પૃથ્વીના પેટાળમાં શું સંતાયેલું છે? જો આપણે ત્યાં પહોંચીએ તો શું જોવા મળે?

ભૂસ્તરશાસ્ત્રના જાણીતા જર્મન પ્રોફેસર ઓટ્ટો લિડેનબ્રોકને સોળમી સદીના સંશોધક સાઇફરની હસ્તપ્રત મળી હોવાનું વિશ્વને લગભગ 160 વર્ષ પહેલાં જાણવા મળ્યું હતું.
પોતાના ભત્રીજા એક્સેલ સાથે મળીને પ્રોફેસર લિડેનબ્રોકે તે પ્રાચીન દસ્તાવેજનું ગૂઢ રહસ્ય જાણ્યું હતું. તેમણે શોધી કાઢ્યું હતું કે તેમાં પૃથ્વીના મૂળ તરફ દોરી જતી કેટલીક અંધારી ગુફાઓના ગુપ્ત પ્રવેશદ્વારની વાત કરવામાં આવી છે.
કાકા અને ભત્રીજાએ વિજ્ઞાનના નામે આઇસલૅન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યાં પહોંચીને સ્થાનિક માર્ગદર્શક હંસ જેલ્કેની સાથે ગ્રહના ઊંડાણમાં પ્રવાસ શરૂ કર્યો હતો.
એ અભિયાન નિષ્ક્રિય થઈ ગયેલા જ્વાળામુખીમાંથી સૂર્યપ્રકાશ-રહિત સમુદ્રમાં પહોંચ્યું હતું.
જ્યાં એ ત્રણેય સાહસિકોએ ચમકતા ખડકો, એન્ટિલ્યુવિયન જંગલો તથા વિચિત્ર દરિયાઈ જીવનની ભૂગર્ભ દુનિયામાં પ્રવેશ કર્યો.
તે જીવંત ભૂતકાળમાં માનવ અસ્તિત્વની ઉત્પત્તિનાં રહસ્ય સંઘરાયેલાં હતાં.
વિજ્ઞાનકથાઓના ચાહકો જાણતા હશે કે આ વાર્તા ફ્રેન્ચ લેખક જુલે વર્નની કલ્પનાની નીપજ છે. જુલે વર્ને ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’માં આપણા પગ નીચે શું છે, તે વિશેના સમયના સિદ્ધાંતોની તપાસ કરી હતી.
આપણે ધરતીના પેટાળમાં 6,371 કિલોમિટર નીચે જઈએ તો શું મળશે, તે બાબતે આજે વિજ્ઞાનીઓ શું જાણે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે જાણવા માટે, ચાલો પૃથ્વીના કેન્દ્ર તરફની આપણી પોતાની સફર શરૂ કરીએ.

જમીનમાંના દર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આપણું વિશ્વ ડુંગળીની માફક વિવિધ પડનું બનેલું છે અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી પૃથ્વીના પ્રથમ સ્તર(ક્રસ્ટ)માં જ જીવનનું અસ્તિત્વ છે. તેમાં છછુંદર અને બેઝર જેવા પ્રાણીઓનાં દર જોવા મળે છે. સૌથી ઊંડા દર નાઇલ મગર દ્વારા બનાવવામાં આવે છે અને તે 12 મીટર ઊંડાઈ સુધી હોય છે.
આ ક્રસ્ટ તુર્કીના એલેન્ગુબુ જેવા પ્રાચીન ભૂગર્ભ શહેરોનું ઘર પણ છે. એ શહેર આજે ડેરિંક્યુ નામે ઓળખાય છે અને તે પૃથ્વીની સપાટીથી 85થી વધુ મીટર નીચે આવેલું છે. ટનલના 18 લેવલના વિશાળ માળખામાં 20,000 લોકો રહી શકે છે.
આ શહેરનું નિર્માણ આશરે 370 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હોવાનું અને તેનો હજારો વર્ષોથી સતત ઉપયોગ થતો હોવાનું માનવામાં આવે છે.
વિશ્વની સૌથી ઊંડી ખાણોની ઊંડાઈ લગભગ ચાર કિલોમિટરની છે.
દક્ષિણ આફ્રિકાના સોનાના ખાણિયાઓને બે કિલોમિટર ઊંડેથી કીડા મળ્યા હતા, પરંતુ ત્રણ કિલોમીટરના ઊંડાણ પહેલાં જીવન થંભી જાય છે.
એ પછી રશિયન પ્રદેશમાં ઊંડુ કાણું પાડવામાં આવ્યું હતું. તે હતો કોલા સુપર-ડીપ વેલ. કેટલાક તેને નરકનું પ્રવેશદ્વાર કહે છે અને સ્થાનિકોનો દાવો છે કે ત્યાં ત્રસ્ત આત્માઓની ચીસો સાંભળવા મળે છે.

ધરતીની નીચે કૅલિડોસ્કૉપ જેવી દુનિયા જ્યાં છે એક ચમકતો દરિયો

30થી 50 કિલોમિટરની ઊંડાઈ વચ્ચે આગલા સ્તરે પહોંચાય છે. તે છે મેન્ટલ એટલે કે આવરણ. તે આપણા ગ્રહનો સૌથી મોટો પ્રદેશ છે. એનું કદ તેના કુલ જથ્થાના આશરે 85 ટકા અને સમગ્ર પિંડના આશરે 65 ટકા જેટલું છે.
તે ગરમ ખડકોનું બનેલું છે, જે આપણને નક્કર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે બહુ ધીરે ધીરે વહેતું રહે છે. દર વર્ષે માત્ર થોડા સેન્ટિમિટરની ગતિએ વહેતું રહે છે. નીચેના ભાગમાં થતા આ નાજુક ફેરફાર ધરતીકંપનું કારણ બની શકે છે.
ત્યાં એક ચમકતો દરિયો પણ છે. તે એટલો વિશાળ છે કે તેમાં પૃથ્વી પરના તમામ મહાસાગરો જેટલું પાણી છે. અલબત, તેમાં પ્રવાહીનું એકેય ટીપું નથી.
તે મિનરલ ઓલિવિનમાં ફસાયેલા પાણીથી બનેલો દરિયો છે, જે ઉપરના મેન્ટલનો 50 ટકાથી વધારે હિસ્સો છે. ઊંડા સ્તરે તે ઇન્ડિગો બ્લૂ રિંગવુડાઈટ સ્ફટિકોમાં પરિવર્તિત થાય છે.
વધુને વધુ ઊંડે ઊતરવાથી દબાણ વધે છે. તેનો અર્થ એ થાય કે અણુઓ વિકૃતિ પામે છે અને સૌથી વધુ પરિચિત સામગ્રી પણ વિચિત્ર રીતે વર્તે છે. તે ચારે તરફ ફેલાયેલાં સ્ફટિકોના કૅલિડોસ્કૉપ જેવું સ્થળ છે.

લીલાથી વાદળી અને વાદળીથી ભૂરા એમ તેના રંગમાં પરિવર્તન થતું રહે છે. તે એક એવી દુનિયા છે, જેમાં ખડક પ્લાસ્ટિકની જેમ ટીપીને આકાર આપી શકાય તેવા બની જાય છે અને ખનીજો એટલાં દુર્લભ છે કે ગ્રહની સપાટી પર તેનું અસ્તિત્વ જ જોવા મળતું નથી.
તે બ્રિજમેનાઈટ અને ડેવમાઓઈટ છે. ગ્રહની આંતરિક ભાગના વિકાસ માટે જરૂરી અતિ-ઉચ્ચ દબાણ અનિવાર્ય છે. તેને પૃથ્વી પર લાવવામાં આવે તો તે તૂટી જાય.
એ પછી 2,900 કિલોમિટરની ઊંડાઈએ આ આવરણનું તળિયું આવે છે.
ઉપરની તસવીરમાં તમને બે આકારહીન ગુલાબી સમૂહ દેખાય છે? તે સંખ્યાબંધ માળખાં છે, જે હજારો કિલોમિટર પહોળાં છે અને તેમનું કદ સમગ્ર પૃથ્વીના છ ટકા જેટલું છે.
તેને લાર્જ લો શીયર રેટ પ્રોવિન્સ (એલએલએસવીપી) તરીકે ઓળખવામાં આવે છે. એ પૈકીનું ટુઝો આફ્રિકા હેઠળ આવેલું છે અને જેસન પેસિફિક મહાસાગર હેઠળ આવેલું છે.
તેની ઊંડાઈનો અંદાજ અલગ-અલગ છે, પરંતુ ટુઝો 800 કિલોમિટર ઊંડું હોવાનું માનવામાં આવે છે, જે એકમેકની ઉપર લગભગ 90 એવરેસ્ટ ગોઠવીએ તેટલું છે. જેસનની ઊંડાઈ 1,800 કિલોમિટર એટલે કે લગભગ 203 એવરેસ્ટ જેટલી હોવાનું માનવામાં આવે છે.
તેમના જંગી કદ સિવાય તેઓ કેવી રીતે બન્યાં છે, શેનાં બનેલાં છે અને તે આપણા ગ્રહને કેવી રીતે અસર કરી શકે છે એ સહિતનું બધું લગભગ અજ્ઞાત છે. તેમનો બેડોળ આકાર પૃથ્વીની આઉટર કોરને વળગી રહ્યો હોય એવું લાગે છે.

ક્રિસ્ટલ હાર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
જુલે વર્નની ક્લાસિક નવલકથામાં પ્રોફેસર લિડેનબ્રોક પ્રાગૈતિહાસિક જીવો અને ભૂગર્ભ સમુદ્રથી ભરપૂર અલગ જ વિશ્વનો સામનો કરે છે.
ડાયનાસોરની વાતમાં થોડી અતિશયોક્તિ હશે, પરંતુ અહીં પ્રવાહી ધાતુનો ધગધગતો સમુદ્ર વહેતો હોય છે, જેમાં ધીમી ગતિના કરન્ટ્સ સાથે પ્રવાહી ધાતુના તોફાનો તથા ચક્રવાત હોય છે.
તેનાથી એક ચુંબકીય ક્ષેત્ર સર્જાય છે, જેના વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. મૅગ્નેટોસ્ફિયર મોટાભાગના સૌર કિરણોત્સર્ગ અને કણોના પ્રવાહ સામે રક્ષણ આપે છે. એવું ન બને તો વાતાવરણનો નાશ થાય.
આખરે છેલ્લું સ્તર આવે છે. તે ઇનર કોર તરીકે ઓળખાય છે. તે પૃથ્વી પરના ગૂઢતમ રહસ્યો પૈકીનું એક છે. તે સૂર્યની સપાટી જેટલો ગરમ અને ચંદ્ર કરતાં થોડો નાનો નક્કર આયર્ન અને નિકલનો અત્યંત સજ્જડ ગોળો છે.
દબાણ એટલું તીવ્ર હોય છે કે ધાતુઓ સ્ફટિકમય થઈ જાય છે અને તે આપણા ગ્રહના કેન્દ્રમાં ઘન ગોળા બનાવે છે.
વાસ્તવમાં તે એક એવી જગ્યા છે, જ્યાં માણસ કદાચ ક્યારેય પહોંચી શકશે નહીં. ત્યાંનું વાતાવરણ એટલું કઠોર છે કે એકેય તપાસ યાન તેનો સામનો કરી શકશે નહીં.
ધાતુના સમુદ્રમાં રહેલું સ્ફટિક વિશ્વ એક કોયડો છે અને તે કદાચ કોયડો જ રહેશે, પરંતુ વિજ્ઞાનીઓ તેનો સપાટી પરથી અભ્યાસ કરી રહ્યા છે.
કેટલીક વખત એવું લાગે છે કે જેટલી વધારે શોધ થાય છે, તેટલું જ ઓછું સમજાય છે. અલબત, વિજ્ઞાન અને કલ્પનાની કોઈ મર્યાદા હોતી નથી.














