સોમાલિયામાં હોટલ કબજે કરનાર ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-શબાબ શું છે?

પૂર્વ આફ્રિકાના દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક હોટલ પર ઉગ્રવાદી સંગઠન અલ-શબાબે હુમલો કર્યો છે. જેમાં 10 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ હોટલમાં પ્રવેશતા પહેલાં બહાર બે વિસ્ફોટ કર્યા હતા.
'ધ હયાત' નામની હોટલ મોગાદિશુની લોકપ્રિય હોટલોમાંથી એક છે, જ્યાં કેન્દ્રીય સરકારના અધિકારીઓની પણ બેઠકો યોજાતી હોય છે.
હુમલો કર્યા બાદ તેમણે હોટલ પર કબજો જમાવી લીધો અને બાદમાં ઉપરના માળે સંતાઈ ગયા હતા.
પોલીસની એક વિશેષ ટુકડીએ હોટલમાંથી 15 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોહંમદ અબ્દીકાદિર નામનાં અધિકારીએ જણાવ્યું, "સુરક્ષાદળોએ હોટલની એક રૂમમાં છુપાયેલા ઉગ્રવાદીઓનો સામનો કરવાનું ચાલુ રાખ્યું છે. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે."
અગાઉ અલ-શબાબ સાથે જોડાયેલી એક વેબસાઇટે જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓનું એક જૂથ હોટલમાં ઘૂસી ગયું હતું અને આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો.
મોગાદિશુની ઍમ્બ્યુલન્સ સેવાના વડા અબ્દીકાદિર અબ્દીરહમાને અગાઉ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હુમલામાં ઈજા પામેલા નવ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લાંબા સમયથી ચાલતો સંઘર્ષ

ઇમેજ સ્રોત, HAYAT HOTEL
સોશિયલ મીડિયા પર વાઇરલ તસવીરો અને વીડિયોમાં હોટલમાંથી ધુમાડો નીકળતો દેખાય છે અને લોકોની બૂમરાણ વચ્ચે બ્લાસ્ટનો અવાજ પણ સંભળાય છે.
એક પોલીસ અધિકારીએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું, "બે કારે હયાત હોટલને નિશાન બનાવી હતી. એક કાર હોટલ પાસે બૅરિકેડને અથડાઈ હતી. જ્યારે બીજી હોટલના દરવાજા સાથે અથડાઈ હતી. અમારા ખ્યાલ મુજબ ઉગ્રવાદીઓ હજી પણ હોટલમાં જ છે."
અલ-કાયદા સાથે સંકળાયેલ અલ-શબાબ અને સોમાલિયાની સરકાર વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલતો આવ્યો છે.
આ જૂથ દક્ષિણ અને મધ્ય સોમાલિયાના મોટા ભાગને નિયંત્રિત કરે છે, પરંતુ મોગાદિશુ અને તેની આસપાસમાં તેનો વધારે પ્રભાવ નથી.
થોડા દિવસ પહેલાં જ અલ-શબાબે સોમાલિયા-ઇથોપિયા સરહદ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલા બાથી તેમની નવી સંભવિત વ્યૂહરચનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોમાલિયાના નવા રાષ્ટ્રપ્રમુખ હસન શેખ મોહંમદે મે મહિનામાં કાર્યભાર સંભાળ્યા બાદ આ સંગઠન દ્વારા પહેલી વખત રાજધાની મોગાદિશુમાં હુમલો કર્યો છે.

શું છે અલ-શબાબ?

ઇમેજ સ્રોત, AFP
અલ-શબાબ સોમાલિયામાં યુએન સમર્થિત સરકાર સામે વર્ષોથી લડી રહેલું ઇસ્લામિક સંગઠન છે. અગાઉ તેમણે સમગ્ર દેશમાં સંખ્યાબંધ હુમલા પણ કર્યા છે.
અલ-શબાબનો અર્થ અરેબિક ભાષામાં 'યુવાનો' થાય છે. આ સંગઠન નિષ્ક્રિય થયેલા યુનિયન ઑફ ઇસ્લામિક કોર્ટની કટ્ટરપંથી યુવા પાંખ તરીકે ઊભરી આવ્યું હતું.
પાડોશી દેશો તેમજ અમેરિકા અને યુરોપથી વિદેશી જેહાદીઓ અલ-શબાબને મદદ કરવા માટે સોમાલિયા જતા હોવાના અસંખ્ય અહેવાલો પણ છે.
અમેરિકા અને યુકેમાં તેને 'આતંકવાદી સંગઠન' તરીકે પ્રતિબંધિત છે અને માનવામાં આવે છે કે તેની સાથે 10 હજારથી વધુ લોકો જોડાયેલા છે.
ફેબ્રુઆરી 2012માં જાહેર કરાયેલા એક વીડિયોમાં અલ-શબાબના તત્કાલીન વડા અહમદ અબ્દી ગોદાને જણાવ્યું હતું કે તેમણે અલ-કાયદાના તે સમયના નેતા અયમાન અલ-ઝવાહિરીને "આજ્ઞાપાલનનું વચન" આપ્યું હતું.
આ ઉપરાંત અલ-શબાબે નાઇજીરિયામાં બોકો-હરામ અને સહારાના રણમાં અલ-કાયદા ઇન ઇસ્લામિક સ્ટેટ સાથે ગઠબંધન કર્યું હોવાના પણ અહેવાલો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













