે, જેની તેને જરૂર હોય છે. એટલે અમુક પાકો જેને અપૂરતું પાણી મળ્યું હોય તેના માટે તો આ કમોસમી વરસાદ ફાયદારૂપ હોય છે.”
જોકે, તેઓ કેટલાક અપવાદો અંગે જણાવતાં કહે છે કે, “પરંતુ એવા પણ રવી પાક છે, જેને આવા વરસાદની જરૂર હોતી નથી, જેમ કે જીરું. જીરું જેવા પાક માટે માવઠું આપત્તિનું કારણ બની શકે છે.”
જીરાની ખેતી જોખમી હોવા છતાં ખેડૂતો કેમ આકર્ષાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિનેશભાઈ પટેલે બીબીસી સાથે જીરુંના પાકની સંવેદનશીલતા અને હવામાનમાં જુદા જુદા ફેરફારોની વિપરીત અસર અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "જીરુંનો પાક એટલો સંવેદનશીલ હોય છે કે થોડી ગરમીને કારણેય બગડી શકે છે. તેમજ થોડા ભેજથીય પાકમાં ફૂગજન્ય રોગ થઈ શકે છે, જે પાકનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. જીરું વાવતા પહેલાં હવામાનમાં આગામી દિવસોમાં આવતા ફેરફારોને લઈને મોટા ભાગના લોકો અજાણ હોય છે."
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક વૈજ્ઞાનિક એન. આર. પટેલનું કહેવું છે કે તાજેતરમાં હવામાન પરિવર્તનને કારણે જીરુંના ખેડૂતો માટે ઘણો પડકાર ઊભો થયો છે.
તેઓ કહે છે કે, “ગુજરાત અને રાજસ્થાનમાં પાછલાં ત્રણ વર્ષથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફેબ્રુઆરી મહિનામાં માવઠું થાય છે. ફેબ્રુઆરી એ લણણીની મોસમ છે અને અંતિમ મહિનામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આખા પાકને નુકસાન થવાની શક્યતાઓ વધુ હોય છે.”
જોકે, તેમના મતાનુસાર જોખમી હોવા છતાં જીરુંના પાક તરફ હજુય ખેડૂતો આકર્ષાઈ રહ્યા છે.
તેઓ આ વલણનું કારણ આપતાં કહે છે કે, “કારણ કે જો મોસમ બરાબર રહી તો ખેડૂતોને સારા વળતરની અપેક્ષા હોય છે.”
રામરાજપર ગામના 52 વર્ષના રમેશ મનોહરભાઈ પણ આવા જ એક ખેડૂત છે. તેમને ગઈ ઋતુમાં જીરાના સારા ભાવ મળ્યા હતા. એટલે આ વર્ષે ખેડૂતોની આશા વધશે.
નિષ્ણાતોનું માનવું છે કે જે ખેડૂત જમીન પર પહેલી વાર જીરાનું વાવેતર કરે છે, તેમને સારું વળતર મળવાની શક્યતા સૌથી વધારે હોય છે.
આ વર્ષે રવી પાકનું કેવું વાવેતર થયું છે?
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં જીરુંનું વાવેતર વધીને 160% થયું છે. ચાલુ વર્ષે જીરુંનું વાવેતર 5,60,841 હેક્ટરમાં થયું હતું. જ્યારે ગત ત્રણ વર્ષની રાજ્યમાં જીરુંના વાવેતરની સરેરાશ 3,50,666 હેક્ટર હતી.
ગુજરાતમાં ગત ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ વરિયાળીનું વાવેતર વધીને 306% થયું છે. ગત ત્રણ વર્ષની સરેરાશની વાત કરીએ તો એ દરમિયાન વરિયાળીનું સરેરાશ વાવેતર 43,287 હેક્ટર વિસ્તારમાં થયું હતું, જે આ વર્ષે વધીને 1,32,643 હેક્ટર થયું છે.
ગત ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે ધાણાનું વાવેતર ઘટ્યું છે. ચાલુ વર્ષે તે ઘટીને માત્ર 77.72% થયું છે. ચાલુ વર્ષે ધાણાનું વાવેતર ઘટીને 1,26,756 હેક્ટર હતું, જે ગત ત્રણ વર્ષની સરેરાશ મુજબ 2,22,180 હેક્ટર હતું.
જો ઇસબગુલના વાવેતરની વાત કરીએ તો રાજ્યમાં ચાલુ વર્ષે તેના વાવેતરમાં પણ ભારે વધારો થયો છે. ગત ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં 227.51% નું વાવેતર થયુ છે. ચાલુ વર્ષે 29,585 હેક્ટર વિસ્તારમાં ઇસબગુલનું વાવેતર થયું છે.












