વાવાઝોડું બિપરજોય હજુ વધુ ખતરનાક બનશે, ગુજરાતમાં કયા દિવસથી અસર શરૂ થશે?

હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકતવર બનશે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હવે આ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને પછી તે વળાંક લેશે અને પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

9 જૂનની સવારની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા આ તાકતવર વાવાઝોડાને લઈને ગુજરાતમાં પણ સાવચેતીનાં પગલાં લેવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે અને સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે.

આ વાવાઝોડું હજી વધારે તાકતવર બને તેવી સંભાવના છે અને પવનની ગતિ પ્રતિ કલાકના 170 કિલોમીટર સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.

એકાદ બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે પણ તેની અસર શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

GREY LINE

વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં?

6 જૂનના રોજ અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે બાદ હજી પણ તેના લૅન્ડફોલ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એ ક્યાં ત્રાટકશે તે નક્કી કરી શકાયું નથી.

હવામાન વિભાગે પણ હજી દરિયામાં આગળ વધે એટલી જ માહિતી આપી છે અને આખરે વાવાઝોડું ક્યાં જશે તેના વિશે કોઈ માહિતી આપી નથી.

હવામાન વિભાગનું જે વેધર મૉડલ છે તે મુજબ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થઈને પાકિસ્તાનના કિનારા તરફ જાય તેવી શક્યતા છે.

જ્યારે ECMWFનું જે વેધર મૉડલ છે તે એવું દર્શાવી રહ્યું છે કે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠે અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે ગુજરાતની સાવ પાસેથી નીકળશે.

જ્યારે NCEP GFS મૉડલ એવું દર્શાવી રહ્યું છે કે આ વાવાઝોડું આગળ વધીને ઈરાન તરફ જતું રહેશે. આ જ કારણ છે કે હજી સુધી નક્કી થઈ શક્યું નથી કે વાવાઝોડું કઈ તરફ જશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતા 48 કલાક સુધી વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને તે બાદ વળાંક લઈને તે ઉત્તર-પશ્ચિમ તરફ વળશે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ફુંકાશે ઝડપી પવન?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 જૂનથી જ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શરૂ થઈ જશે. ગુજરાતના દરિયાકાંઠે લગભગ 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલની સ્થિતિને જોતાં આશરે 13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ઝડપી પવન ફુંકાય તેવી શક્યતા છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પણ બદલવાનું શરૂ થઈ જશે.

9થી 14 જૂન સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.

બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાને સાવચેત કરી દેવાયો છે અને માછીમારોને દરિયોના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાનો કોઈ સીધો ખતરો દેખાતો નથી પરંતુ જો સ્થિતિ બદલાય તો તંત્ર સાવધ થઈ ગયું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર ઍલર્ટ

  • મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરે શરૂ કરી તૈયારી.
  • ગંભીર પરિસ્થિતિમાં લોકોના બચાવકાર્યને લઈને યોજના અને પ્રભાવિત વિસ્તારોમાં બ્લૉક સ્તરે છાવણીની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે કરી ચર્ચા.
  • ગુજરાતના દરિયાકિનારે બધે 2 નંબરનું સિગ્નલ
  • પોરબંદરમાં 295 શાળાને વાવાઝોડા સમયે છાવણીમાં ફેરવી દેવાની વ્યવસ્થાને લઈને અપાઈ સૂચના
  • કચ્છમાં વાવાઝોડાની સ્થિતિમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ, દવાઓ છાવણીમાં મળી રહે તે માટે પણ અપાઈ સૂચના
બીબીસી ગુજરાતી

વાવાઝોડાની વચ્ચે ભારતમાં ચોમાસાની શરૂઆત, ગુજરાતમાં ક્યારે પહોંચશે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં આ વર્ષના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળ પર 8 જૂન, ગુરુવારના રોજ ચોમાસું પહોંચી ગયું છે.

ભારતના ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનના રોજ થતી હોય છે પરંતુ આ વખતે 7 દિવસ મોડું ચોમાસું શરૂ થયું છે. કેરળમાં જ્યારે ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે.

કેરળ બાદ ચોમાસું ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધે છે. ભારતમાં ચોમાસું બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બે ભાગોમાં આગળ વધે છે. અરબી સમુદ્ર તરફથી કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ તે ગુજરાતમાં પ્રવેશે છે.

મે મહિનામાં હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું 4 જૂનના રોજ કેરળ પર આવશે. જેમાં 4 દિવસની મૉડલ ત્રુટી રાખવામાં આવી હતી. એટલે કે 4 જૂન બાદ મોડું પડીને 8 જૂન સુધી કેરળ પર આવી શકે.

આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે. આવનારા દિવસોમાં ચોમાસું તામિલનાડુ અને કેરળના બાકીના ભાગોમાં આગળ વધશે.

કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ તમામ સ્થિતિ સામાન્ય રહે તો ગુજરાતમાં ચોમાસું 12 કે 15 દિવસ બાદ પહોંચતું હોય છે.

ગુજરાતમાં ચોમાસાની પહોંચવાની અધિકારીક તારીખ 15 જૂન છે. એટલે કે 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાત પર પહોંચે છે. ગુજરાતમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોથી થાય છે.

ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેતાં ચોમાસાને લગભગ 15 દિવસ જેટલો સમય લાગે છે. આ વર્ષે ભારત પર જ ચોમાસું મોડું છે એટલે ગુજરાત પર પણ મોડું પહોંચે તેવી સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગનાં વડાં મનોરમા મોહંતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા હજી વાર લાગશે. મુંબઈમાં ચોમાસું પહોંચે એ બાદ જ ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં તે કઈ તારીખે પહોંચશે.

મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી પહોંચે તે બાદ સામાન્ય રીતે બે કે ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાત સુધી આવી જતું હોય છે.

GREY LINE

ચોમાસું મોડું શરૂ થયું તો વરસાદનું શું થશે?

વીડિયો કૅપ્શન, Gujarat પર Cyclone આવવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? I Cyclone Biparjoy

ભારતના હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં ચોમાસું સારું રહે તેવું અનુમાન કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન 96 ટકા જેટલો વરસાદ થાય તેવી શક્યતા છે.

જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસું થોડું નબળું રહે તેવી સંભાવના છે. આ વર્ષે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર થાય તેવી શક્યતા છે.

પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો બને છે ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસામાં ઓછો વરસાદ પડે છે.

આ પહેલાં 2003 અને 2019માં ચોમાસું 8 જૂનના રોજ કેરળમાં પહોંચ્યું હતું. જોકે, 2019માં દેશમાં સરેરાશ સારો વરસાદ થયો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કેરળમાં ચોમાસું મોડા પહોંચવા અને ઓછા વરસાદને સીધો કોઈ સંબંધ નથી. એટલે કે ચોમાસું મોડું પહોંચે તો વરસાદ ઓછો પડે તેવું કહી શકાય નહીં. ચાર મહિના દરમિયાન સરેરાશ થતા વરસાદ પર તેની કોઈ અસર થતી નથી.

ભારતના ચોમાસા પર અલ નીનોની કેવી અસર થશે?

ખાનગી હવામાન એજન્સીએ સ્કાયમેટે તેના ચોમાસાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસા પર આ વર્ષે અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે.

હવામાન વિભાગે પણ એ વાતને માની હતી કે ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર થઈ શકે છે પરંતુ તેનું કહેવું હતું કે ઇન્ડિયન ઓશન ડાઇપોલ જો પોઝિટીવ હશે તો તે અલ નીનોના ખતરાને ટાળી શકે છે.

સ્કાયમેટના મૅનેજિંગ ડાયરેક્ટર જતીનસિંહે એક નિવેદનમાં કહ્યું, 'છેલ્લાં 4 વર્ષોથી લા નીનાને કારણે સતત સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના વધતી જઈ રહી છે. અલ નીનો સર્જાવાને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે'

સ્કાયમેટનું કહેવું છે કે આ વર્ષે ચોમાસાના 4 મહિનામાં સરેરાશ 816.5 મિલીમિટર વરસાદ થવાની સંભાવના છે. જે સામાન્ય સરેરાશ 868.8 મિલીમિટર કરતાં ઓછો છે.

સ્કાયમેટનું કહેવું છે કે અલ નીનો સિવાય બીજાં પરિબળો પણ છે જે ભારતના ચોમાસા પર અસર કરી શકે છે. ઇન્ડિય ઓશન ડાઇપોલ (IOD) જો પૉઝિટિવ રહે તો તે ભારતના ચોમાસા પર અલ નીનોની પડનારી નકારાત્મક અસરને ઓછી કરી શકે છે. આઈઓડી હાલ ન્યૂટ્રલ છે અને ચોમાસાની શરૂઆતમાં જે મધ્યમ સકારાત્મક બનવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે જો આઇઓડી વધારે પૉઝિટિવ થાય તો ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થઈ શકે છે. 

RED LINE
RED LINE