ગાંધીજયંતીઃ જ્યારે ચર્ચિલે પૂછ્યું - 'ગાંધી હજી સુધી મર્યા કેમ નથી?'

ઇમેજ સ્રોત, ROLI BOOKS
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઈ.સ. 1931માં જ્યારે મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા તો ત્યાંના સમ્રાટ જ્યૉર્જ પંચમે એમને બકિંઘમ પૅલેસમાં ચા પીવા આવવાનું નિમંત્રણ આપ્યું. સમગ્ર અંગ્રેજ સમુદાય એ જોઈને વિસ્મયચકિત થઈ ગયો કે આ ઔપચારિક પ્રસંગે પણ ગાંધી એક ધોતી અને ચપ્પલ પહેરીને રાજમહેલ પહોંચ્યા.
પાછળથી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આ પોશાકમાં સમ્રાટ સમક્ષ જવાનું ઉચિત હતું? ત્યારે ગાંધીએ હસીને જવાબ આપ્યો હતો, "સમ્રાટે જેટલાં કપડાં પહેર્યાં હતાં તે અમારા બંને માટે પર્યાપ્ત હતાં."
એના છ મહિના પહેલાં પણ જ્યારે ગાંધી વાઇસરૉય લૉર્ડ ઇરવિનને મળવા ગવર્નમેન્ટ હાઉસ ગયેલા ત્યારે પણ એમણે આ જ પોશાક પહેર્યો હતો.
ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા વિંસ્ટન ચર્ચિલે એમની ટીકા કરતાં કહેલું, "આ કેટલું ખતરનાક અને ઘૃણાસ્પદ છે કે વિલાયતથી બૅરિસ્ટ્રી પાસ કરીને આવેલો શખસ હવે રાજદ્રોહી અર્ધનગ્ન ફકીર બનીને વાઇસરૉયના મહેલની સીડીઓ સડસડાટ ચડી રહ્યો છે અને બ્રિટિશ સરકારની સામે સામાજિક અસહકારનું આંદોલન ચલાવ્યા છતાં ત્યાં જઈને સમ્રાટના પ્રતિનિધિ સાથે સમકક્ષની રૂએ બેસીને સંધિવાર્તા કરી રહ્યો છે."

સમ્રાટને મળ્યા પછીના એક જ મહિનામાં ગાંધીની ધરપકડ

ઇમેજ સ્રોત, ROLI BOOKS
ગોળમેજી પરિષદમાં ભાગ લીધા પછી ગાંધી જ્યારે લંડનથી ભારત પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કરવા મુંબઈના બંદરે હજારો લોકો ઊભા હતા.
ડોમિનિક લાપિએર અને લૅરી કૉલિન્સે પોતાના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'માં લખ્યું છે, "ગાંધીએ પોતાના સ્વાગત માટે ઊભેલા લોકોને કહ્યું, 'હું ખાલી હાથે પાછો ફર્યો છું. ભારતે ફરીથી સવિનય કાનૂનભંગનો માર્ગ અપનાવવો પડશે.' એક અઠવાડિયું પણ પૂરું નહોતું થયું અને સમ્રાટ સાથે ચા પીવા માટે મહેમાન બનેલા શખસને ફરીથી શાહી મહેમાન બનાવી દેવાયા હતા, પરંતુ આ વખતે પૂનાની યરવડા જેલમાં."
એ પછીનાં ત્રણ વર્ષ ગાંધીનું જેલમાં અંદર-બહાર રહેવાનું ચાલતું રહ્યું. તો ત્યાં લંડનમાં ચર્ચિલ બૂમો પાડતા રહ્યા, "ગાંધીને અને એ બધી વસ્તુઓને, જેના માટે તેઓ લડી રહ્યા છે, કચડી નાખવી જોઈએ."

સંક્ષિપ્તમાં : ગાંધી અને ચર્ચિલ
- જ્યારે ચર્ચિલ પર ભારતને આઝાદ કરવાનું દબાણ વધ્યું ત્યારે એમણે પેલું જગવિખ્યાત વાક્ય કહ્યું કે "સમ્રાટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંત કરવા માટે તો મને વડા પ્રધાન નથી બનાવ્યો."
- ગોળમેજી પરિષદમાં ભાગ લીધા પછી ગાંધી જ્યારે લંડનથી ભારત પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કરવા મુંબઈના બંદરે હજારો લોકો ઊભા હતા.
- કેટલાંક સરકારી વક્તવ્યોમાં કહેવાયું હતું કે તેઓ અંગ્રેજોના દુશ્મન દેશો સાથે ભળેલા હતા. સરકારનું એમ પણ કહેવું હતું કે ગાંધીની ધરપકડ પછી થનારી હિંસા માટે તેઓ પોતે જવાબદાર હતા.
- આ આરોપોથી દુઃખી થઈને ગાંધીએ વાઇસરૉય લિનલિથગોને પત્ર લખ્યો કે તેઓ 9 ફેબ્રુઆરીથી 21 દિવસના ઉપવાસ કરવા માગે છે.
- 13 ફેબ્રુઆરીએ ચર્ચિલે લિનલિથગોને પત્ર લખીને કહ્યું, "મેં સાંભળ્યું છે કે જ્યારે ગાંધીએ ઉપવાસનું નાટક કર્યું, તો એમણે પાણી સાથે ગ્લુકોઝનું સેવન કર્યું છે. શું તમે આ વાતની પુષ્ટિ કરાવી શકો?"
- ઉપવાસના તેરમા દિવસ એટલે કે 23 ફેબ્રુઆરીએ ગાંધીની કિડની ખરાબ થઈ ગઈ.
- બીજી તરફ, ચર્ચિલ બીમારીની હાલતમાં પણ ગાંધીના ઉપવાસ પર ધ્યાન રાખતા હતા. એમના મગજમાં રહી રહીને એક સવાલ થતો હતો કે ગાંધી ક્યારે મરશે?


ઇમેજ સ્રોત, ROLI BOOKS
જ્યારે ચર્ચિલ પર ભારતને આઝાદ કરવાનું દબાણ વધ્યું ત્યારે એમણે પેલું જગવિખ્યાત વાક્ય કહ્યું, "સમ્રાટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંત કરવા માટે તો મને વડા પ્રધાન નથી બનાવ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈ.સ. 1942માં જ્યારે સ્ટૅફર્ડ ક્રિસ્પ એમના પ્રતિનિધિ તરીકે દિલ્હી આવ્યા ત્યારે ગાંધીએ એમના પ્રસ્તાવ સામે પોતાનો નિર્ણય સંભળાવ્યો કે, "આ યોજના કોઈ ડૂબી રહેલી બૅન્કના નામે લખાયેલો પોસ્ટ ડેટેડ ચેક છે."
એમણે ક્રિપ્સને કહ્યું, "જો તમારી પાસે બીજું કોઈ સૂચન ન હોય તો તમે વળતા જહાજમાં પોતાના દેશ પાછા જતા રહો."
8 ઑગસ્ટ, 1942ના કૉંગ્રેસના સંમેલનમાં ગાંધીએ જે શબ્દો કહ્યા એમાં એટલો આવેશ હતો કે તે એમના મોંએ વિચિત્ર લાગતા હતા. ગાંધીએ કહ્યું, "મને તરત જ આઝાદી જોઈએ. આજે રાત્રે જ. જો બની શકે તો પ્રભાત પહેલાં."
પરંતુ પ્રભાત થતાં પહેલાં આઝાદી તો ના મળી, ગાંધીને પકડી લેવાયા.

ગાંધીને પૂનાના આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા

ઇમેજ સ્રોત, ROLI BOOKS
આ વખતે અંગ્રેજોએ ગાંધીને જેલમાં ન રાખીને પૂનામાં આગાખાન મહેલમાં રાખ્યા. આગાખાન મહેલ પૂનાથી પાંચ માઈલ દૂર હતો. તે બે માળનું એક ભવન હતું, જેમાં નવ મોટા શયનકક્ષ હતા. મુખ્ય ભવનની ચારેબાજુ 70 એકરનું મેદાન હતું જેમાં 12 માળી કામ કરતા હતા.
ગાંધીની ધરપકડ પછી આર્દેશર એદલજી કેટલીને મહેલની જેલના ઇન્ચાર્જ બનાવી દીધા હતા.
1932માં જ્યારે ગાંધીને યરવડા જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે કેટલી ત્યાંના જેલર હતા. કેટલીની મદદ માટે 76 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.
દરમિયાનમાં વરસોથી ગાંધીના સચિવ રહેલા મહાદેવ દેસાઈનું જેલમાં જ અચાનક અવસાન થયું. એમના અવસાનનો શોક પ્રકટ કરતાં કસ્તૂરબાએ કહેલું, "એમના મૃત્યુથી બાપુનો જમણો અને ડાબો હાથ જતો રહ્યો."

ગાંધીએ 21 દિવસના ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો

ઇમેજ સ્રોત, ROLI BOOKS
ગાંધી સમાચારપત્રોમાં છપાયેલા એ સમાચારથી ઘણા વ્યથિત હતા, જેમાં કેટલાંક સરકારી વક્તવ્યોમાં કહેવાયું હતું કે તેઓ અંગ્રેજોના દુશ્મન દેશો સાથે ભળેલા હતા. સરકારનું એમ પણ કહેવું હતું કે ગાંધીની ધરપકડ પછી થનારી હિંસા માટે તેઓ પોતે જવાબદાર હતા.
આ આરોપોથી દુઃખી થઈને ગાંધીએ વાઇસરૉય લિનલિથગોને પત્ર લખ્યો કે તેઓ 9 ફેબ્રુઆરીથી 21 દિવસના ઉપવાસ કરવા માગે છે.
લિનલિથગોએ એના જવાબમાં લખ્યું કે, "રાજકીય કારણોથી ઉપવાસને હું રાજકીય બ્લૅકમેલ તરીકે જોઉં છું, જેને નૈતિક કારણોથી ક્યારેય યોગ્ય ઠરાવી ન શકાય."
આની પહેલાં ગાંધીએ જ્યારે પણ ઉપવાસ કર્યા હતા એમને જેલમાંથી તરત જ છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે લિનલિથગો અને ચર્ચિલનો ઇરાદો જુદો હતો.
ચર્ચિલે દિલ્હી સૂચના મોકલી કે, "જો ગાંધી ભૂખથી મરી જવા માગતા હોય તો એમને એવું કરવાની પૂરી છૂટ છે."
આર્થર હર્મને પોતાના પુસ્તક 'ગાંધી ઍન્ડ ચર્ચિલ ધ એપિક રાઇવલરી ધૅટ ડિસ્ટ્રૉએડ ધ એમ્પાયર ઍન્ડ ફોર્જ્ડ અવર એજ'માં લખ્યું છે, "ગાંધીના ઉપવાસ શરૂ થવાના બે દિવસ પહેલાં સરકારે એમને ઉપવાસ દરમિયાન જેલની બહાર જવાનો પ્રસ્તાવ કર્યો હતો."
"વાઇસરૉયે એમને કહ્યું કે તેઓ કોઈની પણ સાથે જ્યાં જવા માગે જઈ શકે છે. પરંતુ ઉપવાસ પૂરા થયા પછી એમણે આગાખાન મહેલમાં પાછા આવવું પડશે. ગાંધીએ આ પ્રસ્તાવ નામંજૂર કર્યો."

ચર્ચિલની દૃષ્ટિએ ગાંધીના ઉપવાસ નાટક હતા

ઇમેજ સ્રોત, ROLI BOOKS
ગાંધીએ 9 ફેબ્રુઆરીના બદલે 10 ફેબ્રુઆરીથી પોતાના ઉપવાસ શરૂ કર્યા. મીરાંબેને લખ્યું છે, "ત્રીજા દિવસથી જ ગાંધીને ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. પાંચમા દિવસ સુધીમાં તો તેઓ ખૂબ કમજોર અને થાકેલા દેખાવા લાગ્યા. એમણે ગીતાનો પાઠ કરવાનું પણ છોડી દીધું."
વાઇસરૉયની કાર્યકારી પરિષદમાંના કેટલાક ભારતીય સભ્યોએ એમના પર દબાણ કર્યું કે ગાંધીને છોડી મૂકવામાં આવે, પરંતુ લિનલિથગો એકના બે ના થયા.
ગાંધીના ઉપવાસના બીજા અઠવાડિયે એમએસ એની, સર હોમી મોદી અને નલિની રંજન સરકારે વિરોધરૂપે કાર્યકારી પરિષદનાં પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દીધાં.
એ સમયે ચર્ચિલ મિત્રદેશોના સંમેલનમાં ભાગ લેવા માટે કૅસાબ્લાંકા ગયા હતા. એમને ગાંધીની દરેક પ્રવૃત્તિની માહિતી પહોંચાડાતી હતી.
આર્થર હરમૅને લખ્યું છે, "ચર્ચિલને પૂર્ણ વિશ્વાસ હતો કે ગાંધીના ઉપવાસ એક સડકછાપ નાટક છે. બની શકે કે ભારતીય એમના ગુણોના કારણે એમનો આદર કરતા હોય પરંતુ એમની નજરમાં તેઓ એક આધ્યાત્મિક અર્ધજ્ઞાની માત્ર હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ફીલ્ડ માર્શલ જૅન સ્મટ્સે એમને ગાંધી વિશે ચેતવ્યા હતા."
"ચર્ચિલના મનમાં સ્મટ્સ માટે ઘણું માન હતું. એમના વિચારો ઘણા મળતા હતા. પરંતુ ગાંધી વિશેનો એમનો મત જુદો હતો. સ્મટ્સનો ગાંધી સાથે પહેલાં પનારો પડી ચૂક્યો હતો. એમણે ચર્ચિલને સ્પષ્ટ કહ્યું કે તેઓ ગાંધીને હળવાશથી ન લે. પરંતુ ચર્ચિલે એમની ચેતવણીને મજાકમાં ઉડાવી દીધી હતી."

ગાંધીની હાલત બગડી

ઇમેજ સ્રોત, ROLI BOOKS
19 ફેબ્રુઆરીએ સુશીલા નૈયરે પોતાની ડાયરીમાં લખ્યું કે, "કાલ એટલે કે ઉપવાસનો આઠમો દિવસ ગાંધી માટે ઘણો ખરાબ હતો. આખો દિવસ તેમને માથામાં ખૂબ જ દુખતું રહ્યું. એમને લાગ્યું જાણે એમનું માથું ફાટી જશે. એમણે બોલવાનું, સવાલોના જવાબ દેવાનું, જોવા-સાંભળવાનું બધું બંધ કરી દીધું."
બીજા દિવસે બપોર સુધી તો ગાંધીએ પોતાની આસપાસના વાતાવરણમાં રસ લીધો, પરંતુ ત્યાર બાદ એમના માથા અને કાનમાં પીડા અને બેચેની થવા લાગી. તેઓ પલંગ પર આંખો બંધ કરીને પડ્યા રહ્યા.
એમનો અવાજ ક્ષીણ થઈ ગયો. હવે એમનામાં એટલી પણ શક્તિ નહોતી રહી કે તેઓ પોતાની જાતે પડખું ફરી શકે કે પોતાના પગ લાંબા કરી શકે.
20 ફેબ્રુઆરીએ સબ-મુંબઈ પ્રેસિડન્સીના સર્જન જનરલ એમને તપાસવા આવ્યા તો એમણે કહ્યું કે ગાંધીનો અંત નજીક છે.
21 ફેબ્રુઆરી એ દિલ્હીના મહત્ત્વપૂર્ણ લોકોની એક બેઠક થઈ. એમણે વાઇસરૉયને અપીલ કરીને કહ્યું, "અમારું માનવું છે કે જો ગાંધીજી બચી જાય તો શાંતિ અને સદ્ભાવના વધારવા માટેનો માર્ગ તૈયાર થશે, પરંતુ એક બ્રિટિશ કેદી તરીકે એમના મૃત્યુથી બ્રિટિશ સરકાર માટેની લોકોની કટુતા વધી જશે."
આ પ્રસ્તાવને તાર દ્વારા બ્રિટિશ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલને મોકલવામાં આવ્યો.
ચર્ચિલે તરત એનો જવાબ આપતાં લખ્યું, "ગાંધી અને બીજા કૉંગ્રેસી નેતાઓની જે કારણે ધરપકડ કરવામાં આવી છે તે એમને જણાવી દેવાયાં છે અને તેઓ તેને સમજી પણ ગયા છે. આ સ્થિતિ માટે શ્રી ગાંધી પોતે જવાબદાર છે."

પાણી સાથે ગ્લુકોઝ લેતા હોવાની શંકા

ઇમેજ સ્રોત, ROLI BOOKS
13 ફેબ્રુઆરીએ ચર્ચિલે લિનલિથગોને પત્ર લખીને કહ્યું, "મેં સાંભળ્યું છે કે જ્યારે ગાંધીએ ઉપવાસનું નાટક કર્યું, તો એમણે પાણી સાથે ગ્લુકોઝનું સેવન કર્યું છે. શું તમે આ વાતની પુષ્ટિ કરાવી શકો?"
લિનલિથગોએ તપાસ કરાવ્યા પછી એનો જવાબ આપતાં કહ્યું કે, તે સાચું નથી. એ પણ એક વિચિત્ર સંયોગ હતો કે લગભગ એ જ સમયે, જ્યારે ગાંધીની તબિયત બગડી રહી હતી, ચર્ચિલ પણ ગંભીર રીતે બીમાર પડી ગયા હતા.
અલ્જિયર્સથી પાછા ફર્યાના એક અઠવાડિયા પછી તેમને જોરદાર ઠંડી લાગતી હતી. 16 ફેબ્રુઆરીએ એમને ખૂબ તાવ આવ્યો. બીજા દિવસે જ્યારે એમનો એક્સ-રૅ પાડવામાં આવ્યો ત્યારે ખબર પડી કે એમનાં ફેફસાં પર એક ડાઘ છે અને એમને ન્યૂમોનિયા થઈ ગયો છે.
70 વર્ષની નજીક પહોંચેલા શખસ માટે ન્યૂમોનિયા એ સમયે ખૂબ ગંભીર બીમારી હતી. 19 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચર્ચિલ કામ કરવાની સ્થિતિમાં નહોતા.
એવી હાલતમાં પણ જ્યારે વૉશિંગ્ટનમાંના બ્રિટિશ રાજદૂત લૉર્ડ ગૅલિફેક્સે એમને ગાંધી માટેની રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટની ચિંતા વિશે જણાવ્યું તો એમણે રૂઝવેલ્ટને તાર કરીને કહ્યું, "બ્રિટિશ સરકાર ગાંધી સામે લેવાતાં પગલાંમાં કોઈ પણ સંજોગમાં ફેરફાર નહીં કરે."

બીમારીની સ્થિતિમાં પણ ચર્ચિલની નજર હતી ગાંધીના ઉપવાસ પર

ઇમેજ સ્રોત, ROLI BOOKS
ઉપવાસના તેરમા દિવસ એટલે કે 23 ફેબ્રુઆરીએ ગાંધીની કિડની ખરાબ થઈ ગઈ.
સુશીલા નૈયરે એ દિવસની પોતાની ડાયરીમાં લખ્યું, "પાણીને જોતાં જ ગાંધીને ઊબકા આવવા લાગે છે. એમની નાડી અટકી અટકીને ચાલી રહી છે અને લગભગ તેઓ બેહોશ જેવા થઈ ગયા છે."
બીજી તરફ, ચર્ચિલ બીમારીની હાલતમાં પણ ગાંધીના ઉપવાસ પર ધ્યાન રાખતા હતા. એમના મગજમાં રહી રહીને એક સવાલ થતો હતો કે ગાંધી ક્યારે મરશે?
25 ફેબ્રુઆરીએ એમણે સમ્રાટ માટે એક લાંબો પત્ર ડિક્ટેટ કરાવ્યો, જેના અંતમાં એમણે લખ્યું, "જૂના પાખંડી ગાંધી હજી સુધી ટકી રહ્યા છે. કદાચ એનાથી વધારે જેટલું મને કહેવામાં આવ્યું હતું કે સંભવ છે. મને તો શંકા છે કે એમના ઉપવાસ સાચા છે કે નથી?"
આખરે 24 ફેબ્રુઆરીએ ચર્ચિલનો તાવ ઊતર્યો. એ જ દિવસે એમણે અમેરિકન નેતા હૅરી હોપકિન્સને પત્ર લખીને કહ્યું, "હું નિશ્ચિત રીતે સારું અનુભવું છું અને ગાંધી પણ."
માર્ટિન ગિલ્બર્ટે લખ્યું છે, "એમણે લિનલિથગોને પણ પત્ર લખ્યો, 'બુલેટિન્સથી લાગે છે કે ગાંધી કદાચ બચી જશે. ચોક્કસ કોઈ હિન્દુ ડૉક્ટરે એમના પાણીમાં ગ્લુકોઝ કે એવી કશી વસ્તુ ભેળવી દીધી હશે.'"

ગાંધીએ ઉપવાસ છોડ્યા એની ચર્ચિલને ખુશી નહીં

ઇમેજ સ્રોત, ROLI BOOKS
26 ફેબ્રુઆરીએ ચર્ચિલે ફીલ્ડ માર્શલ સ્મટ્સને લખ્યું, "હું નથી માનતો ગાંધીનો હમણાં મરવાનો જરા પણ ઇરાદો હોય."
ત્યાં સુધીમાં ગાંધીનું વજન 20 પાઉન્ડ (નવેક કિલો) ઓછું થઈ ગયું હતું. પરંતુ બીજા દિવસે ગાંધી થોડા નિરાંતે સૂતા.
સુશીલાએ ખુશ થઈને પોતાની ડાયરીમાં લખ્યું, "સવારે ગાંધી થોડુંક સારું અનુભવી રહ્યા છે. એમનો અવાજ થોડોક ખૂલ્યો છે. લાગે છે કે એમને આરામ મળ્યો છે અને તેઓ થોડા પ્રસન્નચિત્ત જણાય છે."
પૂરા 21 દિવસ પછી ગાંધીએ પોતાના ઉપવાસ છોડ્યા.
3 માર્ચે કસ્તૂરબાએ એમને સંતરાના રસનો એક ગ્લાસ આપ્યો, જેમાં પાણી ભેળવેલું હતું. 21 દિવસ માત્ર મીઠાનું પાણી અને વચ્ચે વચ્ચે એક કે બે ટીપાં લીંબુ કે મોસંબીનો રસ પીતા હોવા છતાં ગાંધીનું મનોબળ તૂટ્યું નહીં.
પોતાની ઉપર જે યાતના એમણે પોતે આપી હતી તેને તેમણે સહન કરી લીધી. ચર્ચિલને આ સમાચારથી સહેજ પણ ખુશી ના થઈ.
એમણે વાઇસરૉય લિનલિથગોને તાર કર્યો, "લાગે છે ઘરડો દુષ્ટ વ્યક્તિ પોતાના કથિત ઉપવાસ પછી પહેલાં કરતાં વધારે સારો (સ્વસ્થ) થઈને આવશે."

બંગાળમાં દુકાળથી લાખો લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ROLI BOOKS
વિડંબના એ હતી કે એક તરફ ગાંધી સ્વેચ્છાએ ઉપવાસ કરીને મૃત્યુ સાથે પકડદાવ રમતા હતા એ જ સમયે બંગાળના લાખો લોકો દુકાળના લીધે મરી રહ્યા હતા.
બર્મા (આજનું મ્યાનમાર)માં બ્રિટનની હારના કારણે ત્યાંથી ચોખાની આયાત બંધ થઈ ગઈ હતી. બંગાળની સરકાર આ સંકટ માટે તૈયાર નહોતી.
ઈ.સ. 1942ના ઑક્ટોબર મહિનામાં પૂર્વ બંગાળના તટીય પ્રદેશોમાં ખૂબ મોટું વાવાઝોડું આવેલું, જેણે હજારો લોકોના જીવ લીધા હતા અને સમુદ્રકિનારાથી 40 કિલોમીટર સુધી ધાન્ય પાકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા.
ક્રિસ્ટોફર બેલી અને ટિમ હાર્પરે પોતાના પુસ્તક 'ફૉરગોટન આર્મીઝ ફૉલ ઑફ બ્રિટિશ એશિયા 1941-1945'માં લખ્યું છે, "ઑક્ટોબરના મધ્ય સુધી કલકત્તામાં મૃત્યુદર પ્રતિમાસ 2000 સુધી પહોંચી ગયો હતો. હાલત એવી હતી કે જ્યારે બ્રિટિશ અને અમેરિકન સૈનિકો સિનેમાઘરમાંથી ફિલ્મ જોઈને બહાર નીકળતા હતા તો એમને રસ્તા પર ભૂખથી પીડિત લોકોના મૃતદેહો દેખાતા હતા, જેને સમડી-કાગડા ખાતાં હતાં."
પરંતુ ચર્ચિલ પર એની કશી અસર થતી દેખાતી નહોતી.

બંગાળના દુકાળ સામે આંખ આડા કાન
જ્યારે વાઇસરૉય વૉવેલે પૂર્વ ભારતના દુકાળગ્રસ્ત જિલ્લામાં વધારે અનાજ મોકલવાની માગ કરી ત્યારે ચર્ચિલે જાણીજોઈને ભૂખમરો વેઠતા બંગાળમાંથી અનાજ હઠાવીને મહાયુદ્ધમાં લડતા અંગ્રેજ સિપાઈઓને મોકલવાનો નિર્ણય કર્યો.
ભારતનું વધારાનું અનાજ સિલોન (આજનું શ્રીલંકા) મોકલી દેવાયું. ઑસ્ટ્રેલિયાથી આવેલાં ઘઉંથી ભરેલાં જહાજ ભારતીય બંદરો પર ન રોકીને મધ્ય-પૂર્વ બાજુ મોકલી દેવાયાં.
અમેરિકા અને કૅનેડાએ ભારતને ખાદ્ય મદદ કરવાનો પ્રસ્તાવ કર્યો પરંતુ એનો પણ અસ્વીકાર કરાયો.
ચર્ચિલે દુકાળ વિશે વાઇસરૉયના જરૂરીમાં જરૂરી તારના જવાબ આપવાની દરકાર નહોતી કરી. જ્યારે અધિકારીઓએ એમના નિર્ણયના લીધે થઈ રહેલાં મૃત્યુ તરફ એમનું ધ્યાન દોર્યું ત્યારે એમણે ચિડાઈને એક તાર ચોક્કસ કર્યો હતો જેમાં એમણે પૂછેલું કે, "ગાંધી હજી સુધી મર્યા કેમ નથી?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













