જ્યારે રાજાના ત્રાસથી પ્રજાને બચાવવા 72 'જખ્ખૌ' આવ્યાં - બિપરજોયમાં સૌથી વધુ અસર પામેલા જખૌ બંદરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વેરી સિવિયર સાયક્લોન બિપરજોય ગુજરાતને ધમરોળવા ત્રાટકી ચૂક્યું, ત્યારે તે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચી બંદરની વચ્ચે લૅન્ડફોલ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી, જે સાચી પણ ઠરી છે.
હાલમાં આ નામ વાવાઝોડાને પગલે લોકોનાં મોઢે ચડ્યું છે. ત્યારે આ બંદર અને તેની સાથે સંકળાયેલા ઇતિહાસ અંગે કુતૂહલ સર્જાય એ સ્વાભાવિક બાબત છે.
કચ્છનાં જ કંડલા કે મુન્દ્રા બંદરની જેમ જખૌ એ કોઈ બારમાસી બંદર નથી, પરંતુ માછીમારી અને માલસામાનની હેરફેર માટે તેનો સિઝનલ ઉપયોગ થઈ શકે છે અને ત્યાંથી નાનાં અને દેશી જહાજોમાં માલની હેરફેર થઈ શકે છે.
જોકે, તે વર્તમાનની વાત છે. એક સમયે જખૌ બંદરથી દેશદેશાવરમાં વેપાર થતો.
આ વિસ્તારના નામ સાથે પણ ચમત્કારની વાત જોડાયેલી છે. જ્યારે રાજાના કેરથી પ્રજાને બચાવવા માટે જખ્ખબૌંતેરા આવ્યાં હતાં.

રાજા, પ્રજા અને યક્ષ

ઇમેજ સ્રોત, Jakhdada Manir/FB
કહેવાય છે કે, આઠમી સદીમાં આ વિસ્તારમાં લાખા ફુલાણીનો ભત્રીજો જામ પુંવર રાજ કરતો હતો. તેણે પુંવર્ણોગઢની સ્થાપના કરી હતી. એ પછી તેણે નગરના સ્થપતિના હાથ કપાવી નાખ્યા હતા, જેથી કરીને તેઓ ફરી આવું સર્જન ન કરી શકે.
એ અરસામાં રુમશામથી સપ્તર્ષિ આવ્યા. જે આજના સમયનું તુર્કી અને સીરિયા હોવાનું માનવામાં આવે છે. તેઓ પુંવર્ણોગઢ પાસે એક ડુંગર ઉપર રહેતા અને લોકોનાં દુખદર્દ દૂર કરતા.
જામ પુંવરને શેર માટીની ખોટ હતી. રુમશામના સપ્તર્ષિની ખ્યાતિ સાંભળી નિઃસંતાન રાણીએ મહેલથી ડુંગર સુધીની સુરંગ ખોદાવી. તેઓ ત્યાં નિયમિત રીતે જતાં. લગભગ છ મહિના પછી તેમણે સપ્તર્ષિ પાસે સંતાનની માગણી કરી. પરંતુ સપ્તર્ષિએ પતિનાં કુકર્મોને દૂર કરવા માટે મહેલમાં કુરબાની આપવાની જરૂર વ્યક્ત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાણી તેમને લઈને ગુપ્ત રસ્તે મહેલ સુધી આવ્યા. આ વાતની જાણ જામ પુંવરને થઈ. જનાનખાનામાં પરપરુષના પ્રવેશથી તેઓ ગિન્નાયા અને સપ્તર્ષિને બંદી બનાવ્યા અને તેમના ઉપર અત્યાચાર કર્યા.
જ્યારે સંઘાર સમુદાયે સપ્તર્ષિ પર અત્યાચાર ન કરવા માટે જામને વિનંતી કરી, ત્યારે તેણે સંઘારો પર પણ અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું.
સપ્તર્ષિ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર નાઈએ એક ઋષિને પોતાનાં કપડાં આપ્યાં અને બહાર નીકળવામાં મદદ કરી. આ ઋષિએ ડુંગર પર જઈને મદદ માટે આહ્વાન કર્યું. તેમની મદદ માટે 72 ઘોડેશ્વાર (ઘોડેસવાર) યક્ષ આવ્યાં હતાં, જેમાં એક મહિલા પણ હતાં. યક્ષોએ પુંવર્ણોગઢ પાસે ટેકરી ઉપર પડાવ નાખ્યો.
આ જખ્ખોએ જામ પુંવરની હત્યા કરી પુંવર્ણોગઢને તારાજ કર્યું. એ પછી તેઓ અદૃશ્ય થઈ ગયાં.
બૉમ્બે ગૅઝેટિયર (વૉલ્યુમ 5, પેજ નબંર 235-236) પર પણ આ માન્યતાનો ઉલ્લેખ જોવા મળે છે. અન્ય એક વાયકા મુજબ, સપ્તર્ષિએ પતિનાં કુકર્મોને કારણે સંતાન નહીં જન્મે તેવું રાણીને જણાવ્યું હતું, જેના કારણે જામ પુંવર ગુસ્સે ભરાયા હતા અને તેમણે અત્યાચાર કર્યા હતા.

કોણ હતા એ 72 યક્ષ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિદેશીઓ ઊંચા અને કદાવર અને ગોરાં હતાં. તેમની આંખો નીલી હતી. તેઓ યક્ષ જેવાં હતાં અને આગળ જતાં અપભ્રંશ થઈને 'જક્ષ' થયું હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.
કેટલાક નિષ્ણાતો તે ડચ કે રોમન હોવાનું અનુમાન મૂકે છે. જેઓ જહાજ તૂટી પડવાને કારણે દરિયાકિનારે આવી ગયાં હોય અને પછી તેમના સેવાભાવને જોઈને સ્થાનિકોએ તેમને ઘોડા આપ્યા હોય, જેથી કરીને તેઓ અન્ય લોકોની મદદે સમયસર પહોંચી શકે.
ગૅઝેટિયર ઑફ બૉમ્બે પ્રૅસિડેન્સીમાં તેઓ મધ્ય એશિયાના સીરિયા કે તુર્કીથી આવ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
એલ.એફ. રશબ્રૂક વિલિયમ તેમના પુસ્તક 'બ્લૅક હિલ્સ'માં (પેજ નંબર 87-88) આ વિદેશીઓનાં વાન અને કદકાઠીના વર્ણનના આધારે તેઓ ઈરાનના પારસી હોવાનું અનુમાન મૂકે છે. જેઓ એ અરસામાં પોતાના ધર્મને બચાવવા માટે દેશ છોડી રહ્યા હતા.
સંજાણ પહોંચેલા પારસીઓનું કહેવું હતું કે સફર દરમિયાન કાફલાનાં કેટલાંક જહાજો વિખૂટાં પડી ગયાં હતાં. જેઓ દક્ષિણના બદલે પશ્ચિમના દરિયા કિનારે પહોંચ્યાં હશે. જોકે, ઉચ્ચારણ અંગે અસ્પષ્ટતાને કારણે તેઓ કોણ હતાં તે વિશે નક્કરપણે કોઈ અનુમાન મૂકી શકાય તેમ નથી.
પછીનાં વર્ષોમાં રાવ દેશળજીના સમયમાં તેમના ચારણ હમીરજીના આહ્વાનથી 72 ઘોડેશ્વર (ઘોડેસવાર) યક્ષોએ દેખા દીધી હોવાની પણ સ્થાનિકોમાં વાયકા પ્રવર્તે છે. વિલિયમ પણ તેમના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરે છે.
જે ટેકરી પર યક્ષોએ પડાવ નાખ્યો હતો તેને સંઘારોએ જખૌના સરદાર કક્ડના નામ પરથી કક્ડગઢ કે ક્કડભીટ નામ આપ્યું. જે સૌથી નાના જખ હતા.
સંઘારોએ પુંવર્ણોગઢમાં એક ઓટલા પર દક્ષિણ દિશા તરફ દૃષ્ટિ કરતાં 72 અશ્વસવારોની પ્રતિમાઓની સ્થાપના કરી છે. અહીં દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે મેળો ભરાય છે, જેમાં સંઘારા ઉપરાંત અન્ય સમાજના લોકો પણ જાય છે. આ જખ્ખબોંતેરાની દંતકથા તેને આજના સમયના જખૌ સાથે જોડે છે, જે પાસે જ આવેલું છે.

જખૌ બંદર : ગઈ કાલ

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છમાં માંડવી બંદરનો વેપારના કેન્દ્ર તરીકે વિકાસ થયો, તે પહેલાં જખૌ બંદર વિખ્યાત હતું. અહીંથી નીકળતાં દેશી જહાજો દેશદેશાવરની સફર ખેડતાં. અહીંથી મીઠા, કપાસ, દિવેલ અને જુવારની નિકાસ થતી. પાછળથી કપડાં અને તમાકુનો પણ વેપાર થતો. જ્યારે લાકડાં અને સૂકા મેવાની આયાત થતી.
આ વેપાર મુખ્યત્વે ઠક્કર, ભાટિયા અને જૈન સમુદાય દ્વારા થતો. સંઘારા, મેમણ, ખત્રી, વાઘેર ઉપરાંત સિંધીઓની પણ અહીં વસતિ હતી.
પ્રૅસિડન્સીના રિપોર્ટ (પેજ નંબર 223-224) પર જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે, 1880ના અરસામાં જખૌમાં આઠથી 12 ફૂટ પાણી રહેતું, જેમાં 20થી 25 ટનનાં જહાજની અવરજવર થતી. તેનો મોટા ભાગનો વેપાર બૉમ્બે સાથે થતો. આ સિવાય મસ્કત અને દમણ સાથે પણ થોડો ઘણો વેપાર હતો.
ગાડાંમાં નલિયા, ટેરા અને કોઠારાનો માલ લાવવા લઈ જવામાં આવતો. અહીં 1100 હિંદુ અને એક હજાર જેટલાં મુસ્લિમ રહેતાં. વર્ષ 2011ની છેલ્લી વસતિગણતરી પ્રમાણે, ત્યાં લગભગ પાંચ હજાર 300 લોકો નિવાસ કરે છે.
વર્ષ 1869માં સુએઝ કૅનાલ ખુલ્લી થવાથી મોટી આગબોટોની યુરોપથી સફર શક્ય બની. કચ્છનાં બંદર નાનાં અને છીછરાં હતાં, તેની સરખામણીમાં સિંધનું કરાચી બંદર મોટું હતું અને અંગ્રેજોએ તેને પ્રોત્સાહન આપ્યું હતું. એટલે માંડવી, જખૌ અને લખપત બંદરની માઠી દશા બેઠી. આ સિવાય સુરત, ભરૂચ, ખંભાત અને ભાવનગર જેવાં બંદરો પરથી થતા વેપારમાં પણ ઓટ આવી.
સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો વેપાર-વાણિજ્ય અર્થે મુંબઈ અને કરાચી તરફ આકર્ષાયા. જેના કારણે (હાલના) ગુજરાતના વહાણવટાને પણ ધક્કો લાગ્યો. ઇંગ્લૅન્ડે ભારતનાં વહાણોની લાંબી સફર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જોકે, અમુક રજવાડાંના આશ્રયને કારણે આ કૌશલ્ય જળવાઈ રહેવા પામ્યું હતું.

જખૌ બંદર : આજ

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છના અખાતમાં આવેલું આ બંદર મોસમી છે અને ગોડિયાની ખાડી ઉપર આવેલું છે. આ બંદર દરિયાના સીધાં મોજાંથી સુરક્ષિત છે. ભરતી સમયે માલની હેરફેર થાય છે. નાની ફાઇબર બોટ (ટૉની), ટ્રૉલર (મોટાં લાકડાંનાં જહાજ), પિલાની (સાંકડી પણ લાંબી બોટ) અને હોડકાં મારફત માલની હેરફેર થાય છે. આ બંદર નેશનલ હાઇવે 41 સાથે જોડાયેલું છે.
જખૌનું બંદર એ ગામથી લગભગ આઠ કિલોમિટર દૂર છે. તે ગુજરાતનાં 40થી વધુ નાનાં-મોટાં બંદરમાંથી એક છે, તેનું નિયમન ગુજરાત મૅરિટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. 1998માં જ્યારે વાવાઝોડું ત્રાટક્યું હતું, ત્યારે પણ આ બંદરને ભારે નુકસાન પહોંચ્યું હતું. એ પછી વર્ષ 2001માં તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
મુખ્યત્વે માંડવીથી જખૌની વચ્ચે માછીમારોના ત્રણ કસબા આવેલા છે. અહીં ખેતી, પશુપાલન અને પવનચક્કીએ મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે. અહીં માછીમારી અને પાગડિયા માછીમારી પણ થાય છે.
પગડિયા એ માછીમારીનો એવો પ્રકાર છે, જેમાં ઓટ સમયે માછીમારો દરિયામાં આગળ સુધી જાય છે અને માટીમાં લાકડીઓ ખોડી તેના આધારે જાળ પાથરે છે. જ્યારે પાણી બંદર સુધી આવે, ત્યારે તેની સાથે માછલીઓ પણ આવે અને જ્યારે પાણી ઊતરે ત્યારે જાળમાં માછલીઓ ફસાઈ જાય.
અહીંથી જિપ્સમ અને કોલસાની આયાત થાય છે, જ્યારે સિમેન્ટ, ક્લિન્કર અને મીઠાની નિકાસ થાય છે.
અહીં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની વૉટરવિંગ, જખૌ મરિન પોલીસ તથા કોસ્ટગાર્ડનાં એકમો છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન પાકિસ્તાન સાથેની નિકટતાને કારણે અહીં દાણચોરીના બનાવો નોંધાયા છે. આ બંદરવિસ્તારમાંથી નશાકારક પદાર્થો અને ઘૂસણખોર પકડાયા છે.














