સૌરાષ્ટ્ર-કચ્છ પરથી વાવાઝોડું આગળ વધ્યું, હવે ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
કચ્છ, દ્વારકા સહિત દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યા બાદ હવે વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે.
ભારતીય હવામાનના 2.30 વાગ્યાના બુલેટિન અનુસાર, બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
છેલ્લા છ કલાક દરમિયાન આ વાવાઝોડું 13 કિમી પ્રતિ કલાકની ગતિથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું 16 જૂનના રોજ અઢી વાગ્યા સુધીમાં હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કેન્દ્રિત છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું લગભગ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સાથે આજની રાતે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં નબળું પડે તેવી શક્યતા છે.
વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ ઉત્તર-પૂર્વ તરફ તેની અસર થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવો અને ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે પવનની ગતિ ધીમે ધીમે ઓછી થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયારનું કહેવું છે કે સરહદી વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અહીંના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
આ વિસ્તારોમાં ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. હવામાનવિભાગે શું આગાહી કરી છે તે અંગે અહીં વાંચો
બનાસકાંઠાના વાવા તાલુકાના મામલતદાર કૃણાલ વાઘેલાનું કહેવું છે કે, "બિપરજોય વાવાઝોડાના પગલે બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં કાચાં મકાનોમાં રહેતા અનેક લોકોને શૅલ્ટર હોમ અને તેમના સગા-સંબંધીઓના ઘરે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આવનારા 24 કલાક પણ ખૂબ અગત્યના હોવાથી આ પ્રક્રિયા હજુ ચાલુ રહેશે."
અરવલ્લી જિલ્લામાં પણ હવામાન પલટાઈ ગયું છે. અરવલ્લીના બાયડમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી.
બીબીસી ગુજરાતીના સહયોદગી અકિંત ચૌહાણે જણાવ્યું કે ગઈકાલથી તાલુકામાં ભારે પવનની પરિસ્થિતિ છે. ક્યાંક પતરાં ઊડી ગયાં છે તો ક્યાંક વૃક્ષો પડી ગયાં છે. તાલુકામાં વીજળીના થાંભલા ઊડી જવાના પણ સમાચાર આવ્યા છે.

બિપરજોય વાવાઝોડું હજી કચ્છ-સૌરાષ્ટ્રમાં કેન્દ્રિત, હવે ક્યારે નબળું પડશે અને કઈ દિશામાં વધશે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ગુજરાતના કચ્છમાં જખૌ બંદર પાસે લૅન્ડફૉલ બાદ બિપરજોય વાવાઝોડું હવે સમુદ્રમાંથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર અત્યારે કેન્દ્રિત થઈ ગયું છે.
શુક્રવાર સવારે 11 વાગ્યે હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું હતું કે, "વાવાઝોડું બિપરજોય પૂર્વી- ઉત્તરપૂર્વી દિશા તરફ આગળ વધ્યું છે અને અત્યારે ભુજથી 30 કિલોમિટર દૂર તેનું કેન્દ્ર છે. સાંજ સુધીમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ જશે અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં 50થી 70 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે."
બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એએનઆઈને જણાવ્યું છે કે, "ગઈ કાલે રાત્રે ખૂબ પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સરકારની પ્રોઍક્ટિવ કામગીરીને કારણે ગઈ કાલ રાતથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી કોઈને જાનહાનિ થયાના સમાચાર જોવા મળ્યા નથી."
તેઓ વાવાઝોડાના પગલે દ્વારકામાં સતત કૅમ્પ કરી રહ્યા છે. તેઓ અનેક જગ્યાએ સ્થળમુલાકાત લેતા જોવા મળ્યા હતા.
"ગુજરાતમાં કેટલાક લોકો અને 22 જેટલા પોલીસજવાનો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ સરકાર દ્વારા તેમની સારવાર સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં થઈ રહી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રકારની તેજ પવન અને વરસાદને કારણે કેટલાંય સ્થળોએ વીજ થાંભલા, વૃક્ષો, કાચાં મકાનો, છાપરાવાળાં મકાનો પડી જવાના સમાચારો પણ જોવા મળ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ગઈ કાલે ભારે વરસાદ અને પવન વચ્ચે સાયક્લૉન લૅન્ડ થયું, ત્યારે શહેરોમાં વૃક્ષો અને વીજ થાંભલા પડી જવાના સમાચારો મળ્યા હતા, ત્યાં જઈને એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવીની ટીમે સાથે મળીને અલગ-અલગ જગ્યાએ વૃક્ષો અને થાંભલા તાત્કાલિક હઠાવ્યા હતા."
તેમના મુજબ છેલ્લા કેટલાક દિવસથી દરિયાકિનારાના વિસ્તારમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી ચાલુ છે.
આ સાથે દ્વારકામાં કુલ મળીને 10 હજાર જેટલા થાંભલા પડવાની સંભાવના છે. તેમજ પાંચ જેટલી મેઈન લાઈન પડી જવાને કારણે ઘણી જગ્યાએ વીજળી પહોંચાડવાની તકલીફ થઈ રહી છે.
વાવાઝોડાને કારણે ગુજરાતમાં 238 ગામ અને 7 જેટલાં નગરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે. આ જનજીવન ફરી રાબેતા મુજબ ચાલુ થઈ જાય તે માટેની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ.

હવે ક્યારે નબળું પડશે વાવાઝોડું?

ઇમેજ સ્રોત, ANI
કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અતિભીષણ વાવાઝોડા બિપરજોયે ઠેરઠેર તબાહી સર્જી છે. હવે આ વાવાઝોડાનો માર્ગ અને પરિસ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાનવિભાગે અગાઉ પરોઢે 3.43 વાગ્યે માહિતી આપી હતી.
હવામાનવિભાગ અનુસાર 16 જૂન રાત્રે અઢી વાગ્યે સિવિયર સાઇક્લોન બિપરજોય નલીયા સે 30 કિલોમિટર દૂર કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેન્દ્રિત થયું છે. શુક્રવાર સવારે વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ વધશે અને સિવિયર સાઇક્લોનમાં પરિવર્તિત થઈ જશે. અને સાંજે દક્ષિણ રાજસ્થાન તરફ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
મનોરમા મોહંતીએ એએનઆઈને જણાવ્યું હતું કે, "વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટૉર્મ કોસ્ટ પરથી પસાર થઈ ગયું છે, તે સમયે 115-125 કિલોમિટર પ્રતિ કલાકથી 135 પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. તે જખૌથી ઉત્તર તરફ આગળ વધ્યું હતું."
તેમણે ઉમેર્યું હતું કે, "આજ બપોર સુધીમાં વાવાઝોડાની તીવ્રતા ઘટશે, તે આજે બપોરે 12 વાગ્યા સુધી નબળું પડીને સાયક્લૉનિક સ્ટોર્મમાં ફેરવાઈ જશે અને સાંજ સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે."
હાલ તે સાયક્લૉનિક સ્ટોર્મમાં ફેરવાવવાને કારણે ગુજરાતભરમાં વરસાદ રહેશે, કચ્છ, દ્વારકા, બનાસકાંઠા જેવાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હાલ પવનની ઝડપ 85-95 કિલોમિટર પ્રતિ કલાકની છે, પરંતુ આગામી બે-ત્રણ કલાકમાં બાદ તેની ઝડપ 75-85 કિલોમિટર પ્રતિ કલાકની થશે, ત્યારબાદ ફરી ત્રણ કલાક બાદ 65-75ની ઝડપ થવાની શક્યતા છે.
હાલ ગુજરાતમાં ભારે વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાના કેટલાંક સ્થળોએ પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર સહિત કેટલાક વિસ્તારોમાં ધોધાર વરસાદ પડી રહ્યો છે.
ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 જૂને ઉત્તર ગુજરાત અને તેનાથી નજીકના દક્ષિણ રાજસ્થાનમાં મોટાં ભાગનાં સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

દ્વારકામાં કેવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દ્વારકામાં 16 જૂન સવાર સુધી ભારે પવન અને વરસાદ ચાલુ છે.
મોડી રાતથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે દ્વારકામાં અનેક જગ્યાએ પાણી ભરાયાં છે.
ત્યારે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પીઠવા અનુસાર દ્વારકાનો મુખ્ય વિસ્તાર ગણપતિ ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો.
દ્વારકાના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (SDM) એ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવ્યું હતું કે, "ગઈકાલ સાંજ સુધીમાં દ્વારકામાં 750 વીજળીના થાંભલા પડી ગયા છે. દ્વારકા અને ઓખા નગરપાલિકામાં આજે સવાર સુધીમાં 78 વૃક્ષો પડી ગયાના સમાચાર છે. દ્વારકામાં 15મીએ 147 મીમી વરસાદ નોંધાયો હતો."
સ્થાનિક ડીવાયએસપી સમીર સરડકાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, " પોલીસ પ્રશાસન દ્વારા દ્વારકાના આવલપરા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે."
આ સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "દ્વારકાનું મંદિર આજે પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે વીજ થાંભલા પડી જવાથી વિજળીની સમસ્યા પણ ઊભી થઇ છે. "
તેમણે ઉમેર્યું હતું કે, "ગઈ કાલે રાત્રે કેટલાક મકાનોનાં છાપરાં પણ ઊડી ગયાં હતાં. બિપરજોય વાવાઝોડાની સંભાવનાને કારણે વહીવટીતંત્રે પહેલાથી જ સાડા પાંચ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો હતો."
હર્ષ સંઘવીએ કહ્યું કે, "દ્વારકાની હૉસ્પિટલમાં 20 જૂન પહેલાં જેમની ડિલિવરી થઈ શકે તેવી 138 મહિલાઓ માટે અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી હતી."
બીબીસીની ટીમ દ્વારકામાં હાઈવે પાસે સાંઈબાબા મંદિરની બાજુમાં આવેલી હોટલમાં રોકાઈ છે. હોટલમાં પણ છેલ્લા 24 કલાકથી વીજળી નથી. ભારે પવનને કારણે 14મી જૂનથી જ હોટલનો મુખ્ય દરવાજો કબાટ અને અનાજની બોરીઓ મૂકીને બંધ કરી દેવો પડ્યો હતો. આખી રાત વરસાદ પડ્યા બાદ સવારે હોટલની લોબીમાં પાણી ભરાયાં હતાં.

બિપરજોય વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્રમાં કેન્દ્રીત, આગામી કલાકોમાં પવનની ગતિ કેટલી રહેશે?

ઇમેજ સ્રોત, ANI
બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે, સાંજે લગભગ સાડા છ વાગ્યે આ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.
શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને નિકટના પાકિસ્તાનના દરિયા કાંઠાને કરાચી અને માંડવી બંદર વચ્ચે જખૌ બંદર પાસે પસાર કરી ચૂક્યું છે."
"વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છની દિશામાં આગળ વધી રહ્યું છે. અમુક કલાક પહેલાં વાવાઝોડું બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે ત્રાટક્યું હતું."
તેમણે વાવાઝોડાની સ્થિતિ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "વાવાઝોડાની આંખ હવે જમીન પર પહોંચી ચૂકી છે. તે સાડા દસથી સાડા અગિયાર વાગ્યાની વચ્ચેના સમયગાળામાં સમુદ્રમાંથી જમીન પર પહોંચી ગઈ છે. સાડા અગિયાર વાગ્યા સુધીમાં તે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવી પહોંચી છે."
વાવાઝોડાની તીવ્રતા અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "વાવાઝોડાની આંખ જમીન પર પહોંચવાની સાથે જ તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે. તે હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું છે.પવનની ગતિની વાત કરીએ તો હવે પવનની ગતિ 105થી 115 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ છે. હવે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી ઉત્તરપૂર્વ તરફની તેની ગતિ ચાલુ રાખશે. તેમજ વહેલી સવાર સુધીમાં તે વધુ નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં રૂપાંતરિત થઈ જશે."
"વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી ઉત્તરપૂર્વ તરફ પોતાની ગતિ ચાલુ રાખશે. અને 16 તારીખની સાંજ સુધીમાં ડિપ્રેશનમાં તબદીલ થઈ જશે."
મહાપાત્ર આગળ જણાવે છે કે, "વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પહોંચીને નબળું પડી જશે."
16 તારીખની સવારે પવનની ગતિની આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે, "સવારે વાવાઝોડાના કારણે ફૂંકાતા પવનોની ગતિ 75થી 85 કિલોમીટર પ્રતિ કલાક હશે. જેમાં સાંજ સુધીમાં વધુ ઘટાડો થશે, સાંજ સુધીમાં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાકે પહોંચશે."
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ બિપરજોય વાવાઝોડા અંગે પત્રકારપરિષદ યોજી માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "કચ્છની બૉર્ડરથી ઉપર ઉત્તરે પાકિસ્તાનની બૉર્ડર તરફ વાવાઝોડાની આંખ પહોંચી ગઈ છે. તેમજ વાવાઝોડાનો પાછળનો ભાગ કચ્છની બૉર્ડરની તરફ આવી રહ્યો છે, કચ્છમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે કચ્છમાં પવનની મહત્તમ ગતિ 108 કિમી પ્રતિ કલાક રહી હતી. તેમજ સરેરાશ ઝડપ 70 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવા પામી હતી."
તેમણે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નોંધાયેલ પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "દ્વારકામાં પવનની મહત્તમ ગતિ 60 કિમી, જામનગરમાં 32, પોરબંદરમાં 40 પ્રતિ કલાક નોંધાઈ હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. છેલ્લા બે કલાકમાં કચ્છમાં 78 મિલમિટર વરસાદ નોંધાયો છે."
તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતનાં 940 ગામોમાં વીજ થાંભલા પડી ગયા હોવાની માહિતી મળી છે.
આ સાથે જ 524 વૃક્ષો ધરાશાયી થયાં હોવાની માહિતી તેમણે આપી હતી. આંકડો સવાર સુધીમાં વધવાની શક્યતા છે.
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "હજી સુધી કોઈ માનવમૃત્યુ અંગે માહિતી મળી નથી. વાવાઝોડાના કારણે 20 લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે." આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 23 પશુનાં મૃત્યુ નોંધાયાં છે.
તેમણે જણાવ્યું હતું કે, "જ્યાં-જ્યાં વીજ થાંભલા પડ્યા છે, ત્યાં તેને પૂર્વવત્ કરવાની પ્રક્રિયાતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.
રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં દ્વારકામાં 34 મીમી, ઓખામાં 23 મિમી, નલીયામાં 33 મિમી, પોરબંદરમાં 20 મિમી અને કંડલામાં 14 મિમી વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "ગુજરાતમાં જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે."
ગુજરાતના કાંઠા વિસ્તારની પરિસ્થિતિ અંગે વાત કરતાં મૃત્યુંજય મહાપાત્રે કહ્યું હતું કે, "હાલની સ્થિતિ અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જે આગળ પણ ચાલુ રહેવાની સંભાવના છે. આવતી કાલે વરસાદ ચાલુ રહેશે પરંતુ તેની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે."
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ રાજસ્થાનમાં પણ કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
વાવાઝોડા અંગે વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, "એવું કહી શકાય કે વાવાઝોડાના કારણે ફૂંકાઈ રહેલાં તીવ્ર પવનનો અનુભવ આવતી કાલ સવાર સુધી થશે. પરંતુ તેની સૌથી વધુ તીવ્રતા મધ્ય રાત્રિએ અનુભવાશે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે."
વિવિધ સમાચાર સંસ્થાઓના અહેવાલ અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો અને મિલકતનું નુકસાન પણ થયું છે. કેટલાંક સ્થળોએ વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં હોવાનું જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યાએ ટેલિફોન-લાઇટના થાંભલા હચમચી ગયા હોવાના અહેવાલો છે.
તેમણે કહ્યું હતું કે, "વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, આગામી સમયમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ બહાર ન નીકળવું અને સલામત સ્થળે રહેવું."
તેમણે સ્થિતિને લઈને તકેદારીનાં પગલાં સૂચવતાં કહ્યું હતું કે, "વાવાઝોડાને લઈને તંત્ર, સરકાર અને હવામાન વિભાગ દ્વારા અપાઈ રહેલાં સૂચનોનું પાલન કરવું."

ઇમેજ સ્રોત, ANI
વાવાઝોડાની સંભવિત ગંભીર અસરો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય નુકસાન થવાની સંભાવના છે. કાચાં મકાનો અને બાંધકામને નુકસાન થઈ શકે છે. આ સિવાય વૃક્ષો, વીજળી અને ટેલિફોનના થાંભલાને પણ નુકસાન થાય તેવી સંભાવના છે."
આ અસરોને લીધે કચ્છ અને કચ્છના અખાતની આસપાસ આવેલા જિલ્લામાં જેમ કે દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી તેમજ પોરબંદર અને રાજકોટમાં લોકોને બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
મહાપાત્રે સલામતીના ભાગરૂપે કેટલીક સલાહ આપતાં જણાવ્યું હતું કે, "અસરગ્રસ્ત વિસ્તારોમાં ઍર ટ્રાન્સપૉર્ટ, રોડ ટ્રાન્સપૉર્ટ અને રેલવે ટ્રાન્સપૉર્ટ રેગ્યુલેટેડ હોવું જોઈએ. આ સિવાય ઓફશોર ઇન્ડસ્ટ્રી અને ઓફશોર પ્રવૃત્તિઓને રેગ્યુલેટેડ કરવી જોઈએ. આ સિવાય સમુદ્રની અંદર 16 તારીખની સવાર સુધી કોઈ ન જવાની અને સલામત સ્થળે રહેવું જોઈએ."
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે, બિપરજોય વાવાઝોડાને કારણે ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.
જેમાં 15 જૂને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનાં મોટા ભાગનાં સ્થળોએ મધ્યમ વરસાદ, કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ છૂટાછવાયાં સ્થળોએ અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
તેનાથી નજીકના પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જાહેર કરેલી વિગતો અનુસાર 16 જૂને પણ ઉત્તર ગુજરાત અને તેનાથી નજીક દક્ષિણ રાજસ્થાનમાં અને 17 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને સંલગ્ન ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ, ભારે વરસાદની ચેતવણી ક્યાં અપાઈ?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને પગલે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.
તેમજ મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ સિવાય 17 જૂનના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
વાવાઝોડાને કારણે સર્જાયેલી વરસાદ અને તીવ્ર ગતિથી ફૂંકાતા પવનની આપત્તિને પગલે રાજ્ય સરકાર અને સ્થાનકિ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારી કરી લેવાઈ હોવાના દાવા કરાયા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફની ટુકડીઓ અસરગ્રસ્ત જિલ્લામાં તહેનાત કરી દેવાઈ છે. તેમજ વીજ અને ટેલિફોન કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં લેવાયાં હોવાનો દાવો કરાયો હતો.
મંગળવારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવાઝોડાને પગલે નાગરિકોને 'સુરક્ષા' માટે સંદેશો જાહેર કરી 'તંત્રને સહકાર આપવા અને સાવચેત રહેવાની અપીલ' કરી હતી.
ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ અધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્ય સાથે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વર્ચુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં તેમણે 'શૂન્ય જાનહાનિ' સુનિશ્ચિત કરવા બાબતે 'માર્ગદર્શન આપ્યું હતું.'
ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મોટા નેતાઓ પણ જુદા જુદા જિલ્લામાં તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.
ગુજરાત સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આપેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારના પ્રભારી મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, બચાવ અને રાહતકાર્ય માટેની એજન્સીઓ અને વહીવટી તંત્રનો જરૂરી સ્ટાફ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી બજાવી રહ્યો છે.
વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં દરિયો તોફાની બન્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે 'વૉર્નિંગ' જાહેર કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ભારે ઝડપે ફૂંકાતા પવનને હવામાન વિભાગ દ્વારા સાત શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાંથી બિપરજોય છઠ્ઠી શ્રેણીના ગંભીર પ્રકારના વાવાઝોડામાંથી થોડું ધીમું પડીને પાંચમી શ્રેણીનું વાવાઝોડું બન્યું છે.
જ્યારે વાવાઝોડું પ્રતિકલાક 118થી 165 કિમીની ઝડપે ફૂંકાવાની સંભાવના હોય ત્યારે તેને વેરી સિવિયર સાક્લોનિક સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે અને તે 166થી 220 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે તો તે ઍક્સ્ટ્રિમલી સિવિયર સાયક્લોન બને છે.

પવનની તીવ્ર ગતિ

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠાનાં શહેરો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લા અને કચ્છની ખાડીમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર ખાતે 120થી 130 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિએ પવનો ફૂંકાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આ જિલ્લામાં પવનની ગતિની દૃષ્ટિએ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.
નોંધનીય છે કે હાલ આ વિસ્તારોમાં પવનની ગતિ થોડી ઓછી છે પરંતુ હવામાન વિભાગ અનુસાર તેમાં ટૂંક સમયમાં વધારો થશે.
આવી જ રીતે પોરબંદર અને રાજકોટ જિલ્લામાં 80 કિમી પ્રતિ કલાકથી માંડીને 100 કિમી પ્રતિ કલાકની ગતિ સુધીના પવનો ફૂંકાવાની શક્યતાને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

આ સિવાય રાજ્યમાં ઘણાં સ્થળોએ વરસાદ વરસતા મહત્તમ તાપમાનમાં ઘટાડો લોકો અનુભવી રહ્યા છે.
વાવાઝોડાની અસરના કારણે અમરેલી, ભાવનગર, દ્વારકાના દરિયાકિનારે તોફાની મોજાં ઊછળી રહ્યાં છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડતાં નદીઓમાં પાણીનું સ્તર વધવા લાગ્યું હતું.
વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં માછીમારોને ચેતવણી આપી છે.
જે મુજબ માછીમારોને આગામી 16 તારીખ સુધી અરબ સાગરનું ખેડાણ ન કરવાનું જણાવાયું છે.

પાકિસ્તાનમાં બિપરજોય વાવાઝોડાના પગલે સેના તહેનાત

પાકિસ્તાનમાં બિપરજોય વાવાઝોડાના પગલે એક લાખ લોકોના સ્થળાંતર માટે સેના તહેનાત કરવામાં આવી છે.
પાકિસ્તાનના કરાચી તરફ બિપરજોય વાવઝોડું આગળ વધી રહ્યું છે, જેને લીધે કિનારાના વિસ્તારોમાં એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સરકારે સેનાને તહેનાત કરી દીધી છે.
આ વાવાઝોડું દક્ષિણના સિંધ વિસ્તાર તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
પાકિસ્તાનના હવામાન ખાતાના કહેવા પ્રમાણે, 17-18 જૂન સુધી આની તીવ્રતા ઘટે તેવી સંભાવના છે.
કેન્દ્રમાં પવનની ગતિ 170 કિલોમિટર પ્રતિ કલાક અને જમીન પર 14-150 કિલોમિટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આનાથી દરિયામાં જે મોજાં ઊછળશે તેની વધુમાં વધુ 30 ફૂટની ઊંચાઈ હોઈ શકે છે.
સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદઅલી શાહે મીડિયાને જણાવ્યું કે આ વિસ્તારમાં કટોકટીની ઘોષણા કરી દેવામાં આવી છે અને સેના અને નૌકાદળને 80 હજાર લોકોને જોખમકારક જગ્યાઓથી ખસેડવા માટે કામે લગાવી દેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે અમે અપીલ નથી કરી રહ્યા પણ આદેશ આપી રહ્યા છીએ. અને આના માટે સોશિયલ મીડિયા, મસ્જિદ અને રેડિયો સ્ટેશનોની મદદ લઈ રહ્યા છીએ.
શાહે જણાવ્યું કે ઠટ્ટા, કેટી બંદર, સુજાવલ, બદીન, થારપાકર અને ઉમેરકોટ જિલ્લામાં પહેલેથી જ મોટી સંખ્યામાં લોકોને ખસેડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાની આગાહીને પગલે તંત્રનાં સાવચેતીનાં પગલાં
મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરોએ પરિસ્થિતિને જોતાં યોગ્ય પગલાં લઈ તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાંથી 21 હજાર લોકોનું કામચલાઉ છાવણીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દરિયાકિનારાના 10 કિલોમિટર વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાંતર કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. 21 હજારમાંથી 6,500 લોકો કચ્છ જિલ્લામાંથી, 5,000 દ્વારકામાંથી, 4,000 રાજકોટમાંથી, 2,000 મોરબી, 1,500થી વધુ લોકો જામનગરમાંથી, જ્યારે 550 પોરબંદર અને 500 લોકોનું જૂનાગઢમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની આગાહીના પગલે રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલ તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે.
વાવાઝોડાની આગાહીના લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરી છે.
રાજકોટમાં એનડીઆરએફ ટીમ તહેનાત કરવામાં આવી છે જેમાં મંગળવારે આજી નદીના કાંઠે ભગવતીપરા, રાજીવનગર, રૂખડિયા પરામાં કોમ્બિંગ કરી લોકોને સુરક્ષિત જગ્યાએ જતા રહેવા સમજાવવામાં આવ્યા હતા. અહીં મોટા ભાગના પરિવારોને સુરક્ષિત રીતે સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે.
મોરબીમાં પણ મચ્છુ નદીના પટમાં રહેતા 400 જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ટંકારા ના સાવડી ગામે મજૂરો ને કાચા મકાનમાંથી પાક્કા મકાનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક રહેતા કુલ 3,200 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે. જ્યારે મંગળવારે સાંજ સુધી કુલ 8,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે એવું તંત્રએ જણાવ્યું છે.જામનગર જિલ્લાના 13 મીઠાના યુનિટો પર કામ કરતાં તમામ 355 અગિયારીઓને આશ્રિતસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. સરકાર તરફથી અહીં એસડીઆરએફ અને એનડીઆરએફની બે-બે ટીમો તહેનાત કરવામાં આવી છે.
જૂનાગઢથી મળતી માહિતી અનુસાર મંગળવારે તંત્રની બેઠકમાં કલેક્ટરે આપેલ માહિતી અનુસાર માંગરોળ માળિયાહાટીના દરિયાકિનારાથી નજીકના વિસ્તારમાં પાણી અને વીજળી સહિતની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તેની તકેદારી રાખવામાં આવી છે.
25 હજાર જેટલાં ફૂડ પૅકેટ પણ તૈયાર કરી પહોંચાડવામાં આવ્યાં છે. લોએજમાં એસડીઆરએફની એક ટીમ અને માંગરોળમાં એનડીઆરએફની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે હાલ ગુજરાતના દરિયાકિનારે ભયસૂચક સિગ્નલ અપાયું છે. પોરબંદરમાં 295 શાળાને વાવાઝોડા સમયે છાવણીમાં ફેરવી દેવાની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના અપાઈ છે.
કચ્છમાં વાવાઝોડાની સ્થિતિમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ, દવાઓ છાવણીમાં મળી રહે તે અંગે વ્યવસ્થા ગોઠવવા પગલાં લેવાનું પણ સૂચવાયું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













