બિપરજોય વાવાઝોડું : વાવાઝોડાથી બચવા શું કરવું? શું ન કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
અરબ સાગરમાં સર્જાયેલ ‘સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ’ બિપરજોયની દરેક જતા દિવસે વધતી જતી તીવ્રતા ગુજરાત અને ભારતના કાંઠા વિસ્તારો માટે ‘ચિંતાનો મુદ્દો’ બન્યો છે.
હવામાન વિભાગ તરફ શૅર કરાયેલ વાવાઝોડાની લેટેસ્ટ માહિતી અનુસાર બિપરજોયની અસર સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.
ઝડપી પવનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી દેવાઈ છે.
પાછલા ઘણા દિવસોથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાનું ખેડાણ ન કરવાને લઈને ચેતવણી પણ જાહેર કરી દેવાઈ છે.
વાવાઝોડાની પરિસ્થિતિને કારણે દરિયો તોફાની બનતાં અસરગ્રસ્ત જિલ્લામાં માનવીય પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગુજરાતનાં તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલો જાહેર કરી દેવાયાં છે.
સાયક્લૉન બિપરજોયની તીવ્રતા વધીને ‘વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ’ કૅટગરીની થઈ જવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
15 જૂન સુધી વાવાઝોડું પાકિસ્તાન અને નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના તટે પહોંચી શકે છે. હાલની આગાહી પ્રમાણે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લૅન્ડફૉલ થવાની પણ સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડાની આપત્તિને કારણે સ્થાનિક તંત્ર સહિત રાજ્યના કાંઠા વિસ્તારના લોકો પણ સુરક્ષાને લઈને ફિકરમંદ જોવા મળી રહ્યા છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા સલામતી સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત પગલાં લીધાં હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
વાવાઝોડાના સંભવિત આગમનને પગલે હવે એ વાતની પણ ચર્ચા થવા લાગી છે કે આવી સ્થિતિમાં સાવચેતી માટે શાં પગલાં લેવાં? આગમચેતીની તૈયારીના ભાગરૂપે શું ધ્યાન રાખવું?
એ પહેલાં જાણી લઈએ કે વાવાઝોડાને કારણે આખરે કેવી કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે? લોકોએ આ આપત્તિને પગલે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે?

ગુજરાતનાં આ શહેરોમાં થશે વાવાઝોડાની સીધી અસર
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડાની અસર વધુ થઈ શકે છે. વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, ઓખા, કંડલા અને ભાવનગર અને અન્ય નાના બંદર શહેરો પર પણ વધુ અસર થઈ શકે છે.
વાવાઝોડું ક્યાં ત્રાટકશે તેની આગાહી કરવી ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે. જ્યારે તે મહાસાગરોમાંથી જમીન વિસ્તાર તરફ આગળ વધવાનું શરૂ કરે છે, ત્યારે વાવાઝોડું ટ્રૅક બદલી શકે છે અને અમુક વાર અપેક્ષિત વિસ્તારો સિવાયના અન્ય વિસ્તારોમાં ત્રાટકે છે.
ભારતીય હવામાન વિભાગે ભારતમાં વાવાઝોડા માટે ચાર તબક્કાની ચેતવણી સિસ્ટમ વિકસિત કરી છે.
જ્યારે મહાસાગરોમાં ડિપ્રેશન સર્જાય છે ત્યારે આ ચેતવણી ચક્રવાતની શક્યતાનું સૂચન કરે છે. ગુજરાતના કિસ્સામાં અરબી સમુદ્રમાં આવું ડિપ્રેશન બને એ ચક્રવાતનો સંકેત આપે છે.

ઍલર્ટ સ્ટેજ - જ્યારે વાવાઝોડું જમીન પર ત્રાટકવાની શક્યતા હોય છે, તેના 48 કલાક પહેલાં આ ચેતવણી આપવામાં આવે છે.
વોર્નિંગ સ્ટેજ - આ એ તબક્કો હોય છે, જ્યારે વાવાઝોડું સર્જાય છે. વાવાઝોડની શરૂઆતના અપેક્ષિત સમયના 24 કલાક પહેલાં આ ચેતવણી આપવામાં આવે છે.
વાવાઝોડાનું આગમન - વાવાઝોડું જમીન પર ત્રાટકે તેના 12 કલાક પહેલાં આ ચેતવણી આપવામાં આવે છે. આ ચેતવણી વાવાઝોડું તેમજ પવન જ્યાં સુધી પવન ઓછો ન થાય ત્યાં આપવામાં આવે છે. વાવાઝોડાને લઈને દરિયાઈ બંદરો પર જોખમના સંકેત આપવામાં આવે છે.
સામાન્યપણે વિવિધ માધ્યમો થકી રેડિયો અને ટેલિવિઝન દ્વારા વાવાઝોડાની ચેતવણી આપવામાં આવે છે.

તીવ્ર પવન અને ભારે વરસાદથી શું નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, ANI
હિંદ મહાસાગર અને બંગાળની ખાડી જેવા ઉષ્ણકટિબંધીય મહાસાગરો અને અને અરબ સાગર પરથી વાવાઝોડાનો ઉદ્ભવ થાય છે. જે 118 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાઈ શકે છે.
વાવાઝોડાને કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
તેનાથી વીજ પુરવઠો અને ટેલિકૉમ્યુનિકેશન લાઈનોને અસર થઈ શકે છે. વીજ પુરવઠો અને ટેલિફોનના નેટવર્ક પણ ખોરવાઈ શકે છે.
પૂરના કારણે રેલવે ટ્રૅકને નુકસાન થવાથી તેનું કૉમ્યુનિકેશન ખોરવાઈ શકે છે તેના કારણે ટ્રેનની અવરજવર પ્રભાવિત થઈ શકે છે.
પ્રતિકૂળ હવામાનની સ્થિતિ હવાઈ સેવાઓને પણ અસર કરે છે. ભારે પવન, ભારે વરસાદને કારણે બંદરોનું કામ બંધ થઈ જાય છે. કેટલીક વખત વહાણો પલટી જવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઝડપથી પવન ફૂંકાવાને કારણે ઝાડ અને છોડ પણ વળીને ઊખડી શકે છે.

વાવાઝોડાને કારણે ઘરનાં પતરાં અને દીવાલોને પણ નુકસાન થઈ શકે છે.
આ સાથે મકાનો ધરાશાયી થઈ જવાથી લોકો બેઘર બની શકે છે. પવન ઝડપથી ફૂંકાવાને કારણે હળવું મેટલ અને લાકડાની પ્લાય પણ ઊડી શકે છે, તેનાથી લોકોને ગંભીર ઈજા પણ થઈ શકે છે. તૂટેલા કાચના ટુકડાથી પણ ગંભીર ઈજાઓ થઈ શકે છે.
આ સિવાય પૂરનું પાણી ઓસરતાં પણ ઘણી વાર લાગી શકે છે.
પૂરના પાણીથી ખેતરોની સાથે પુલ, ડૅમને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.
વાવાઝોડાને કારણે પીવાનું પાણી અશુદ્ધ થઈ જવાથી કોલેરા, કમળો કે વાઇરલ ફીવર જેવા રોગો ફાટી નીકળવાનો ભય હોય છે.

આ જિલ્લાઓને થશે સૌથી વધુ અસર

15 જૂને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે.
છાપરાવાળાં ઘરોને સંપૂર્ણ નુકસાન, કાચાં ઘરોને વ્યાપક નુકસાન, પાકાં મકાનોને થોડું નુકસાન તેમજ ઊડે તેવી વસ્તુઓથી વધુ જોખમ રહેવાની શક્યતા છે.
વીજ અને સંચારના થાંભલાને લઈને પણ જોખમ છે.
કાચા અને પાકા માર્ગોને ભારે નુકસાન થવાની શક્યતા, પૂરથી બચવાના માર્ગો, રેલવે, ઓવરહેડ વીજ લાઇનો અને સિગ્નલિંગ સિસ્ટમના સામાન્ય વિક્ષેપ સર્જાઈ શકે છે.
આ સિવાય ખેતરમાં ઉગાડેલા પાક અને બાગો વ્યાપક નુકસાન, નારિયેળનું પડવું અને તાડની ડાળીઓ તૂટવી, આંબા જેવાં ઘટાદાર વૃક્ષોને નુકસાન થવાની શક્યતા છે.

વાવાઝોડું ત્રાટકે એ અગાઉ અને એ દરમિયાન શું કરવું?

ઇમેજ સ્રોત, ANI
- વાવાઝોડા પહેલાં તમારા ઘરની તપાસ કરાવવી જોઈએ અને જરૂર જણાય તો તેનું સમારકામ પણ કરાવવું જોઈએ.
- રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવવું જોઈએ નહીં.
- બાળકો સાથે વાત કરો અને તેમને ડરાવ્યા વિના વાવાઝોડા વિશે માહિતી આપવી જોઈએ.
- વાવાઝોડની જાગૃતિ માટે પરિવાર સાથે વાવાઝોડાની અસરો વિશે ચર્ચા કરો, જેથી દરેકને ખબર પડે કે ઇમર્જન્સીમાં શું કરવું અને શું ન કરવું જોઈએ. તેનાથી તમે ભય અને ચિંતા દૂર કરી શકો છો અને લોકો ઇમર્જન્સી સમયે શું કરવું તેના માટે નિશ્ચિત રહે છે.
- તમારા જરૂરી દસ્તાવેજો અને કિંમતી સામાન એવા ડબ્બામાં રાખો જેથી પાણીથી નુકસાન ન થાય.
- તમારું બ્લડગ્રૂપ કયું છે તેની માહિતી પણ સાથે રાખવી જોઈએ.
- ઘરમાં રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરી સેલ પણ રાખવા જોઈએ.
- બીમાર કે ડાયાબિટીસના દરદી કે બાળકો કે વૃદ્ધો માટે અલાયદું આયોજન કરો.
- આ સાથે સાત દિવસ ચાલી શકે તેટલી ખાદ્યસામગ્રી, દવા અને પાણી સ્ટોર કરી રાખવું જોઈએ.
- ઉપરાંત ધાબળા અને કપડાં પણ તૈયાર રાખવાં જોઈએ તેમજ પરિવારના ફોટોની અમુક કૉપી સાથે રાખવી જોઈએ, જેના કારણે વાવાઝોડા બાદ ઓળખ કરવા માટે તે કામ લાગી શકે.
- આ સિવાય વાવાઝોડાની સ્થિતિમાં બચાવ સુનિશ્ચિત કરવા માટે બારીઓને ઢાંકવા માટે કેટલાક લાકડાના બોર્ડનો સંગ્રહ પણ કરવો જોઈએ.
- વૃક્ષોનો ખરાબ થઈ ગયેલો ભાગ કાપી નાખો, જેનાથી નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે.
- બારી-બારણાં સાચવીને ખોલવાં જોઈએ તેમજ વધારાનું પાણી સંગ્રહ કરીને રાખવું જોઈએ.
- આ સાથે સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોઈએ ત્યારે પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ.
- માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.
- રાજ્ય સરકાર અનુસાર, વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા જોઈએ.

વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ?

- વાવાઝોડા સમયે જ્યાં સુધી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ.
- તમારી પાસે વાહન હોય અને તમે બહાર જવા ઇચ્છતા હો, તો વાવાઝોડું શરૂ થતા પહેલાં ઘરે પાછા આવી જવું જોઈએ, કારણ કે વાવાઝોડા સમયે ઘરમાં રહેવું હિતાવહ છે.
- મકાનના ઉપરના માળે રહેવાનું ટાળો. શક્ય એટલું જમીનની નજીક રહો.
- માછીમારોએ તેમની બોટ સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ.
- જૂનાં મકાનો અને બિલ્ડિંગ તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો.
- પ્લમ્બિંગ કે ધાતુની પાઇપને અડશો નહીં.

વાવાઝોડું પસાર થઈ ગયા બાદ શું કરશો?

- વાવાઝોડું પસાર થયા પછી નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. જો સ્થળાંતર કરેલું હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે માર્ગથી જ જવું.
- તૂટેલા કાચ અને ધારદાર વસ્તુઓથી દૂર રહેવું.
- સાપ અને જંતુઓથી દૂર રહો અને તેનાથી બચવા મદદ લો.
- સ્થાનિક અધિકારીઓ અને ઇમર્જન્સી વર્કરની સલાહ માનો.
- તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું.
- રેડિયો અને ટીવી નેટવર્ક "સબસલામત સંદેશ" માટે રાહ જુઓ.
- રાહત બચાવ ટીમોના આગમનની રાહ જુઓ.
- પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
- માછીમારોએ માછીમારી ફરી શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઈએ.
- ઉપરાંત વહીવટી તંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદની જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક તેમનો સંપર્ક કરો.
- ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવી.
- રક્તદાન કરવું.
- જ્યાં સુધી મૃતદેહોનો નિકાલ ન થાય ત્યાં સુધી તેને રાખી શકાય તેવી જગ્યા

માછીમારોની ચેતવણી અને કાર્યવાહીની સૂચના

પૂર્વમધ્ય અને તેનાથી નજીકના પશ્ચિમમધ્ય અરબ સાગરમાં 15 જૂન સુધી અને ઉત્તર અને આસપાસના મધ્ય અરબ સાગરમાં 12થી 15 જૂન દરમિયાન માછલી પકડવાની પ્રવૃત્તિ બંધ રાખવાની સલાહ અપાઈ છે.
મધ્ય અરબ સાગરમાં 15 જૂન સુધી અને 12થી 15 જૂન સુધી ઉત્તર અરબસાગરના વિસ્તારોમાં માછીમારોને ન જવાની સલાહ આપવામાં આવી છે.
જે લોકો સમુદ્રમાં છે, તેમને તટ પર પાછા આવવાની સલાહ આપવામાં આવી છે.















