બિપરજોય વાવાઝોડું : ગુજરાત નજીક પહોંચેલું ચક્રવાત જ્યારે કાંઠે ટકરાશે ત્યારે ખરેખર શું થશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
બિપરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું ગુરુવારે સાંજે 6 વાગ્યા પછી કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકે એવી શક્યતા છે.
120-130 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતા પવનો સાથે લૅન્ડફૉલ કરશે અને પવનની તીવ્રતા 145 કિલોમિટર પ્રતિકલાક પણ હોઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગની અપડેટ અનુસાર ‘અતિ પ્રચંડ સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોય 15 જૂન ગુરુવારે જખૌ બદરથી 80 કિલોમિટરથી પણ ઓછા અંતરે, દેવભૂમિ દ્વારકાથી 160 કિલોમિટરથી ઓછા અંતરે, નલીયાથી 140 કિલોમિટરથી અંતરે દૂર, પોરબંદરથી 240 કિલોમિટર અંતરે દૂર અને કરાચી(પાકિસ્તાન) થી 240 કિલોમિટર દૂર છે.
બિપરજોય પાછલા છ કલાકથી 12 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
જ્યાં ચક્રવાતનું કેન્દ્ર જમીનને જે સ્થળે ટકરાય એ ઘટનાને ચક્રવાતનું ‘લૅન્ડફૉલ’ કહે છે.
હવામાન વિભાગ અનુસાર 15મી જૂને એટલે કે આજે સાંજ પછી બિપરોજય વાવાઝોડાનું લૅન્ડફૉલ થશે. જે પાકિસ્તાનના કરાચી અને ગુજરાતના માંડવી વચ્ચે જખૌ બંદર નજીકમાં લૅન્ડફૉલ થવાની આગાહી છે. ચક્રવાતની આંખ એટલે કે વાવાઝોડાનું કેન્દ્ર જે વિસ્તારમાંથી પસાર થાય તેને લૅન્ડફૉલ સ્પોટ કહેવાય છે.
અહીં જો લૅન્ડફૉલની વાત કરીએ તો, વાવાઝોડું જખૌ બંદરે ટકરાઈ શકે છે. જેમાં લગભગ મહત્તમ 144 કિલોમિટર પ્રતિકલાકના ઝડપી પવનો અને તોફાન સાથે વરસાદની આગાહી છે.
વળી જ્યાં સુધી વાવાઝોડાની આંખની વાત છે, તો જેની આસપાસ ચક્રવાત ફરતું હોય છે એની વચ્ચે કેન્દ્રમાં તેની આંખ હોય છે. ચક્રવાતોની આંખનો વ્યાસ 20-50 કિલોમિટરનો હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે અભ્યાસનાં તારણરૂપે તેઓ એવું પણ નોંધે છે કે મોટાભાગનાં વાવાઝોડાંની આંખનો વ્યાસ 30થી 60 કિલોમિટર જેટલો નોંધાયો છે, એથી ઓછા કે વધારે વ્યાસની આંખ ધરાવતાં વાવાઝોડાં જૂજ મળ્યાં છે.
ચક્રવાતનો આ સૌથી શાંત ભાગ હોય છે. જોકે પૃથ્વી તેની ધરી પર ભ્રમણ કરે છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફે થતું હોય ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના પવનો ફંટાઈ જતા ચક્રવાત તેના કેન્દ્ર આસપાસ ગોળગોળ ફરે છે. અને વચ્ચે આંખની દીવાલ સર્જાય છે.

‘લૅન્ડફૉલ થતાં આખો વિસ્તાર નષ્ટ કરી નાખે છે’
વાવાઝોડાના લૅન્ડફૉલ વિશેની વધુ જાણકારી માટે બીબીસીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા ભારતીય હવામાન વિભાગની ક્ષેત્રિય હવામાન કચેરીનાં વડાં હવામાન વૈજ્ઞાનિક મનોરમા મોહંતી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું કે, “વાવાઝોડાનું લૅન્ડફૉલ થવાનો અર્થ છે કે અડધું વાવાઝોડું જમીન વિસ્તારમાં અંદર ઘૂસી ચૂક્યું હોય તેનું કેન્દ્ર, જેને આંખ પણ કહેવાય છે, એ જ્યારે કાંઠા પર ટકરાય એટલે લૅન્ડફૉલ થયું કહેવાય છે. વાવાઝોડાનો આ સૌથી વિનાશક ભાગ હોય છે અને એના પથમાં આવતી તમામ વસ્તુને એ નષ્ટ કરી દે છે.”
“વળી લૅન્ડફૉલ પહેલાં તોફાન, ભારે પવનો, અને વરસાદ શરૂ થઈ જાય છે અને વાવાઝોડાની અસર પણ શરૂ થઈ જાય છે કેમ કે આંખની દીવાલ વિસ્તારમાં પ્રવેશી ચૂકી હોય છે. જ્યારે કેન્દ્રમાં વધુ તીવ્રતા હોય છે.”
“પણ લૅન્ડફૉલ પછી પવનની દિશા બદલાઈ જાય છે અને વાવાઝોડું નબળું પડી જાય છે.”

વાવાઝોડાની આંખ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક વાર જમીન સાથે ટકરાયા બાદ વાવાઝોડું મંદ પડે છે કેમકે જમીન સાથે થતાં ઘર્ષણના કારણે પવનની ગતિ ધીમી થાય છે અને તેને જોઈતી ઊર્જા પૂરતા પ્રમાણમાં મળતી નથી. જોકે ધીમે ધીમે તે ફરી ઊર્જા મેળવતા પવન ગતિ પકડે છે અને તેનો આગળનો પથ પ્રવર્તમાન ભૌગોલિક અને વાતાવરણીય પરિસ્થિતિ નક્કી કરે છે.
સામાન્યપણે વાવાઝોડું લૅન્ડફૉલ થયા બાદ નબળું પડતું હોય છે.
જોકે, વાવાઝોડાનો જે ઘેરાવો એટલે કે એના કેન્દ્રની ફરતેની દીવાલ જ્યારે કાંઠાવિસ્તારના સંપર્કમાં આવે છે. ત્યારે પણ અસર જોવા મળે છે. પરંતુ ખાસ તેનું કેન્દ્ર જમીન પર પ્રવેશે એને લૅન્ડફૉલ કહેવામાં આવે છે.
હવામાન વિભાગે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં 15મી જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેમ કે 15મી જૂને વાવાઝોડું કરાચી અને જખૌ વચ્ચે લૅન્ડફૉલ કરે એવી શક્યતા છે.
જે વિસ્તારમાં 'આંખ' હોય, ત્યાં તેની ઉપર વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આંખનો ભાગ 'ક્લાઉડ ફ્રી' વિસ્તાર હોય છે.
વાવાઝોડાની આંખ વિશે એવો અર્થ ન કાઢવો જોઈએ કે આંખ નાની હોય તો વાવાઝોડું નબળું હશે. ઓછો વ્યાસ ધરાવતી આંખવાળું વાવાઝોડું પણ શક્તિશાળી હોઈ શકે છે.
અમેરિકાની સમાચાર વેબસાઇટ બૅ ન્યુઝ9ના અહેવાલ અનુસાર 16 કિલોમિટરથી ઓછો વ્યાસ ધરાવતી આંખને પીન હૉલ આંખ કહેવામાં આવે છે.
વિશ્વનાં અનેક સૌથી શક્તિશાળી વાવાઝોડાં પિન હૉલ આંખ ધરાવતાં હતાં. આ અહેવાલ પ્રમાણે આંખ જેટલી નાની હોય, વાવાઝોડું એટલી જ ઝડપથી ફરી શકે છે.
'વિલ્મા' વાવાઝોડામાં જે આંખ હતી તે સૌથી નાની હોવાનો અંદાજ છે, જેનો વ્યાસ માત્ર 2 માઇલ એટલે કે અંદાજે 3.2 કિલોમિટર જેટલો હતો.
જ્યારે સૌથી મોટી આંખનો રેકર્ડ 'વિન્ની' અને 'કાર્મેન' વાવાઝોડાંના નામે નોંધાયેલો છે.
બંને વાવાઝોડાની આંખનો વ્યાસ 230 માઇલ એટલે કે 370 કિલોમિટર હતો.

લૅન્ડફૉલ સમયે કેવી સ્થિતિ રહેશેે?

ઇમેજ સ્રોત, IMD
દરમિયાન 15 જૂને વરસાદમાં વધારો થશે અને જેમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, અને જામનગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની સાથે સાથે કેટલાંક સ્થાને અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી ખૂબ ભારે વરસાદ થવાની સંભાવના છે.
15 જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના જિલ્લામાં પણ છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
16 જૂને ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા દક્ષિણ રાજસ્થાનના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી બહુ ભારે વરસાદ થવાની સંભાવના છે.
15 જૂનની સવારથી 115-125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપના પવનો મહત્તમ તીવ્રતા 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી 12 કલાક સુધી ફૂંકાય તેવી શક્યતા છે.
16જૂનની સવારથી સાંજ સુધી ઉત્તર ગુજરાત અને તેની સાથે જોડાયેલા દક્ષિણ રાજસ્થાનમાં પવનની ગતિ ઘટીને 45-55 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી મહત્તમ તીવ્રતા 65 કિલોમિટર પ્રતિ કલાક સુધીની થઈ જશે.

જ્યારે તૌકતે વાવાઝોડાનું દીવ અને પછી ઊનામાં લૅન્ડફૉલ થયું....

ઇમેજ સ્રોત, DILIP MORI
વાવાઝોડું તૌકતે દીવ કાંઠાથી પસાર થયા બાદ ગીર-સોમનાથના ઊનામાં પ્રવેશ્યું હતું અને ત્યાં લૅન્ડફોલ પણ થયું હતું.
હવામાન વિભાગ અનુસાર ઊનામાં વાવાઝોડું પ્રવેશ્યું ત્યારે પવનની ગતિ 100 કિલોમિટર પ્રતિ કલાકથી પણ વધુ રહી હતી. વળી લૅન્ડફોલ બાદ ઊનામાં પવનની ગતિ 136 કિલોમિટર પ્રતિ કલાકની રહી હતી. જે તેની તીવ્રતા અને ગંભીરતા દર્શાવે છે.
ગીર-સોમનાથ કલેક્ટર અનુસાર ઉનાને ડેન્જર ઝોનમાં મૂકવામાં આવ્યું હતું. ત્યાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. અને રસ્તાઓ બ્લૉક થઈ જતાં તે એક રીતે સંપર્કવિહોણું થઈ ગયું હતું.
મોબાઇલ નેટવર્ક પણ કામ નહોતા કરી રહ્યાં. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતાં વાહનોને પણ નુકસાન થયું હતું.
સ્થાનિકોની ઘરવખરી પણ વરસાદને લીધે પલળી જતા અસરગ્રસ્તો માટે સમસ્યા સર્જાઈ હતી.
તીવ્ર સાઇક્લોનિક તૌકતેની આંખ પણ ઊનામાંથી પસાર થઈ હતી. લગભગ 2 કલાક સુધીની તેની લૅન્ડફોલની સમયાવધિમાં ઊના તેનું શિકાર બન્યું. અહીં કેટલાંકના મોત પણ થયા હોવાના અહેવાલ નોંધાયા હતા.
આમ જ્યાંથી વાવાઝોડાની આંખ પસાર થાય છે અને લૅન્ડફૉલ થાય છે, ત્યાં માઠી અસર થતી હોય છે.

કેમ ગુજરાતના દરિયાકાંઠે વધુ વાવાઝોડાં?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું માનવું છે કે પાછલાં અમુક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડાંના નિર્માણની ઍક્ટિવિટીમાં અસામાન્ય વધારો થયો છે.
તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ કાંઠે આવેલાં રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર પર વાવાઝોડાં સ્વરૂપે કુદરત કોપાયમાન થવાનો સિલસિલો પાછલાં અમુક વર્ષોથી સતત વધારા પર હોવાનું જોવા મળી રહ્યું છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર પહેલાં ભારતની દરિયાઈ વિસ્તારોમાં સર્જાતાં વાવાઝોડાં પૈકી દરેક પાંચમાંથી ચાર વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાતાં હતાં. જોકે, પાછલાં અમુક વર્ષોમાં આ વલણ બદલાયું છે.
હવે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાવાની ઍક્ટિવિટીમાં વધારો જોવા મળ્યો છે.
જે સ્પષ્ટપણે ગુજરાત દરિયાકાંઠાને વાવાઝોડાની વધુ શક્યતાવાળા ઝોનમાં મૂકી દે છે.
માત્ર વાવાઝોડાં સર્જાવાની કિસ્સા જ નહીં પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું જણાવાય છે.
પહેલાં એવું માનવામાં આવતું કે બંગાળની ખાડીનો પ્રદેશ અરબ સાગર કરતાં વધુ ગરમ હોવાના કારણે અરબ સાગરની સરખામણીએ બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાં સર્જાય છે.
આ બાબતને ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાનાં રાજ્યો રાહતની બાબત ગણતાં હતાં. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી આ વલણમાં ફેરફાર થયો છે.
અને ગુજરાતને પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવાં પૂર્વ કાંઠે આવેલાં રાજ્યો, જ્યાં અવારનવાર વાવાઝોડાં તબાહી સર્જતાં હોય છે, તેવી ચિંતાજનક શ્રેણીમાં મૂકે છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર હવામાનશાસ્ત્રીઓ આ બદલાવ માટે અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં થયેલા ફેરફારને કારણભૂત માને છે.
આ ક્ષેત્રના તાપમાનના વધારા માટે તેઓ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાને તરફ આંગળી ચીંધે છે.

કેમ વધુ તીવ્ર બની રહ્યાં છે વાવાઝોડાં?

ઇમેજ સ્રોત, ANI
આ વાતનો સંબંધ પણ જે-તે ક્ષેત્રના તાપમાન સાથે જ છે.
અરબ સાગરમાં પાણી અને હવાનું તાપમાન વધવાના કારણે આ ક્ષેત્રમાં વાવાઝોડું વધુ તીવ્ર બનવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે.
નોંધનીય છે કે પાણી અને હવાના તાપમાનને કારણે સર્જાતાં લૉ પ્રેશરના કારણે વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે અનુસાર તેની તીવ્રતા પણ વધતી-ઘટતી હોય છે.
વેધર ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગત વર્ષે પશ્વિમ કાંઠે ત્રાટકેલ વાવાઝોડા નિસર્ગના નિર્માણ દરમિયાન પાણીની સપાટીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું.
નોંધનીય છે કે આ ક્ષેત્રમાં આ સિઝન દરમિયાનનું તાપમાન સરેરાશ 24થી 26 ડિગ્રી સેલ્સિયસ હતું.
ભારતીય હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં 1981-2010ના સમયગાળાના સરેરાશ તાપમાનની સરખામણીમાં 0.36 સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો.
આગળ જણાવ્યું એમ દરેક વાવાઝોડાની શક્તિનો સ્રોત સપાટીનું તાપમાન હોય છે. આમ અરબ સાગર ક્ષેત્રનું તાપમાન વાવાઝોડાના નિર્માણ માટે પાછલા ઘણા સમયથી અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડતી હોવાનું કહી શકાય.















