બિપરજોય વાવાઝોડું: ગુજરાત પર ત્રાટકનારાં વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા કેમ વધી રહી છે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતીય હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ ચૂક્યું છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઘણાં સ્થળોએ મકાનો ક્ષતિગ્રસ્ત થયાં હોવાની તસવીરો આવી રહી છે. પવનની ગતિ અને વરસાદનું પ્રમાણ આગામી કલાકોમાં હજુ વધવાની સંભાવના છે.
નોંધનીય છે કે વાવાઝોડું ‘વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ’ની તીવ્રતા સાથે ગુજરાતના કાંઠે ત્રાટક્યું છે.
ગુજરાત એક હજાર 600 કિલોમિટરનો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. અરબ સાગરના વધતા જતાં તાપમાનને કારણે તાજેતરનાં વર્ષોમાં વાવાઝોડાંની સંખ્યા, તેની તીવ્રતા અને તેના કારણે થનાર ભારે વરસાદથી થનાર નુકસાનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.
ગુજરાતમાં 40થી વધુ નાનાં-મોટાં બંદર ઉપર દૈનિક અબજો રૂપિયાના માલની આયાત-નિકાસ થાય છે. વધતાં જતાં વાવાઝોડાં ન કેવળ વેપાર ઉપર જોખમ ઊભું કરે છે, પરંતુ દરિયા કાંઠે રહેતા લોકોની આજીવિકા અને જીવન પર પણ જોખમ ઊભું કરે છે.
બિપરજોય એ વર્ષ 2023નું ગુજરાતનું પહેલું અને દેશનું 'મોચા' પછીનું બીજું વાવાઝોડું છે. નોંધનીય છે કે 2019માં અરબ સાગરમાં 'મહા', 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાયાં હતાં.

વાવાઝોડાં કેમ વધી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL
વાવાઝોડાંના સર્જન અને દરિયાની સપાટીના તાપમાન વચ્ચે સીધો સંબંધ છે. આ વધતાં જતાં તાપમાન માટે જળવાયુ પરિવર્તનને મહત્ત્વપૂર્ણ જવાબદાર પરિબળ માનવામાં આવે છે.
માત્ર ભારત જ નહીં પાકિસ્તાન યમન અને ઓમાન જેવા દેશોમાં પણ અગાઉ કરતાં વધુ સંખ્યામાં અને વધુ શક્તિશાળી વાવાઝોડાં જોવા મળી રહ્યાં છે.
પુણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટિયૉરૉજિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. રૉક્સી મૈથ્યૂ કોલના કહેવા પ્રમાણે, "ક્લાઇમેટ ચેન્જના કારણે તાજેતરના દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રી જેટલી વૃદ્ધિ થઈ છે. જે સાયક્લોનના સર્જન માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"અગાઉ અરબ સાગરની સપાટી ઠંડી હતી જેના કારણે દરિયામાં લો પ્રેશર એરિયા, ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સર્જાતાં હતાં, પરંતુ પશ્ચિમ-મધ્ય તથા ઉત્તર અરબ સાગરની જળસપાટીનું તાપમાન નીચું રહેતું હોવાને કારણે તે વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરી શકતાં ન હતાં, પરંતુ દરિયાઈ સપાટીના ઉચ્ચ તાપમાનને કારણે ન કેવળ ડિપ્રેશન વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેની તીવ્રતા પણ વધુ હોય છે."
રાજ્યમાં સામાન્ય રીતે મે-જૂન મહિના દરમિયાન ચોમાસું બેસતું હોય ત્યારે અને ઑક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું પૂરું થાય ત્યારે વાવાઝોડાં જોવા મળતાં હોય છે. ત્યારે શું તાજેતરનાં વર્ષોમાં ગુજરાતમાં વાવાઝોડાં વધ્યાં છે, તેવા સવાલના જવાબમાં ડૉ. કૌલ જણાવે છે :
"વાવાઝોડાનું સર્જન દરિયામાં થતું હોય છે. તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવા આ વાવાઝોડાની દિશા નક્કી કરે છે. વાવાઝોડાનો માર્ગ દરિયામાં તેના સર્જનસ્થળ અને તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવાની દિશા ઉપરથી નક્કી થતો હોય છે. સામાન્ય રીતે આ સમયગાળામાં અરબ સાગરમાં જે વાવાઝોડાં ઉત્પન્ન થાય છે, તેની દિશા ગુજરાત તરફની હોય છે."
અગાઉ દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી ઉષ્ણકટીબંધીય વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા માટે પંકાયેલી હતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં અરબ સાગરમાં પણ આ પ્રકારનું જ વલણ જોવા મળી રહ્યું છે.

પૂર્વ અને પશ્ચિમ
જ્યારે કોઈ વાવાઝોડામાં છેલ્લા 24 કલાક દરમિયાન 55 કિલોમિટર જેટલી વૃદ્ધિ થાય ત્યારે તે 'સુપર સાયક્લોન'નું સ્વરૂપ ધારણ કરે છે. બિપરજોય તથા તૌકતેના કિસ્સામાં તેણે અચાનક જ સુપર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ડૉ. કૌલના કહેવા પ્રમાણે, "વાવાઝોડાની ઝડપમાં થનારી સંભવિત વૃદ્ધિની આગાહી કરવામાં દરિયાઈ તાપમાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમી તટ પર દરિયાઈ તાપમાનની માહિતી મેળવવા માટેનાં સાધનો તથા તેના માટે જરૂરી ડેટા ઉપલબ્ધ નથી, જેના કારણે આગાહી કરવાનાં મૉડલ નિષ્ફળ નીવડે છે."
"અચાનક જ તે સુપર સાયક્લૉનનું સ્વરૂપ ધારણ કરી લે છે, જેના કારણે જરૂરી પૂર્વતૈયારીઓ કરવાનો તથા દરિયાકિનારેથી લોકોને ખસેડવાની કામગીરી માટે પૂરતો સમય નથી મળતો."
ડૉ. કૌલ દેશના પૂર્વ કિનારે અલગ-અલગ વિભાગ વચ્ચે સંકલન, માનવસંશાધન અને સાધનોની સજ્જતાની પ્રશંસા કરે છે અને પશ્ચિમના કિનારે પણ સમાન પ્રકારની તૈયારીઓની હિમાયત કરે છે.

સરકાર, સંશોધન અને સજ્જતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અરબ સાગરમાં પ્રવર્તમાન સ્થિતિ અને ગુજરાત ઉપર થનારી તેની સંભવિત અસર અંગે સરકાર સતર્ક હોવાનો અને અભ્યાસ કરવાનો પણ દાવો કરી રહી છે. ગુજરાત સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે :
"વર્ષ 2020માં કોરોનાકાળ આસપાસ ગુજરાત સરકારને એક અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં અરબ સાગરની તાસીર વિશે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર અને નવસારી વચ્ચેના દરિયાકિનારા ઉપર વાવાઝોડાંનું જોખમ વધુ તોળાઈ રહ્યું હોવું જણાવવામાં છે."
"ભાવનગર અને અમદાવાદ 'ખૂબ જ ઉચ્ચ નુકસાન સંભવિત વિસ્તાર' હેઠળ આવે છે, જ્યારે દરિયાકિનારાના 100 કિલોમિટરની અંદર આવેલા 17 જિલ્લા (કે તેના હદવિસ્તાર) 'ઉચ્ચ નુકસાન સંભવિત વિસ્તાર' હેઠળ આવે છે."
ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જે વાવાઝોડું ત્રાટકવાની દૃષ્ટિએ 'ખૂબ જ ઉચ્ચ સંભાવના' ધરાવતો નથી.
અમદાવાદ, ભાવનગર, જામનગર, સુરત, નવસારી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, આણંદ, ભરૂચ, વલસાડ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લા 'ઉચ્ચ' સંભાવનાવાળા જિલ્લા છે.
વડોદરા અને અમરેલી જિલ્લામાં સંભાવના 'મધ્યમ' તો સુરેન્દ્રનગર તથા ખેડા 'નિમ્ન' સંભાવનાવાળા વિસ્તાર છે.
પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન ગુજરાતમાં દરિયાકિનારે થઈ રહેલાં ઔદ્યોગિક વિકાસને કારણે મૅનગ્રૂવનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે અહેવાલમાં મૅનગ્રૂવના શૅલ્ટર બેડ ઊભા કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેના કારણે દેશના અન્ય ભાગોમાં લાભ થયો હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.
ઉપરોક્ત અધિકારી હવે સંબંધિત વિભાગ સાથે જોડાયેલા ન હોય, ઔપચારિક રીતે આ મુદ્દે કશું કહેવા માટે અધિકૃત નથી.

ઇતિહાસના અરિસામાં આંધી

વર્ષ 1975થી 1999 દરમિયાન ગુજરાતને ધમરોળનારાં વાવાઝોડાંની વાત કરીએ તો આ દરમિયાન વાવાઝોડાં પોરબંદર, વેરાવળ, દીવ કે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યાં હતાં.

આંખ, આંધી, અંધાધૂંધી

ઇમેજ સ્રોત, ANI
જ્યારે વંટોળની ગતિ 31 કિલોમિટર પ્રતિ કલાક (કે ઓછી) હોય તો તેને 'લો-પ્રેશર એરિયા' તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે વંટોળની ઝડપ (31-49 કિલોમિટર પ્રતિ કલાક) હોય ત્યારે તેને 'ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. તે 50થી 61 કિમી/પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે એટલે તેને 'ડીપ-ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે.
પવનની ગતિ 62થી 88 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચે એટલે તે 'વાવાઝોડું' બને છે. તે 89થી 118 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે એટલે 'સિવિયર સાયક્લોન' બને છે.
221 કિલોમિટરથી ઓછી અને 119 કિલોમિટર કરતાં વધુની ઝડપ હોય તો તેને 'વેરી સિવિયર સાયક્લોન' કહેવામાં આવે છે અને 222 કિલોમિટર/પ્રતિ કલાક કરતાં વધુની ઝડપ હોય તો તે 'સુપર સાયક્લૉન' બને છે.
વાવાઝોડાં તેની સાથે ભારેથી અતિભારે વરસાદ ખેંચી લાવે છે, જેના કારણે જાનમાલ અને મિલકતને નુકસાન થઈ શકે છે.
વાવાઝોડાંના મધ્યવર્તી ભાગને 'આઈ' કે આંખ તરીકે ઓળખવામાં આવે છે અને આ વિસ્તાર શાંત હોય છે. જે વંટોળે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેનો ઘેરાવો 150થી એક હજાર કિલોમિટર સુધીનો હોય શકે છે. આંખનો વ્યાસ 30થી 50 કિલોમીટર સુધી હોઈ શકે છે.
વાવાઝોડાની આંખની ફરતેના 50 કિલોમિટર સુધીના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે છે. તેને "વાદળોની દિવાલના વિસ્તાર" તરીકે ઓળખવામાં આવે છે. તેની બહારનો વિસ્તાર જેટલો દૂર હોય, તેટલી ઓછી અસર થાય છે.
વાવાઝોડું કિનારે પહોંચવા માટે દૈનિક 300થી 500 કિલોમિટર સુધીની સફર ખેડતું હોય છે. લૅન્ડફોલ થયા બાદ તેની ગતિ મંદ પડે છે, પરંતુ ઘણી વખત આ ગતિ જળવાય રહેતી હોય છે, જેના કારણે ભારે વિનાશ અને તારાજી સર્જાતી હોય છે.
વાવાઝોડું કિનારે પહોંચે ત્યારે દરિયામાં દસ ફૂટથી માંડીને 40 ફૂટ સુધીની ઊંચાઈવાળાં મોજાં ઊઠી શકે છે.















