સોમાલિયા : 'મૃત દીકરાનો શોક મનાવવાનો પણ વખત નથી, બીજાનું પેટ ભરવા ભટકવું પડે છે', દુકાળે આફ્રિકાના દેશમાં બરબાદી નોતરી

ઇમેજ સ્રોત, BBC/ ED HABERSHON
- લેેખક, એન્ડ્રૂ હાર્ડિંગ
- પદ, બીબીસી ન્યૂઝ, બાઇડોઆ, સોમાલિયા

- સોમાલિયામાં છેલ્લા ચાર દાયકામાં સૌથી ભયાવહ દુકાળ
- દુકાળમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓ પ્રભાવિત થયાં
- લોકો પોતાનાં ઘરો છોડીને ભોજન અને પાણીની શોધમાં ભટકી રહ્યા છે
- કુપોષણની સમસ્યાથી ઝઝૂમી રહેલાં બાળકો અન્ય બીમારીઓની ચપેટમાં
- ઠેરઠેર પશુઓના મૃતદેહ, આખેઆખાં ગામડાં ખાલી થઈ ગયાં

છેલ્લાં 40 વર્ષના સૌથી કપરા દુકાળને કારણે સોમાલિયામાં નાના બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. જો થોડાં અઠવાડિયાંમાં મદદ નહીં મળે તો આનાથી પણ મોટી આફતના ઓળા ઊતરી આવશે એમ સરકારી અધિકારીઓ કહી રહ્યા છે.
11 વર્ષના દાહિરના ભૂખને કારણે ઊંડા ઊતરી ગયેલા ગાલ પર આંસુ અટવાઈ રહ્યાં છે.
તે કહે છે, "બસ હું આમાંથી બચી જવા માગું છું."
બાઇડોઆ શહેરની બહાર ધૂળિયા મેદાનમાં છાપરા પાસે તે માતા સાથે તે બેઠો છે અને તેની માતા ફાતમા ઓમર કહે છે કે 'બેટા રડીશ મા.'
માતા કહે છે, "તું રડીશ તો કંઈ ભાઈઓ પાછા આવી જવાના નથી. સૌ સારાં વાનાં થઈ રહેશે."
ફાતમાનો બીજા નંબરનો 10 વર્ષનો દીકરો સલાત બે અઠવાડિયાં પહેલાં જ ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યો. પોતાના ગામથી ત્રણ દિવસ ચાલીને કુટુંબ બાઇડોઆ પહોંચ્યો, પણ તે પછી તરત દીકરો જતો રહ્યો.
રહેવા માટે છાપરું બનાવ્યું છે તેનાથી થોડે દૂર જ પુત્રને દફનાવ્યો હતો. તે જગ્યાએ હવે તો ઉકરડા જેવી સ્થિતિ થઈ ગઈ છે અને નવા લોકો તેની આસપાસ ઝૂંપડાં બાંધી રહ્યા છે.
ફાતમા કહે છે, "દીકરાનો શોક મનાવાનો પણ વખત નથી. મારે બીજા દીકરાઓના પેટ ભરવા માટે ભટકવું પડે છે." તેની છ વર્ષની દીકરી મરિયમ સતત ખાંસી ખાધા કરે છે અને તેના ખોળામાં નવ જ મહિનાની બીલીને થપથપાવીને શાંત કરવાની તે કોશિશ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઝૂંપડાં જે રસ્તા પર બન્યાં છે તે આગળ સોમાલિયાની રાજધાની મોગાડિશુ સુધી જાય છે. તે રસ્તા પર આવાં અનેક કુટુંબો જોવા મળે છે, કેમ કે પોતાનાં ગામ છોડીને અનાજની તલાશમાં તેઓ નીકળી પડ્યા છે.

'દીકરીને દફન કરવાનીય ત્રેવડ રહી નથી'

ઇમેજ સ્રોત, BBC/ ED HABERSHON
નવા સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે દેશનાં બે તૃતિયાંશ બાળકો આકરા કુપોષણથી પીડાઈ રહ્યાં છે. બાળકોના મરણનો આંક પણ બહુ ઊંચો ગયો છે ત્યારે હવે પ્રદેશ પ્રમાણે દુકાળ જાહેર કરવામાં મોડું થઈ ચૂક્યું હોય એમ લાગે છે.
ફાતમા કહે છે, "મારી દીકરી (3 વર્ષની ફરહિર) મારી નજર સામે મરી ગઈ અને હું જોતી જ રહી ગઈ." પોતાના ગામથી નવ સંતાનોને લઈને ફાતમા બાઇડોઆ 15 દિવસ ચાલીને પહોંચી હતી.
"10 દિવસ તેને તેડીને ચાલતી રહી. તે પછી તેને રસ્તા પર જ મૂકી દેવી પડી. તેને દફન કરવાનીય મારી ત્રેવડ નહોતી રહી. અમારી પાછળ વરુઓ પડ્યાં હોય તેના અવાજો સંભળાવા લાગ્યા હતા."
એવી જ રીતે 50 વર્ષના હબીબા મહમૂદ કહે છે, "હું કંઈ સાથે લાવી નથી. ગામડેથી લાવવા જેવું કંઈ બચ્યું જ નહોતું. પશુઓ પણ મરી ગયાં. ખેતરો ઉજ્જડ પડ્યાં છે."
ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે ઉપરાઉપરી દુકાળ પડ્યા છે અને તેના કારણે આફ્રિકામાં પશુપાલન પર નભતા લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે.
બીજાની જેમ હબીબા પણ બાઇડોઆ પહોંચ્યા પછી જેમતેમ કરીને ઝૂંપડું ઊભું કરવાની મથામણમાં હતાં, કેમ કે રાતની ઠંડી પહેલાં છાપરું બનાવી દેવું જરૂરી હતું. એક વાર રાત વીતાવવા ઝૂંપડું બને પછી પાંચ સંતાનો માટે ખોરાક અને દવા શોધવા જવાનું હતું.
શહેરમાં મુખ્ય હૉસ્પિટલ દર્દીઓ ઊભરાય છે તેની વચ્ચે ફરતા ડૉ. અબ્દુલ્લા યુસુફ એક નાના બાળકને તપાસી રહ્યા છે. મોટાં ભાગનાં બાળકો અઢી મહિનાથી ત્રણ વર્ષનાં જ છે.
આ બધાં જ બાળકો કુપોષણનો ભોગ બન્યાં છે. કેટલાંકને ન્યૂમોનિયા થઈ ગયો છે અને કેટલાકને ફરીથી ઓરી થયા છે.
રડી શકે એવી સ્થિતિમાં જ મોટાં ભાગનાં બાળકો નથી. કેટલાંય બાળકોની ત્વચા તરડાઈ ગઈ છે, કેમ કે સતત ભૂખ્યા રહેવાથી આવી જ સ્થિતિ થાય.
બે વર્ષનો એક બાળક કોચવાય રહ્યો છે અને ડૉ. અબ્દુલ્લાના સાથી કર્ચમારીઓ તેને બાટલો ચડાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ કહે છે, "કેટલાંય બાળકો હૉસ્પિટલ આવે તે પહેલાં જ મોત પામે છે."

'લોકો મરી રહ્યા છે તે ધ્રૂજાવી દેનારું છે'

ઇમેજ સ્રોત, BBC/ ED HABERSHON
સોમાલિયાના અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છેલ્લા ઘણા મહિનાથી દુકાળના ઓળા ઊતરશે તેની ચેતવણી આપી રહ્યાં હતાં, છતાં હૉસ્પિટલને જરૂરી વસ્તુઓ અને બાળકો માટે જરૂરી પૌષ્ટિક સપ્ટિમેન્ટ્સ પહોંચી શક્યા નથી એમ ડૉ. અબ્દુલ્લા કહે છે.
તેઓ અફસોસ સાથે કહે છે, "અમને સામગ્રી પણ ઘણી વાર મળતી નથી. લોકો મરી રહ્યા છે તે જોઈને ધ્રૂજી જવાય છે, કેમ કે અમે તેમને કંઈ સહાય કરી શકતા નથી. સ્થાનિક સરકાર સ્થિતિ સંભાળી શકી નથી. દુકાળ માટેનું આગોતરું કે લોકો આશરો લેવા આવશે ત્યારે શું થશે તેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું."
સ્થાનિક સરકારના મંત્રી પણ સ્વીકારે છે કે ખામીઓ રહી ગઈ છે.
સાઉથ વેસ્ટ પ્રાંતના કલ્યાણ વિભાગના મંત્રી નાસિર આરુષ કહે છે, "અમારે વધારે ઝડપથી કામ કરવાની જરૂર છે. વધારે ચોકસાઈ સાથે અને વધારે અસરકારક રીતે કામ કરવું પડે તેમ છે." બાઇડોઆની બહાર બનેલી છાવણીઓની ટૂંકી મુલાકાત દરમિયાન તેમણે આવો સ્વીકાર કર્યો, પણ સાથે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સહાય મળે તો જ આમાંથી પાર આવે તેમ છે.
તેઓ કહે છે, "અમને સહાય નહીં મળે તો લાખો લોકો માર્યા જવાના છે. આજે જે કરી રહ્યા છીએ તે ત્રણ મહિના અગાઉ કરવાની જરૂર હતી. અમે બહુ મોડા જાગ્યા છીએ. બહુ ઝડપથી કંઈક ઉપાય નહીં થાય તો આ વિસ્તારમાં બહુ મોટી આફત ઊતરવાની છે."

ઇમેજ સ્રોત, BBC/ ED HABERSHON
સત્તાવાર રીતે દુકાળ જાહેર કરવાની વિધિ બહુ આંટીઘૂંટી વાળી છે અને પૂરતા આંકડાંના અભાવમાં અને રાજકીય ગણતરીઓને કારણે દુકાળની સ્થિતિ જાહેર કરાતી નથી.
મોગાડિશુ ખાતેના બ્રિટનના રાજદૂત કેટ ફોસ્ટર આને "એક પ્રકારની ટેકનિકલ પ્રોસેસ" ગણાવે છે. તેઓ યાદ કરાવે છે કે 2011માં દુકાળ જાહેર કરાયો ત્યાં સુધીમાં "260,000 કુલ મોતમાંથી અડધાં મોત તો થઈ ચૂક્યાં હતાં".
આંતરરાષ્ટ્રીય સહાય મેળવવા માટે કામ કરી રહેલા પ્રમુખના પ્રતિનિધિએ હાલમાં અમેરિકાનો આભાર માન્યો છે કે હાલમાં ત્યાંથી થોડું ફંડ મળ્યું છે અને તેના કારણે "થોડી આશા જાગી છે".
જોકે અબ્દીરહેમાન અબ્દીશકુર ચેતવણી આપતાં કહે છે વધુ સહાય તરત નહીં મળે તો હાલમાં અમુક પ્રદેશોમાં આફત ઊભી થઈ છે તે સમગ્ર સોમાલિયામાં ફેલાશે અને કાબૂમાં લેવી મુશ્કેલ બની જશે.
તેઓ કહે છે, "અમે તાકિદ કરી રહ્યા છીએ… પણ આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પૂરતો પ્રતિસાદ મળ્યો નથી."
સહાય માટે કૅનેડાના ટૉરોન્ટોમાં પહોંચેલા અબ્દીશકુરે ફોન પર જણાવ્યું કે "દુકાળનો અંદાજ અપાયેલો છે. સોમાલિયાના કેટલાક વિસ્તારોમાં, કેટલાંક ગામોમાં દુકાળની સ્થિતિ આવી જ ગઈ છે, પણ હજી તક છે કે આપણે તેને મોટી આફતમાં ફેરવાતા રોકી શકીએ."

મહિલાઓ હિજરત કરી છે, પુરુષો ગામમાં રહ્યા છે

ઇમેજ સ્રોત, BBC/ ED HABERSHON
બાઇડોઆમાં છેલ્લા થોડા મહિનામાં જ આશરો લેનારા લોકોની સંખ્યા વધીને 800,000 જેટલી થઈ ગઈ છે.
આ છાવણીઓની મુલાકાત લઈએ ત્યારે તરત એક વાત ધ્યાન ખેંચે: આશરો લેવા આવનારો લોકોમાં મોટા ભાગની મહિલાઓ જ છે.
સોમાલિયામાં યુદ્ધની સ્થિતિ છે. કેન્દ્રમાં સરકાર પડી ભાંગી તે પછી જુદાજુદા પ્રદેશોમાં લડાઈઓ ફાટી નીકળી છે. જુદાજુદા જૂથમાં લડવા માટે પુરુષો જોડાઈ રહ્યા છે.
બાઇડોઆ પહોંચેલાં હદિજા અબુકરની જેમ અનેક મહિલાઓ એવી છે જે લડાઈના ક્ષેત્રમાંથી માંડ બચીને નીકળી શકી હોય. અલ-શબાબ ઇસ્લામી ઉદ્દામવાદીઓના કબજામાં રહેલા પ્રદેશમાંથી તે માંડ બચીને નીકળી છે.
એક નાની હૉસ્પિટલમાં બીમાર બાળકની સારવાર માટે આવેલાં હદિજા કહે છે, "કુટુંબમાંથી મને ફોન આવતા રહે છે. ત્યાં હજીય લડાઈ ચાલી રહી છે - સરકાર અને અલ-શબાબ વચ્ચે. મારાં સગાં ભાગીને નજીકના જંગલમાં છુપાયાં છે."
અહીં પહોંચેલી અન્ય મહિલાઓના જણાવ્યા અનુસાર ઉદ્દામવાદીઓ તેમના પતિ અને મોટી ઉંમરના છોકરાઓને વિસ્તાર છોડવા દેતા નથી. આ ઉદ્દામવાદીઓ વર્ષોથી પ્રજાનું શોષણ કરી રહ્યા છે.
બાઇડોઆ અત્યારે અલ-શબાબથી ઘેરાયેલું નથી, પણ તેની સ્થિતિ ગમે ત્યારે બગડી શકે એમ છે. અહીં કામ કરવા આવતાં આંતરરાષ્ટ્રીય સહાય જૂથોના માણસો અને પત્રકારોએ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ફરવું પડે છે. શહેરની હદની બહાર પ્રવાસ કરવો બહુ જોખમી ગણાય છે.

ઇમેજ સ્રોત, SOPA IMAGES
મધ્ય અને દક્ષિણ સોમાલિયામાં યુનિસેફના વડા તરીકે કામ કરતા ચાર્લ્સ ઝૂકી કહે છે, "આફતમાં ઘેરાયેલી પ્રજાને અમે જોઈ રહ્યા છે. ક્યારેક બહુ હતાશા આવી જાય છે."
કેટલાક અંદાજો અનુસાર દુકાળનો ભોગ બનેલી અડધોઅડધ વસતિ અત્યારે એવા પ્રદેશોમાં છે, જેના પર અલ-શબાબનો કબજો છે.
અમેરિકાના સરકારનો નિયમ છે કે સહાયની સામગ્રી કોઈ પણ રીતે ત્રાસવાદી જૂથો સુધી પહોંચવી જોઈએ નહીં. તેના કારણે અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાની કામગીરીમાં બહુ મુશ્કેલીઓ નડે છે.
જોકે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સોમાલી અધિકારીઓ સ્થાનિક નાનાં જૂથોને શોધીને તેમની સહાયથી મદદ પહોંચાડી રહ્યાં છે. કેટલા વિસ્તારોમાં હવાઈ માર્ગે સહાયસામગ્રી ફેંકવાનું પણ આયોજન થઈ રહ્યું છે.
આવી કાળજી લેવા છતાં ખાદ્ય સામગ્રી અને સહાયનું ફંડ અલ-શબાબના હાથમાં ના પડે તેની કોઈ ખાતરી નથી હોતી એવું એક સ્વંયસેવક પોતાનું નામ આપ્યા વિના કહે છે.
આવા સ્વંયસેવકો કહે છે, "ભોળા બનવાની જરૂર નથી, અલ-શબાબ રોકડ દાન આપો તે સહિત બધી જ સહાય પર વેરો ઉઘરાવી લે છે."
આ ઉદ્દામવાદી જૂથે હિંસા અને ધમકીનો માહોલ ઊભો કર્યો છે અને હવે ભ્રષ્ટાચારથી ગ્રસ્ત આ દેશમાં લોકોને પોતાની રીતે ન્યાય આપવાની રીત પણ શરૂ કરી છે.
બાઇડોઆ શહેરની નજીકના કમસે કમ ચાર ગામોમાં અલ-શબાબ શરિયત અદાલતો ચલાવે છે.
શહેરના લોકો પણ ન્યાય માટે અહીં પહોંચી જાય છે. વેપાર કે જમીનના વિખવાદોને ઉકેલવા માટે મોગાડિશુ અને દૂરનાં ગામોના લોકો પણ આવી અદાલતોના શરણે જાય છે.

'કદાચ ફાયદો થાય, કદાચ ના પણ થાય'

ઇમેજ સ્રોત, SOPA IMAGES
ઉત્તર પૂર્વના વિસ્તારોમાં હાલમાં અલ-શબાબની સામે સ્થાનિક લોકોનો અને કબીલાઓનો વિરોધ જાગ્યો છે. તેને હવે કેન્દ્ર સરકારનો પણ ટેકો મળી રહ્યો છે અને છેલ્લાં થોડાં અઠવાડિયામાં હુમલા કરીને અલ-શબાબને ડઝન જેટલાં નગરોમાંથી ખદેડી દેવાયું છે.
ઉદ્દામવાદીઓ સામે સેનાને મળેલી થોડી સફળતાથી આશા જાગી છે, પણ આવી સફળતાને કારણે દુકાળનો સામનો કરવામાં કેટલી મદદ મળશે તે નક્કી નથી. કદાચ સરકારનું ધ્યાન ઊલટાનું આ લડાઈ તરફ વધારે જતું રહેશે.
સરકારના મંત્રી નાસિક અરુષ કહે છે, "કદાચ ફાયદો થાય, કદાચ ના પણ થાય. કદાચ તેના કારણે વધારે લોકો વિસ્થાપિત થશે એમ મને લાગે છે. અથવા એવું પણ થાય કે સરકાર વધારે વિસ્તારોને મૂક્ત કરાવી શકે તો ત્યાં લોકોને વધારે સહાય પહોંચાડી શકાશે."
દાયકાના સંઘર્ષ અને ઉપેક્ષાના કારણે બાઇડોઆ શહેરની હાલત પણ બગડેલી છે અને ચોખા જેવી વસ્તુઓના ભાવ છેલ્લા એક જ મહિનામાં બમણા થઈ ગયા છે. દુકાળને ઘણા જવાબદાર ઠરાવે છે, પણ બીજાં પણ કારણો લોકો જુએ છે.
પોતાનાં ઉજ્જડ ખેતરમાં આવેલા ખાલી થઈ ગયેલા કુવાને દેખાડીને 38 વર્ષના શુક્રી મોલીમ અલી કહે છે, "લોટ, ખાંડ, તેલ - બધાનો ભાવ પણ બમણો થઈ ગયો છે. ક્યારેક એક ટંકનું ખાવાનું છોડી દેવું પડે છે. મેં રશિયા અને યુક્રેનના યુદ્ધની વાતો સાંભળી છે. લોકો કહે છે કે તેના કારણે મુશ્કેલી આવી છે."
સોમાલિયાની નવી સરકારે અત્યારે સૌથી વધુ ચિંતા દુકાળ વધુ વિસ્તારમાં ના ફેલાય તે માટેની છે, પણ સાથે જ રાષ્ટ્રને ટકાવી રાખવાના ભવિષ્યનું આયોજન કરવા માટે પણ સરકાર કામ કરી રહી છે.
અબ્દીરહેમાન અબ્દીશકુર કહે છે, "દુકાળનો સામનો કરવો, અલ-શબાબ સામે લડવું, દુનિયામાંથી સહાય મેળવવી, ક્લાઇમેટ જસ્ટિસ માટેનું ફંડ મેળવવું આ બધું કામ એક સાથે કરવું બહુ કપરું છે."
"અમારી વસતિ યુવા છે, મોટી સંખ્યામાં લોકો વિદેશ વસ્યા છે, વેપારી સાહસિકતા પણ છે. તેથી હજીય આશા છે. પડકાર છે, પણ તેનો સામનો કર્યા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













