ગુજરાત પર વાવાઝોડું આવવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? બિપરજોય વાવાઝોડું ક્યાં કરશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સમીના શેખ
- પદ, બીબીસી ગુજરાતી
અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.
હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડાના પવનની ગતિ 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે.
ત્યારે ગુજરાતના તમામ બંદરો પર નંબર 2 સિગ્નલ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં હવામાન ખાતા તરફથી ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ભારે ઝડપથી પવન ફૂંકાવાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
એક તરફ ભારતમાં આ ચોમાસાની શરૂઆતના દિવસો છે અને સામાન્ય રીતે હાલના દિવસોમાં કેરળ અને ભારતના બીજા કેટલાક ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું હોય છે.
જોકે, આ વર્ષે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચ્યું તે સાથે જ વાવાઝોડું સર્જાયું અને તેની પ્રગતિ પર હવે અસર થઈ રહી છે.
મે મહિનાની મધ્યમાં જ બંગાળની ખાડીમાં મોખા નામનું વાવાઝોડું સર્જાયું હતું અને હવે જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે.
ત્યારે સમજીએ કે આ વાવાઝોડું આવે એની દિશા કઈ રીતે નક્કી થતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈપણ વાવાઝોડું આવવાનું હોય તે પહેલાં હવામાન વિભાગ તે કઈ તરફ જશે તેનો ટ્રેક જાહેર કરે છે.
અરબી સમુદ્રમાં સર્જાતું વાવાઝોડું ગુજરાત તરફ આવશે, પાકિસ્તાન તરફ જશે કે ઓમાન તરફ તે ખબર કેવી રીતે પડે? તેમાં કયાં પરિબળો ધ્યાને લેવામાં આવે. પવન, તાપમાન અને બીજું શું જોઈને આ રસ્તો નક્કી કરવામાં આવે છે.
એ કારણો પણ જાણીશું કે ઘણીવખત વાવાઝોડાની દિશા કેમ નક્કી થઈ શકતી. તોફાનની દિશા કઈ કઈ બાબતો પર નિર્ભર કરે છે?

ગુજરાતનાં બંદરો પર વૉર્નિંગ સિગ્નલ વધારવામાં આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના બધાં બંદરો પર બિપરજોય વાવાઝોડાની તીવ્રતાની સંભાવનાને જોતાં વૉર્નિંગ સિગ્નલ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં 24 કલાકમાં બિપરજોય વાવાઝોડા વધુ તીવ્ર બને તેવી સંભાવના મંગળવારે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
માછીમારોને દરિયામાં ઊંડે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, "અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા છ જૂનના સવારે 5.30 વાગ્યે પોરબંદરના 1160 કિલોમિટર દક્ષિણમાં કેન્દ્રીત થશે. ત્યાંથી વાવાઝોડું ઉત્તરની તરફ અને આવનારા 24 કલાકમાં અરબી સાગરના પૂર્વ-મધ્ય અને દક્ષિમ પૂર્વ અરબી સાગર તરફ ચક્રવાતીય તોફાન તરીકે કેન્દ્રીત થઈ શકે છે."
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડિસી-2 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર જે બંદરો પર ડીસી-2 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે ત્યાં સ્થાનિક સ્તરે તુરંત હવામાન પર અસર ન પડી શકે પરંતુ અહીંથી વહાણો નીકળે તો તેઓ મુશ્કેલીમાં પડી શકે છે.
અમદાવાદમાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું હતું કે, "અમે માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. આ ચેતવણી ઉત્તર ગુજરાતનાં બંદરો માટે લાગુ કરવામાં આવી છે. અને જો માછીમારો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં ગયા હોય તો તેમણે તત્કાલ પાછા આવવું જોઈએ."

વાતાવરણની સ્થિતિ
પ્રાથમિક પરિબળ તે વાતાવરણ છે. તેના દબાણમાં આવતું પરિવર્તન અને હવાનો પ્રવાહ ચક્રાવાતની દિશા પર ઊંડી અસર કરે છે. હવા ઉચ્ચ દબાણવાળા વિસ્તારોમાંથી ઓછા દબાણવાળા વિસ્તારો તરફ જાય છે. પવનની ચોક્કસ દિશા બનાવે છે, તો આમ આ દિશા સાથે તોફાનોની જે ક્રિયા પ્રતિક્રિયા થાય અને જેટલું દબાણ અનુભવાય તેનાથી તે દિશા નિયત કરે છે.
કોરિઑલિસ ઇફેક્ટ પૃથ્વીના પરિભ્રમણ સાથે સંકળાયેલી છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેના દક્ષિણ ગોળાર્ધમાં પવનો ડાબી તરફ જ્યારે ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ ફૂંકાતા હોય છે. એટલે પૃથ્વીની બિલકુલ મધ્યમાંથી નીકળતી રેખા જેને આપણે વિષુવવૃત કે ભૂમધ્ય રેખા તરીકે ઓળખીએ છીએ. આ રેખાથી ઉત્તર તરફના બનતાં વાવાઝોડાં ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ફરે છે. જ્યારે દક્ષિણ તરફ બનતાં વાવાઝોડાં ઘડિયાળના કાંટાની જેમ ફરે છે. સાથે ઉત્તર તરફ બનતા વાવાઝોડાં ઉત્તર દિશામાં અને દક્ષિણ તરફ બનતાં વાવાઝોડાં દક્ષિણ દિશામાં તરફ જાય છે.

દરિયાઈ સપાટીનું તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images
વાવાઝોડું સર્જાવા માટે દરિયાની સપાટી 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધારેનું તાપમાન હોવું જોઈએ.
તાપમાન કેટલું છે તેના પરથી નક્કી થાય છે કે વાવાઝોડું કેટલું ખતરનાક બનશે, કેટલું લાંબુ ચાલશે.
દરિયામાં જ વિખેરાઈ જશે કે જમીન પર ત્રાટકશે. આ બધું દરિયાની જળસપાટીના તાપમાન પર આધારિત છે. જો તેને વધારે તાપમાન મળતું રહે તો તે દરિયામાં આગળ વધતું રહે અને જો ઠંડુ પાણી રસ્તામાં આવે તો તે વિખેરાઈ જાય છે કે નબળું પડી જાય છે.
વાતાવરણમાં જુદી જુદી ઊંચાઈએ રહેલા પવનો વાવાઝોડાને દિશા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પવનોની ગતિ, તેનું તાપમાન, તેનું દબાણ વગેરે વાવાઝોડાનો માર્ગ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વાવાઝોડાને વળાંક આપવામાં વાતાવરણમાં ઉપરના સ્તર પર રહેલા પવનોની મહત્ત્વની ભૂમિકા હોય છે. આ પવનો વાવાઝોડાની દિશા ફેરવી શકે છે.
વાતાવરણમાં રહેલી ઊંચા અને નીચા દબાણવાળી પ્રણાલીઓ વચ્ચેનો સંબંધ પણ તોફાનની દિશા પર અસર કરે છે. તો હવાની અંદરની પ્રણાલીઓ વચ્ચેની જે ક્રિયાપ્રતિક્રિયાઓ છે તે ચક્રવાતના હલનચલન પર અસર કરે છે.
એટલે જ હવામાન ઍક્સપર્ટ મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે "જ્યારે લૉ પ્રેશર રચાય ત્યારબાદ જ સાઇક્લોનનો રૂટ નક્કી કરી શકાય છે. એ પહેલાં જ્યારે માત્ર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોય ત્યારે રૂટ બદલતો રહે છે. તો સાઇક્લોનિક સર્ક્યુલેશનથી એ નક્કી થાય કે તોફાન બની રહ્યું છે ત્યારબાદ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ લૉ પ્રેશર સર્જાય જેમાં હવા ઉપરથી નીચે તરફ વાય છે, જ્યારે તે વધુ જોર પકડે અને ઉપરની તરફ ઉઠે ત્યારે તેની દિશા નક્કી થાય અને તેની સાથે તોફાનની દિશા નક્કી થાય."
જ્યારે ચક્રાવાત જમીનની નજીક આવે છે ત્યારે ત્યાં પર્વતીય વિસ્તાર છે કે કેમ અથવા જમીનની આ પ્રકારની વિશેષતાઓ પણ તોફાનના લેન્ડફૉલ કે તેની હિલચાલને અસર કરે છે. ટોપોગ્રાફી તોફાનની હવાનો જે પ્રવાહ છે તેને અસર કરી શકે છે તેનો માર્ગ પણ બદલી શકે છે. જેમકે પર્વતીય વિસ્તાર હોય તો તોફાન નબળું પણ પડી શકે છે.
અહીંયા એ નોંધવું મહત્તવનું છે કે ચક્રાવાત એ જટિલ હવામાન પ્રણાલી છે, ચોક્કસ માર્ગ અને ચોક્કસ પ્રકારની આગાહી કરવી પડકારરૂપ છે. એટલા માટે હવામાનશાસ્ત્રીઓ વિવિધ મોડેલો, ઉપગ્રહોનો ડેટા અને અન્ય અવલોકનોનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ સમયે તેના વિશે માહિતિ આપતા હોય છે તો પણ તેમાં અનિશ્ચિતતાઓ આવવાની સંભાવના રહેલી હોય છે.















