ગુજરાત : 'મારી 90 ટકા ખારેક નષ્ટ થઈ', બિપરજોય વાવાઝોડાથી કેટલા કરોડનું નુકસાન થયું?

ખારેકનું વૃક્ષ

ઇમેજ સ્રોત, NARAN GADHVI

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

“મારો 90 ટકા ખારેકનો પાક બિપરજોય વાવાઝોડાના લીધે ખરાબ થઈ ગયો. લગભગ 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. 15 એકરમાં કરેલી ખેતી નષ્ઠ થઈ ગઈ.”

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝારપરામાં ખારેકની ખેતી કરતા ખેડૂત નારણભાઈ ગઢવી તેમની વ્યથા જણાવતા આ વાત કહે છે.

બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે માછીમારીનો વ્યવસાય કરતા ફિરોઝભાઈ સિદીની પણ આવી જ સ્થિતિ છે.

તેઓ કહે છે, “બિપરજોય વાવાઝોડામાં મને લગભગ 10 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. મારી બોટને નુકસાન થયું છે. હું સાગરખેડુ છું.”

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના લીધે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોનો પાક વાવાઝોડા અને એની અસરોના લીધે નષ્ટ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

વાવાઝોડા પૂર્વની અને એના આવ્યા પછી પ્રવર્તેલી અસરોથી પણ ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કચ્છ અને કાંઠાવિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિપરજોય વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી હતી. વાવાઝોડાને લીધે નુકસાનના પણ અહેવાલ હતા.

હવે કેન્દ્ર સરકારના અંદાજ મુજબ, ગુજરાતમાં કૃષિ અને બગાયતી પાકને લગભગ 1212.50 કરોડનું નુકસાન થયું છે.

ગ્રે લાઇન

નુકસાન વધુ, વળતર ઓછું?

ખારેકનું વૃક્ષ

ઇમેજ સ્રોત, NARAN GADHVI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લીધે થયેલા કૃષિ-બાગાયત નુકસાન વિશે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો.

બીબીસી સાથેની વાતચીતમાં કચ્છના મુન્દ્રામાં આવેલા ઝારપરાના ખેડૂત નારણભાઈ કહે છે, “1998માં એક વખત આવું નુકસાન કુદરતી આપદાને લીધે થયું હતું. ત્યાર પછી ખેડૂતોએ 25 વર્ષ મહેનત કરીને બગીચા ફરી ઊભા કર્યા હતા. પરંતુ બિપરજોય વાવાઝોડામાં પારાવાર નુકસાન થયું. હું 15 એકરમાં ખારેક પકવું છું. મારી 80 ટકા ખારેક વાવાઝોડામાં પડી ગઈ. બાકી 20 ટકા પાક વરસાદને લીધે ખરાબ થયો. લગભગ 800 ખેડૂતોની પરિસ્થિતિ મારા જેવી જ છે. 1998માં કેશુભાઈ મદદે આવ્યા હતા. હાલ તો વર્તમાન સરકારે સરવે કરાવ્યો છે. અમે વળતરની રાહ જોઈ રહ્યા છીએ.”

તેઓ વધુમાં જણાવે છે, “સરકારે રાહતની જાહેરાત કરી છે. જેમાં 1 હેક્ટર દીઠ 1.25 લાખ રૂપિયાની વાત કહે છે. પણ એમાં શરત છે કે પાક 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોવો જોઈએ. વાસ્તવિકતા એવી છે કે, કૃષિ વિભાગ 1 એકરમાં જેટલા પ્રમાણમાં ખારેકનો પાક લેવા કહે છે, એનાથી વધુ પ્રમાણમાં ખેતી કરી હોય, તો તેમણે નિર્ધારિત કરેલા પ્રમાણના આધારે જ વળતર આપે છે. જેમ કે અમે 1 એકરમાં 100 કે 125 વૃક્ષો કર્યાં હોય તો સરકાર એની ગણતરી મુજબ 40-50 વૃક્ષોની મર્યાદા પ્રમાણેનું જ વળતર ચૂકવે છે.”

“વાસ્તવિકતા એવી છે કે નુકસાન વધુ છે અને વળતર ઓછું. પાક નષ્ટ થઈ ગયો એને 1 એકરમાં સાફ કરવા માટેનો ખર્ચો લગભગ 25 હજાર રૂપિયા થાય છે. જુલાઈ મહિનામાં સરવે કર્યો હતો અને કહ્યું હતું કે સરકારને રિપોર્ટ રજૂ કરીશું. ત્યાર પછી કોઈ માહિતી નથી.”

કચ્છમાં ખારેકની ખેતી વિશે જણાવતા તેઓ ઉમેરે છે કે, “કચ્છમાં ખારેકની ખેતી મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે. મજૂરોથી લઈને એના પૅકિંગ-વેચાણ-ટ્રાન્સપૉર્ટેશન સહિતના ક્ષેત્રમાં લોકોને રોજગારી મળી રહે છે. પરંતુ ખેતીને નુકસાન જતા એની અસર આ લોકો પર પણ જોવા મળી છે.”

“સરકારનું વળતર ઊંટના મુખમાં જીરા જેવી વાત છે. એ સાવ નજીવું છે. સરકારે મદદ કરવી જ હોય તો ખારેકના ટિસ્યૂ આપવા જોઈએ. એક ટિસ્યૂ 4 હજારની કિંમતનો આવે છે. અથવા તો લોન કે પછી વીજળીમાં રાહત આપવી જોઈએ. બાગાયતમાં પાક વીમો પણ નથી મળી શકતો. કોરોનાકાળનું નુકસાન વેઠ્યા પછી હવે આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.”

ગ્રે લાઇન

1.33 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત

વાવાઝોડાની અસર

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનન્દ રાયે જણાવ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડાથી ગુજરાતના કૃષિ અને બાગાયતી પાકના લગભગ 1.33 લાખ હૅક્ટર વિસ્તારને અસર થઈ અને 1212.50 કરોડ રૂપિયાનું અંદાજે નાણાકીય નુકસાન થયું છે.”

કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નના જવાબમાં લેખિત જણાવ્યું કે, “ગુજરાત સરકાર તરફથી પ્રાપ્ત થયેલા મેમોરેન્ડમ અનુસાર બિપરજોય વાવાઝોડાથી 1.33 લાખ હૅક્ટર વિસ્તારને અસર થઈ હતી અને કૃષિ તથા બાગાયતી પાકનું 1212.50 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.”

નિત્યાનન્દ રાયે વધુમાં કહ્યું, “નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પૉલિસી મુજબ આપદા સંબંધિત પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની હોય છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. નિર્ધારિત પ્રક્રિયા અનુસાર વધારાની સહાય જો જરૂર હોય તો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મારફતે એ આપવામાં આવે છે. એના માટે કેન્દ્ર સરકારની કેન્દ્રીય ટીમ સ્થળની મુલાકાત લઈને મૂલ્યાંકન કરતી હોય છે.”

“વાવાઝોડા સહિતની નોટિફાઇડ થયેલી તમામ આપદાઓ માટે એસડીઆરફમાં ફાળવણી કરાયેલી છે. અસરગ્રસ્ત ખેડૂતોને જરૂરી સહાય આપવી રાજ્ય સરકારની જવાબદારી છે અને ભારત સરકારે આ માટેની વ્યવસ્થા બનાવેલી જ છે. ખેડૂતોની અપાતી આ સહાયનો ડેટા કેન્દ્ર સરકાર નથી રાખતી, કેમ કે રાજ્ય સરકાર તેની રીતે કામગીરી કરતી હોય છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે એસડીઆરએફ દ્વારા ગુજરાતને 1140 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આ વિશે તેમણે કહ્યું, “ગુજરાતમાં બિપરજોયથી અસરગ્રસ્ત બનેલા લોકોની મદદ માટે કેન્દ્ર સરકારે કેન્દ્રના ભાગમાંથી એસડીઆરએફમાંથી ગુજરાતને 1140 કરોડ રૂપિયા ફાળવી આપ્યા હતા.”

તદુપરાંત નિત્યાનન્દ રાયે ગૃહને જણાવ્યું કે 1લી એપ્રિલ – 2023ના રોજ ગુજરાત સરકારના એસડીઆરએફ ખાતામાં 1159.60 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે.

આ વિશે તેમણે ઉમેર્યું, “સ્ટેટ એકાઉન્ટ જનરલના રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર પાસે 1લી એપ્રિલ 2023ના રોજ એસડીઆરએફમાં 1159.60 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. વર્ષ 2023-24 દરમિયાન વાવાઝોડા સહિતની કુદરતી આપદાઓ જે નોટિફાઇડ થયેલી છે તેના માટે જરૂરી રાહત પગલાના વ્યવસ્થાપન માટે આ રકમ ઉપલબ્ધ છે.”

ગ્રે લાઇન

સાગરખેડુને થયેલું નુકસાન

બોટની તસવીર

ઇમેજ સ્રોત, FIROZ SIDI

બિપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારનાં બંદરો પર માઠી અસર પહોંચાડી હતી.

ઓખા બંદરના સાગરખેડુ ફિરોઝ સિદી બીબીસીને જણાવે છે કે, “દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે વાવાઝોડાના લીધે અસર જોવા મળી હતી. ઓખા, રૂપણ સહિતનાં બંદરો પર નુકસાન થયું હતું. 1 જૂનથી 31 જુલાઈ સુધી સિઝન બંધ હતી અને 1લી ઑગસ્ટથી એ શરૂ થવાની હતી પરંતુ શરૂ નથી થઈ. બોટને નુકસાન થયાં છે.”

“પાર્કિંગ કરવાની પૂરતી જગ્યા નથી. હજુ સુધી સિઝન ચાલુ નથી થઈ પણ માણસો આવી ગયા છે એટલે દરરોજના ખર્ચાની વ્યવસ્થા તો કરવી જ પડે છે. બીજી બાજુ દરિયો ખેડવાની મંજૂરી હજુ આવી નથી. દરરોજ બરફ અને ઇંધણ વેડફાય છે. પાણીના લીધે બોટ અથડાયા કરે છે.”

બોટની તસવીર

ઇમેજ સ્રોત, FIROZ SIDI

આર્થિક નુકસાન વિશે જણાવતા તેઓ કહે છે, “મારે 4 બોટ છે. હજુ સુધી સરવે નથી થયો. એક બોટ દીઠ સરકાર 8 હજારના વળતરની વાત કરે છે. મારે એની સામે લગભગ 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એક મોટી બોટ 30-40 લાખ રૂપિયાની આવે છે અને એને તૈયાર કરવાનો ખર્ચ ઉમેરીએ તો 52-55 લાખમાં એ તૈયાર થાય છે.”

“જ્યારે નાની બોટ 7-8 લાખમાં તૈયાર થાય છે. એની સામે 8 હજાર રૂપિયાની સહાયમાં શું થાય? ઓખા બંદરની બોટનું નુકસાન 100-150 કરોડ રૂપિયા જેટલું હોઈ શકે છે. માછીમારીની પ્રવૃત્તિ બંધ થવાથી થયેલું નુકસાન પણ ધ્યાને લઈ શકાય.”

તેઓ વધુમાં કહે છે કે “સરવે કરવાની વાત સરકાર કરે છે. પરંતુ માત્ર 15 દિવસમાં 4 હજાર બોટનો સરવે થવાનો છે. આટલું મોટું કામ આટલા સમયમાં કઈ રીતે થઈ શકશે?”

ગ્રે લાઇન

નુકસાનનું આકલન

સ્ક્રિનશોટ

દેશમાં વાવાઝોડા સહિતની કુદરતી આપદાના વ્યવસ્થાપન મામલે તેમણે કહ્યું, “કેન્દ્ર સરકાર એસડીઆરએફ દ્વારા રાજ્યોને ઉપલબ્ધ કરાવી દેતી હોય છે. તેથી વધુમાં જો રાજ્ય સરકાર માગ કરે તો તેને ધ્યાને લેવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર ટીમ પણ મોકલે છે અને મૂલ્યાંકન પણ કરે છે.”

“ગુજરાતમાં બિપરજોય આવ્યું હતું. એ સતત દિશાઓ બદલી રહ્યું હતું. પરંતુ એમાં એક પણ મોત ન થયું. આઈએમડીની આગાહી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી.”

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16મી જૂને બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે કેન્દ્ર સરકારની બે ટીમ ચાર દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ કેન્દ્રીય ટીમ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનો અંદાજ મેળવશે.

7 સભ્યોની ટીમ 1લી ઑગસ્ટથી 4થી ઑગસ્ટ દરમિયાન ગુજરાતના પ્રભાવિત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત લઈને નુકસાનનો અંદાજ બાંધશે.

રાજ્યમાં વાવાઝોડાને લીધે મુખ્યત્વે રોડ-રસ્તા, વીજઉપકરણો, કૃષિ પાક, બાગાયત પાક, મકાનો, વૃક્ષો, બંદરો વિગેરેને નુકસાન થયું હતું.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે રાજ્ય સરકારે કૅશ ડોલ્સ ચૂકવવાની જાહેરાત કરી હતી. જેમાં બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કૅશ ડોલ્સ ચૂકવવાની વાત હતી. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કૅશ ડોલ્સ ચૂકવવાની વાત હતી. રાજ્ય સરકારે 5 દિવસની કૅશ ડૉલ્સ ચૂકવવાની વાત કહી હતી.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, કપડાં અને ઘરવખરીના નુકસાન માટે સરકારે 7000 રૂપિયા, સંપૂર્ણ નાશ થયેલાં કાચાં મકાનો માટે 1,20,000ની સહાય, આંશિક નુકસાન માટે 15000 તથા આંશિક નુકસાન પામેલાં કાચાં મકાનો માટે 10 હજાર રૂપિયાની વાત હતી. સંપૂર્ણ નાશ પામેલ ઝૂંપડાં માટે 10 હજાર અને ઘર સાથેના શેડના નુકસાન માટે 5 હજાર રૂપિયાની સહાય. તમામ સહાયમાં એસડીઆરએફ ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી વધારાવાની રકમ આપવાની હતી.

દરમિયાન સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર કેન્દ્રીય ટીમ સમક્ષ રાજ્ય સરકારે 1797.82 કરોડ રૂપિયાના નુકસાનની રજૂઆત કરી છે.

વાવાઝોડા બાદ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડાના લીધે કોઈ જાનહાની નથી થઈ અને 47 લોકો ઘાયલ થયા હતા જ્યારે 234 પશુઓ પણ માર્યા ગયા હતા.”

રેડ લાઇન
રેડ લાઇન