'400 વર્ષ પહેલાં આરબથી કચ્છ' પહોંચેલી દેશી ખારેક કેમ છે ખાસ?

"એક ખુશીના સમાચાર કૃષિ જગતને મળ્યા છે. તાજેતરમાં કચ્છી દેશી ખારેકને જીઆઈ ટૅગ મળ્યું છે. એટલે કે જીયોગ્રાફિક ઇન્ડિકેશન મળ્યું છે. ગીરની કેસર કેરી, ભાલ્યા ઘઉં પછી જીઆઈ ટૅગ મેળવનારી કચ્છની દેશી મીઠી ખારેક રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે."
કચ્છની ખારેકને મળેલા જીઆઈ ટૅગિંગ વિશેની ખુશી વ્યક્ત કરી રહેલા કચ્છના નાયબ બાગાયત નિયામક અધિકારી મનદીપ પરસાણીયાના આ શબ્દો છે.
કચ્છની ખારેક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. હાલમાં જ તેને જીઆઈ ટૅગ મળ્યો છે.
કચ્છી ખારેકનો ઇતિહાસ 400થી 500 વર્ષ જૂનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મધ્ય પૂર્વના દેશોમાં હજ માટે જતા યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલા બીજથી આ ખારેક અહીં થવા લાગી.
સૂકાભટ કચ્છમાં આજે 58,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ચીકુ, નાળિયર, જામફળ, જાંબુ, બોર સહિતના પાક લેવાય છે અને ખેડૂતો લાખો રૂપિયાની આવક રળે છે.
કેટલાક ચોક્કસ પાક માટે કચ્છનું સૂકું હવામાન ઘણું માફક આવે છે. જે કોઈ ઝાડમાં થોર એટલે કે કાંટો હોય તે ઝાડ કચ્છમાં ઊગી શકે છે. આ કારણથી જ કચ્છમાં દાડમ, લીંબુ, ખારેક, બીજોરાનો સારો પાક ઉતારી શકાય છે.

જીઆઈ ટૅગ શું છે?

જીઆઈ ટૅગ એટલે કે જીયોગ્રાફિક ઇન્ડિકેશન. જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અનુસાર થતા ખાસ પેદાશને આ ટૅગ આપવામાં આવે છે. ખેતપેદાશ કે ખાદ્યચીજની એક નિશ્ચિત ગુણવત્તા કે પ્રકાર એકમાત્ર વિસ્તારમાં પેદા થતી હોય ત્યારે તે ત્યાંની વિશિષ્ટ ઓળખ બની જાય છે. એટલે કે આઇડેન્ટિટી બની જતી હોય છે.
કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં થતી ખેતી, કુદરતી અથવા તો કુદરતી સંસાધનોની મદદથી થતાં ઉત્પાદનો, હસ્તશિલ્પની વસ્તુઓ, ઔદ્યોગિક વસ્તુઓ, વિશેષ કળા વગેરેના સંબંધિત પ્રદેશ અને વિસ્તારને ધ્યાનમાં રાખીને વિશેષ જીઆઈ ટૅગ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટૅગ થકી જે-તે વસ્તુ અથવા ઉત્પાદન કે કળાને ભૌગોલિક અધિકારો મળે છે. આ ટૅગ ધરાવતી વસ્તુઓનો બીજી જગ્યાએ ઉત્પાદન કે ઉછેર કરવા માટે કાયદેસર મંજૂરી લેવી પડતી હોય છે.

‘400 વર્ષ જૂની પારંપરિક ખેતી’

ઇમેજ સ્રોત, Prashant Gupta
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાગાયત અધિકારી મનદીપ પરસાણીયા અનુસાર, ખારેકનું વાવેતર કચ્છ જિલ્લામાં 19 હજાર હેક્ટર જેટલો વિસ્તાર ધરાવે છે. કચ્છમાં થતો આ પારંપરિક પાક છે. કચ્છના મુંદ્રામાં 400 વર્ષો પહેલાં પણ એની ખેતી થતી એવા સંદર્ભો મળેલા છે.
જીઆઈ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કચ્છમાં ખારેકનો ઇતિહાસ 400થી 500 વર્ષ જૂનો છે. એવું માનવામાં આવે છે કે ભારતના ઉત્તર પશ્ચિમમાં ઉગાડવામાં આવતા ખજૂરનાં ઝાડનાં મૂળિયા મધ્ય પૂર્વમાં હજ માટે જતા યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલા બીજ છુપાયેલાં છે. આ યાત્રિકો વેપાર માટે પણ જતા હતા અને તેઓ કેટલાંક છોડવાઓ સંંબંધિત સામાન લાવતા હતા. એવું પણ શક્ય છે કે કચ્છના રજવાળાઓના મહેલોમાં કામ કરતા આરબ માળીઓ પણ ખજૂરના બી અને છોડવા લાવ્યા હોય."
આ માહિતી સીજીપીટીડી દ્વારા ઑગસ્ટમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડેટ પામ રિસર્ચ સ્ટેશનના રિસર્ચ સાયન્ટિસ્ટ સીએમ મુરલીધરને જણાવ્યું કે, "કચ્છમાં આ ખારેકના 20 લાખ જેટલા છોડ છે જેમાંથી 17 લાખ જેટલાં છોડ દેશી જાતનાં છે."
તેમણે ઇન્ડ્યિન એક્સપ્રેસને જણાવ્યું કે આ કારેક અલગઅલગ રંગ, આકાર અને સ્વાદની હોય છે જેથી આ કચ્છનું આ ફળ અનોખું છે અને એટલા માટે જે જીઆઈ ટૅગ મેળવવા લાયક છે.
જીઆઈ ટૅગ જર્નલ અનુસાર દુનિયામાં કદાચ માત્ર કચ્છ જ છે જ્યાં તાજી ખજૂરનું આર્થિક રીતે પરવડે તેમ વવાય, વેચાય અને વપરાય છે. ભારતમાં ખારેકના વાવેતરમાંથી 85 ટકા કચ્છમાં થાય છે.
બાગાયતી ખેતીમાં કચ્છની પ્રગતિ માટે ખેડૂતોની હિંમત, નવું કરવાની ધગશ અને ટેકનૉલૉજીના ઉપયોગ જવાબદાર ગણવામાં આવે છે.
ખાસ કરીને ટિશ્યૂ કલ્ચરનો ઉપયોગ વધ્યો ત્યારથી કેળાં, ખારેક, લીંબુ વગેરેની ખેતીમાં ભારે વધારો થયો છે.
નિષ્ણાતો જણાવે છે કે શરૂઆતમાં કેટલાક પ્રયોગશીલ ખેડૂતો આ દિશામાં વળ્યા હતા, પરંતુ આર્થિક રીતે સદ્ધર ખેડૂતો જ્યારે પરંપરાગત પાક છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા આથી વાવેતર હેઠળના વિસ્તારમાં ભારે વધારો થયો છે.
ડ્રૅગન ફ્રૂટ વિદેશી ફળ છે અને દાડમમાં મહારાષ્ટ્ર આગળ હતું પરંતુ હવે કચ્છના દાડમ આ બધાને સ્પર્ધા આપી રહ્યાં છે.

ખારેકની ખેતી કરનારાઓને શું લાભ થશે?

ખારેકની ખેતી કરતા કચ્છના મુંદ્રાના ખેડૂત હુસેનભાઈ તુર્ક બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાને જણાવે છે કે, "ખારેક ખજૂર જ છે. ગલ્ફમાં વાતાવરણ અલગ હોવાથી એ ખજૂર બની જાય છે. આપણી ત્યાં દેશી મીઠી ખારેક દેશમાં કોઈ પાસે નથી. મારે ત્યાં સાઉદીના, ઇઝરાયલ, મોરક્કો, જોર્ડન સહિતના વૈજ્ઞાનિનીઓ આવ્યા હતા. તેમણે ખારેક ખાધા બાદ કહ્યું કે, આવી મીઠી ખારેક ક્યાંય નથી ખાધી."
ખારેકને મળેલા જીઆઈ ટૅગિંગથી થનારા ફાયદા વિશે જણાવતા તેઓ ઉમેરે છે કે, "કચ્છની મીઠી ખારેકને જીઆઈ ટૅગ મળતા આખી દુનિયામાં એ પ્રખ્યાત થશે અને ખારેકની ખેતીને પ્રોત્સાહન પણ મળશે."

ખેડૂતો ખારેકની ખેતી તરફ વળવા લાગ્યા...

ઇમેજ સ્રોત, VIVEK DHOLU
બીબીસીએ ખારેકના ખેડૂતએ કરેલા પ્રયોગો અને ખારેકની ખેતીમાં મળી રહેલી સફળતા મામલે ખેડૂતો સાથે વાત કરી હતી.
તેમાંના એક ખેડૂત માંડવી તાલુકાના જનકપુર ગામના યુવાન ખેડૂત વિવેક ધોળુ આ શબ્દોમાં અહીંની બાગાયતી ખેતીનું ચિત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે, "પરંપરાગત રીતે તો અમે કપાસ અને મગફળીનું જ વાવેતર કરતા હતા, પરંતુ ભૂગર્ભજળમાં ટીડીએસનું પ્રમાણ એટલું વધી ગયું કે આ પાક માટે પાણી માફક રહ્યું નહીં."
"જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું તો નિષ્ણાતોએ સલાહ આપી કે તમે ખારેક કે દાડમના પાક તરફ વળો."
"10 વર્ષ અગાઉ અમે જોખમ લીધું. શરૂઆતમાં પાંચ એકરમાં ઇઝરાયલી ટેકનૉલૉજીની મદદથી ખારેક વાવી અને પાંચ વર્ષમાં જ અમને સફળતા મળી ગઈ. આજે અમારા વિસ્તારમાં લગભગ 500 હેક્ટરમાં ખારેકનું વાવેતર હશે."

કચ્છમાં બાગાયતી પાકનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, MAYANK SANGHAVI
બાગાયતી વિભાગના આંકડા પ્રમાણે પાક વર્ષ 2019-20ની વાત કરીએ તો કચ્છમાં લગભગ 58,000 હેક્ટરમાં ફળોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 9,49,115 ટન ફળનો પાક ઊતર્યો હતો. આ ગાળામાં કચ્છમાં 2,35,166 ટન શાકભાજીનું, 80,407 ટન મસાલા અને 1,572 ટન ફૂલનું ઉત્પાદન થયું હતું.
આ સમયગાળામાં કેરીનું વાવેતર 10,475 હેક્ટરમાં થયું અને 64,421 ટન ઉત્પાદન મળ્યું હતું.
1200 હેક્ટરમાં ચીકુનું વાવેતર થયું હતું અને 13,920 ટન પાક ઊતર્યો હતો. ખાટા ફળ 700 હેક્ટરમાં વાવવામાં આવ્યાં હતાં અને 9,035 ટન ઉત્પાદન થયું હતું.
640 હેક્ટરમાં બોરનું વાવેતર અને 6,000 ટન ઉત્પાદન મળ્યું હતું.
2,685 હેક્ટરમાં કેળાના વાવેતર સામે 1,52,777 ટન ઉત્પાદન, 755 હેક્ટરમાં જામફળના વાવેતર પર 12,752 ટન ઉત્પાદન, 18,570 હેક્ટરમાં દાડમના વાવેતર પર 2,94,335 ટન ઉત્પાદન, 18,825 હેક્ટરમાં ખારેકના વાવેતર પર 1,78,461 ટન ઉત્પાદન મળ્યું હતું.
આ ઉપરાંત વર્ષ દરમિયાન કચ્છમાં 2,14,967 ટન પપૈયા, 13,377 ટન નાળિયેર, 57 ટન સીતાફળ, 58 ટન કાજુનો પાક પણ ઊતર્યો હતો.
જ્યારે બિપરજોય વાવાઝોડાએ ખારેકના બગીચામાં વિનાશ વેર્યો...

ઇમેજ સ્રોત, NARAN GADHVI
ગુજરાતમાં ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં બિપરજોય વાવાઝોડાને લીધે કૃષિ-બાગાયતને નુકસાન થયું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં કચ્છના મુન્દ્રામાં આવેલા ઝારપરાના ખેડૂત નારણભાઈએ એ સમયે વાવાઝોડા પછી કહ્યું હતું કે, "મારો 90 ટકા ખારેકનો પાક બિપરજોય વાવાઝોડાના લીધે ખરાબ થઈ ગયો. લગભગ 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. 15 એકરમાં કરેલી ખેતી નષ્ટ થઈ ગઈ."
"1998માં એક વખત આવું નુકસાન કુદરતી આપદાને લીધે થયું હતું. ત્યાર પછી ખેડૂતોએ 25 વર્ષ મહેનત કરીને બગીચા ફરી ઊભા કર્યા હતા. પરંતુ બિપરજોય વાવાઝોડામાં પારાવાર નુકસાન થયું. હું 15 એકરમાં ખારેક પકવું છું. મારી 80 ટકા ખારેક વાવાઝોડામાં પડી ગઈ. બાકી 20 ટકા પાક વરસાદને લીધે ખરાબ થયો. લગભગ 800 ખેડૂતોની પરિસ્થિતિ મારા જેવી જ છે. 1998માં કેશુભાઈ મદદે આવ્યા હતા. હાલ તો વર્તમાન સરકારે સરવે કરાવ્યો છે. અમે વળતરની રાહ જોઈ રહ્યા છીએ."
સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનન્દ રાયે જણાવ્યું હતું કે, "બિપરજોય વાવાઝોડાથી ગુજરાતના કૃષિ અને બાગાયતી પાકના લગભગ 1.33 લાખ હૅક્ટર વિસ્તારને અસર થઈ અને 1212.50 કરોડ રૂપિયાનું અંદાજે નાણાકીય નુકસાન થયું છે.”
કચ્છમાં ખારેકની ખેતી વિશે જણાવતા તેઓ ઉમેરે છે કે, "કચ્છમાં ખારેકની ખેતી મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે. મજૂરોથી લઈને એના પૅકિંગ-વેચાણ-ટ્રાન્સપૉર્ટેશન સહિતના ક્ષેત્રમાં લોકોને રોજગારી મળી રહે છે."
સતત દુષ્કાળોનો ઇતિહાસ ધરાવતું કચ્છ કેમ બદલાયું?
1985-88ના ગાળા દરમિયાન કચ્છમાં સળંગ ત્રણ વર્ષ સુધી ભયાનક દુકાળ પડ્યો હતો. કચ્છ એ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા અને સૌથી વધારે દુષ્કાળનો જોખમ ધરાવતા વિસ્તારો પૈકી એક રહ્યો છે.
ખાસ કરીને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા રહી છે.
જોકે હિંદુ બિઝનેસલાઇનના માર્ચ 2019ના અહેવાલ પ્રમાણે 2001ના ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિકીકરણ વધ્યું, વીજ પુરવઠામાં વધારો થયો તેની સાથે ખેતીમાં વધારો થયો છે. સિંચાઈની સુવિધા વધ્યા પછી લગભગ 20 ટકા વિસ્તાર સિંચાઈ હેઠળ છે જેમાં બાગાયતી પાક લેવામાં આવે છે.
સપ્ટેમ્બર 2019માં ઇન્ડોનેશિયા ખાતે 'વર્લ્ડ ઇરિગેશન કૉન્ફરન્સ'માં ઇન્ટરનેશનલ વૉટર મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રહર્ષ પટેલ દ્વારા એક રિસર્ચ પેપર રજૂ કરાયું હતું જેમાં કચ્છના ખેડૂતો પરંપરાગત પાકના બદલે બાગાયતી ખેતી તરફ શા માટે વળ્યા તેનાં કારણો અપાયાં છે.
તેમાં જણાવાયા પ્રમાણે કચ્છની અડધાથી વધુ જમીન ખારા પાણીમાં ડૂબેલી રહે છે અને પરંતુ 2003 પછીનાં વર્ષોમાં પરંપરાગત સિંચાઈ, માઇક્રો ઇરિગેશનનો ઉપયોગ વધ્યો છે અને લોકો પાણીનો ઓછો વપરાશ કરતા બાગાયતી પાક તરફ વળ્યા છે. કચ્છ સમગ્ર ગુજરાતનો લગભગ 25.25 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ તેનો 53 ટકા વિસ્તાર રણ સમાન છે. માત્ર 20.7 ટકા વિસ્તારમાં ખેતી થઈ શકે છે. કચ્છમાં વરસાદ અનિયમિત હોય છે અને આ રિસર્ચ પેપર અનુસાર વરસાદમાં સામાન્ય કરતાં 45 ટકા સુધી વધઘટ જોવા મળે છે.














