ભૂખમરો : ઉંદર, હાડકાં અને માટી, દુષ્કાળમાં લોકો શું-શું ખાવા મજબૂર બન્યા?

સોમાલિયામાં અન્નની અછતને પગલે મોટી સંખ્યામાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમાલિયામાં અન્નની અછતને પગલે મોટી સંખ્યામાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે
    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

દુષ્કાળ, ગરીબી, યુદ્ધ અને બીમારી. એવાં ઘણાં કારણો છે જેના કારણે આપણી ખાવાની આદતોમાં મોટો ફેરફાર આવી શકે છે.

અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓથી ઘેરાયેલા પરેશાન લોકોને જીવિત રહેવા માટે માટી, ઉંદર, ફેંકી દીધેલાં હાડકાં અને પ્રાણીઓની ચામડી પણ ખાવા મજબૂર થઈ શકે છે.

ભીષણ ભૂખમરો, કુપોષણ અને ખોરાકની અછત એ આજની દુનિયામાં ઘણા ભાગોમાં રોજિંદા પડકાર છે. આ સમસ્યા બહુ મોટી છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન કહે છે કે વિશ્વમાં ઓછામાં ઓછા 82.8 કરોડ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે અને 34.5 કરોડ લોકો ગંભીર ખોરાકની અસુરક્ષામાં જીવે છે.

રવિવારે (16 ઑક્ટોબર) વિશ્વ ખાદ્ય દિવસ ઊજવવામાં આવ્યો છે. અગાઉ બીબીસીએ વિશ્વના વિવિધ ભાગોમાં ભારે ભૂખનો સામનો કરી રહેલા ચાર લોકો સાથે વાત કરી અને તેમની પાસેથી સમજ્યા કે તેઓ કેવી રીતે જીવિત રહી ગયા.

લાઇન

સંક્ષિપ્તમાં: વિશ્વ ખાદ્ય દિવસ: ઉંદર, હાડકાં અને માટી, દુષ્કાળમાં લોકોની હાલત શું છે?

લાઇન
  • વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કહે છે કે વિશ્વમાં ઓછામાં ઓછા 82.8 કરોડ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે અને 34.5 કરોડ લોકો ગંભીર ખોરાકની અસુરક્ષામાં જીવે છે
  • 16 ઑક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે બીબીસીએ વિશ્વના વિવિધ ભાગોમાં ભારે ભૂખનો સામનો કરી રહેલા ચાર લોકો સાથે વાત કરી અને તેમની પાસેથી સમજ્યા કે તેઓ કેવી રીતે જીવિત રહી ગયા
  • દક્ષિણ ભારતમાં રહેતાં રાનીનું કહેવું છે કે તેઓ નાનપણથી જ ઉંદરનું માંસ ખાતાં આવ્યાં છે અને તેમને ક્યારેય સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ નથી
  • સોમાલિયાનાં સાત બાળકનાં માતા 40 વર્ષીય શરીફો અલી હિજરત દરમિયાનના અનુભવો વર્ણવતા કહે છે કે તેમણે રસ્તામાં સેંકડો મૃત પ્રાણીઓ જોયાં, લોકો પ્રાણીઓનાં હાડપિંજર અને ચામડી ખાવા માટે મજબૂર બન્યા છે
  • બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતાં 63 વર્ષીય લિન્ડીનાલ્વા મારિયા દા સિલ્વા નાસિમેન્ટો છેલ્લાં બે વર્ષથી સ્થાનિક કસાઈઓએ ફેંકી દીધેલાં હાડકાં અને ખાલ પર નિર્ભર છે
line

'હું માત્ર ઉંદરનું માંસ જ ખરીદી શકું છું'

રાની મહિનામાં ઓછામાં ઓછા બે વાર ઉંદરનું માંસ ખાય છે

ઇમેજ સ્રોત, RANI

ઇમેજ કૅપ્શન, રાની મહિનામાં ઓછામાં ઓછા બે વાર ઉંદરનું માંસ ખાય છે

દક્ષિણ ભારતમાં રહેતાં રાની કહે છે, "હું નાનપણથી જ ઉંદરનું માંસ ખાતી આવી છું અને મને ક્યારેય સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ નથી. હું મારી બે વર્ષની પૌત્રીને પણ ઉંદરનું માંસ ખવડાવું છું. અમને તે ખાવાની ટેવ પડી ગઈ છે."

49 વર્ષીય રાણી તામિલનાડુની રાજધાની ચેન્નાઈ પાસે રહે છે અને તે ભારતના સૌથી પછાત સમુદાયમાંથી આવે છે. તેઓ જ્યારે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમણે શાળા છોડી દીધી હતી.

રાનીનો સમાજ હંમેશાં ભારતના જાતિ આધારિત સમાજમાં હાંસિયા પર ધકેલાયેલો રહ્યો છે અને સદીઓથી ભેદભાવનો સામનો કરતો આવ્યો છે. રાની એક એનજીઓમાં કામ કરે છે જે તેમના સમુદાયના લોકોને મદદ કરે છે.

આ સંસ્થા ઈરુલા સમુદાયના બાંધેલી મજૂરીમાં ફસાયેલા લોકોને મુક્ત કરે છે.

રાનીએ બીબીસીને કહ્યું, "અમે હંમેશાં શહેર અને ગામની બહાર રહેતાં આવ્યાં છીએ. મારા પિતા અને દાદા કહેતા હતા કે કેટલીક વાર તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું. એક બટેટું પણ નથી. એ મુશ્કેલ દિવસોમાં ઉંદરમાંથી અમારા સમુદાયને જરૂરી પોષણ મળતું હતું."

"હું ખૂબ નાની ઉંમરે ઉંદરોને પકડવાનું શીખી ગઈ હતી."

રાની અનેક રીતે ઉંદરનું માંસ પકાવે છે

ઇમેજ સ્રોત, RANI

ઇમેજ કૅપ્શન, રાની અનેક રીતે ઉંદરનું માંસ પકાવે છે

રાનીએ બાળપણમાં પોતાનું પેટ ભરવા અને પોતાનો જીવ બચાવવા માટે ઉંદરોને પકડવાની કળા હસ્તગત કરી હતી, તે આજે પણ કામમાં આવી રહી છે. તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ ઉંદરનું માંસ રાંધે છે.

ઈરુલા સમુદાયના લોકો ડાંગરનાં ખેતરોમાં જોવાં મળતાં ઉંદરોની એક પ્રજાતિ ખાય છે. આ લોકો ઘરોમાં જોવાં મળતાં ઉંદર ખાતાં નથી.

રાની કહે છે, "અમે ઉંદરની ચામડી ઉતારીએ છીએ, તેને આગ પર શેકીએ છીએ અને ખાઈએ છીએ. કેટલીક વાર અમે તેમના માંસના નાના ટુકડા કરી દઈએ છીએ અને તેમને દાળ અને આમલીની ચટણી સાથે રાંધીએ છીએ."

ઉંદરો જે અનાજ પોતાના દરોમાં સંતાડે છે તે પણ ઇરુલા લોકો બહાર કાઢીને ખાય છે.

રાની કહે છે, "હું મહિનામાં માત્ર એક જ વાર ચિકન કે માછલી ખરીદી શકું છું. ઉંદર મફતમાં મળી જાય છે અને તે પુષ્કળ માત્રામાં હોય છે એટલે અમે ઉંદરો ખાઈએ છીએ."

line

'પ્રાણીઓની ખાલ ખાવાની ફરજ પડી'

બાળકો સાથે શરીફો હસન

ઇમેજ સ્રોત, ABDULKADIR MOHAMED/NRC

ઇમેજ કૅપ્શન, બાળકો સાથે શરીફો હસન

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સોમાલિયા હાલમાં જીવલેણ ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં સૌથી ભયંકર દુષ્કાળને પગલે લાખો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.

સાત બાળકોનાં માતા (40 વર્ષીય) શરીફો અલીને પણ પોતાનું ઘર છોડવું પડ્યું છે.

તેમણે પોતાનું ગામ છોડીને લગભગ બસો કિલોમિટર પગપાળા ચાલવું પડ્યું. શાબેલ વિસ્તાર છોડ્યા બાદ તેઓ રાજધાની મોગાદિશુના બહારના વિસ્તારમાં આવી ગયાં છે. તેઓ સળંગ પાંચ દિવસ સુધી ચાલ્યાં હતાં.

તેઓ કહે છે, "અમે યાત્રા દરમિયાન દિવસમાં માત્ર એક જ વાર જમતા હતાં. જ્યારે અમારી પાસે ખાવાનું અપરતું હોય, ત્યારે માત્ર બાળકો જ ખાતાં હતાં અને અમે ભૂખ્યાં સૂઈ જતાં હતાં."

રાજધાની તરફ આગળ વધતા તેમણે ઘણાં આશ્ચર્યજનક દૃશ્યો જોયાં.

શરીફો અલી કહે છે, "નદી સાવ સુકાઈ ગઈ હતી. ઘણાં વર્ષોથી નદીમાં બહુ ઓછું પાણી હતું, અમે ગંદું પાણી જ પીતાં હતાં."

"મેં રસ્તામાં સેંકડો મૃત પ્રાણીઓ જોયાં. લોકો પ્રાણીઓનાં હાડપિંજર અને ચામડી ખાવા માટે મજબૂર બન્યાં છે."

સોમાલિયામાં દુષ્કાળના પગલે દસ લાખથી વધુ લોકોએ ઘર છોડ્યા છે

ઇમેજ સ્રોત, ABDULKADIR MOHAMED/NRC

ઇમેજ કૅપ્શન, સોમાલિયામાં દુષ્કાળના પગલે દસ લાખથી વધુ લોકોએ ઘર છોડ્યા છે

શરીફો પાસે 25 ગાયો અને એટલી જ બકરીઓ હતી. દુષ્કાળમાં બધાં મૃત્યુ પામ્યાં.

"બિલકુલ વરસાદ નથી પડતો અને અમારાં ખેતરમાં કોઈ ઊપજ નથી."

શરીફો અલી હવે બીજાના ઘરે કામ કરે છે અને રોજના બે ડૉલરથી પણ ઓછું કમાય છે, જે તેના પરિવારને ખવડાવવા માટે પૂરતું નથી.

"હું તેમાંથી એક કિલો ચોખા અને શાકભાજી પણ ખરીદી શકતી નથી. અમારી પાસે ક્યારેય પૂરતો ખોરાક નથી હોતો. આ દુષ્કાળ અમારા પર ભારે ત્રાસ વર્તાવી રહ્યો છે."

શરીફો અલીને સેવાભાવી સંસ્થાઓ તરફથી થોડી મદદ મળી રહી છે પરંતુ તે પર્યાપ્ત નથી.

શરીફો કહે છે, "અમારી પાસે કંઈ નથી."

line

'અમે ફેંકી દીધેલી ખાલ અને હાડકાં પર નભીએ છીએ'

હાડકા

બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતાં 63 વર્ષીય લિન્ડીનાલ્વા મારિયા દા સિલ્વા નાસિમેન્ટો છેલ્લાં બે વર્ષથી સ્થાનિક કસાઈઓએ ફેંકી દીધેલાં હાડકાં અને ખાલ પર નિર્ભર છે. તેને ખાઈને તેઓ પેટ ભરે છે.

પેન્શનભોગી લિન્ડીનાલ્વા પાસે આખા દિવસના માત્ર ચાર ડૉલર છે. આમાં તેમણે તેમના પતિ, પુત્ર અને બે બાળકનો ખર્ચો ચલાવવાનો છે. તેઓ માંસ ખરીદી શકતાં નથી, તેથી તેઓ જુદા જુદા કસાઈઓ પાસે જાય છે અને હાડકાં અને ચિકનની ખાલ ખરીદે છે. તે પણ તેમને કિલોદીઠ 0.70 ડૉલરની આસપાસ મળે છે.

"હું હાડકાંને રાંધું છું, તેમના પર થોડું માંસ લાગેલું હોય છે. પછી હું સ્વાદ માટે તેમાં કઠોળ ઉમેરું છું."

તેઓ કહે છે કે તે તેલ વિના ફ્રાઈંગ પેનમાં ચિકનની ખાલને ફ્રાય કરે છે, જે તે એકત્રિત કરે છે તે ચરબી દૂર કરે છે. બાદમાં તે આ ચરબીમાં અન્ય ખોરાકને ફ્રાય કરે છે.

મહામારી દરમિયાન લિન્ડીનાલ્વાએ નોકરી ગુમાવી હતી. તેમનો પુત્ર પણ બેરોજગાર છે.

લિન્ડીનાલ્વા જુદા જુદા કસાઈઓ પાસે જાય છે અને હાડકાં અને ચિકનની ખાલ ખરીદે છે

ઇમેજ સ્રોત, FELIX LIMA/ BBC NEWS BRASIL

ઇમેજ કૅપ્શન, લિન્ડીનાલ્વા જુદા જુદા કસાઈઓ પાસે જાય છે અને હાડકાં અને ચિકનની ખાલ ખરીદે છે

તેઓ કહે છે, "લોકો થોડો ખોરાક આપે છે, સ્થાનિક કૅથલિક ચર્ચ પણ મદદ કરે છે. આ રીતે અમે ગુજરાન ચલાવીએ છીએ."

બ્રાઝિલના નેટવર્ક ફૉર ફૂડ સિક્યૉરિટીના તાજેતરના અહેવાલ મુજબ, બ્રાઝિલમાં 3.3 કરોડથી વધુ લોકો ભૂખે મરી રહ્યા છે.

જૂનમાં પ્રકાશિત થયેલા આ નવા સંશોધનપત્ર મુજબ, દેશની અડધાથી વધુ વસ્તી ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહી છે.

લિન્ડીનાલ્વા ફરિયાદના સ્વરમાં કહે છે, "કસાઈઓ પણ ઘણી વાર કહે છે કે તેમની પાસે હાડકાં નથી."

તેઓ કહે છે કે ખોરાક બચાવવા માટે, તે શક્ય તેટલું ઓછું ખાવાનો પ્રયાસ કરે છે. "હું પણ એવી આશા સાથે જીવું છું કે સ્થિતિ કોઈક સમયે સારી થઈ જશે."

line

'લાલ થોરનું ફળ ખાઈને જીવીએ છીએ'

થોરના ફળ સાથે આમલીનું પાણી મેળવે છે

ઇમેજ સ્રોત, UNICEF/RAKOTO/2022

ઇમેજ કૅપ્શન, થોરના ફળ સાથે આમલીનું પાણી મેળવે છે

"વરસાદ નથી અને કંઈ પાક્યું નથી. અમારી પાસે વેચવા માટે કંઈ નથી. અમારી પાસે પૈસા નથી. અમે ચોખા પણ ખરીદી શકતા નથી."

હિંદ મહાસાગરમાં મેડાગાસ્કર ટાપુમાં રહેતાં 25 વર્ષીય પેફિનિયાના બે બાળકનાં માતા છે.

અહીં બે વર્ષથી ઓછો વરસાદ થયો છે, પાક બરબાદ થઈ ગયો છે અને લોકોનાં ઢોર મૃત્યુ પામ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર આના કારણે 10 લાખથી વધુ લોકો ભૂખમરાને આરે પહોંચી ગયા છે.

પેફિનિયાના દુષ્કાળથી સૌથી વધુ પ્રભાવિત અંબોસરી શહેરમાં રહે છે. તેઓ અને તેમના પતિ પાણી વેચીને પેટ ભરે છે.

યુનિસેફના અનુવાદકની મદદથી પેફિનિયાના બીબીસી સાથે વાત કરે છે. તેઓ કહે છે, "જ્યારે હું થોડા પૈસા કમાઉં છું, ત્યારે હું ચોખા અને કસાવા ખરીદું છું. જ્યારે મારી પાસે કંઈ નથી હોતું ત્યારે હું લાલ થોરનાં ફળ ખાઉં છું અથવા ભૂખ્યાં જ સૂઈ જાઉં છું."

તેઓ ઉમેરે છે, "અહીંના મોટા ભાગના લોકો થોરનું ફળ ખાય છે, તે આમલીની જેમ ખાટું હોય છે."

"અમે તેને ચાર મહિનાથી ખાઈએ છીએ અને હવે મારાં બંને બાળકોને ઝાડા થઈ ગયા છે."

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ગયા વર્ષે અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ મેડાગાસ્કરમાં "લોકો આમલીના રસ સાથે સફેદ માટી ખાય છે. વધુમાં તેમની ભૂખ સંતોષવા માટે થોરનાં પાંદડાં, જંગલી મૂળ અને કંદ ખાય છે."

આ ફળ પેફિનિયાના પરિવારને જીવંત રાખી શકે છે પરંતુ શરીરને વિટામિન્સ અને મિનરલ્સ આપતું નથી.

અહીં ઘણાં બાળકો કુપોષણ માટે સારવાર લઈ રહ્યાં છે, તેમનો ચાર વર્ષીય પુત્ર પણ તેમાંથી એક છે.

તેઓ કહે છે કે જો થોડો પણ વરસાદ પડી જાય તો થોડો પાક ઉગાડી લઈએ. "પછી બટાકા, કસાવા અને ફળ ખાઈ શકીશું."

"પછી અમારે થોરનું ફળ ખાવાની જરૂર નહીં પડે."

line

શું કહે છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ?

થોરનાં ફળથી બાળકોને ઝાડા થઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, UNICEF/RAKOTO/2022

ઇમેજ કૅપ્શન, થોરનાં ફળથી બાળકોને ઝાડા થઈ રહ્યા છે

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું કહે છે કે આ સમયે દુનિયામાં ભૂખમરો પરાકાષ્ઠાએ છે.

આ સતત વધી રહેલા સંકટ માટે તે ચાર કારણને જવાબદાર માને છે. હિંસક સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, કોવિડ મહામારીની આર્થિક અસર અને વધતી કિંમતો.

ડબલ્યુએફપી દ્વારા 2022ના અહેવાલ મુજબ, "વર્લ્ડ હેલ્થ પ્રોગ્રામનો માસિક ખર્ચ 7.36 કરોડ ડૉલર છે, જે 2019ના સરેરાશ ખર્ચ કરતાં 44 ટકા વધારે છે."

"હવે પ્રોગ્રામના સંચાલન પર જે વધુ નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી દર મહિને ચાલીસ લાખ લોકોનું પેટ ભરી શકાયું હોત."

જોકે, સંસ્થાનું કહેવું છે કે જ્યાં સુધી દુનિયામાં સંઘર્ષનો અંત નહીં આવે અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ નહીં બતાવવામાં આવે ત્યાં સુધી માત્ર એકલા પૈસાના જોરે આ સંકટને હલ કરી શકાતું નથી.

અહેવાલના તારણમાં કહેવામાં આવ્યુ છે,"ભૂખમરાનાં મહત્ત્વનાં કારણો અવિરતપણે ચાલુ રહેશે."

(ફિલીપ સૂઝાએ આ અહેવાલમાં સહયોગ આપ્યો છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન