તુતેનખામેન : ઇજિપ્તના રાજાની હીરાજડિત કબરનું રહસ્ય અને એના શ્રાપની લોકવાયકાની કહાણી

તુતનખામુનનું નક્કર સોનાનું બનેલું ફ્યુનરલ માસ્ક આધુનિક ઈજિપ્તનું પ્રતિક બની ગયું

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તુતનખામુનનું નક્કર સોનાનું બનેલું ફ્યુનરલ માસ્ક આધુનિક ઈજિપ્તનું પ્રતિક બની ગયું
    • લેેખક, યોલાન્ડે નેલ
    • પદ, બીબીસી મધ્ય-પૂર્વના સંવાદદાતા, જેરુસલેમ

“ચારે તરફ સોનાનો ઝળહળાટ હતો.” બ્રિટિશ પુરાતત્વવિદ્ હોવાર્ડ કાર્ટરે તુતેનખામેનની ઝળહળતી, ખજાનાથી ભરેલી કબરની મુલાકાતને આ શબ્દોમાં યાદ કરી હતી.

ત્રણ સહસ્રાબ્દીથી બંધ દરવાજામાંની એક નાનકડી તિરાડમાંથી અંદરનું દૃશ્ય જોવા માટે તેમણે 1922ની 26 નવેમ્બરે હાથમાં મીણબત્તી પકડી હતી. તેમના આશ્રયદાતા લૉર્ડ કાર્નોવોન બાજુમાં ચિંતાતુર નજરે ઊભા હતા.

આ જોડીએ લુક્સરમાં વર્ષો સુધી ખોદકામ કર્યું હતું, પરંતુ ભાગ્યે જ કશું હાથ લાગ્યું હતું, પરંતુ એ પછીને તેમની અદ્ભુત પુરાતત્વીય શોધની કથાએ સમગ્ર વિશ્વને રોમાંચિત કર્યું હતું અને તે કથા વારંવાર કહેવામાં આવતી રહી હતી.

હવે એક સદી પછી સંખ્યાબંધ નવા સવાલો થઈ રહ્યા છે કે, તુતેનખામેન રાજકીય આદર્શ કઈ રીતે બન્યા હતા? કાર્ટરે તેમની કબર લૂંટી હતી? કબર શોધવામાં મદદ કરવામાં ઇજિપ્તવાસીઓને ઓછુ શ્રેય શા માટે મળે છે?

આ અનન્ય ખોદકામ શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલું રહ્યું હતું.

અખંડ શાહી કબરમાંની સામગ્રી ઇજિપ્તમાં જ રહેવી જોઈએ, એવો એ સમયનો નિયમ હતો. તેથી વ્યાપકપણે માનવામાં આવતું હતું કે, વિદેશમાંથી તેમાં પ્રાણ પૂરવાના પ્રયાસ જરૂર થશે.

દરમિયાન વૈશ્વિક મીડિયાના ઉન્માદ સામે કાર્ટર અને કાર્નાવોર્ન ઝઝૂમી રહ્યા હતા. તેમણે એક બ્રિટિશ અખબાર સાથે સોદો કર્યો હતો. જેના લીધે ઇજિપ્તના પત્રકારો સહિતના તમામ પત્રકારોને દૂર રાખી શકાયા હતા. તેનાથી અણબનાવ સર્જાયો હતો.

ઇતિહાસકાર ક્રિસ્ટિના રિગ્ઝે કહ્યું હતું કે, આ સંશોધક જોડીને ઇજિપ્ત લોકો ‘જૂની પેઢીના, તત્કાલીન શાસકો જેવું જ જાતિવાદી વલણ ધરાવતી’ વ્યક્તિઓ માનવા લાગ્યા હતા.

આ દેશને બ્રિટિશ દળોએ 1882માં કબજે કર્યો હતો, પરંતુ 1922ની શરૂઆતમાં તેને આશિંક સ્વતંત્રતા મળી હતી. તુતેનખામેનનું નામ પણ શાહી પ્રભાવથી મુક્ત થવા માટે ચાલતા સંઘર્ષનો ભાગ બન્યું હતું.

‘ટ્રેઝર્ડઃ હાઉ તુતેનખામેન શૅપ્ડ અ સેન્ચુરી’ નામના પુસ્તકના લેખક ડૉ. રિગ્ઝે કહ્યું છે કે, “તે એક શક્તિશાળી પ્રતીક હતું કે ઇજિપ્તની માફક રાજાનો પણ પુનર્જન્મ થઈ રહ્યો છે.”

ઇજિપ્તનાં લોકપ્રિય ગાયિકા મૌનિરા અલ-માહદિયાએ 1920ના દાયકામાં ગાયેલા એક પ્રખ્યાત ગીતના શબ્દો હતાઃ “ઇજિપ્ત સંસ્કૃતિની માતા છે અને તુતેનખામેન અમારા પિતા છે.” દરમિયાન પ્રખ્યાત કવિ અહમદ શૌકીએ પડકારની શૈલીમાં લખ્યું હતું કે, “અમારી પૈતૃક સંપત્તિ સાથે કોઈને દુર્વ્યવહાર કરવા નહીં દઈએ. તેની ચોરી પણ થવા નહીં દઈએ.”

ગ્રેલાઈન

'વૅલી ઑફ ધ કિંગ્ઝ'

કબરમાંના કિંમતી ખજાનાને ખોલવાનું કામ કાર્ટર અને તેમની ટીમ પર આવી પડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કબરમાંના કિંમતી ખજાનાને ખોલવાનું કામ કાર્ટર અને તેમની ટીમ પર આવી પડ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇજિપ્તના ઇતિહાસની આ સૌથી વિખ્યાત શોધ મહદંશે સદભાગ્યને આભારી છે. ‘વૅલી ઑફ ધ કિંગ્ઝ’ની જમીનમાંથી કાટમાળ ખોદી કાઢવામાં આવ્યો હતો અને આ કાટમાળને કારણે કબરનું પ્રવેશદ્વાર વર્ષો સુધી લૂંટારાઓ તથા પુરાતત્વવિદોની પહોંચથી દૂર રહ્યું હતું.

જોકે, લૉર્ડ કાર્નાર્વોનનું આયુષ્ય 1923માં ખૂટી પડ્યું હતું અને ચેપગ્રસ્ત મચ્છરનો ડંખ લાગવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું, પરંતુ મીડિયામાંના ઘણા લોકોએ ઇજિપ્તના રાજાના શ્રાપને તેમના મોતનું કારણ ગણાવ્યો હતો.

એ પછીના દાયકામાં કબરમાંના કિંમતી ખજાનાને ખોલવાનું કામ કાર્ટર અને તેમની ટીમ પર આવી પડ્યું હતું. તેઓ એક હઠીલા અને લુચ્ચા માણસ તરીકે જાણીતા હતા. તેમના કામ પર દેખરેખ રાખતા ઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગ સાથેનો તેમનો સંબંધ મહદંશે તંગ રહ્યો હતો.

તેમણે ચોરીના પ્રયાસ કર્યા હોવાની અફવા શરૂઆતથી ઊડતી રહી હતી. હવે ઇજિપ્તના ઈતિહાસના નિષ્ણાત બૉબ બ્રાયરે ચોરીના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે.

‘તુતેનખામેન ઍન્ડ ધ ટૉમ્બ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ નામના પોતાના પુસ્તકમાં તેમણે ભાષાવિજ્ઞાની સર ઍલન ગાર્ડિનરના પત્રોનો હવાલો અપાયો છે. કાર્ટર દ્વારા આપવામાં આવેલું તાવીજ તથા કબરનું સીલ ચોરાઈ ગયાનું એક નિષ્ણાતે જણાવ્યું પછી પોતે ‘મૂંઝવણમાં’ મુકાઈ ગયાની ફરિયાદ તેમણે એક પત્રમાં કરી હતી.

ડૉ. બ્રાયરે મને કહ્યું હતું કે, “કાર્ટર તેમને મળી આવેલી ચીજો સ્મૃતિચિહ્ન તરીકે લોકોને ભેટ આપતા હોવાનું મને જાણવા મળ્યું છે. તેઓ એવું માનતા હતા કે, તેમને મળી આવેલી ચીજો તેમની માલિકીની છે.”

ગ્રેલાઈન

લૉર્ડ, ખજાનો અને સંશોધન

'લૉર્ડ કાર્નાર્વોનને ઈજિપ્તમાં જીવનનો જુસ્સો મળી આવ્યો હતો'

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 'લૉર્ડ કાર્નાર્વોનને ઈજિપ્તમાં જીવનનો જુસ્સો મળી આવ્યો હતો'

ઇંગ્લૅન્ડના હેમ્પશાયરમાંના હાઈક્લેર કૅસલ ખાતેના શાનદાર ઓરડાઓ ધૂળવાળી વૅલી ઑફ કિંગ્ઝથી ઘણા દૂર આવેલા છે, પરંતુ આજકાલ ડાઉનટન એબી નામના પીરિયડ ડ્રામાના સેટ તરીકે જાણીતું આ ભવ્ય ઘર લૉર્ડ કાર્નાર્વોનનું પૈતૃક ઘર હતું.

તેઓ આજીવન સાહસિક રહ્યા. તેમણે એકવાર સમગ્ર વિશ્વનો પ્રવાસ હોડીમાં બેસીને કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઇજિપ્તોલૉજી પર ધ્યાન આકર્ષાયું એ પહેલાં તેઓ એક માર્ગ અકસ્માતમાંથી સહેજમાં ઊગરી ગયા હતા.

‘અર્લ ઍન્ડ ધ ફેરો’ લખવા માટે જેમણે પોતાના પરિવારનો ખજાનો ખુલ્લો મૂક્યો હતો, તે આધુનિક લેડી કાર્નાર્વોનના જણાવ્યા મુજબ, લૉર્ડ કાર્નાર્વોનને ઇજિપ્તમાં જીવનનો જુસ્સો મળી આવ્યો હતો.

પોતાની અદભુત શોધના ખર્ચાળ સંરક્ષણ માટેનાં નાણાં ક્યાંથી મેળવવા તેની ચિંતા લૉર્ડ કાર્નાર્વોનને હતી, જ્યારે લેડી કાર્નાર્વોને જણાવ્યું હતું કે, તેમને તેમના એક સંબંધી પાસેથી એક નોંધ મળી આવી હતી, જેમાં લૉર્ડ કાર્નાર્વોને લખ્યું હતું કે, તેમને ઇજિપ્તમાં લાંબો સમય રહેવાની ઇચ્છા હતી, પરંતુ અખબારોમાં તેનાથી વિપરીત વાતો ફેલાવવામાં આવી હતી.

લેડીના કાર્નાર્વોનના કહેવા મુજબ, લૉર્ડને ખજાના અને સોનામાં નહીં, પરંતુ સંશોધનમાં વધુ રસ હતો.

ગ્રેલાઈન

ઇજિપ્તના કામદારોની ભૂમિકા

કાર્ટરે મર્યાદિત ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું

ઇમેજ સ્રોત, LADY CARNARVON

ઇમેજ કૅપ્શન, કાર્ટરે મર્યાદિત ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું

આખરે ઇજિપ્ત તુતેનખામેનની કબરમાંથી મળેલી મૂલ્યવાન અજાયબીઓને દેશમાં જાળવી રાખવામાં સફળ થયું હતું. આ બધી સામગ્રીને કૈરોના તહરિર સ્ક્વેર ખાતેના નિયો-ક્લાસિકલ ઇજિપ્યશન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

પ્રાચીન કળાની શ્રેષ્ઠ કૃતિ ગણાતું તુતેનખામેનનું નક્કર સોનાનું બનેલું ફ્યુનરલ માસ્ક આધુનિક ઇજિપ્તનું પ્રતીક બની ગયું. જોકે, ચોંકાવનારી વાત એ હતી કે ઇજિપ્તવાસીઓ તેમની 1922ની આ મહત્વપૂર્ણ ખોજની સત્તાવાર કથાની બહાર જ રહ્યા હતા.

ઇજિપ્તોલૉજિસ્ટ મોનિકા હેન્નાએ કહ્યું હતું કે, “પુરાતત્વીય રેકૉર્ડમાંથી મોટાં ભાગનાં નામ ગૂમ થઈ ગયાં હતાં. તેમણે શું કર્યું હતું એ આપણે જાણતા નથી પણ તેમનો પ્રતિભાવ કેવો હશે?”

કબરના સ્થળને સાફ કરવા માટે ઇજિપ્તના મજૂરોની મદદ લેવા ઉપરાંત કાર્ટરે અહમદ ગેરિગર, ગેદ હસન, હુસેન અબુ અવદ અને હુસેન અહમદ સઈદ જેવા ઇજિપ્તના કુશળ કારીગરોને પણ કામે લગાડ્યા હતા.

કાર્ટરે મર્યાદિત ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પુરાતત્વીય સાહસમાં ભાગ લેવા માટે તેઓ 17 વર્ષની વયે જ ઇજિપ્ત ગયા હતા. કાર્ટરની માફક તેમને પણ કામની સાથે જ કામની તાલીમ મળી હતી.

ઑક્સફર્ડમાં યોજાયેલા પ્રદર્શનમાં ઇજિપ્તના કામદારોની ભૂમિકાને હાઈલાઈટ કરવામાં આવી હતી. તેમની સત્તાવાર તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ તેઓ કોણ હતા જે જણાવતી કોઈ સામગ્રી ઉપલબ્ધ નહોતી.

ગ્રેલાઈન

5,400 વસ્તુઓનું સંપૂર્ણ કલેક્શન

ખુફુ બાર્જ અને રામસેસ દ્વિતીયની 83 ટનની પ્રતિમા હશે

ઇમેજ સ્રોત, HARRY BURTON/GRIFFITH INSTITUTE, OXFORD UNIVERSITY

ઇમેજ કૅપ્શન, ખુફુ બાર્જ અને રામસેસ દ્વિતીયની 83 ટનની પ્રતિમા હશે

થોડાં વર્ષોની શાંતિ પછી 1960 અને 70ના દાયકામાં રાજા તુતેનખામેન પ્રત્યેનું આકર્ષણ વધ્યું હતું, કારણ કે ઇજિપ્તે તેની મૂલ્યવાન સામગ્રી પ્રદર્શન માટે વિદેશી સંગ્રહાલયોને આપવાનું શરૂ કર્યું હતું.

તેના પગલે, લોકપ્રિય પશ્ચિમી સંસ્કૃતિમાં જેને ‘તુત-મેનિયા’ કહેવામાં આવે છે તે ઘેલછા ફાટી નીકળી હતી.

વિશ્વનાં મોટાં સંગ્રહાલયો પૈકીના એક ગ્રાન્ડ ઇજિપ્શ્યન મ્યુઝિયમનું ઉદ્ઘાટન સંભવતઃ 2023માં થશે ત્યારે તેમાં લોકોનો રસ વધવાની આશા છે. તેનાથી પ્રવાસનને વેગ મળવાની અને અહીં વર્ષે 50 લાખ પ્રવાસીઓ આવશે તેવી અપેક્ષા છે.

તેમાં તુતેનખામેનની આશરે 5,400 વસ્તુઓનું સંપૂર્ણ કલેક્શન સૌપ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવશે.

ગ્રાન્ડ ઇજિપ્શ્યન મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર તારેક તૌફિકે કહ્યુ હતું કે, “હોવાર્ડ કાર્ટરે 100 વર્ષ પહેલાં જે સ્થિતિમાં તુતેનખામેનની કબર શોધી હતી, એ જ સ્થિતિમાં તે દર્શકોને આ મ્યુઝિયમમાં જોવા મળશે.”

તેનાં અન્ય આકર્ષણોમાં ભવ્ય, પ્રાચીન ખુફુ બાર્જ અને રામસેસ દ્વિતીયની 83 ટનની પ્રતિમા હશે. આ પ્રતિમા આકરી મહેનત વડે કૈરોના મુખ્ય રેલવેસ્ટેશનથી અહીં લાવવામાં આવી છે.

ગ્રેલાઈન

તુતેનખામેનનું પ્રભાવશાળી જીવન

મમીનું કેટ-સ્કેન કરવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મમીનું કેટ-સ્કેન કરવામાં આવ્યું છે

બીજી તરફ તુતેનખામેને 100 વર્ષ પછી પણ વૈજ્ઞાનિક શોધના નવા પ્રવાહને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે.

તેના સેન્ડલ જેવી નાજુક કળાકૃતિઓને આધુનિક સંરક્ષણકાર્ય વડે પુનર્સ્થાત કરી શકાય છે. તેઓની માલિકીની કટારની લોખંડની ધારને ઉલ્કામાંથી બનાવવામાં આવેલી હોવાની વાતને પુષ્ટિ મળી છે.

યુવાન ફારોના જીવન વિશે જાતજાતની વાતો સાંભળવા મળતી રહે છે.

તેના મમીનું કેટ-સ્કેન કરવામાં આવ્યું છે. તેના ચહેરાનું રિકન્સ્ટ્રક્શન તથા ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ શાહી પરિવારમાં ઉછર્યા હોવાના કારણે શ્રેણીબદ્ધ આનુવાંશિક બીમારીથી પીડાતા, નબળા, પાંગળા અને વિચિત્ર દાંતવાળા કિશોર હોવાનું ચિત્ર તેમના ડીએનએ પરીક્ષણના પરિણામે ઉપસ્યું છે.

જોકે, મમીફિકેશન (મૃતદેહોને ખાસ પ્રક્રિયા વડે જાળવી રાખવાની ઈજિપ્તની પદ્ધતિ)માં નિષ્ણાત હોવાને કારણે મિસ્ટર મમી તરીકે ઓળખાતા ડો. બ્રાયર, તુતેનખામેનના પગના હાડકાંને ધ્યાનમાં લઈને તેને ક્લબ ફૂટ (વાંકો પગ) હોવા બાબતે હવે સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે એ પણ નોંધ્યું છે કે, તુતેનખામેનની કબરમાંનું તેણે પહેરેલું બખ્તર તથા અન્ય કળાકૃતિઓ, તેઓ યોદ્ધા હોવાનું દર્શાવે છે.

ફારો નાજુક હોવાની વાતને નકારતાં તેમણે કહ્યું હતું કે, “તુતનખામુને કમસેકમ યુદ્ધ તો લડ્યું જ હતું.”

સમાચારોમાં એક સદી સુધી છવાયેલા રહ્યા પછી તુતેનખામેન તેમના જીવન પછીનું જીવન પણ પ્રભાવશાળી હોવાનો દાવો કરી શકે તેમ છે. એટલું પ્રભાવશાળી કે તેની કલ્પના પણ તેણે ભાગ્યે જ કરી હશે.

રેડલાઈન
રેડલાઈન