એ ખતરનાક વાવાઝોડું જેણે ત્રણ દેશોમાં વેર્યો વિનાશ, સ્કૂલો, ફ્લાઇટ્સ બંધ, લોકોને ખસેડાયા

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષનું બીજું સૌથી મજબૂત વાવાઝોડું એક સાથે ત્રણ દેશોમાં તબાહી મચાવી ગયું છે. ડૉકસૂરી નામનું આ વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં સર્જાયું હતું.

હાલ આ વાવાઝોડના કારણે ત્રણ દેશને અસર થઈ છે અને અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

હજારો લોકોના ઘરમાં વીજળી નથી, હજારો લોકોને પોતાનાં ઘરો છોડીને બીજે આશરો લેવો પડ્યો છે.

પ્રશાંત મહાસાગરમાં આગળ વધી રહેલા આ વાવાઝોડાની પવનની ગતિ 195 કિમી પ્રતિકલાકની આસપાસ છે. આ વાવાઝોડાએ ફિલિપાઇન્સ, તાઇવાન અને ચીન એમ ત્રણ દેશોમાં વિનાશ વેર્યો છે.

સૌથી પહેલાં આ વાવાઝોડું ફિલિપાઇન્સમાં ત્રાટક્યું હતું, ત્યાંથી આગળ વધીને તેણે તાઇવાનમાં અસર કરી હતી અને ત્યારબાદ તે સીધું જ ચીનના દરિયાકિનારા પર ત્રાટક્યું હતું.

ગ્રે લાઇન

આ વાવાઝોડું આ વર્ષનું ખતરનાક વાવાઝોડું કેમ હતું?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રશાંત મહાસાગરમાં હાલ વાવાઝોડાની સિઝન ચાલી રહી છે અને એક બાદ એક વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ચીન પર તાલીમ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું.

તાલીમ વાવાઝોડાની અસર પણ વિયેતનામ, ચીન અને હૉંગકૉંગ પર થઈ હતી અને ચીનમાં તેનાથી ભારે નુકસાન થયું હતું.

ડૉકસૂરી નામનું આ વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં સર્જાયું અને જે બાદ તે આગળ વધ્યું અને વધારે મજબૂત બની ગયું. એક સમયે દરિયામાં તેના પવનની ગતિ લગભગ 240 કિમી પ્રતિકલાકની આસપાસ પહોંચી ગઈ હતી.

વાવાઝોડું સૌપ્રથમ ફિલિપાઇન્સ પર ત્રાટક્યું હતું, જે બાદ તેની તાકાતમાં ઘટાડો થયો હતો અને તે નબળું પડ્યું. જોકે, ફરી દરિયામાં આગળ વધતા તેને એનર્જી મળતી રહી જેથી તે વિખેરાયું નહીં.

આ વાવાઝોડું તાઇવાન પર સીધું જ ત્રાટક્યું નથી પરંતુ તેનો કેટલોક ભાગ તાઇવાન પરથી પસાર થવાને કારણે અહીં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ પેદા થઈ હતી.

ત્યારબાદ આ વાવાઝોડું ચીન પર ત્રાટક્યું હતું અને ત્યાં પણ ભારે નુકસાન કર્યું હતું. આ વાવાઝોડાને કૅટેગરી 4 માં મૂકવામાં આવ્યું હતું અને તે સુપર ટાઇફૂન બની ગયું હતું.

ગ્રે લાઇન

વાવાઝોડાએ કેવો વિનાશ વેર્યો?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ડૉકસૂરી વાવાઝોડાને લીધે કાંઠા વિસ્તારમાં સ્કૂલો અને બિઝનેસ બંધ કરી દેવાયાં હતાં. ઘણા વિસ્તારોમાં અંધારપટ થઈ ગયો હતો. ફિલિપાઇન્સમાં વાવાઝોડાના લીધે 5 લોકોનાંં મોત થયાં હોવાનું ડિઝાસ્ટર એજન્સીએ જણાવ્યું હતું.

ફિજિયાનના કાંઠા વિસ્તારના શહેરોમાં ફૅક્ટરીઓ બંધ કરવામાં આવી હતી. પૂર નિયંત્રણ ઑથોરિટીએ પણ ગંભીર અસરોની ચેતવણી આપી છે.

ચીનના સરકારી મીડિયા અનુસાર ગાજવીજ સાથેના ભારે વરસાદથી વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે.

બેઇજિંગે ઇમર્જન્સી પગલાં લીધાં છે. સિચુઆન, યુનાન સહિતના પ્રાંતોમાં પૂર નિયંત્રણ પગલાં લીધાં છે.

ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લૂઝો, સિચૂઆન પ્રાંતોમાં પૂરના પાણીમાં કાર અને ટ્રક સહિતનાં વાહનો તણાઈ ગયાં હતાં.

દરમિયાન તાઇવાને ગુરુવારે સ્કૂલ, ઑફિસો બંધ કરાવી દીધાં અને ઘણી ફ્લાઇટોનાં ઑપરેશન રદ કર્યાં હતાં. પૂરના લીધે ભેખડો ધસી પડવાની ચેતવણી આપવામાં આવી છે.

5700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 50 હજારથી વધુ ઘરોમાં વીજળી નથી.

રેડ લાઇન
રેડ લાઇન