બિપરજોય : 'એક તરફ વાવાઝોડું ફૂંકાતું, બીજી તરફ ડિલિવરી ચાલતી'

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા, દ્વારકાથી
"અમે ઓખાથી ફૂંકાતા પવન વચ્ચે અમારી દીકરીને ડિલિવરી માટે લઈને દ્વારકા આવ્યાં હતાં. દુખાવો ઊપડ્યો અને અમે 108ને ફોન કર્યો અને ઍમ્બ્યુલન્સ તરત આવી ગઈ. અમને ચિંતા હતી કે શું થશે. 108 માંડમાંડ ચાલતી હતી, અમને ચિંતા હતી કે અધવચ્ચે ન રહીએ તો સારું."
દ્વારકાની સરકારી હૉસ્પિટલમાં મયૂરીબહેનનાં માતા આ વાત કરી રહ્યાં છે.
દ્વારકાની સરકારી હૉસ્પિટલમાં ઓખાથી આવેલાં મયૂરીબહેને ગઈ કાલે (15 જૂન) બાળકીને જન્મ આપ્યો છે.
મયૂરીબહેનની સિઝેરિયન ડિલિવરી કરાઈ છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સાડા છ વાગ્યા આસપાસ ત્રાટક્યું હતું એ દરમિયાન તેઓ ઓખાથી દ્વારકા આવવા નીકળ્યાં હતાં.
મયૂરીબહેનના ભાઈ યશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વાવાઝોડું પણ આવતું હતું અને અમને ચિંતા પણ હતી. અમે એને (મયૂરીબહેન) બહાર કશું નથી એવું કહીને લાવ્યા હતા. પછી ખબર પડી કે ભયંકર વાવાઝોડું ફૂંકાતું હતું. એ બેભાન થઈ ગઈ હતી. 108 પણ હાલકડોલક થઈ હતી. જોકે અમે હેમખેમ પહોંચી ગયા અને સફળ ડિલિવરી થઈ."
હૉસ્પિટલનાં નર્સ બિંદુએ કહ્યું કે "મયૂરીબહેન આવ્યાં ત્યારે તેઓ બહુ ગભરાયેલાં હતાં કે શું થશે. સિઝેરિયન ડિલિવરી થઈ છે. બંનેની તબિયત સારી છે. જે મહિલાને નવમો મહિનો ચાલતો હોય એમને હૉસ્પિટલ લાવી દીધાં હતાં. હૉસ્પિટલમાં એના માટે બધી વ્યવસ્થા કરવામાં આવી હતી."

'એક બાજુ વાવાઝોડું, બીજી બાજુ ડિલિવરી ચાલતી'

દ્વારકાની સરકારી હૉસ્પિટલના અધીક્ષક ડૉ. વિપુલ ચંદારાણાએ કહ્યું કે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અમે હૉસ્પિટલમાં બધી વ્યવસ્થા કરી રાખી હતી.
"અમારી પાસે કુલ 15 તબીબોની ટીમ હાજર છે અને બધા ઓન ડ્યૂટી છે. છેલ્લા બે દિવસમાં 23થી 24 ડિલિવરી અમારે ત્યાં થઈ છે. હાલમાં ચારથી પાંચ બહેનો સારવાર માટે દાખલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દ્વારકાની સરકારી હૉસ્પિટલમાં સીતાબહેને પણ વાવાઝોડાના દિવસ એટલે કે 15 જૂને બાળકને જન્મ આપ્યો છે.
સીતાબહેનનાં સાસુએ બીબીસીને જણાવ્યું હતું કે ડૉક્ટરે અમને વહેલા આવવાનું કહ્યું હતું અને એટલે છ દિવસ પહેલાં આવી ગયાં હતાં.
"અમને અહીં સારી સગવડ મળી છે. એક બાજુ વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું અને એક બાજુ ડિલિવરી ચાલી રહી હતી. પણ બધું સારી રીતે પાર પડ્યું છે."

બિપરજોય વાવાઝોડા વચ્ચે પ્રસૂતિ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી પૂર્વતૈયારીના ભાગરૂપે વાવાઝોડા પહેલાં જ 1171 પૈકી 1152 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. આ પૈકી 707ની પ્રસૂતિ પણ વાવાઝોડા વખતે થઈ હતી.
તંત્રનું કહેવું છે કે આ અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 ઍમ્બ્યુલન્સને સ્ટૅન્ડબાય રાખવામાં આવી હતી.
707 પૈકી 348 પ્રસૂતિ કચ્છમાં થઈ હતી, જ્યારે રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મહાનગરપાલિકામાં 8, જામનગર મહાનગરપાલિકામાં 4 અને મોરબી જિલ્લામાં 1 પ્રસૂતિ થઈ હતી.
વાવાઝોડાની આરોગ્ય સેવા પર અસર ન થાય એ માટે હૉસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, 100 % ડીઝલ સંચાલિત કુલ- 197 આધુનિક જનરેટર સેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વાવાઝોડાની ભયાનકતાને જોતા કચ્છ જિલ્લામાં 10, દેવભૂમિ દ્વારકામાં 5 અને મોરબીમાં 2 એમ કુલ 17 વધારાની 108 ઍમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડું 15 જૂને મોડી સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ વાવાઝોડા દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો.
વાવાઝોડાને કારણે જનજીવનને પણ અસર પહોંચી હતી. ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ભરાઈ ગયાં. નાનું મોટું નુકસાન પણ થયું છે.















