બંગાળમાં લાખો લોકોનાં મોતમાં વિન્સ્ટન ચર્ચિલની ભૂમિકા શું હતી?

વિન્સ્ટન ચર્ચિલ

ઇમેજ સ્રોત, ROLI BOOKS

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી
  • બ્રિટનમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને તેમને બીજા વિશ્વયુદ્ધના નાયક તરીકે યાદ કરવામાં આવે છે
  • ચર્ચિલ બ્રિટનમાં નાયક છે તો ભારતમાં ખલનાયક
  • ચર્ચિલને 1943માં બંગાળમાં ભૂખમરાને કારણે થયેલાં લાખો લોકોનાં મોત માટે જવાબદાર માનવામાં આવે છે
  • લોકોને ગામમાં અનાજ ન મળ્યું ત્યારે ભોજનની શોધમાં તેઓ શહેરમાં આવ્યા હતા અને ત્યાં ભૂખને કારણે તેઓ મૃત્યુ પામ્યાં હતાં
  • ચિત્તપ્રસાદ ભટ્ટાચાર્ય નામના એક બંગાળી કળાકાર તથા પત્રકારે ગામેગામ જઈને આપદાનું રિપોર્ટિંગ કર્યું હતું
  • એ સમયે બ્રિટિશ સરકારે દુકાળના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો
  • બંગાળનો ભયાનક દુકાળ કેવો હતો વાંચો આ અહેવાલમાં
બીબીસી

બ્રિટનમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને તેમને બીજા વિશ્વયુદ્ધના નાયક તરીકે યાદ કરવામાં આવે છે.

તેમને હિટલર જેવા શક્તિશાળી તાનાશાહ સામે લડવા અને તેમને પરાજિત કરનાર નેતા તરીકે પણ યાદ કરવામાં આવે છે.

બ્રિટનમાં તેમને મહાન નેતા ગણવામાં આવે છે તેમાં બેમત નથી, પરંતુ બ્રિટનના સંસ્થાનવાદી ઇતિહાસમાં તેમના શાસનકાળનો એક કાળો અધ્યાય પણ જોડાયેલો છે અને તેને ભારત સાથે સીધો સંબંધ છે.

તેઓ બ્રિટનમાં નાયક છે તો ભારતમાં ખલનાયક. ભારતની જનતા અને દેશના મોટા ભાગના ઇતિહાસકારો ચર્ચિલને 1943માં બંગાળમાં ભૂખમરાને કારણે થયેલાં લાખો લોકોના મોત માટે જવાબદાર ગણે છે.

એક અનુમાન મુજબ, તે દુકાળમાં અન્ન ન મળવાને કારણે 30 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં અને મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે તે મોત ચર્ચિલની નીતિને કારણે થયાં હતાં. અન્યથા ઘણા લોકોને બચાવી શકાયા હોત.

ઘણા ઇતિહાસકારો ઉપરાંત કૉંગ્રેસ પક્ષના નેતા શશિ થરૂર પણ સતત કહેતા રહ્યા છે કે 1943માં ભૂખમરાને કારણે થયેલાં લાખો મોત માટે વિન્સ્ટન ચર્ચિલ જ જવાબદાર છે.

શશિ થરૂરે બ્રિટનમાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે “મિસ્ટર ચર્ચિલ બાબતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. તેમના હાથ પણ હિટલરના હાથ જેટલા જ લોહીથી રંગાયેલા છે. ખાસ કરીને તેમના એ નિર્ણયને કારણે, જેને લીધે 1943-44માં બંગાળમાં ભયાનક સંકટ સર્જાયું હતું અને 43 લાખ લોકો મૃત્યુ પામ્યાં હતાં.”

બીબીસી

માનવસર્જિત આપદા

બંગાળ

ઇમેજ સ્રોત, BRITISH PATHE

શશિ થરૂરે એમ પણ કહ્યું હતું કે “વિન્સ્ટન ચર્ચિલ એ વ્યક્તિ છે, જેને અંગ્રેજો સ્વતંત્રતા તથા લોકશાહીના દૂત તરીકે સતત પ્રસ્તુત કરતા રહ્યા છે, પરંતુ હું માનું છું કે તેઓ વીસમી સદીના સૌથી દુષ્ટ શાસકો પૈકીના એક છે.”

હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર સુગતા બોઝ છેલ્લાં 40 વર્ષથી બંગાળના દુકાળ વિશે લખતા રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બંગાળનો ભયાનક દુકાળ એક ‘મૌન પ્રલય’ હતો. તેના માટે બ્રિટિશ સરકાર અને ચર્ચિલ બન્ને જવાબદાર છે.

તેઓ કહે છે કે “બ્રિટનની સામ્રાજ્યવાદી વ્યવસ્થાનું શોષણ જ દુકાળ માટે જવાબદાર હતું, પરંતુ ચર્ચિલને બે કારણસર જવાબદાર ગણવા જોઈએ. પહેલું, એ વખતે તેઓ બ્રિટનના વડા પ્રધાન હતા અને બીજું, તેમની આસપાસના સલાહકારોનો સમૂહ વાસ્તવમાં સંપૂર્ણપણે વિકસિત નહીં, પરંતુ કટ્ટર જાતિવાદી (રેસિસ્ટ) હતો. તેઓ એવું માનતા હતા કે ભારતીયો વાસ્તવમાં સંપૂર્ણ રીતે વિકસિત નથી અને તેથી બંગાળમાં લાખો લોકો મરી જાય તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.”

બીબીસી

ચર્ચિલે બંગાળમાં થતા મોતની અવગણના કરી હતી?

બંગાળ

ઇમેજ સ્રોત, BRITISH PATHE

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રોફેસર સુગાતા બોઝ કહે છે કે “બંગાળમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચિલને બધી ખબર હતી, કારણ કે ભારતમાંના તત્કાલીન બ્રિટિશ શાસને તેમને પણ અહેવાલો મોકલ્યા હતા. તે રિપોર્ટ્સમાં બંગાળના સંકટ વિશેની તમામ માહિતી આપવામાં આવતી હતી. ચર્ચિલનું વલણ જાતિવાદી હતું એ આપણે બધા જાણીએ છીએ.”

સોનિયા પર્નેલે ‘ફર્સ્ટ લેડી, ધ લાઈફ ઍન્ડ વર્ક્સ ઑફ ક્લેમેન્ટાઇન ચર્ચિલ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં સોનિયા પર્નેલે જણાવ્યું છે કે ચર્ચિલ વિશે સૌથી વધુ જીવનકથાઓ લખવામાં આવી છે. તેઓ હીરો પણ છે અને વિલન પણ. તેમના પર અનેક જવાબદારી હતી. એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને યુદ્ધની કટોકટીભરી પરિસ્થિતિ તથા એ સમયની અન્ય જવાબદારી સાથે કામ પાર પાડવા માટે તેઓ એક સાથે પ્રયાસ કરતા હતા.

બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના ઇતિહાસકાર રિચર્ચ ટોએએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચર્ચિલે બંગાળના દુકાળની અવગણના જાણીજોઈને કરી ન હતી.

તેમણે કહ્યું હતું કે “તેઓ ભારતીયોનો જાણીજોઈને નરસંહાર કરવા ઇચ્છતા ન હતા. તેમના પોતાની મજબૂરી પણ હતી.”

બ્રિટનસ્થિત ઇતિહાસકાર યાસ્મીન ખાને બીબીસીને તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાનની વૈશ્વિક પરિસ્થિતિને કારણે દુકાળ પડ્યો હતો. અનાજની અછત માનવસર્જિત હતી.

તેમણે કહ્યું હતું કે “આપણે એમને દક્ષિણ એશિયાના લોકો સામે ગોરાઓને અગ્રતા આપવા માટે દોષી જરૂર ઠરાવી શકીએ. વલણ ભેદભાવપૂર્ણ હતું તે જગજાહેર છે.”

બીબીસી

પ્રચુર પીડાદાયક અધ્યાય

બંગાળ

ઇમેજ સ્રોત, CHITTAPROSAD/DAG ARCHIVES

લોકોને ગામમાં અનાજ ન મળ્યું ત્યારે ભોજનની શોધમાં તેઓ શહેરમાં આવ્યા હતા અને ત્યાં ભૂખને કારણે તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

ઘણા લેખકો તથા ઇતિહાસકારોએ નોંધ્યું છે કે એ દિવસોમાં કલકતાના માર્ગો પરથી રોજ હજારો મૃતદેહો હટાવવા પડતા હતા.

ક્રિસ્ટોફર બેલી અને ટિમ હાર્પરે તેમના પુસ્તક ‘ફર્ગોટન આર્મીઝ ફોલ ઑફ બ્રિટિશ એશિયા 1941-1945’માં લખ્યું છે કે “ઑક્ટોબરના મધ્ય સુધીમાં કલકતામાં માસિક મૃત્યુદર 2,000 થઈ ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે બ્રિટિશ તથા અમેરિકન સૈનિકો ફિલ્મ જોઈને સિનેમાહૉલમાંથી બહાર નીકળતા હતા ત્યારે તેમને રસ્તાઓ પર ભૂખથી પીડિત લોકોના મૃતદેહો જોવા મળતા હતા. એ મૃતદેહોને ગીધડાં તથા કાગડા ફોલી ખાતા હતા.”

આ બધી વાતો ચર્ચિલ સુધી પહોંચતી હતી એ દેખીતું છે, પરંતુ તેની તેમના પર કોઈ અસર થઈ હોય એવું જણાતું નથી.

વયોવૃદ્ધ ચિત્રકુમાર શામંતો 1943માં બહુ નાની વયના હતા, પરંતુ એ પીડાદાયક દૃશ્યો તેમને આજે પણ ચાદ છે.

તેમણે કહ્યું હતું કે “હું અને મારો પરિવાર દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા. લોકોને હાડપિંજર બનતા જોવાનું ડરામણું હતું. કોઈના પર નજર કરીએ તો એ જણાવવાનું મુશ્કેલ હતું કે આપણે વ્યક્તિને જોઈ રહ્યા છીએ કે કોઈ ભૂતને? હું એક નહેર પાસે જતો હતો. ત્યાં પડેલી ઢગલાબંધ મૃતદેહોને કૂતરાં, ગીધડાં ફાડી ખાતા હતા. બ્રિટિશ સરકારે અમને ભૂખ્યા રાખીને મારી નાખ્યા હતા.”

ચિત્તપ્રસાદ ભટ્ટાચાર્ય નામના એક બંગાળી કળાકાર તથા પત્રકારે ગામેગામ જઈને આપદાનું રિપોર્ટિંગ કર્યું હતું.

તેમણે એ માટે એક સામયિક પ્રકાશિત કર્યું હતું, જેનું નામ હતું ‘હંગ્રી બંગાલ.’ તેમણે 1943ના બંગાળના દુકાળ દરમિયાનની ભીષણ ગરીબીનાં દૃશ્યો ચિત્રિત કર્યાં હતાં.

પોતાના રિપોર્ટ્સમાં પરિસ્થિતિની ભયાનકતા દર્શાવવા માટે તેમણે એ ચિત્રોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બ્રિટિશ સરકારે તેમના પુસ્તકની લગભગ 5,000 પ્રતનો નાશ કર્યો હતો.

પ્રોફેસર સુગાતા બોઝ જણાવે છે કે એ સમયે બ્રિટિશ સરકારે દુકાળના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેવામાં ચિત્તપ્રસાદ ભટ્ટાચાર્યનું કામ સાહસિકતાભર્યું હતું. એટલી સાહસિકતા એક બ્રિટિશ પત્રકારે પણ દેખાડી હતી.

બીબીસી

બ્રિટિશ સેન્સરશિપ

વિન્સ્ટન ચર્ચિલ

ઇમેજ સ્રોત, BRITISH PATHE

પ્રોફેસર સુગાતા બોઝ કહે છે કે “માર્ચ-1943થી ઑક્ટોબર-1943 સુધી કોઈને પણ દુકાળનું રિપોર્ટિંગ કરવાની છૂટ ન હતી, પરંતુ સ્ટેટ્સમૅન અખબારના તંત્રી ઇયાન સ્ટીફેન્સને દાદ આપવી પડશે કે તેમણે સેન્સરશિપની અવગણનાનો નિર્ણય કર્યો હતો અને દુકાળ વિશેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. એ પછી તેમણે દુકાળપીડિતોના ફોટોગ્રાફ્સનું પ્રકાશન પણ શરૂ કર્યું હતું. તેના છ મહિનાના વિલંબ બાદ બ્રિટિશ સંસદે કમસે કમ એટલું તો સ્વીકાર્યું હતું કે બંગાળ વિનાશકારી દુકાળમાં સપડાયું છે.”

તેમના જણાવ્યા મુજબ, ચર્ચિલ આ બાબતે બધું જાણતા હતા, પરંતુ ઑગસ્ટ-1943માં તેમણે બંગાળને રાહતસામગ્રી આપવાનો ઇન્કાર કર્યો હતો. એ સમયે વાઈસરૉય આર્ચીબાલ્ડ વેવેલે બંગાળના દુકાળની જાણકારી ચર્ચિલને આપી હતી.

બીબીસી

‘ગાંધી હજુ સુધી મર્યા કેમ નથી?’

બંગાળ

ઇમેજ સ્રોત, CHITTAPROSAD/DAG ARCHIVES

વાઈસરૉય વેવેલે દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં વધારે અનાજ મોકલવાની માગ કરી ત્યારે ચર્ચિલે, ભૂખમરાનો સામનો કરી રહેલા બંગાળમાંથી અનાજ વિશ્વયુદ્ધ લડી રહેલા અંગ્રેજ સૈનિકોને મોકલવાનો નિર્ણય જાણીજોઈને કર્યો હતો.

ભારતે પોતાનું વધારાનું અનાજ શ્રીલંકા મોકલી આપ્યું હતું. ચર્ચિલ સરકારે ઑસ્ટ્રેલિયાથી આવેલા ઘઉં ભરેલા જહાજ ભારતીય બંદરો પર ન અટકાવીને મધ્ય-પૂર્વ તરફ મોકલી આપ્યાં હતાં.

અમેરિકા તથા કૅનેડાએ ભારતને આહાર સહાય મોકલવાની દરખાસ્ત કરી હતી, પરંતુ ચર્ચિલે તેને પણ ફગાવી દીધી હતી.

ચર્ચિલે દુકાળ વિશેના વાઇસરૉયના અત્યંત જરૂરી ટેલિગ્રામનો જવાબ દેવાની પરવા પણ કરી ન હતી એ દસ્તાવેજોમાં નોંધાયેલું છે.

તેમના નિર્ણયને લીધે થતા મોત બાબતે અધિકારીઓએ તેમનું ધ્યાન દોર્યું ત્યારે ચર્ચિલે ચિડાઈને એક ટેલિગ્રામ મોકલ્યો હતો. તેમાં તેમણે સવાલ કર્યો હતો કે “ગાંધી હજુ સુધી મર્યા કેમ નથી?”

બ્રિટનના હીરો ચર્ચિલ એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા અને ભારતમાં તેમને 1943ના બંગાળના ભયાનક દુકાળમાં થયેલાં લાખો મોત માટે કાયમ જવાબદાર ગણવામાં આવશે તે એકદમ સ્પષ્ટ છે.

બીબીસી
બીબીસી