કુપોષણ : સોમાલિયામાં દાયકાઓના સૌથી ભયંકર દુષ્કાળમાં 350,000 બાળકોનાં મૃત્યુનો ભય
- લેેખક, મર્સી જુમા
- પદ, બીબીસી ન્યૂઝ, ગેલ્કાયો
આફ્રિકાના દેશ સોમાલિયામાં દાયકાઓનો સૌથી ભીષણ દુષ્કાળ પડી રહ્યો છે અને નિષ્ણાતો અનુસાર તેમાં બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે.
વાલીઓ માટે બાળકોનું પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે અને જૂન સુધીમાં દેશના પાંચ વર્ષની નીચેના બાળકોમાંથી અડધો-અડધ કુપોષણથી પીડાતા થઈ ગયા હશે.
નિમ્કો અબ્દી પોતાની છ વર્ષની દીકરીને દોરડા લટકાવીને બનેલા હિંચકામાં સંભાળપૂર્વક સુવરાવે છે. વજનના કાંટા સાથે આ દોરડાં લટકાવેલા છે. વજનના કાંટામાં દીકરીનું વજન માત્ર ચાર કિલો આવ્યું છે.
આટલી ઉંમરે દીકરીનું વજન આઠ કિલો હોવું જોઈએ, પણ તેનાથી અડધું જ વજન છે.

આ ઉંમરે તે બહુ જ નાજુક લાગી રહી છે. તેની આંખો ઊંડી ઊતરી ગઈ છે, હાડકાં દેખાવાં લાગ્યા છે અને ત્વચા ચીમળાઈને શુષ્ક થઈ ગઈ છે. દીકરીને ફરી તેડીને બહાર કાઢે છે ત્યારે બહુ મંદ અવાજે તે રડવા લાગે છે.
નિમ્કો કહે છે, "હું તેને સ્તનપાન કરાવતી હતી, પણ હું પોતે પણ ભૂખી રહેતી હતી એટલે માંદી પડી ગઈ. તે સાવ દુબળી થઈ ગઈ છે એટલે તેને અહીં લઈ આવી છું. અહીં કમસે કમ તેને દૂધ અને દવા તો મળી જાય."
સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 500 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા લ્યૂઉકમાં કુપોષણ નિવારણ માટેનું કેન્દ્ર ખૂલ્યું છે ત્યાં નિમ્કો પોતાની દીકરીને લઈને આવ્યા છે. અહીં તેમને એક પથારી મળી છે, પણ એ જ પથારી બીજી એક માતાને પણ અપાયેલી છે એટલે બંને માતા એ જ પલંગમાં જેમ તેમ સચવાશે.
આવી તો અનેક માતાઓ છે, જેમના સંતાનો કુપોષણથી પીડાઈ રહ્યા છે અને ભૂખમરાને કારણે મોતનો કોળિયો બની જાય એવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવીય સહાયની સંકલન કચેરીના અધિકારી આદમ અબ્દેલમૌલા ચેતવણી આપતા કહે છે, "જો કશું નહીં કરવામાં આવે તો આ વર્ષના ઉનાળા સુધીમાં આ દેશના કુપોષણથી પીડાઈ રહેલા 14 લાખ જેટલા બાળકોમાંથી 3,50,000 બાળકોનાં મોત થઈ શકે છે."
પાલનપોષણ કરવું મુશ્કેલ બની ગયું હોવાથી કેટલાક પરિવારો નાની વયે દીકરીને પણ પરણાવીને રવાના કરી રહ્યા છે એમ જણાવતા તેઓ ઉમેરે છે કે "અત્યારે જ શાળાએ જવાની ઉંમર થઈ હોય તેવા બાળકોમાંથી 70 ટકા ભણવા જઈ રહ્યા નથી. એક જ પ્રાંત જુબામાં દુકાળના કારણે 40 શાળાઓ બંધ થઈ ગઈ છે અને દુકાળગ્રસ્ત બીજા પ્રદેશોમાં પણ આવી જ હાલત થવાની છે."

ગામો થઈ ગયા ઉજ્જડ

લ્યૂઉકના આ કુપોષણ કેન્દ્રમાં નર્સ તરીકે કામ કરતાં ફાતમા મોહમ્મદ કહે છે કે અહીં માત્ર 18 પથારીઓ જ છે, પણ 50 બાળકો અને તેમની માતાઓને અહીં દાખલ કરવામાં આવ્યાં છે.
તેઓ કહે છે, "અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તેની અમને ચિંતા છે. અહીં ભારણ વધી ગયું છે અને ક્ષમતાથી પણ વધારે કામ કરી રહ્યા છીએ. સામગ્રી અને દવાઓ પણ ખૂટવા લાગ્યા છે."
કેટલાક બાળકો એટલા નબળાં પડી ગયાં હોય છે, તેમને અહીં લાવવામાં આવે ત્યારે રસ્તામાં જ મૃત્યુ પામે છે.
તેઓ વધુમાં જણાવે છે કે, "મહિલાઓ સાવ દુબળાં થઈ ગયેલાં બાળકોને લઈને આવે છે. મોટાં ભાગનાં બાળકોને ઝાડા થઈ ગયા હોય છે અને ઓરી નીકળ્યાં હોય છે."
સમગ્ર સોમાલિયામાં શું સ્થિતિ છે તેનો માત્ર નમૂનો જ આ કેન્દ્રમાં મળે છે. દુષ્કાળને કારણે 45 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોમાલિયાની સૌથી મોટી નદી જુબા લગભગ સુકાવા આવી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર 700,000 લોકોએ ખોરાક અને પાણીની તલાશમાં પોતાના ઘરબાર અને પશુઓને લઈને ગામ છોડીને નીકળી જવું પડ્યું છે. હિજરત કરી રહેલા લોકોની સંખ્યા વધી રહી છે.
છેલ્લાં ચાર ચોમાસાં નિષ્ફળ ગયાં છે અને અસહ્યય ગરમી પડવા લાગી છે અને તેના કારણે દેશનો 90 ટકા પ્રદેશ સૂકો થઈ ગયો છે.
ગામડે જતા રસ્તા પર બંને બાજુ મરી ગયેલા પશુઓના હાડમાંસ પડ્યા હોય છે. બકરાં, ગઘેડા, ઊંટ મરેલા પડેલા હોય છે. સોમાલિયામાં પશુપાલન, પશુઓનો ઉછેર અને લે વેચ સૌથી મહત્ત્વનો વ્યવસાય છે ત્યાં આ રીતે પશુઘન નાશ પામી રહ્યું છે અને મોટું સંકટ ઊભું થયું છે.
અનાજ અને પાણીના ભાવો વધવા લાગ્યા છે. ગામડાં ખાલી થવા લાગ્યા છે, કેમ કે લોકો મદદની આશાએ નજીકનાં શહેરોમાં પહોંચવાં લાગ્યાં છે.
ગામમાં પાછળ માત્ર વૃદ્ધો રહી જાય છે - આ લોકો વરસાદ આવશે તેની કાગડોળે રાહ જુએ છે અથવા એવી આશામાં છે કે બહાર ગયેલા જુવાન લોકો પાણી અને અનાજ લઈને આવશે.
માત્ર સોમાલિયા નહીં, પણ હૉર્ન ઑફ આફ્રિકા તરીકે ઓળખાતા આસપાસના દેશોને પણ દુષ્કાળ નડી રહ્યો છે. ઇન્ટરનેશનલ કમિટી ફૉર ધ રૅડ ક્રૉસ (ICRC)ના અંદાજ અનુસાર ચોથા ભાગના આફ્રિકન લોકો અનાજની તંગીનો સામનો કરી રહ્યા છે.
વિસ્થાપિત થઈ ગયેલા લોકોની સંખ્યામાં પણ નાટકીય વધારો થઈ રહ્યો છે. ભૂખમરાની માથે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વધારે મુશ્કેલી આવી છે, કેમ કે મોટા ભાગના રાહતના પ્રયાસો, ફંડિંગ વગેરે ત્યાં જઈ રહ્યું છે.
સમગ્ર દેશમાં ગામડું છોડીને નીકળી પડેલા લોકો માટે છાવણીઓ બનાવવામાં આવી છે. આવી છાવણીઓની સંખ્યા વધતી જાય છે. 2017ના દુષ્કાળનો ફટકો જેમને પડ્યો હતો, તેમાંથી હજી સુધી ઘણા પરિવારો બહાર આવી શક્યા નથી.
તે દુકાળને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી હતી અને તેમાંથી રાહત મળે ત્યાં ફરીથી આ વખતે દુકાળ આવી પડ્યો છે.

સ્થિતિ હજીય વકરી શકે છે
લ્યૂઉકથી દોઢસો કિમી દૂર ગલ્કાયોમાં આવેલી છાવણીમાં સાત મહિનાની ગર્ભવતી હવા ફરદોદ પોતાનાં બે નાનાં બાળકો સાથે બેઠાં છે.
તેમની ઝૂંપડી આસપાસની અનેક ઝૂંપડીઓની જેમ વાંસ ખોડીને અને માથે ગુણો નાખીને બનાવેલી છે. તેના ઘરનો ચૂલો કેટલાય દિવસથી સળગ્યો નથી.
હવા ફરગોદની બાજુમાં જ હવા શરીફ છે અને તેઓ કહે છે કે ત્રણ દિવસની મુસાફરી કરીને પોતાની ગધેડા ગાડી સાથે તેઓ અહીં આવ્યાં છે. તેમને પાંચ સંતાનો છે. આ છાવણીએ પહોંચ્યાં પછી તેમને અહીં લઈને આવનાર ગધેડાનું મોત ગઈ થયું.
"આ ગધેડો અમારું છેલ્લું પશુધન હતું. તે સિવાયનાં બધાં પશુઓ નાશ પામ્યાં છે."
દુકાળને કારણે પરિવારો વિખૂટા પડી ગયા છે - પુરુષો કામની તલાશમાં શહેરમાં જતા રહ્યા છે, જ્યારે સ્ત્રીઓ અને બાળકો જ્યાં સહાય મળે ત્યાં છાવણીમાં આશરો લઈ રહ્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માનવ સેવાનું કામ કરી રહેલી સંસ્થાઓ કહે છે કે તેમના માટે ભંડોળની તંગી ઊભી થઈ રહી છે. સોમાલિયાને મદદ માટે જેટલી જરૂર છે તેનાથી ફક્ત ત્રણ ટકા જેટલું જ ભંડોળ મળી રહ્યું છે.
આ સંસ્થાઓ પાણીના ટ્રક, અનાજ અને દવાઓ પહોંચાડવાની કોશિશ કરે છે. પણ દરેક સુધી આ સહાય પહોંચી શકતી નથી અને આગામી થોડાં અઠવાડિયાંમાં વધુ ભંડોળ નહીં આવે તો આટલી સહાય પણ ચાલુ રાખવી મુશ્કેલ બનવાની છે.
એપ્રિલમાં સરેરાશ અથવા તેનાથી ઓછા વરસાદની જ આગાહી છે ત્યારે આનાથી જ કપરી સ્થિતિ આવે તેની ચિંતા જાગી છે.
આગળ કેવી આપત્તિ આવવાની છે તેનો અંદાજ કદાચ હવા ફરગોદને આવી ગયો છે. તેને પોતાને કિડનીની બીમારી થઈ છે અને બાળકો પણ બીમાર છે ત્યારે ભવિષ્યની કોઈ આશા તેમને રહી નથી.
તેઓ ભયના ઓછાયા ભાળી ગયાં હોય એમ કહે છે, "મારાં સંતાનોનું શું થશે એ વિચારીને થથરી રહી છું."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














