એ વાવાઝોડું જેણે 130 લોકો સાથેની આખી ટ્રેન દરિયામાં ડૂબાડી દીધી

પંબન બ્રિજ ટાપુને તામિલનાડુના મંડપમ રેલવે સ્ટેશન સાથે જોડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

15 ડિસેમ્બર 1964નો દિવસ હતો બંગાળની ખાડીમાં આવેલા ભારતીય ટાપુઓ અંદમાન અને નિકોબારમાંથી અંદમાનના દક્ષિણમાં વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ હોવાની હવામાનવિભાગે આગાહી કરી અને એ જ દિવસથી ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાવા લાગ્યો.

ત્યાર પછીના દિવસોમાં વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું અને બરાબર સાતમા દિવસે એટલે કે 22મી ડિસેમ્બરે તે શ્રીલંકા તરફથી આશરે 110 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ભારત તરફ આવી રહ્યું હતું.

આ વાવાઝોડું અંદાજે 200 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ભારતના દક્ષિણ છેડે તામિલનાડુમાં આવેલાં 'પંબન ટાપુ' પહોંચ્યું અને એક રાતમાં તેને વેરવિખેર કરી નાખ્યો.

પણ વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાં પંબન ટાપુ પર આવેલા ધનુષકોડી રેલવેસ્ટેશન પર ચહલપહલ હતી. વાવાઝોડું નજીક આવી રહ્યું હતું, કેટલાક લોકો ટાપુ છોડીને ઘરે ભાગી રહ્યા હતા તો કેટલાક લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળ શોધવા ભાગી રહ્યા હતા.

વર્ષ 1964નું હતું એટલે અવરજવર માટે ટાપુ પરથી કિનારે આવેલા શહેર સુધી પહોંચવા માટે ટ્રેન સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. એવામાં વાવાઝોડાની આગાહી વચ્ચે દિવસ દરમિયાન ઘણા લોકો દરિયાની વચ્ચેથી ટ્રેનમાં પસાર થયા હતા.

પણ 22મી ડિસેમ્બરે રાતની છેલ્લી ટ્રેન પકડનારા લોકોને ખબર નહોતી કે તેમની સાથે શું થવા જઈ રહ્યું છે.

ગ્રે લાઇન

'જે પૅસેન્જર ટ્રેન માટે સુરક્ષિત નથી'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પંબન ટાપુને ભારતીય ભૂખંડ સાથે જોડતો બે કિલોમિટર લાંબો પંબન બ્રિજ તેના દરિયાઈ નજારા માટે આજે પણ વખણાય છે. આ બ્રિજ ટાપુને તામિલનાડુના મંડપમ રેલવે સ્ટેશન સાથે જોડે છે.

રાત્રે સાડા આઠ વાગ્યે ધનુષકોડીથી મંડપમ તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેનના લોકો-પાયલટે મંડપમ કંટ્રોલરૂમને જાણ કરી કે 'ધનુષકોડી-રામેશ્વરમ રોડ સૅક્શનમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે. ટ્રૅક પર એટલી બધી ધૂળ છે કે આગળ વધવામાં તકલીફ પડી રહી છે.'

મૅસેજ મળતાની સાથે જ કંટ્રોલરૂમમાંથી બ્રિજ ઇન્સ્પૅક્ટર કેટલાક ખલાસીઓને લઈને રૂટ ક્લિયર કરવા માટે ગયા. કારણ કે રાત્રે આ રૂટ પરથી પંબન-ધનુષકોડી પેસેન્જર ટ્રેન પસાર થવાની હતી.

આ દરમિયાન રાત્રે નવ વાગ્યે પંબન બ્રિજ ઑપરેટર કંટ્રોલરૂમને મૅસેજ આપે છે કે 'હાલ પવનની ગતિ 64 કિલોમિટર પ્રતિકલાકથી વધુ છે. જે પેસેન્જર ટ્રેન માટે સુરક્ષિત નથી.'

ત્યાર પછી પવનની ગતિ અને વરસાદ વધવા લાગી અને આ વચ્ચે રાત્રે 11 વાગીને 10 મિનિટે પંબન રેલવેસ્ટેશનથી ધનુષકોડી તરફ જનારી છ ડબ્બાની પૅસેન્જર ટ્રેન 130 જેટલા મુસાફરો સાથે નીકળે છે. તેમાં 18 રેલવેના કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો.

આ ટ્રેન તેના નિયત સમયે રામેશ્વરમ રોડ સ્ટેશન પર પહોંચે છે અને ત્યાં સિગ્નલ મળવામાં વિલંબ થતા પંદરેક મિનિટ મોડી રવાના થાય છે. ત્યાર પછીનું રેલવેસ્ટેશન હતું ધનુષકોડી.

ટ્રેન રાત્રે સાડા બાર વાગ્યે ધનુષકોડી રેલવેસ્ટેશન પહોંચવાની હતી. સ્ટેશન પાસે કૅબિનમાં સિગ્નલમૅન ટ્રેનની રાહ જોતો રહ્યો પણ ટ્રેન ક્યારેય ત્યાં સુધી પહોંચી જ શકી નહોતી.

ગ્રે લાઇન

'વરસાદના કારણે કોઈ શોધવા પણ ન જઈ શક્યું'

વાતાવરણ ખરાબ હોવાને કારણે રામેશ્વરમ રોડ અને ધનુષકોડી રેલવેસ્ટેશન વચ્ચે સંકલન થયું તો જાણવા મળ્યું કે ટ્રેન ગાયબ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બન્યું એવું કે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ભારે પવન સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો. જેના લીધે ધનુષકોડીસ્થિત કંટ્રોલરૂમ અને સિગ્નલ કૅબિન વચ્ચેના સંપર્ક તૂટી ગયા હતા.

હાલત એટલી ખરાબ હતી કે ધનુષકોડી રેલવેસ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રેન નિયત સમયે ન આવતા ધનુષકોડીના રેલવે સ્ટાફને એમ લાગ્યું કે આવા વાતાવરણને લીધે ટ્રેન રામેશ્વરમ રોડ પાછી જતી રહી હશે. જ્યારે રામેશ્વરમ રોડ રેલવેસ્ટાફના લોકોને લાગ્યું કે ટ્રેન સલામત રીતે ધનુષકોડી પહોંચી ગઈ હશે.

વીજળીના કડાકા, ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે બંનેમાંથી કોઈ રેલવેસ્ટેશનનો સ્ટાફ ટ્રેનની જાણકારી મેળવવા જઈ શક્યો ન હતો અને પછી સવાર પડી.

23મી ડિસેમ્બરનો દિવસ, વાવાઝોડું થોડું શાંત થયું, પણ ધનુષકોડીનું અસ્તિત્ત્વ લગભગ નામશેષ થઈ ગયું. ન તો રેલવેસ્ટેશન બચ્યું હતું, ન તો રેલવેટ્રૅક. ધનુષકોડીનાં ભયંકર દૃશ્યો ધ્રુજાવી દે એવાં હતાં.

ભયાનકતાનો ચિતાર મેળવ્યા બાદ જ્યારે રામેશ્વરમ રોડ અને ધનુષકોડી રેલવેસ્ટેશન વચ્ચે સંકલન થયું તો જાણવા મળ્યું કે ટ્રેન ગાયબ છે. આખો રૂટ તપાસવામાં આવ્યો પણ ટ્રેન ક્યાંય દેખાતી નહોતી.

તપાસ કરનારાઓ માટે એક મોટો પડકાર એ હતો કે રૂટ પર આસપાસમાં દરિયો આવે છે અને તે સમયે દરિયામાં રૅસ્ક્યૂ ઑપરેશન કરી શકાય એ લગભગ અશક્ય હતું.

એક આખો દિવસ વીતી ગયો પણ ટ્રેન અને તેમાં મુસાફરી કરી રહેલા 130 જેટલા લોકોની કોઈ ભાળ મળી નહોતી.

બીબીસી ગુજરાતી

24 કલાક બાદ દરિયામાં કંઈક દેખાયું અને...

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

24મી ડિસેમ્બરે વાવાઝોડાની અસર પૂર્ણ થઈ. હવે ચારે બાજુ તેની હાજરીના પુરાવા આપતા તબાહીના દૃશ્યો જ બચ્યાં હતાં. સેંકડો લોકો મૃત્યુ પામ્યા, અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું ટાપુ પર આખું એક શહેર નામશેષ થઈ ગયું.

આ દરમિયાન રેલવેના એક કર્મચારીને દરિયાકાંઠે કંઈક શંકાસ્પદ વસ્તુ જોવા મળી. વાવાઝોડાના લીધે જમીન પરથી ઘણી બધી વસ્તુઓ ઊડીને દરિયામાં જતી રહી હતી પરંતુ એ કર્મચારીને જોતા જ ખબર પડી ગઈ કે આ શું છે.

તેણે આ ઘટનાની જાણ પોતાના ઉપરી અધિકારીઓને કરી અને સ્થળ પર જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે એ ગુમ થયેલી ટ્રેન હતી.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એ માત્ર ટ્રેનના અવશેષો હતા. 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 130 જેટલા લોકોમાંથી એક પણ વ્યક્તિ જીવિત હશે તેમ માનવું મુશ્કેલ હતું.

ટ્રેનનો કાટમાળ મળ્યા બાદ માની લેવામાં આવ્યું હતું કે વાવાઝોડાના કારણે મુસાફરોથી ભરેલી આ ટ્રેન દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમાં એક પણ વ્યક્તિ બચી શકી નહોતી.

બીબીસી ગુજરાતી

શું એ લોકોનો જીવ બચી શક્યો હોત?

પેસેન્જર ટ્રેન દરિયામાં ગરકાવ થઈ જવાના સમાચાર ઇન્ડિય એક્સ્પ્રેસમાં પ્રથમ પાને છપાયા હતા

ઇમેજ સ્રોત, Indian Express

ઇમેજ કૅપ્શન, પેસેન્જર ટ્રેન દરિયામાં ગરકાવ થઈ જવાના સમાચાર ઇન્ડિય એક્સ્પ્રેસમાં પ્રથમ પાને છપાયા હતા

એ રાત્રે પંબન-ધનુષકોડી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ગણવાનું કામ પંબન રેલવેસ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશનમાસ્ટરને સોંપવામાં આવ્યું હતું.

તેમણે આ ઘટના અંગે કેન્દ્રીય પરિવહન અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા બનાવેલી તપાસ સમિતિને જણાવ્યું હતું કે "સામાન્ય રીતે અમે ટ્રેનમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે તેની ગણતરી કરતા નથી, પણ તે દિવસે અમને એમ કરવાનું કહેવામાં આવ્યું હતું."

તેમણે આગળ કહ્યું,"મુસાફરોની સંખ્યા ગણવા પાછળનું કારણ એ હતું કે જો તેમની સંખ્યા ઓછી હોત તો ટ્રેન કૅન્સલ કરી દીધી હોત."

પણ છ ડબ્બાની એ પેસેન્જર ટ્રેનને ચાલુ રાખવા માટે તેમાં પૂરતાં પેસેન્જર હતાં.

તપાસ સમિતિના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનાનો ચોક્કસ મૃત્યુઆંક કોઈને ખબર નથી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 110 જેટલા સામાન્ય લોકો અને રેલવેના 18 કર્મચારીઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારે ટ્રેનને 'દરિયાનું મોજું વહાવી ગયું'હોવાનું નોંધવામાં આવ્યું છે. આ દુર્ઘટના 'ઍક્ટ ઑફ ગૉડ' હોવાથી તેમાં કોઈ દોષિત સાબિત ઠર્યું ન હતું.

રેડ લાઇન
રેડ લાઇન