મહાદેવ દેસાઈ : ગાંધીના રહસ્યસચિવ જેમને મેઘાણીએ 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કહ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. અશ્વિનકુમાર
- પદ, પ્રાધ્યાપક, બીબીસી ગુજરાતી માટે

- ગાંધીજીના સચિવ તરીકે ઓળખાતા મહાદેવ દેસાઈનું જીવન દેશ અને ગાંધીજીની સેવામાં વ્યતીત થયું હતું.
- મહાદેવ દેસાઈનો જન્મ પહેલી જાન્યુઆરી, 1892ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ નામના ગામે થયો હતો. તેમનું મૂળ વતન ઓલપાડ તાલુકાનું દિહેણ ગામ હતું.
- મહાદેવભાઈ 1928માં 'બારડોલી સત્યાગ્રહ' અંગે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અને પછીથી તપાસ સમિતિ સાથે હતા.

મહાદેવ દેસાઈની અસલ ઓળખ ગાંધીજીના રહસ્યસચિવ તરીકેની રહી છે. તેઓ રોજનીશીકાર, અનુવાદક, લેખક, પત્રકાર, અને સંપાદક હતા. મહાદેવભાઈ સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવતા રચનાત્મક કાર્યકર હતા.
સ્વામી આનંદને મહાદેવભાઈ 'શુક્રતારક સમા' જણાયા છે. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં મહાદેવભાઈ એટલે 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'. ચક્રવર્તી રાજગોપાલાચારીએ મહાદેવભાઈને 'ગાંધીજીના દ્વિતીયમ્ હૃદયમ્' તરીકે નવાજ્યા છે. ચી. ના. પટેલે મહાદેવ દેસાઈને 'ગાંધીજીના ગણેશ અને હનુમાન' તરીકે ઓળખાવ્યા છે.

મહાદેવભાઈનો જન્મ અને શિક્ષણ
મહાદેવનો જન્મ પહેલી જાન્યુઆરી, 1892ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ નામના ગામે થયો હતો. તેમનું મૂળ વતન ઓલપાડ તાલુકાનું દિહેણ ગામ હતું.
સાતમા વર્ષે મહાદેવને જનોઈ આપવામાં આવી. 1899ની આ જ સાલમાં બત્રીસ વર્ષીય જનેતા જમનાબહેનનું નિધન થઈ ગયું હતું.
મહાદેવે બાળપણનાં એ વર્ષોમાં જે સ્થળે શિક્ષક પિતા હરિભાઈ સુરભાઈ દેસાઈની બદલી થાય તે મુકામે પ્રાથમિક શિક્ષણ લીધું.
મહાદેવ 1901માં દિહેણ ગામમાં માસ્તર મણિશંકર ભટ્ટની અંગ્રેજી શાળામાં દાખલ થયા, તેમણે ત્રણ વર્ષનું ભણતર દોઢ વર્ષમાં પૂરું કર્યું.
મહાદેવના સૌથી નાના કાકા ખંડુભાઈ જૂનાગઢમાં નોકરી કરતા હતા. આથી, મહાદેવને આગળ અભ્યાસ માટે 1902માં જૂનાગઢ મુકામે ચોથા ધોરણમાં દાખલ કરવામાં આવ્યા.
1903માં પિતાની બદલી અડાજણ ગામે થઈ. આથી, મહાદેવ અડાજણ રહીને સુરતની હાઈસ્કૂલમાં ભણે એવી વ્યવસ્થા કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

દારૂ-તાડી વિરુદ્ધ ભાષણ

ઇમેજ સ્રોત, MAHATAMAGANDHI.ORG
1904માં સુરત પાસે હજીરા નજીકના દામકા ગામે, પિતરાઈ ભાઈ છોટુભાઈ બાપુભાઈએ જાહેરમાં નિઃસંકોચપણે ભાષણ ઠપકાર્યું હતું.
જ્યારે શરમાળ પ્રકૃતિના મહાદેવભાઈએ પડદાની પાછળ છુપાઈને દારૂ-તાડી વિરુદ્ધ ભાષણ કર્યું હતું!
1905માં 13 વર્ષીય મહાદેવભાઈનાં લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયાં હતાં. દુર્ગાબહેન નવસારી નજીકના કાલિયાવાડીનાં રહેવાસી હતાં.
મહાદેવભાઈ 1906માં સુરત શહેરમાં મૅટ્રિકમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. તેમણે 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
મહાદેવભાઈએ 1908માં કૉલેજના પુસ્તકાલયમાંથી સાહિત્ય ઉપરાંત દર્શનશાસ્ત્રના ગ્રંથોનો વિશેષ અભ્યાસ કર્યો.

ભોળાશંભુ મહાદેવ દેસાઈ

ઇમેજ સ્રોત, https://www.mkgandhi.org/
તેમણે 1909માં 'એલ્ફિન્સ્ટોનિયન' નામની કૉલેજ-પત્રિકામાં 'ભોળાશંભુ'ના ઉપનામથી લખવાનો પ્રારંભ કર્યો.
મહાદેવભાઈ 1910માં બી.એ. થયા. તેમણે મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની કચેરીમાં મહિનાના સાઠ રૂપિયાના પગારથી કારકિર્દીની શરૂઆત કરી.
મોહનલાલ પંડ્યાના 'વનસ્પતિની દવાઓ' નામના પુસ્તકમાં, દવાઓ તરીકે બૉમ્બ બનાવવાના અનેક નુસખા આપવામાં આવ્યા હતા.
આ પુસ્તક વિશે 'પ્રતિબંધ મૂકવાલાયક' એવો હેવાલ કરવાની જવાબદારી મહાદેવ દેસાઈના હાથે લખાઈ હતી.
બર્માસ્થિત માંડલેની જેલમાં લોકમાન્ય ટિળકે લખેલું 'ગીતારહસ્ય' તપાસણી માટે આ કાર્યાલયમાં આવેલું ત્યારે એ હસ્તલિખિત પ્રતને પ્રથમ જોવાનું સદ્ભાગ્ય મહાદેવ દેસાઈને સાંપડ્યું હતું.
મહાદેવ દેસાઈ 1913માં એલએલબી થયા. તેઓ 'ઇક્વિટી'ના વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે હતા.
1915માં 'ગુજરાત ફાર્બસ સભા'ની ઇનામી જાહેરાતમાં લૉર્ડ મોર્લીકૃત 'ઑન કૉમ્પ્રોમાઇઝ'નો અનુવાદ કરવા માટે મહાદેવ દેસાઈની પસંદગી થઈ.
તેમને એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું. આ જ વર્ષના જૂન મહિનામાં તેમણે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ તરીકે સનદ લીધી.
મહાદેવભાઈએ બંગાળી ભાષાનો સઘન અભ્યાસ કર્યો. તેમણે રવીન્દ્રનાથની 'ચિત્રાંગદા'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

મહાદેવ દેસાઈ અને ગાંધીજીની પ્રથમ મુલાકાત

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty
મહાદેવભાઈએ 4 જુલાઈ 1915ના રોજ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રેમાભાઈ સભાખંડમાં ગાંધીજીને પ્રથમ જોયા હતા.
આ જ દિવસે મોહનદાસ અને મહાદેવની પહેલી મુલાકાત સાબરમતીની સાક્ષીએ એલિસબ્રિજ ઉપર થઈ હતી.
પરિણામે, મહાદેવ દેસાઈને મહાત્માનાં ચરણોમાં બેસવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.
મહાદેવ દેસાઈના પિતા હરિભાઈ 30 નવેમ્બર 1916ના રોજ અધ્યાપક તરીકે સેવા-નિવૃત્ત થયા. આથી, મહાદેવભાઈએ એકસો પચીસ રૂપિયાના માસિક પગારે સહકારી બૅન્કના ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી સ્વીકારી.
તેઓ આ જવાબદારી નિભાવવા માટે બળદગાડાંમાં મુસાફરી કરીને ગામડાં ખૂંદવા લાગ્યા.
મહાદેવભાઈ મહારાષ્ટ્રવાસીઓની સાથે બેસીને એમની ચમચીઓમાંથી પાન ચાવતાં-ચાવતાં મરાઠી ભાષા શીખી ગયા!
મહાદેવમિત્ર અને ગાંધીજન નરહરિ દ્વારકાદાસ પરીખના મતે, 'મહાદેવ દેસાઈના જીવનનાં 25-25 વર્ષના બે ભાગ સ્વાભાવિક રીતે જ પડે છે; એક 1892થી 1917નો પૂર્વભાગ અને બીજો 1917થી 1942નો ઉત્તરભાગ'.
આમ, મહાદેવ દેસાઈનો હયાતી-હિસાબ એટલે ગાંધીજી સાથે ન રહ્યા હોય એવાં આગલાં 25 વર્ષ, અને ગાંધીજી વગર ન જ રહી શકાય એવાં પાછલાં 25 વર્ષ!

મિલમજૂરોની લડતમાં ગાંધીજી સાથે

ઇમેજ સ્રોત, ashwinningstroke.blogspot.com/
- મહાદેવભાઈ માટે 1917નું વર્ષ મહત્ત્વનું બની રહ્યું. તેઓ બીજી નવેમ્બર 1917ના રોજ ગોધરાની રાજકીય પરિષદ વખતે દુર્ગાબહેન સાથે ગાંધીજી પાસે આવ્યા.
- મહાદેવભાઈ છ નવેમ્બર 1917થી ગાંધીજી સાથે ચંપારણની યાત્રામાં જોડાઈ ગયા. તેમણે 13 નવેમ્બર 1917થી રોજનીશી લખવાની શરૂઆત કરી.
- મહાદેવભાઈએ 25 નવેમ્બર 1917ના રોજ પિતાની પરવાનગી લઈને બાપુના ચરણે જીવનને સમર્પિત કર્યું.
- મહાદેવભાઈ 1918માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં ગાંધીજીની સાથે હતા.
- મહાદેવ હરિભાઈ દેસાઈએ અમદાવાદના મિલમજૂરોની લડતનો ઇતિહાસ 'એક ધર્મયુદ્ધ' એ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યો હતો.
- આ જ સાલમાં ખેડા સત્યાગ્રહ અને સૈનિક ભરતીના કામમાં પણ તેઓ ગાંધીજીની સાથે હતા.
- 1920માં મહાદેવભાઈ રાષ્ટ્રીય કક્ષાના અનેક નેતાઓના સીધા પરિચયમાં આવ્યા. તેમણે ગાંધીજી સાથે પંજાબ અને દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો.
- મહાદેવ દેસાઈ 1921માં મોતીલાલ નહેરુના 'ઇન્ડિપેન્ડન્ટ' પત્રનું તંત્રીપદ સંભાળવા અલાહાબાદ ગયા.
- પ્રેસ બંધ થતાં મહાદેવભાઈએ હસ્તલિખિત દૈનિક કાઢ્યું. તેઓ ગિરફતાર થયા અને કારાવાસ પણ વેઠ્યો.
- 1922ની સાલમાં મહાદેવભાઈ નૈની, આગ્રા, અને લખનૌ જેલમાં હતા. તેમણે જેલવાસ દરમિયાન 'વિરાજવહુ' અને 'ત્રણ વાર્તાઓ'નો અનુવાદ કર્યો. જેલમાં ઉર્દૂ ભાષાનું શિક્ષણ લીધું.

જેલમાંથી મહાદેવ દેસાઈની મુક્તિ

ઇમેજ સ્રોત, ashwinningstroke.blogspot.com/
મહાદેવ દેસાઈને 23મી જાન્યુઆરી, 1923ના રોજ લખનૌ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. મહાદેવભાઈ 'નવજીવન' પત્ર માટે લખવા લાગ્યા.
રાજદ્રોહના ખટલા અંતર્ગત ગાંધીજી તો જેલમાં જ હતા. દરમિયાનમાં કાકાસાહેબ કાલેલકરને પણ જેલનું તેડું આવ્યું એટલે, મહાદેવ દેસાઈ 'નવજીવન'ના તંત્રી બન્યા.
બીજી જુલાઈ, 1923ના રોજ મહાદેવભાઈના પિતા હરિભાઈ દેવ થયા.
1924માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા એટલે મહાદેવભાઈએ 'નવજીવન'નું તંત્રીપદ તેમને સોંપ્યું.
ગાંધીજીના એકવીસ દિવસના કોમી એખલાસ માટેના ઉપવાસ વખતે મહાદેવભાઈએ 'નવજીવન'નું તંત્રીપદ ફરી સંભાળ્યું.

પુત્ર નારાયણ દેસાઈ

ઇમેજ સ્રોત, ashwinningstroke.blogspot.com/
જીવનના તેત્રીસમા વર્ષે મહાદેવભાઈ પિતા બન્યા. 24 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલો આ બાબલો એટલે નારાયણ.
ગાંધીકથાકાર તરીકે વિખ્યાત નારાયણ દેસાઈ, ઇ.સ. 1992માં 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' નામે મહાદેવભાઈનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું છે.
અમદાવાદમાં વકીલાત માટે રહેલા મહાદેવભાઈએ, લૉર્ડ મોર્લી લિખિત 'ઓન કૉમ્પ્રોમાઇઝ'નો અનુવાદ પૂરો કરેલો.
સત્યાગ્રહાશ્રમમાં દાખલ થયા પછી તેમણે આખો અનુવાદ ખૂબ સુધારેલો. જેમાંથી 1925માં 'સત્યાગ્રહની મર્યાદા' એ નામે 'નવજીવન' થકી પુસ્તકનું પ્રકાશન થયું.
એક વખત મહાદેવભાઈને અંકલેશ્વર તાલુકાના ઘડખોલ ગામે જવાનું થયું. આ ગામમાં એક અર્જુન ભગત થઈ ગયા.
મહાદેવભાઈએ તેમનાં ભજનો ગ્રામજનો પાસેથી સાંભળ્યાં. મહાદેવને એ ભજનો ભક્તિભાવથી ભર્યાંભર્યાં લાગ્યાં.
તેમણે ભગતના છોકરાઓ પાસેથી હાથે લખેલાં ભજનોની ચેાપડી મેળવી લીધી. કારણ કે, છોકરાઓએ કહ્યું કે, અમારી પાસે સાધન નહીં હોવાથી આ ભજનો છપાવ્યાં નથી. મહાદેવભાઈએ આ ભજનોને સંપાદિત કરીને 1925માં 'નવજીવન' દ્વારા 'અર્જુનવાણી' એ નામે પુસ્તક છપાવ્યું હતું.

ગાંધીજી અને મહાદેવ દેસાઈ

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty
ગાંધીજીની 'આત્મકથા' મૂળે ગુજરાતી ભાષામાં 'નવજીવન' પત્રમાં 29 નવેમ્બર, 1925થી 3 ફેબ્રુઆરી, 1929 સુધી હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી.
એનો અંગ્રેજી અનુવાદ ગાંધીજીના મંત્રીઓ પૈકી મહાદેવભાઈ દેસાઈએ અને કેટલાક ભાગનો અંગ્રેજી અનુવાદ પ્યારેલાલ નય્યરે કર્યો હતો.
આ અંગ્રેજી અનુવાદ 3 ડિસેમ્બર, 1925થી 7 ફેબ્રુઆરી, 1929 સુધીમાં 'યંગ ઇન્ડિયા' પત્રમાં પ્રસિદ્ધ થયો હતો.
મહાદેવ દેસાઈએ 1925માં ગાંધીજી સાથે આખા દેશમાં ભ્રમણ કર્યું.
તેમણે 1926માં સાબરતીરે સત્યાગ્રહાશ્રમમાં ગીતા અંગેનાં ગાંધીજીનાં વ્યાખ્યાનોની નોંધ પૂંજાભાઈ સાથે લીધી.
જેના આધારે પછીથી 'ગાંધીજીનું ગીતા-શિક્ષણ' નામે પુસ્તક પ્રગટ થયું. મહાદેવ દેસાઈ સત્યાગ્રહાશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ તરીકે નિમાયા.
1927માં 'નવજીવન'માંના લેખો બદલ મહાદેવ દેસાઈને 'ગુજરાતી સાહિત્ય પરિષદ'નું પારિતોષિક પ્રાપ્ત થયું.
આ જ વર્ષમાં મહાદેવભાઈએ ગાંધીજી સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો. એનાં વર્ણનો પછીથી 'વિથ ગાંધીજી ઇન સિલોન' નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયાં.
મહાદેવભાઈ 1928માં 'બારડોલી સત્યાગ્રહ' અંગે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અને પછીથી તપાસ સમિતિ સાથે હતા.
તેમણે 1929માં ગાંધીજી સાથે બ્રહ્મદેશનો બે અઠવાડિયાંનો પ્રવાસ કર્યો.
આ જ વર્ષમાં 'બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ' નામના પુસ્તકનું પ્રકાશન થયું. મહાદેવભાઈએ જે. સી. કુમારપ્પા સાથે માતર તાલુકાની આર્થિક તપાસ આદરી.
નમક સત્યાગ્રહની તૈયારીરૂપે લખાણો અને અગ્રગણ્ય કામગીરી બદલ, મહાદેવભાઈને 1930માં અમદાવાદમાં છ માસની સજા વેઠવી પડી હતી.
મહાદેવભાઈ 1931માં ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં ઇંગ્લૅન્ડ ગયા.
ત્યારબાદ, તેમણે બાપુ સાથે યુરોપની યાત્રા કરી. વ્યસ્ત દિનચર્યા છતાં, તેમણે ઇંગ્લૅન્ડથી 'યંગ ઇન્ડિયા'નું સંપાદન કર્યું.

ફરી જેલજીવન
1932માં તેમણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે યરવડામાં જેલવાસ વેઠ્યો. 1933માં જેલમુક્ત થયા પછી ઑગસ્ટમાં ફરી વાર તેમણે જેલજીવનનો અનુભવ કર્યો.
બેલગામની જેલમાં 'ગીતા એકોર્ડિગ ટુ ગાંધી' લખ્યું, જે એમના અવસાન બાદ પ્રગટ થયું. 1934 અને 1935ના સમયગાળામાં તેઓ ગાંધીજી સાથે પ્રવાસમાં ગયા તેમ જ વર્ધામાં પણ રહ્યા.
મહાદેવ દેસાઈ 1936માં 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પત્રકારત્વ વિભાગના પ્રમુખ બન્યા.
આ જ વર્ષે જવાહરલાલ નહેરુની અંગ્રેજી આત્મકથાનો મહાદેવભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો.
એક બાજુ અંત્યજોને મંદિરપ્રવેશની મનાઈ હતી. બીજી બાજુ, કસ્તૂરબા, દુર્ગાબહેન અને અન્ય કેટલાંક 1938માં જગન્નાથપુરીના મંદિરમાં દર્શનાર્થે ગયાં.
આથી, ગાંધીજી અકળાયા, ક્ષોભ અનુભવીને મહાદેવભાઈ ગાંધીજીનો સાથ છોડવા માટે તૈયાર થયા, પણ ગાંધીજીએ ઘસીને ના પાડી. જોકે, ત્યારબાદ મહાદેવભાઈની તબિયત બગડી.
1939માં રાજકોટ અને મૈસૂર રાજ્યના પ્રજાકીય આંદોલનો અંગે ગાંધીજીએ આપેલી સૂચના અનુસાર, મહાદેવભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
મહાદેવ દેસાઈએ 1940માં ક્રાંતિકારી કેદીઓને છોડાવવા બંગાળ તેમજ પંજાબના પ્રવાસ કર્યા.
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહીઓની પસંદગી કરવાનું જવાબદારીપૂર્ણ કામ મહાદેવભાઈને સોંપ્યું.
1941માં મહાદેવભાઈની તબિયત વધુ લથડી. આમ છતાં, તેમણે અમદાવાદમાં કોમી તોફાનો દરમિયાન શાંતિ અને સદ્ભાવ સ્થાપવાનો સફળ પ્રયાસ કર્યો.
મહાદેવભાઈએ 9મી ઑગસ્ટ, 1942ના રોજ 'ભારત છોડો' આંદોલન વેળાએ મુંબઈથી ગિરફતારી વહોરી.
15મી ઑગસ્ટ 1942ના રોજ પુણેસ્થિત આગાખાન મહેલમાં પુણ્યાત્મા મહાદેવભાઈએ છેલ્લો શ્વાસ લીધો. પુત્રવત્ મહાદેવનો પાર્થિવ દેહ બાપુના હાથે અગ્નિસંસ્કાર પામ્યો.
15મી ઑગસ્ટ 1942ના રોજ આગાખાન મહેલમાં, ગાંધીજીની સામે મહાદેવ દેસાઈનો મૃતદેહ હતો.
એ વખતે ગાંધીજીએ ડૉ. સુશીલા નય્યરને તાર લખાવ્યો હતો: 'મહાદેવનું મરણ તો યોગી અને દેશભક્તનું હતું. એનો શોક ન થાય.'
આ તાર સેવાગ્રામ આશ્રમના વ્યવસ્થાપક ચીમનલાલ ન. શાહને નામે હતો. એ આશ્રમમાં મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન અને દીકરો નારાયણ રહેતાં હતાં.
જેલમાં મહાદેવના મૃત્યુના સમાચાર આપતો આ તાર એમના અંગત કુટુંબીજનોને અંગ્રેજ સરકાર તરફથી છેક બાવીસ દિવસ પછી પહોંચાડવામાં આવ્યો હતો.
સાથેના પત્રમાં માત્ર એક વાક્ય હતું : 'કશીક ભૂલથી આ કાગળ મોકલાવવામાં વિલંબ થયો, તે બદલ દિલગીર છીએ.'
અંગ્રેજ સલ્તનત મહાદેવ દેસાઈના મામલે પહેલાં ઘોર બેદરકારી અને પછી ઠાલી દિલગીરી દાખવે એ સમજી શકાય છે.
પણ, મહાદેશ-નિર્માણના અને મહાદેવ-નિર્વાણના આજના દિવસે, 'હે ભવ્ય ભારત, તું તો મહાદેવ દેસાઈને યાદ રાખીશ ને?!'
આધારરૂપ સંદર્ભ-સાહિત્ય : ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ : 13થી 82, મહાદેવભાઈની ડાયરી, ભાગ : 01થી 23, ગાંધીજીની દિનવારી, મહાદેવભાઈનું પૂર્વચરિત,શુક્રતારક સમા મહાદેવભાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
(ડૉ. અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













