બોલીવૂડનો 'સૌથી લાંબો કિસિંગ સીન' 1933ની ફિલ્મ 'કર્મા'માં હતો?

ઇમેજ સ્રોત, WIKIMEDIA COMMONS
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા

- દેવિકા રાણી અને હિમાંશુ રાયે 1934માં ભારતનો પ્રથમ પ્રોફેશનલ ફિલ્મ સ્ટુડિયો ‘બૉમ્બે ટૉકીઝ’ની સ્થાપના કરી હતી
- તે સમયે મીડિયા અહેવાલમાં છપાયું હતું કે ચુંબન ચાર મિનિટથી વધુ લાંબું ચાલ્યું હતું અને કપલે તે ઑનસ્ક્રીન કર્યું હતું
- "લવ ડ્રામા" ધરાવતી આ ફિલ્મ 63 મિનિટની હતી અને આ ફિલ્મ બ્રિટિશ ફિલ્મનિર્માતા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી

1933ની ફિલ્મ ‘કર્મા’નું એ ચુંબનનું દૃશ્ય વાસ્તવિક જીવનનાં દંપતી દેવિકા રાણી અને હિમાંશુ રાય પર ફિલ્માવાયું હતું.
આ ઓષ્ઠ ચુંબન પહેલી બોલીવૂડ ફિલ્મથી લઈને અત્યાર સુધીની બોલીવૂડની ફિલ્મોનું "સૌથી લાંબું ચુંબન" ગણાવાય છે. જોકે આ બેમાંથી એક પણ વાત સાચી નથી.
તે સમયે મીડિયા અહેવાલમાં છપાયું હતું કે ચુંબન ચાર મિનિટથી વધુ લાંબું ચાલ્યું હતું અને કપલે તે ઑનસ્ક્રીન કર્યું હતું. આ અહેવાલ બાદ ભારતમાં તેની સાથે અનેક મિથકો જોડાતાં ગયાં.
દેવિકા રાણી અને હિમાંશુ રાયે 1934માં ભારતનો પ્રથમ પ્રોફેશનલ ફિલ્મ સ્ટુડિયો ‘બૉમ્બે ટૉકીઝ’ની સ્થાપના કરી હતી. જેણે ભારતમાં બોલતી ફિલ્મોના શરૂઆતના પ્રથમ દાયકામાં પ્રભુત્વ જમાવ્યું હતું અને નવાં ધારાધોરણો સ્થાપિત કર્યાં હતાં, જેમાંથી ઘણાને આજે પણ અનુસરવામાં આવે છે.
2020ના પુસ્તકને તાજેતરમાં રાષ્ટ્રપતિ તરફથી ભારતીય સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો, જેમાં કપલના ચુંબન અને જીવનની આંધીઓ પર સીધો રેકૉર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

ધ લૉંગેસ્ટ કિસ

ઇમેજ સ્રોત, WIKIMEDIA COMMONS
‘ધ લૉંગેસ્ટ કિસ: ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ દેવિકા રાણી’ના લેખક કિશ્વર દેસાઈ કહે છે, "આ ફિલ્મ એવા સમયે બનાવાઈ હતી જ્યારે રાય અને રાણીનાં તાજા લગ્ન થયાં હતાં. તેઓ બંને હજુ પ્રેમમાં ગરકાવ હતાં, તેથી જો સ્ક્રીન પર જુસ્સાદાર ચુંબનની આપ-લે થાય તો તેમાં કોઈ નવાઈ નથી."
તેઓ ઉમેરે છે, તે સમયે ભારતીય સિનેમા માટે ચુંબન દૃશ્ય હોવું "અસામાન્ય ન હતું", કારણ કે ભારતમાં હજુ અંગ્રેજોનું શાસન હતું અને મોટા ભાગની ફિલ્મો પશ્ચિમી દર્શકો માટે બનાવવામાં આવતી હતી અને તેમાંની કેટલીક 1920ના દાયકાના અંતની અને 1930ના દાયકાની ફિલ્મોમાં ચુંબન દ્દશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું.
તે સમયની ઘણી ફિલ્મોની જેમ ‘કર્મા’ "એક્ઝોટિક ઑરિએન્ટાલિઝમ"માં ડૂબેલી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"લવ ડ્રામા" ધરાવતી આ ફિલ્મ 63 મિનિટની હતી અને આ ફિલ્મ બ્રિટિશ ફિલ્મનિર્માતા જેએલ ફ્રીર હંટ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં "શાહી મહેલો અને વૈભવનાં વાસ્તવિક દ્દશ્યો ફિલ્માવવામાં આવ્યાં છે".
તે પશ્ચિમને ગમતી સામગ્રીઓથી ભરપૂર હતી જેમાં ભારતીય રાજવી, વાઘનો શિકાર, સંવનન કરતા કોબ્રા અને મદારી વગેરે બતાવવામાં આવ્યા હતા.
ચુંબન લગભગ ફિલ્મના અંત ભાગે આવે છે, કારણ કે ભયભીત રાજકુમારી કોબ્રાએ ડંખ મારતા બેભાન અવસ્થામાં પડેલા રાજકુમારને જીવિત કરવા ચુંબન કરે છે.
કિશ્વર દેસાઈ કહે છે, "દંતકથા એવી છે કે આ ચુંબન ચાર મિનિટથી વધુ લાંબું છે પરંતુ તે સાચું નથી. તેમજ આ ચુંબન બોલીવૂડની ફિલ્મમાં અત્યાર સુધીનું સૌથી લાંબું ચુંબન પણ નથી. એ એક ચુંબન નહીં પરંતુ ચુંબનની ઝડી હતી. જો તમે સમય કાઢો તો તે કદાચ બે મિનિટ કરતાં વધુ નહીં હોય."
વળી ચુંબન તે સમયે ફિલ્મ વેચાય તે માટેનો મુખ્ય મસાલો ન હતું. કિશ્વર ઉમેરે છે, "તેને લાંબા ચુંબનની અફવા સાથે વાયુવેગે લોકપ્રિય બનાવવામાં મીડિયાનો ફાળો હતો."
ભારતમાં દાયકાઓથી સ્ક્રીન પર અને બહાર સ્નેહનું જાહેર પ્રદર્શન મોટા ભાગે નિષિદ્ધ છે. જોકે એ હકીકત છે કે તાજેતરનાં વર્ષોમાં સિનેમેટિક ચિત્રણ વધુ બૉલ્ડ બન્યું છે.
2007માં હોલીવૂડ અભિનેતા રિચર્ડ ગેરે દિલ્હીમાં એક ચેરિટી કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ચુંબન કર્યા પછી વિરોધ ફાટી નીકળ્યો હતો.
દેખાવકારોએ અભિનેતાનાં પૂતળાં સળગાવ્યાં અને દાવો કર્યો કે તેમણે ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે.
થોડાં વર્ષો પછી બીજી ઘટનામાં દિલ્હીમાં એક યુવા પરિણીત કપલ પર જાહેરમાં ચુંબન કરવા બદલ અશ્લીલતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફિલ્મ સેન્સર બોર્ડ પણ સહેજ જોખમી હોય તેવી કોઈ પણ બાબત પર ચુસ્ત નજર રાખે છે - કેટલાંક વર્ષો પહેલાં સુધી ચુંબનને ફૂલોને એકબીજા સાથે અથડાવીને દર્શાવવામાં આવતું હતું અને તેના જુસ્સાને દૂધવાળી કોફીના કપ દ્વારા વ્યક્ત કરવામાં આવતો હતો.
તેથી, કર્મા માત્ર એ હકીકતને કારણે અલગ પડે છે કે આટલા લાંબા સમય પહેલા બનેલી ફિલ્મમાં ચુંબન દર્શાવવામાં આવ્યું હતું.
જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

ફિલ્મ બનાવવાનો અને ચુંબનનો હેતુ

ઇમેજ સ્રોત, ENGINEER RASHID ASHRAF, KARACHI
કિશ્વર ઉમેરે છે કે, આ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ તેની લોકપ્રિયતાનો ન હતો પરંતુ તેનો ઉપયોગ "દુનિયાને બતાવવા માટે કે તેઓ બૉમ્બેથી વર્લ્ડ સ્ટેજ માટે સિનેમા બનાવી શકે છે" તે બતાવવાનો હતો.
"હિમાંશુ રાય યુરોપમાં પહેલેથી જ સફળ હતા જ્યાં તેમને ઉભરતા સ્ટાર ગણવામાં આવતા હતા. પરંતુ તેઓ એક ચતુર વ્યાવસાયિક હતા, તેઓ પહેલેથી જ બૉમ્બે [હવે મુંબઈ]માં સ્ટુડિયો સ્થાપવાનું વિચારી રહ્યા હતા અને કર્મા જેવી ફિલ્મ બનાવીને તેઓ એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેઓ હોલીવૂડની ફિલ્મની સમકક્ષ ફિલ્મ બનાવી શકે છે."
કિશ્વરના મતે, આ જરૂરી પણ હતું કે રોકાણકારો બ્રિટિશ અથવા સમૃદ્ધ પારસી હતા અને તેમનો દૃષ્ટિકોણ ઘણે ભાગે પશ્ચિમી હતો.
અહીં નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનાં ભત્રીજી દેવિકા રાણી મદદરૂપ થયાં. તેમણે નવ વર્ષની ઉંમરથી ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કર્યો હતો અને "પશ્ચિમી પાત્રમાં ઢાળવામાં આવ્યાં હતાં અને તેઓ કોસ્મોપોલિટન હતાં".
તેમના પુસ્તકમાં કિશ્વર દેસાઈ લખે છે કે કર્મા લંડનના માર્બલ આર્ક થિયેટરમાં ધૂમધામથી રજૂ થઈ હતી. કિંગ જ્યૉર્જ પંચમ અને મહારાણી મેરી પણ હાજરી આપશે તેવી અફવાઓ વચ્ચે બ્રિટિશ કુલીન વર્ગના કેટલાક અગ્રણી સભ્યોએ એ શોમાં હાજરી આપી હતી.
કિશ્વર દેસાઈ કહે છે કે ખાસ કરીને દેવિકા રાણી માટે "તેમની સુંદરતા અને અભિવ્યક્તિથી વિવેચકો પ્રભાવિત હતા."
એક અખબારે લખ્યું હતું કે "તેનાથી વધુ સુંદર કોઈ મળવું મુશ્કેલ છે" જ્યારે બીજાએ "તેમના સુંદર ફિચર અને ચમકદાર આંખો અને આકર્ષક ચાલ" વિશે લખ્યું.
આ ફિલ્મે અભિનેત્રીની શાખ જ બદલાઈ ગઈ અને તેઓ "ભારતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્ટાર બની ગયાં, જેને હોલીવૂડ અને યુરોપિયન સિનેમા દ્વારા ઈજન આપવામાં આવતું હતું."
જોકે તેઓ ભારતના પ્રથમ વ્યાવસાયિક સ્ટુડિયો સ્થાપવા માટે હિમાંશુ રાય સાથે મુંબઈ પરત આવ્યાં, "જ્યાં તેઓ આકરી મહેનત કરવાં લાગ્યાં."

હૃદયભંગ અને પુનર્લગ્ન

ઇમેજ સ્રોત, ENGINEER RASHID ASHRAF, KARACHI
પ્રતિભાશાળી અને સુંદર દેવિકા રાણીએ તેના ચાહકોના હૃદય પર રાજ કર્યું અને તેને "ભારતીય સિનેમાની પ્રથમ મહિલા" તરીકે ઓળખવામાં આવ્યાં. પરંતુ હિમાંશુ રાય સાથેના તેમનાં સંબંધોનો ટૂંક સમયમાં જ રંગ ઊડવા લાગ્યો.
કિશ્વર દેસાઈ કહે છે, "તેઓ સખત મહેનત કરતાં હતાં અને તેમને પૂરતું શ્રેય આપવામાં આવ્યું ન હતું. રાય સાથેના તેના સંબંધોમાં તેમને જાણ થઈ કે તેઓ પહેલેથી પરિણીત હતા અને તેમને એક પુત્રી હતી ત્યારે તેમના સંબંધોમાં પણ તિરાડ પડી."
તેમના બીજા પતિ રશિયન કલાકાર સ્વેતોસ્લાવ રોરીચને તેઓ રાયના મૃત્યુનાં થોડાં વર્ષો પછી મળ્યાં હતાં અને તેમની સાથે લગ્ન કર્યાં હતાં.
તેમનાં પત્રોમાં દેવિકા રાણીએ દાસ્તાન લખી હતી કે કેવી રીતે હિમાંશુ રાયે તેમની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું અને તેઓ ભારે તાવ સાથે બીમાર હતાં ત્યારે પણ તેમને સખત મહેનત કરવાની ફરજ પાડવામાં આવતી હતી.
એક પ્રસંગે તેમણે લખ્યું હતું કે તેમણે તેમને પટ્ટાથી એવો તો માર માર્યો હતો કે લોહી નીકળી આવ્યું અને તેઓ જમીન પર ઢળી પડ્યાં હતાં.
1936માં જ્યારે તેઓ સહઅભિનેતા સાથે ભાગી ગયાં ત્યારે તેમના સંબંધોમાં તિરાડ બધાના જોવામાં આવી.
જોકે કિશ્વર દેસાઈ કહે છે, "તેમ છતાં તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે એટલા માટે કે તે બેજોડ હતી."
બીજા વિશ્વયુદ્ધની બૉમ્બે ટૉકીઝ પર ગંભીર અસર પડી, કારણ કે તેના આખા જર્મન સ્ટાફને ભારતના બ્રિટિશ શાસકો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને કૅમ્પ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હિમાંશુ રાયને નર્વસ બ્રૅકડાઉન થયું અને 1940માં મૃત્યુ પામ્યા પછી દેવિકા રાણીએ નિર્માતા તરીકે સ્ટુડિયો ચલાવ્યો. મધુબાલા અને દિલીપકુમાર જેવા દિગ્ગજ કલાકારોને બ્રૅક આપ્યો અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી.
પરંતુ 1945માં તેમણે તેમના શેર વેચી દીધા અને સ્વેતોસ્લાવ રોરીચ સાથે લગ્ન કરી લીધાં અને હિમાચલ પ્રદેશમાં રહેવા જતાં રહ્યાં અને છેલ્લે બૅંગ્લુરુમાં સ્થળાંતર કર્યું. તેમના પતિના મૃત્યુના એક વર્ષ પછી 1994માં તેમના મૃત્યુપર્યંત તેઓ ત્યાં જ રહ્યાં.
કિશ્વર દેસાઈ કહે છે, "રોરીચ સાથેનાં લગ્ન પછી તેમને કદાચ એવું જીવન મળ્યું જેની તેમણે ઇચ્છા રાખી હતી."














