ખેડા : ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને સરાજાહેર ફટકાર્યા, શું છે સમગ્ર મામલો?

ઉંઢેલા

ઇમેજ સ્રોત, ANI

લાઇન
  • આઠમના નોરતાની રાતે 11.30થી 11.45 કલાકની વચ્ચે ટોળાએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ
  • પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ સહિત ડઝન જેટલા ઘાયલ થયા, બે હૉસ્પિટલમાં સારવાર હેઠળ
  • ડીએસપી અનુસાર, 43 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે જેમાં નવની ધરપકડ કરવામાં આવી છે
લાઇન

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રિમાં ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ તણાવની પરિસ્થિતિ છે. આ મામલામાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે અને 43 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આરોપીઓને ગામના ચોકમાં લાકડીથી મારતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

ખેડામાં પોલીસે દાખલ કરેલી ફરિયાદ અનુસાર જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં 3 ઑક્ટોબરની રાત્રે આઠમા નોરતે ગરબે રમતા ગ્રામજનો પર '150થી 200 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો'. લાકડી અને પથ્થર લઈને આવેલા ટોળાના હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત 10 જેટલા ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના બાદ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં પોલીસ આ ઘટનાના આરોપીઓને ગામ વચ્ચેના ચોકમાં વીજળીના થાંભલા સાથે પકડીને લાકડીથી મારી રહી હોવાનું દેખાય છે.

પોલીસ અધિકારીઓએ વાઇરલ થયેલા વીડિયો મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારે પોતાના અહેવાલમાં અમદાવાદ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વી. ચંદ્રશેખરને ટાંકીને જણાવ્યું છે કે પોલીસ વાઇરલ થયેલા આ વીડિયોની સત્યતાની ચકાસણી કરશે.

આ ઘટના વિશે ખેડાના ડીએસપી રાજેશ ગઢિયાએ ન્યૂઝ એજન્સી એનએઆઈ સાથે કરેલી વાતચીત અનુસાર, આરિફ અને જહીર નામના યુવકોની આગેવાનીમાં ટોળાએ હુમલો કર્યો હતો. ઉંઢેલામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઉંઢેલા

ઉંઢેલાના સરપંચ ઇન્દ્રવદન પટેલ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "નવરાત્રિના ગરબા ચાલુ હતા. આઠમનો મોટો ઉત્સવ હતો અને ભાગોળે ગરબા રમાતા હતા એમાં રાત્રે 11.30થી 11.45 કલાકની વચ્ચે મુસલમાનોએ પથ્થરમારો કર્યો."

"200થી 250 મુસલમાનોનું ટોળું આવ્યું હતું. ગરબામાં હાજર આશરે 400 લોકો ઉપર તેમણે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં 10થી 11 માણસોને ઈજા થઈ છે. કોઈને માથામાં તો કોઈને પગમાં પથ્થરો વાગ્યા છે. હાલમાં પંચનામાં થઈ રહ્યાં છે."

સરપંચના કહેવા પ્રમાણે, 20 વર્ષ અગાઉ પણ આવું છમકલું થયું હતું.

બીબીસી ગુજરાતીએ ગામના મુસ્લિમ આગેવાનોનો સંપર્ક કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.

પોલીસે આરોપીઓને ગામલોકોની હાજરીમાં માર્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં આરોપીઓને ગામની વચ્ચે વીજથાંભલો પકડાવીને મારવામાં આવ્યા હતા. જે બાદ તેમની પાસે માફી મગાવવામાં આવી હતી અને ગામલોકો આરોપીઓને માર પડતો જોઈ રહ્યા હતા. જોકે, પોલીસે આ મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

line

પોલીસની હાજરીમાં પથ્થરમારો

પથ્થરમારામાં ગાડીના કાચ ફૂટ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પથ્થરમારામાં ગાડીના કાચ ફૂટ્યા હતા

પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો હતો? પ્રશ્નના જવાબમાં ઇન્દ્રવદન પટેલ કહે છે, "હા, મામલો તંગ બનતાં અમે પોલીસસુરક્ષા માગી હતી. પોલીસને આવવામાં સહેજ મોડું થયું અને પોલીસ આવી એટલીવારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી."

બીબીસી સાથે વાત કરતાં ડીએસપી રાજેશ ગઢિયા કહે છે, "રાતે 12 વાગ્યાની આસપાસ પથ્થરમારાની ઘટના બની હતી, આખી રાત અમે ઉંઢેલામાં જ હતા. પોલીસ ફરિયાદમાં 43 આરોપીનાં નામ છે. જેમની સામે આઈપીસીની કલમ 143,147,149,332,307,295-ક જેવી કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. દરેક ઘરમાં કૉમ્બિંગ કરીને અમે કુલ નવ લોકોને પકડી લીધા છે અને અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે."

"ઘાયલ છમાંથી બે વ્યક્તિઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. એકને માથામાં પથ્થર વાગ્યો હતો અને એકને ખભામાં પથ્થર વાગ્યો હતો. મેં હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. ઈજાઓ ગંભીર નથી."

line

આગોતરા આયોજનનો આક્ષેપ

ઉંઢેલા

ઘટનાની વિગતો અંગે વાત કરતા ડીએસપી કહે છે, "ઉંઢેલા ગામમાં દર વર્ષે સૌ પોતપોતાના મહોલ્લામાં ગરબા કરે છે, શેરીઓમાં ગરબા રમવાની પરંપરા હતી. પરંતુ ગામના સરપંચે તુળજા ભવાનીના મંદિરે 12 ગરબા (આઠમના) કરવાની માનતા રાખી હતી."

"તુળજા ભવાની મંદિરની એક બાજુએ મદરેસા અને મસ્જિદ આવેલાં છે. વચ્ચેના કૉમન પ્લૉટમાં ગરબાનું આયોજન હતું. ગરબા ચાલી રહ્યા હતા" ત્યારે પથ્થરમારો કરાયો હતો. પોલીસ પાંચ મિનિટમાં પહોંચી ગઈ હતી.

ખેડા ડીએસપી રાજેશ ગઢિયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેડા ડીએસપી રાજેશ ગઢિયા

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલી મુલાકાતમાં સરપંચે એવો આક્ષેપ કર્યો છે કે 'મારી માનતા પ્રમાણે ગરબાનું આયોજન હતું તેની તેઓને જાણ હતી અને તેઓએ પથ્થરમારાનું આગોતરું આયોજન કર્યું હતું.'

ડીએસપીએ ન્યૂઝ એજન્સી એનએઆઈ સાથે કરેલી વાતચીત અનુસાર, આ ઘટના બાદ માતર પોલીસ,ખેડા એલસીબી, એસઓજીની ટીમ સહિતનો પોલીસ કાફલો ગામમાં પહોંચ્યો હતો. હાલ ઉંઢેલા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન