કોહિનૂર, ટીપુ સુલતાનની તલવાર, શિવાજીની તલવાર બ્રિટન ભારતને પાછી આપશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ગત સપ્તાહે લંડનમાં ટીપુ સુલતાનની તલવાર અને અન્ય વસ્તુઓની લીલામી થઈ તેમાં 142 કરોડ રૂપિયાની બોલી લાગી હતી.
ભારતની કિમતી કલાકૃતિઓનો વિશાળ ખજાનો બ્રિટનમાં છે, જેને પરત મેળવવા માટે ભારતીય સરકારો સતત પ્રયત્નો કરી રહી છે.
મોદી સરકાર પણ પ્રયાસ કરી રહી છે ત્યારે બીબીસીનો આ વિશેષ અહેવાલ જણાવે છે કે સરકાર સામેના પડકારો શું છે અને શું બ્રિટન ખરેખર લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.
જર્મનીમાં આ નરસંહારને રોકવામાં નિષ્ફળતાથી યુરોપ પસ્તાવો અનુભવી રહ્યું હતું અને તે વખતે બીજા વિશ્વયુદ્ધના અંત પછી અમેરિકાએ યહૂદી કલાકૃતિઓને પાછી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.
યુએસ સેનાની દેખરેખમાં અંદાજે સાત લાખ કલાકૃતિઓને ઓળખી કાઢવામાં આવી અને જ્યાંથી તેને લૂંટી લેવાઈ હતી તે દેશોને પરત કરવામાં આવી. મોટાભાગની કલાકૃત્તિઓની માલિકી યહૂદી લોકોની હતી.
પ્રયાસ ત્યાં પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. 1985માં, યુરોપિયન દેશોએ પણ યહૂદીઓની લૂંટાયેલી કલાકૃતિઓની ઓળખ કરવા અને પરત કરવાનું કાર્ય શરૂ કર્યું. 1998માં આ વિશે એક આંતરરાષ્ટ્રીય કરાર તૈયાર થયો, જેના પર 39 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા.
બીજી બાજુ, મધ્યયુગમાં એશિયા અને આફ્રિકાના અનેક દેશોને ગુલામ બનાવીને યુરોપીયન દેશોએ સંપત્તિ લૂંટી હતી તેને પરત કરવા માટે આવો કોઈ ઉત્સાહ દાખવવામાં આવ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલના દિવસોમાં, સમગ્ર યુરોપમાં એવી વિચારસરણી વધી રહી છે કે મધ્ય યુગથી હાલના સમય સુધીમાં, અન્ય દેશો પર કબજો કરાયો, તે દેશોના લોકોને ગુલામ બનાવાયા અને તેમની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવા તે ગંભીર ગુનાઓ હતા.
આ ગુનાનો સૌથી મોટો ભોગ ભારત બન્યું હતું. પ્રારંભમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1857ની ક્રાંતિ પછી, બ્રિટિશ રાજે ભારતની કિંમતી કલાકૃતિઓ, ચિત્રો, કાપડ, શિલ્પો, હીરા અને ઝવેરાત લૂંટી લીધા અથવા બળજબરીથી હસ્તગત કર્યા હતા. કેટલીક વસ્તુઓને સોગાદ તરીકે આપવામાં આવી હતી અને કેટલાક કરાર હેઠળ હસ્તગત કરવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ સામ્રાજ્યવાદના સમયને ભારતમાં 'કાળા યુગ' તરીકે યાદ કરવામાં આવે છે.
દિલ્હીના પ્રખર જમણેરી વિચારધારા ધરાવનારા ડૉ. સુવ્રોકમલ દત્તા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે જૂના ગુનાઓનું પ્રાયશ્ચિત કરવાનો સમય બ્રિટન માટે આવી ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "લૂંટાયેલી ભારતીય કલાકૃતિઓ અને અમૂલ્ય વારસો બ્રિટન પરત ના કરે, તો તેણે વિશ્વને કહી દેવું જોઈએ કે તે ગુલામી, સામ્રાજ્યવાદ, લૂંટ, ગુલામી અને નરસંહારને ન્યાયી ગણે છે. પોતાના કાળા ઇતિહાસને ભૂંસી નાખવાની આનાથી વધુ સારી તક બ્રિટનને નહીં મળે. જો અત્યારે નહીં, તો ક્યારેય નહીં."
વિશ્વભરના જાહેર અને ખાનગી સંગ્રહાલયો પાસે રહેલી ભારતની ચોરાયેલી અને દાણચોરીથી લઈ જવાયેલી પ્રાચીન કલાકૃતિઓને ભારતમાં પરત લાવવા માટે નાગરિક ચળવળ તરીકે 'ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નઈ સ્થિત એસ. વિજય કુમાર અને સિંગાપોર સ્થિત અનુરાગ સક્સેનાએ આ આંદોલન ઉપાડ્યું છે. અનુરાગ સક્સેના કહે છે, "તમારા કબજાના દેશને તેની સંપત્તિ પણ પાછી આપી દેવામાં ના આવે ત્યાં સુધી તેને સ્વતંત્રતા આપી ના કહેવાય."

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે પોતાના લૂંટાયેલા ખજાનાની કોઈ સત્તાવાર યાદી તૈયાર કરી નથી. આવી વસ્તુઓનું મૂલ્યું શું હશે તેનો કોઈ સાચો અંદાજ પણ લગાવી શકાયો નથી.
ભારતીય પુરાતત્વ વિભાગના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આવી કોઈ યાદી પુરાતત્વ વિભાગ પાસે નથી, પરંતુ તેની સંખ્યા હજારોમાં છે. એક અંદાજ મુજબ બ્રિટનમાં ભારતીય કલાકૃતિઓની સંખ્યા 30 હજારથી વધુ છે. એક અંદાજ એવો છે કે આ કલાકૃતિઓ દુર્લભ અને મૂલ્યવાન છે, જેનું મૂલ્ય કરી શકાય તેમ નથી.
ડૉ.દત્તા કહે છે, "તે ભારતનો રાષ્ટ્રીય વારસો છે, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે."

બ્રિટનમાં ભારતની કેવી કલાકૃતિઓ છે?
શું ભારતના પોતાના આગવા વારસાને પરત મેળવી શકશે? તેનો જવાબ જાણતા પહેલા, ચાલો તમને જણાવીએ કે બ્રિટનમાં ભારતનો કેવો કિમતી ખજાનો રહેલો છે.

કોહિનૂર હીરો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌથી પ્રસિદ્ધ ભારતીય કલાકૃતિઓ પૈકી એક, કોહિનૂર હીરો ‘બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સ’નો ભાગ છે, 1849માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લડાઈ બાદ હાંસલ કર્યો હતો અને બાદમાં મહારાણી વિક્ટોરિયાને ભેટ કરાયો હતો.
કોહિનૂરનો ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ
પરિચય:
કોહિનૂર હીરો વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. વિશ્વના સૌથી મૂલ્યવાન રત્નોમાં જેન ગણના થાય છે તે પ્રખ્યાત કોહિનૂર હીરાએ સદીઓથી લોકોના દિલ અને દિમાગને મોહિત કર્યા છે. આજે પણ આ હીરો વિસ્મય અને આકર્ષણ જગાવે છે. ભારત કહે છે કે કોહિનૂર મૂળ અમારો છે જ્યારે ઈંગ્લેન્ડના લોકો તેને પોતાની સંપત્તિ માને છે.
ઉત્પતિ અને પ્રારંભિક ઇતિહાસ:
કોહિનૂર હીરાનું ચોક્કસ મૂળ ક્યાં તે રહસ્યમાં ઘેરાયેલું છે. ભારતના ગોલકોંડા વિસ્તારની કોલૂર ખાણમાંથી તે ખોદકામ વખતે મળી આવ્યો હતો એવું માનવામાં આવે છે. આ હીરા વિશેના સૌથી જૂના દસ્તાવેજ કાકટિયા વંશના શાસનકાળ દરમિયાન 1306ના મળે છે.
રજવાડામાં ફરતો રહ્યો અને જતો રહ્યો સરહદપાર:
સદીઓ દરમિયાન કોહિનૂરની માલિકી બદલાતી રહી અને દક્ષિણ એશિયાના વિવિધ રજવાડામાં તે ફરતો રહ્યો. કાકટિયા શાસકોના હાથમાંથી તે દિલ્હી સલ્તનત અને પછી મુઘલ સામ્રાજ્યના હાથમાં આવ્યો. મુઘલ સમ્રાટ બાબરે પોતાના સંસ્મરણોમાં હીરાનો ઉલ્લેખ કર્યો છે. હીરાને નવેસરથી ઘડવામાં આવ્યો હતો અને તે પહેલાં તેનું વજન 186 કેરેટ હતું તેવો ઉલ્લેખ છે. હીરાને વધારે ઘાટ અપાતા ગયા અને તે રીતે તેનું કદ ઘટીને વર્તમાનમાં છે તેટલું 105.6 કેરેટ થઈ ગયું.
બ્રિટિશ હસ્તગત અને વિવાદ:
ભારતીય ઉપખંડમાં 18મી અને 19મી સદીમાં સત્તા માટે સંઘર્ષો અને યુદ્ધો ચાલ્યા. આ અશાંત સમયગાળા દરમિયાન કોહિનૂર હીરાએ બ્રિટિશ રાજનું ધ્યાન ખેંચ્યું. 1849માં અંગ્રેજ-શીખ વચ્ચે બીજું યુદ્ધ થયું તેમાં બ્રિટિશરોનો વિજય થયો. યુદ્ધની લૂંટના હિસ્સા તરીકે કોહિનૂર તેમના હાથમાં ગયો અને લાહોરની સંધિ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તે સોંપવામાં આવ્યો.
રોયલ ખજાનો અને હીરાનું પ્રદર્શન:
બ્રિટિશ અધિકારીઓએ 1850માં રાણી વિક્ટોરિયાને કોહિનૂર હીરો ભેંટમાં આપ્યો. તે સાથે જ હીરો બ્રિટિશ ક્રાઉન ઝવેરાતનો હિસ્સો બની ગયો, જેનું પ્રદર્શન ટાવર ઑફ લંડનમાં થયેલું છે.
માલિકીના વિવાદો અને માંગણીઓ:
કોહિનૂર હીરાની માલિકી ખરેખર કોની ગણાય તે લાંબી ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. ભારતની સરકારોએ અને વિવિધ વ્યક્તિઓએ કોહિનૂર ભારતને પરત સોંપી દેવામાં આવે તેવી માંગણી કરી છે. તે માટે એવી દલીલ આપવામાં આવે છે કે સામ્રાજ્યવાદી યુગમાં દબાણ હેઠળ તેને પડાવી લેવામાં આવ્યો હતો.
હીરાનો વૈશ્વિક પ્રભાવ:
માલિકીના વિવાદોથી તે જાણીતો બન્યો છે, પરંતુ તે સિવાય કોહિનૂર હીરો તેની દુર્લભતા અને અજોડ તેજસ્વીતાને કારણે દુનિયાભરનું ધ્યાને ખેંચે છે. ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે "પ્રકાશનો પર્વત".
વારસો અને સાંસ્કૃતિક પરંપરા:
કોહિનૂર હીરાનું શું કરવું તે બાબતમાં ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે હાલના વર્ષોમાં ચર્ચાઓ થઈ છે. કેટલાક લોકો સંયુક્ત વ્યવસ્થાનું પણ સૂચન કરે છે, જેની હેઠળ બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનું પ્રદર્શન ભારતમાં પણ થાય અને તેમાં કોહિનૂર હીરો હોય. બંન દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું ગણાશે અને હીરાનું ઐતિહાસિક મહત્ત્વ પણ સ્વીકારી લેવામાં આવે.

સુલતાનગંજ બુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
આ એક મહિમા ધરાવતી ભારતીય પ્રતિમા છે. બુદ્ધની કાંસાની આ પ્રતિમા 8મી સદીની છે, જે હાલમાં લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.
અમરાવતી સ્તૂપ પેનલ
લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં અમરાવતી સ્તૂપની પ્રાચીન પથ્થરોની પેનલ છે. આ શિલ્પકલામાં બુદ્ધના જીવનના દ્રશ્યો કોતરેલા છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ બૌદ્ધ સ્તૂપમાં અમરાવતીનો સમાવેશ થાય છે.
ટીપુ સુલતાનની તલવાર
લંડનમાં ખાનગી સંગ્રહમાં તે રહેલી છે અને તે પણ ભારતના મહત્ત્વના વારસામાં તેનું સ્થાન છે.
શિવાજીની તલવારો
શિવાજીની ત્રણ લોકપ્રિય તલવારોના નામ 'ભવાની', 'જગદંબા' અને 'તુલજા' હતા. આ તલવારો હાલમાં લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં રખાયેલી છે અને તે બ્રિટિનના રાજવી પરિવારની માલિકીની છે. 'ધ હિન્દુ' અખબારના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારે આ તલવારોને પરત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
ટીપુ સુલતાનનો વાઘ

ઇમેજ સ્રોત, Getty Images
આ બહુ જાણીતું યાંત્રિક રમકડું છે, જેમાં વાઘ બ્રિટિશ સૈનિકૃને મારી રહ્યો હો. તેવું દર્શાવાયું છે. આ યાંત્રિક રચના મૈસુર રાજ્યના શાસક ટીપુ સુલતાન માટે બનાવાઈ હતી. પોવિસ કેસલમાં તેને રાખવામાં આવ્યું છે.
અમરાવતી રેલિંગ
અમરાવતી સ્તૂપ નકશીદાર આરસની રેલિંગ પણ બ્રિટનના મ્યુઝિયમમાં છે. ઈસ્િસન પૂર્વ બીજી સદીની છે અને તેમાં પણ બુદ્ધના જીવનના દ્રશ્યો કોતરેલા છે.
પંજાબના મહારાજાનો તાજ
યુકેમાં રોયલ કલેક્શન ટ્રસ્ટમાં શીખ સામ્રાજ્યના છેલ્લા મહારાજા રણજીત સિંહનો મુગટ પણ છે. તેમાં ઘણા હીરા અને કિંમતી પથ્થરોથી શણગાર કરાયેલો છે.
ચોલા યુગની કાંસાની મૂર્તિઓ
બ્રિટિશ મ્યુઝિયમમાં ભારતના ચોલા રાજાઓ વખતની કાંસાની મૂર્તિઓનો સંગ્રહ છે, આ ઉત્કૃષ્ટ શિલ્પો 9 થી 13મી સદીના છે, જેમાં દેવીદેવતા અને ઋષિઓની મૂર્તિઓ છે.
'બની ઠની' પેઇન્ટિંગ
બની-ઠની તરીકે જાણીતું રાજસ્થાની લઘુચિત્ર લંડનની નેશનલ ગેલેરીમાં છે. 18મી સદીમાં આ પેઇન્ટિંગ બન્યું હતું, જેમાં રાજસ્થાનના કિશનગઢના દરબારની એક મહિલાનું ચિત્ર છે.
આ સિવાય ભારતની ઘણી કિંમતી વસ્તુઓ બ્રિટનના કબજામાં છે. મુખ્યત્વે ચાર જગ્યાએ તે રખાયેલા છે: સંગ્રહાલયો, યુનિવર્સિટીના પુસ્તકાલયો, ખાનગી માલિકીના સંગ્રહો અને બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સના હિસ્સા તરીકે.
ડો. દત્તા કહે છે, "હું માનું છું કે ભારતમાંથી લૂંટાયેલા ખજાનાની સંખ્યા ઓછામાં ઓછી 25 થી 30 હજાર હશે. વધુ પણ હોઈ શકે કેમ કે હજી સુધી સત્તાવાર રીતે તેની ગણતરી કરવામાં આવી નથી".

ભારતીય કલાકૃતિઓ કેવી રીતે પરત મેળવી શકાય?
અગાઉની ભારતીય સરકારોએ બ્રિટિશરો પાસે કોહિનૂર સહિતની કલાકૃતિઓ પરત આપવા માગણી કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. ઈંગ્લૅન્ડના અખબાર 'ધ ટેલિગ્રાફ' અનુસાર, મોદી સરકાર કોહિનૂર હીરા અને અન્ય હજારો કલાકૃતિઓને પરત મેળવવાના માટે ડિપ્લોમેટિક ઝુંબેશની તૈયારી કરી રહી છે.
નિષ્ણાતો કહે છે કે કોહિનૂર જેવા વિવાદિત હીરાને પરત મેળવવો લગભગ અશક્ય છે.
હર્ષ ત્રિવેદી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમનું કહેવું છે કે ભારત સામે બે મુખ્ય પડકારો રહેલા છે.
તેમના જણાવ્યા અનુસાર, "પ્રથમ પડકાર જટિલ કાનૂની પ્રક્રિયાઓ છે. ચોરાયેલી કૃતિઓ પરત મેળવવાની કાનૂની પ્રક્રિયા મુશ્કેલ હોય છે. જુદાં જુદાં કાર્યક્ષેત્ર અને કાનૂની પ્રણાલી પ્રમાણે કામ કરવું પડે. ભારતે વસ્તુઓની માલિકી સાબિત કરવી પડે અને તેને ગેરકાયદે રીતે હાંસલ કરી હતી તે દેખાડવું પડે."
"બીજો પડકાર રાજકીય અને રાજદ્વારી છે. રાષ્ટ્રો વચ્ચે રાજકીય અને રાજદ્વારી સંબંધો એ પ્રકારના હોય કે આવા કિસ્સાઓમાં પડકારરૂપ બની શકે છે. સામ્રાજ્યવાદ વખતે કલાકૃતિઓ હસ્તગત કરાઈ હતી તેમાં વધારે મુશ્કેલી નડી શકે છે. એક વખતના ગુલામ દેશ અને તેના પર કબજો કરનારા દેશ વચ્ચે હજીય ઐતિહાસિક તણાવ રહેલા છે અને વણઉકેલાયેલા પ્રશ્નો હોય છે."
કાયદાકીય રીતે કોહિનૂર પરત લાવવાનું શક્ય નથી એવું લગભગ ભારતે સ્વીકારી લીધું છે. 2016માં એક નાગરિકે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી કે ભારત સરકારને કોહિનૂરને પરત લાવવા જણાવવામાં આવે. અરજીના જવાબમાં ભારત સરકારે સ્વીકારી લીધું હતું કે કોહિનૂર હીરો બ્રિટનની સંપત્તિ છે.
કોહિનૂર હીરો ભારત અને બ્રિટનના ઈતિહાસમાં વણાઈ ગયો છે. કોહિનૂરની અજોડ સુંદરતાની કથા વિશ્વભરને મોહિત કરે છે. ભારતીયો માટે આ એક સંવેદનશીલ મુદ્દો છે. મોદી સરકારના નજીકના લોકોનું કહેવું છે કે સરકાર કોહિનૂર હીરો અને અન્ય ભારતીય ખજાનાને પરત લાવવા માટે ચોક્કસ પ્રયાસો કરશે.
ડૉ. દત્તા કહે છે, "અગાઉની ભારતીય સરકારોમાં આવી પહેલ કરવાની હિંમત નહોતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આપણી પાસે શક્તિશાળી રાષ્ટ્રવાદી સરકાર છે ત્યારે ભારતીયોને મોદી સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ છે."
જોકે તે માટે ભારતે પુરાવા અને દસ્તાવેજો સાથે યુકેની કોર્ટમાં જવું પડશે. લંડન ખાતેના બ્રિટિશ કાયદાના નિષ્ણાત સરોષ જયવાલા કહે છે, "યુકેની કોર્ટમાં એવું સાબિત થાય કે બ્રિટિશ કાયદા હેઠળ ખજાના માટે પોતે હકદાર છે તો જ ભારત તેની કલાકૃતિઓ પાછી મેળવી શકે. ભારતે કોર્ટમાં માલિકી સાબિત કરવી પડે, જે બહુ મુશ્કેલ છે. તેના માટે સ્પષ્ટ પુરાવાની જરૂર પડશે."

નટરાજનું વળતર, આશાનું કિરણ?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે આશાનું કિરણ દેખાયું છે. યુકે કોર્ટમાં એક અનોખા અને જટિલ કેસમાં ભારતને સફળતા મળી છે. આ સફળતાનો શ્રેય સરોષ જયવાલાને જાય છે. તમિલનાડુના મંદિરમાંથી બ્રિટન પહોંચેલી નટરાજની મૂર્તિની આ વાત છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે સરોષ જયવાલા જણાવે છે કે, "ભારતમાંથી દાણચારોથી આ મૂર્તિને બ્રિટનમાં લાવવામાં આવી હતી. મારી ફર્મ જયવાલા એન્ડ કંપનીએ તમિલનાડુ સરકારનો કેસ લીધો અને નટરાજની મૂર્તિને ભારત પરત લાવવામાં સફળતા મળી. નટરાજની મૂર્તિ પ્રતિષ્ઠિત મૂર્તિ છે, હિંદુ કાયદા હેઠળ કાનૂની વ્યક્તિ છે અને તેથી તે તમિલનાડુના મંદિરમાં તેના ઘરે પરત ફરવા માટે હકદાર છે તેવો વિચાર રજૂ કરાયો હતો."
નટરાજની મૂર્તિની ચોરી 1976માં તમિલનાડુના તંજાવુર જિલ્લાના પથુર ગામમાં અરિલ થિરુ વિશ્વનાથ સ્વામી મંદિરમાંથી થઈ હતી. દાણચોરીથી તે ઈંગ્લૅન્ડ પહોંચી અને ત્યાં વેચી દેવામાં આવી. એ મૂર્તિને ફરી મૂળ મંદિરને સોંપી દેવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં 240 પ્રાચીન કલાકૃતિઓને પરત લાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ 2014 સુધીમાં વીસથી ઓછી કલાકૃતિઓ પરત લાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતમાંથી સાંસ્કૃતિક વસ્તુઓની દાણચોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમૂલ્ય મૂર્તિઓ પરત લાવવા નાગરિકોની પહેલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત પ્રાચીન મંદિરોનો દેશ છે, જ્યાંથી સદીઓથી દુર્લભ મૂર્તિઓ અને પ્રાચીન મંદિરો સાથે સંબંધિત મૂલ્યવાન વસ્તુઓ ચોરી અને દાણચોરીથી વિદેશ મોકલાતી રહી છે.
હિંદુ, બૌદ્ધ અને જૈન મંદિરોમાંથી ચોરાયેલી આ મૂર્તિઓને પરત લાવવા માટે બે નાગરિકોએ પ્રયાસ શરૂ કર્યા છે.
વિજય કુમાર અને અનુરાગ સક્સેનાએ 2013માં આ માટે પહેલ કરી અને #BringOurGodsHome હૅશટૅગ હેઠળ ઝુંબેશ શરૂ કરી. ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટ એવું નામ તેને આપ્યું.
વિજય કુમાર કહે છે કે તેઓ ઘણી વસ્તુઓ ભારત પરત લાવ્યા છે, જેમ કે "ન્યુ સાઉથ વેલ્સની આર્ટ ગેલેરીમાંથી વૃદ્ધાચલમ અર્ધનારીશ્વર, ઓસ્ટ્રેલિયાની નેશનલ ગેલેરીમાંથી શ્રીપુરંતન નટરાજ, લંડનથી નાલંદા બુદ્ધ, બ્રહ્મ-બ્રાહ્મણી, આનંદમંગલમ રામ સમૂહ, ટોલેડો મ્યુઝિયમમાંથી ગણેશ, એશિયા સોસાયટી ન્યૂ યોર્કમાંથી પુન્નૈનલ્લુર નટરાજ, બૉલ સ્ટેટ મ્યુઝિયમમાંથી તિરુપંબપુરમ મૂર્તિ વગેરે."

કલાકૃતિઓ પરત મેળવવાની પ્રક્રિયા શું છે?
બીજા વિશ્વયુદ્ધ પછી ચોરાયેલી કલાકૃતિઓને પરત કરવાની બાબતમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંગે જાગૃતિ આવી છે.
સાંસ્કૃતિક કલાકૃતિઓના નિષ્ણાત પ્રોફેસર મનિલિયો ફ્રિગો કહે છે કે સૈદ્ધાંતિક રીતે બે મુખ્ય બહુરાષ્ટ્રીય સંધિઓ છે જે આવા મામલાને લાગુ પડે છે.
એક છે 1954નું હેગ કન્વેશન, જે યુદ્ધના સમયે લૂંટાયેલી મિલકત વિશે છે. પ્રોફેસર મનિલિયો ફ્રિગો જણાવે છે કે, "સાંસ્કૃતિક સંપત્તિ જેમ કે આર્કિટેક્ચર, કલા અથવા ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો, કલાકૃતિઓ, હસ્તપ્રતો, પુસ્તકો ઉપરાંત ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્ત્વની અન્ય વસ્તુઓની સુરક્ષા માટે આ કન્વેશન છે. સાથે જ તે ગુમાવેલી સાંસ્કૃતિક સંપત્તિ પરત કરાવવા માટેની જવાબદારી પણ નિભાવે છે. ભારત અને યુકે સંધિમાં જોડાયેલા છે. 1958માં ભારતે અને 2017માં યુકેએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા."
બીજી છે બહુરાષ્ટ્રીય યુનેસ્કો સંધિ છે, જે 1970માં થઈ હતી. શાંતિ સમયે લૂંટવામાં આવેલી સામગ્રી માટે તે છે. પ્રોફેસર ફ્રિગો કહે છે, "સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેરને રોકવા માટે પગલાં લેવા તેમાં રાષ્ટ્રોને આગ્રહ કરવામાં આવ્યો છે. આ કરારનું મુખ્ય પાસું ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિને પરત અપાવવાનું છે."
1970ના આ યુનેસ્કો કન્વેન્શનની કેટલીક ખામીઓ દૂર કરવા માટે 1995માં રોમમાં એક સંધિ થઈ. ગેરકાયદે રીતે સાંસ્કૃતિક વસ્તુઓના માલિક બની ગયેલાને આ સંધિ લાગુ પડે છે. સાંસ્કૃતિક વસ્તુનો ગેરકાયદે કબજો હોય તો તે વ્યક્તિએ તેને પરત કરવી પડે છે. એક સમયમર્યાદામાં આ માટે દાવો કરવાનો હોય છે. સાંસ્કૃતિક કલાકૃતિઓ પરત મેળવવા કેવા વાજબી પ્રયાસોની જરૂરિયાત છે તે આ સંધિમાં જણાવાયું છે.
આ આંતરરાષ્ટ્રીય કરારો હેઠળ, 23 સપ્ટેમ્બર, 2021ના રોજ અમેરિકાએ 17,000થી વધુ કલાકૃતિઓ ઇરાકને પરત કરી દીધી હતી, જે 2003માં ઇરાક પર કબજા વખતે હસ્તગત કરાઈ હતી.
આ આંતરરાષ્ટ્રીય કરારો મધ્યયુગમાં લૂંટાયેલી સાંસ્કૃતિક કલાકૃતિઓને લાગુ પડતા નથી. એટલે કે ભારતમાંથી હાલના દાયકાઓમાં લૂંટાયેલી સાંસ્કૃતિક કલાકૃતિઓ માટે જ દાવો કરી શકાય છે. ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપની અને બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતું, તે સમયે લૂંટાયેલી કિંમતી વસ્તુઓ આ આંતરરાષ્ટ્રીય સંધિઓ હેઠળ આવતી નથી.

પરત મેળવવા માટેના કાયદાકીય રસ્તા બંધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ કાયદાના નિષ્ણાત સરોષ જયવાલા કહે છે કે કાનૂની માર્ગ ખુલ્લો છે પરંતુ મુશ્કેલ છે. તેમનું કહેવું છે કે પુરાવા સાથે ભારત ઇચ્છે તો કલાકૃતિઓ પરત મેળવવા બ્રિટિનની કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે.
તેઓ કહે છે, "બ્રિટિશ સરકાર ભારતને તેની કલાકૃતિઓ સોંપી દેવા સહમત થાય તો તે માટે કોઈ વિશેષ કાયદો કરવાની જરૂર રહેતી નથી. બ્રિટિનની કોર્ટ બ્રિટિશ સરકારને આદેશ કરે કે કોહિનૂર ભારતને સોંપી દેવો તો તેનો અમલ કરવો પડે."
આ વિષયના જાણકાર અને દિલ્હીમાં વરિષ્ઠ વકીલ રજત ભારદ્વાજ કહે છે કે ભારત સરકારે રાજદ્વારી અને કાયદાકીય બંને માર્ગ અપનાવવા જોઈએ. તેઓ કહે છે, "આ કલાકૃતિઓ ભેટમાં આપવામાં આવી હતી કે લૂંટી લેવામાં આવી હતી તે વિશેના કોઈ દસ્તાવેજો ના હોય તો પછી તે વિવાદનો મુદ્દો છે. કોહિનૂર અને અન્ય કિંમતી વસ્તુઓ પરત લાવવા રાજદ્વારી અને કાનૂની તમામ પગલાં લેવા જોઈએ. આ આપણા દેશની સંપત્તિ છે."
ભારદ્વાજનું કહેવું છે કે આ માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં જવું પડે તો પણ ભારતે જવું જોઈએ. "ભારતે તથ્યો/સાક્ષીઓ/દસ્તાવેજી પુરાવાના આધારે કલાકૃતિઓ ભેટમાં આપવામાં આવી હતી કે લૂંટવામાં આવી હતી તે દર્શાવીને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં કેસ કરવો જોઈએ."
આ બાબતમાં સ્થિતિ બદલાઈ રહી છે. યુરોપના સામ્રાજ્યો સમજી ગયાં છે કે 'ગુલામ' દેશોમાંથી લૂંટાયેલો માલ પરત કરવાનો સમય આવી ગયો છે. ભૂતકાળની આવી સામ્રાજ્યવાદી સત્તાઓ કાયદાઓ બનાવી રહી છે જેથી તેઓ લૂંટાયેલો માલ એક સમયે તેના ગુલામ દેશોને પરત કરી શકે.
પ્રોફેસર મનિલિયો ફ્રિગોના જણાવ્યા અનુસાર, યુરોપિયન દેશોમાં કલાકૃતિઓને પરત કરવા માટે કાયદો ઘડવો જરૂરી છે. તેમના મતે ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ અને પોર્ટુગલ જેવા દેશોમાં કાયદો પસાર કરવો જરૂરી છે, કેમ તે આ દેશોમાં કલાકૃત્તિઓ પબ્લિક કલેક્શન હેઠળ છે.
ખાસ કરીને જાહેર સંગ્રહાલયોમાં કલાકૃતિઓ રહેલી છે (ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ અને પોર્ટુગલમાં આવી સ્થિતિ છે) તેવા દેશોમાં કલાકૃતિઓને પરત કરવા આંગેના કાયદા પસાર કરવા જોઈએ. જોકે યુકેમાં તે માટે હજી પહેલ થઈ નથી.
પ્રોફેસર મનિલિયો ફ્રિગો કહે છે, "મારી જાણ છે ત્યાં સુધી બ્રિટનમાં આ બાબતે કોઈ ચોક્કસ કાયદો નથી. તેથી આ માટેની માગણી દરેક કેસ પ્રમાણે નિકાલ પામશે. બીજા યુરોપિયન દેશોથી વિપરિત બ્રિટનમાં હજી આ માટે કોઈ કાયદાકીય રણનીતિ નથી."

નૈતિકતાનો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ઘણા નિષ્ણાતોનું કહેવું છે છે કે કલાકૃતિઓ પરત મેળવવાના મુદ્દાને કાનૂની અથવા રાજકીય મુદ્દા તરીકે લેવો જોઈએ નહીં.
આ એક નૈતિક મુદ્દો છે એમ અનુરાગ સક્સેના કહે છે. ભૂતપૂર્વ સામ્રાજ્યોના સંદર્ભમાં તેઓ કહે છે, "તમે અમારા જીવ લઈ લીધા, તમે અમારાં કુદરતી સંસાધનો લઈ લીધાં, તમે અમારો વારસો લઈ લીધો. તમે અમને અમારું જીવન પાછું આપી શકતા નથી, સંસાધનો પાછાં આપી શકતા નથી, કમસે કમ અમારો વારસો પાછી આપી દો."
જમણેરી વિચારધારાના અને મોદી સરકારના સમર્થક ડૉ. સુવ્રોકમલ દત્તા પણ કહે છે કે આ વારસો બિનશરતી પરત લાવવો જોઈએ. "ઘણા યુરોપિયન દેશોએ પોતાની એક વખતની વસાહતોમાંથી લૂંટેલી સંપત્તિ પરત આપી છે, કેમકે ભૂતકાળની ક્રૂરતાથી તેઓ શરમ અનુભવે છે. બ્રિટનને એવું કરવામાં શું નડે છે? બ્રિટન આ પહેલ કરે તો તેનાથી આપણા ઘા રુઝાશે અને આપણી કેટલીક પીડાદાયક યાદોને ભૂંસી શકાશે."
(આ લેખમાં દર્શાવવામાં આવેલી તસવીરો Getty Images, British Museum, Metropolitan Museum of Art, India Pride Project, પાસેથી લેવામાં આવી છે. )














