100 વર્ષ પુરાણો એ મામલો જેમાં 'બેવફા પત્ની'ને તેમના પ્રેમીના ગુના બદલ ફાંસી આપવામાં આવી હતી

વિવાહિત યુગલ એડિથ અને પર્સી થોમ્પસનના બગીચામાં ફ્રેડી (ડાબે)

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, વિવાહિત યુગલ એડિથ અને પર્સી થોમસનના બગીચામાં ફ્રેડી (ડાબે)
    • લેેખક, ટિમ સ્ટોક્સ
    • પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી
  • પોતાના પતિને છરાના ઘા મારવામાં આવશે એવું એડિથ જાણતાં હોવાના કોઈ પુરાવા ન હતા, છતાં તેમને સજા કરવામાં આવી હતી
  • ઘટનાના ત્રણ મહિના પહેલાં ફ્રેડી બાયવોટર્સે એડિથના પતિ પર્સીને છરીના અનેક ઘા માર્યા હતા, ફ્રેડી ભારપૂર્વક કહેતો રહ્યો હતો કે આ હુમલા બાબતે તેમનાં પ્રેમિકા કશું જ જાણતાં ન હતાં
  • એડિથનો ગુનો એ હતો કે તેઓ આકર્ષક, સ્વતંત્ર, નોકરિયાત અને બેવફા હતાં
  • એડિથે જાન્યુઆરી, 1916માં શિપિંગ ક્લાર્ક પર્સી થોમસન સાથે લગ્ન કર્યાં હતાં અને ઈલ્ફોર્ડના કેન્સિંગ્ટન ગાર્ડન્સ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું હતું
  • ઉત્કૃષ્ટ નૃત્યાંગના હોવાને કારણે એડિથને લંડનનાં સર્વેશ્રેષ્ઠ હોટલો તથા ડાન્સ હૉલમાં રાત્રે જવાનું બહુ પસંદ હતું
  • તેમનો સાંજનો સમય મોટાભાગે વેસ્ટ એન્ડ થિયેટર્સ, સિનેમા તથા રેસ્ટોરાંમાં દોસ્તો સાથે પસાર થતો હતો
  • ફ્રેડી મોટા ભાગે દૂર રહેતો હોવાથી એડિથ અને તેમની વચ્ચે પત્રવ્યવહાર ચાલતો હતો
  • એ પત્રોનો વાંચ્યા પછી નાશ કરવો તેવી સ્પષ્ટ સૂચના એડિથે આપી હતી
  • કેટલાક પત્રોમાંથી અશુભનો સંકેત મળે છે
  • બેલગ્રેવ રોડ પરના ઘટનાસ્થળે પર્સી પર હુમલો કરતાં પહેલાં ફ્રેડી નજીકના ગાર્ડનમાં છુપાઈ ગયો હતો
  • કેવી રીતે પ્રેમીએ પતિને માર્યો એની કહાણી વાંચો....
બીબીસી ગુજરાતી

એડિથ થોમસન અને તેના પ્રેમી ફ્રેડરિક બાયવોટર્સને, એડિથના પતિની હત્યા માટે 1923ની 9 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવી હતી. પોતાના પતિને છરાના ઘા મારવામાં આવશે એવું એડિથ જાણતાં હોવાના કોઈ પુરાવા ન હતા, છતાં તેમને સજા કરવામાં આવી હતી. તેમને શા માટે સજા કરવામાં આવી હતી? એક સદી પછી પણ આ કેસના પડઘા કેમ સંભળાય છે?

જલ્લાદ અને તેના મદદનીશો લંડનની હોલોવે જેલના ફાંસી આપવાના ઓરડામાં શિયાળામાં મંગળવારની એક બર્ફીલી સવારે સમયસર આવી પહોંચ્યા હતા.

એ પહેલાં 29 વર્ષનાં એડિથ, ઘેનનું શક્તિશાળી ઈન્જેક્શન આપવાને કારણે લગભગ બેભાન અવસ્થામાં હતાં. ફાંસી આપનારાઓ ઓરડામાં આવ્યા ત્યારે એડિથે આક્રંદ કર્યું હતું.

એક પુરુષે એડિથને કમરેથી ઊંચકતાં કહ્યું હતું કે, “ચાલ, તે ટૂંક સમયમાં ખતમ થઈ જશે.” એડિથના હાથ અને પગ બંધાયેલા હતા. તેમને ફાંસીના માચડા તરફ લઈ જવામાં આવ્યાં હતાં અને થોડી જ સેકન્ડમાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

સવારે એડિથને ફાંસી આપવામાં આવી ત્યારે હોલોવે જેલની બહાર વિશાળ ભીડ એકઠી થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સવારે એડિથને ફાંસી આપવામાં આવી ત્યારે હોલોવે જેલની બહાર વિશાળ ભીડ એકઠી થઈ હતી

ઘટનાસ્થળથી અર્ધો માઈલ દૂર પેન્ટનવિલે જેલમાં એ જ સમયે એડિથના 20 વર્ષના પ્રેમીને પણ ફાંસી આપવામાં આવી હતી.

આ ઘટનાના ત્રણ મહિના પહેલાં ફ્રેડી બાયવોટર્સે એડિથના પતિ પર્સીને છરીના અનેક ઘા માર્યા હતા. એ વખતે એડિથ અને પર્સી થિયેટરમાંથી તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. ફ્રેડી ભારપૂર્વક કહેતો રહ્યો હતો કે આ હુમલા બાબતે તેમનાં પ્રેમિકા કશું જ જાણતાં ન હતાં.

આ કેસના એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર, એડિથનો ગુનો એ હતો કે તેઓ આકર્ષક, સ્વતંત્ર, નોકરિયાત અને બેવફા હતાં. તેઓ, તત્કાલીન નૈતિક આચારસંહિતાના પાલનનો ઇનકાર કરતાં મહિલા હતાં અને સામાજિક અસહિષ્ણુતાનો ભોગ બન્યાં હતાં.

પ્રસિદ્ધ નવલકથાકાર અને પટકથા લેખક એડગર વોલેસ કહે છે તેમ, “આ દેશના ઇતિહાસમાં ક્યારેય, કોઈ મહિલાને અજાણ લોકોના પૂર્વગ્રહને કારણે અને જરા સરખા પુરાવા વિના ફાંસી આપવામાં આવી હોય તો તે મહિલા એડિથ થોમસન હતાં.”

ગ્રે લાઇન

‘તેઓ અસાધારણ બનવા માંગતાં હતાં’

એડિથ (જમણે) અને તેમની નાની બહેન એવિસનો જન્મ 1890માં વિક્ટોરિયન યુગના અંત ભાગે થયો હતો

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, એડિથ (જમણે) અને તેમનાં નાનાં બહેન એવિસનો જન્મ 1890માં વિક્ટોરિયન યુગના અંત ભાગે થયો હતો

નોકરી કરતી મહિલાઓ પાસેથી, તેઓ જેવું જીવન સ્વીકારી લે તેવી અપેક્ષા હોય છે, તેનાથી અલગ પ્રકારનું જીવન જીવવા એડિથ ગ્રેડોન ઇચ્છતાં હતાં.

પૂર્વ લંડનના મનોર પાર્ક ઉપનગરમાં 1893ના ક્રિસમસના દિવસે જન્મેલાં એડિથ પાંચ ભાઈ-બહેનમાં સૌથી મોટાં હતાં. એડિથ તેમનાં એક બહેન તથા ત્રણ ભાઈના ઉછેરમાં માતાને મદદ કરતાં હતાં.

અભ્યાસ પૂર્ણ થયા પછી મહત્ત્વાકાંક્ષી અને બુદ્ધિશાળી એડિથે શહેરની વાટ પકડી હતી અને બાર્બિકન ખાતેની કાર્લટન ઍન્ડ પામર કંપનીમાં જોડાયાં હતાં. તેમણે ટૂંક સમયમાં જ પ્રગતિ કરી હતી અને કંપનીનાં મુખ્ય ખરીદકર્તા બની ગયાં હતાં.

આ કેસ વિશે બે પુસ્તક લખી ચૂકેલાં લેખિકા લોરા થોમસન કહે છે કે, “ સાધારણ યુવતી એડિથ અસાધારણ બનવા ઇચ્છતાં હતાં.”

એડિથે જાન્યુઆરી, 1916માં શિપિંગ ક્લાર્ક પર્સી થોમસન સાથે લગ્ન કર્યાં હતાં અને ઈલ્ફોર્ડના કેન્સિંગ્ટન ગાર્ડન્સ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. એ વિસ્તાર તેઓ જ્યાં ઊછર્યાં હતાં તે વિસ્તારથી બહુ દૂર ન હતું.

એડિથ (ડાબેથી પાંચમા ચિત્રમાં) બાર્બીકન-આધારિત મિલિનર્સ કાર્લટન અને પ્રાયોરમાં નંબર લાવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, એડિથ (ડાબેથી પાંચમા) બાર્બીકન-આધારિત મિલિનર્સ કાર્લટન અને પ્રાયોરમાં નંબર લાવ્યાં હતાં.

એડિથનો પગાર તેમના પતિ તથા પિતા કરતાં વધારે હતો. તેમણે મકાન ખરીદવા માટે કુલ 250 પાઉન્ડ પૈકીના અરધોઅરધ પૈસા આપ્યા હતા. જોકે, મકાનનું ડીડ પર્સીના નામે કરવામાં આવ્યું હતું.

નવપરિણીતા તરીકે એડિથ પાસેથી ઘરેલુ જિંદગીમાં અને માતૃત્વના દાયરામાં સેટલ થઈ જવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ તેઓ કશુંક અલગ કરવા ઇચ્છતાં હતાં.

ઉત્કૃષ્ટ નૃત્યાંગના હોવાને કારણે એડિથને લંડનનાં સર્વેશ્રેષ્ઠ હોટલો તથા ડાન્સ હૉલ રાત્રે જવાનું બહુ પસંદ હતું. એ સ્થળો તેમના જેવા સામાજિક દરજ્જાના લોકો માટેનાં ન હતાં. તેમનો સાંજનો સમય મોટાભાગે વેસ્ટ ઍન્ડ થિયેટર્સ, સિનેમા તથા રેસ્ટોરાંમાં દોસ્તો સાથે પસાર થતો હતો.

લોરા થોમસન કહે છે, “મને તેઓ આધુનિક વ્યક્તિ લાગે છે. તેઓ એક રીતે ગ્રેઝિયા ગર્લ હતાં. આખા ગામમાં તેમની ચર્ચા થતી હતી. તેઓ મહત્ત્વાકાંક્ષી હતાં. પોતાનું ઘર ખરીદવા ઇચ્છતાં હતાં. ઘરની માલિકી ભલે પતિના નામે કરવામાં આવી હોય, પરંતુ તેમણે પોતાનું ઘર જરૂર ખરીદ્યું હતું.”

ગ્રે લાઇન

‘ત્રણ પતિ ગુમાવી ચૂકેલી એક મહિલાને હું મળી’

ફ્રેડી થોડા સમય માટે પર્સી અને એડિથ સાથે દંપતીના ઘરે, 41 કેન્સિંગ્ટન ગાર્ડન્સમાં રહેતાં હતાં.

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, ફ્રેડી થોડા સમય માટે પર્સી અને એડિથ સાથે દંપતીના ઘરે, 41 કેન્સિંગ્ટન ગાર્ડન્સમાં રહેતા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફ્રેડરિક બાયવોટર્સ ગ્રેડોન પરિવારથી પરિચિત હતા, કારણ કે તેઓ એડિથના એક ભાઇની સાથે જ અભ્યાસ કરતા હતા. ફ્રેડી 13 વર્ષની વયે મર્ચન્ટ નૅવીમાં જોડાવા માટે લંડન ગયા હતા.

તેઓ જૂન, 1921માં વૅકેશન પર ઘરે આવ્યા ત્યારે તેમને પર્સી, એડિથ અને તેમનાં બહેન એવિસ ગ્રેડોન સાથે આઈલ ઑફ વિટમાં એક સપ્તાહની મોજ માણવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

એ પ્રવાસના અંત સુધીમાં એડિથ અને પર્સી વચ્ચે અસ્પષ્ટ રોમાન્સ શરૂ થઈ ગયો હતો. ફ્રેડીને થોમસન પરિવાર સાથે થોડાં સપ્તાહ રહેવા નોતરવામાં આવ્યા પછી તે રોમાન્સ ખીલ્યો હતો. પર્સી સાથેની માથાકૂટને પગલે તેમણે 41 કેન્સિંગ્ટન ગાર્ડન છોડી દીધું હતું. પર્સી તેમનાં પત્ની સાથે ક્યારેક બહુ અપમાનજનક વર્તન કરતા હતા. એક વખતે ઉગ્ર બોલાચાલી દરમિયાન એડિથને પર્સીએ બીજા રૂમમાં ફેંકી દીધાં હતાં એ કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી.

ફ્રેડી મોટા ભાગે દૂર રહેતો હોવાથી એડિથ અને તેની વચ્ચે પત્રવ્યવહાર ચાલતો હતો. એ પત્રોનો વાંચ્યા પછી નાશ કરવો તેવી સ્પષ્ટ સૂચના એડિથે આપી હતી.

પોલા થોમસન કહે છે કે, “એ પત્રો નોંધપાત્ર દસ્તાવેજો છે. એ લાગણીસભર છે. તેમાં એડિથે પોતાનું હૈયું ઠાલવ્યું છે.”

એડિથનાં ભાઈ બિલ ગ્રેડન (ત્રીજી પંક્તિમાં જમણી બાજુથી બીજા)

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, એડિથના ભાઈ બિલ ગ્રેડન (ત્રીજી પંક્તિમાં જમણી બાજુથી બીજા)

એડિથના લખાણમાં લાગણી છલકાય છે અને તે કલ્પના તથા હકીકત વચ્ચે હિલોળા લે છે. એક પત્રમાં એડિથે રોજિંદાં કામોથી માંડીને સેક્સ, ગર્ભપાત અને આત્મહત્યા વિશેના સઘન અંગત વિચારો વ્યક્ત કર્યા છે.

કેટલાક પત્રોમાંથી અશુભનો સંકેત મળે છે. એડિથ ઉત્કટ વાચક હતાં. આ પત્રોમાં તેઓ કેટલીક વાર પોતાની કલ્પના નવલકથાના એક પાત્ર તરીકે કરે છે અને એમ કરવામાં તેઓ પર્સીથી છૂટકારો મેળવવા ઇચ્છતાં હોવાનો સંકેત મળે છે.

એક પત્રમાં એડિથે લખ્યું છે કે, “ગઈ કાલે હું એક એવી મહિલાને મળી હતી, જેણે ત્રણ પતિ ગુમાવ્યા છે. એ બધા યુદ્ધમાં મર્યા ન હતા. બેનું મોત ડૂબી જવાને કારણે થયું હતું, જ્યારે ત્રીજાએ આપઘાત કર્યો હતો. કેટલાક લોકો જાણે છે કે હું એક પતિને પણ ત્યાગી શકતી નથી. બધું કેટલું અન્યાયી છે. બેસ અને રેગ રવિવારે ડિનર માટે આવવાનાં છે.”

એક અન્ય પત્રમાં લખ્યું છે કે, “હું લાઈટ બલ્બથી ઉત્સાહિત થઈ ગઈ હતી અને મેં તેનો ભૂકો નહીં, પણ નાના-મોટા ટુકડા કર્યા હતા, પણ તેની કોઈ અસર થઈ નહીં. હું તને તાર મોકલવા ઇચ્છતી હતી, પરંતુ તેનાથી કશું થયું નથી.”

યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર રેને વેઈસ આ કેસનો દાયકાઓથી અભ્યાસ કરતા રહ્યા છે. તેઓ માને છે કે આ પત્રો “વધારે પડતી રોમૅન્ટિક કલ્પનાથી વિશેષ કશું જ નથી.”

એડિથ માટે આ શબ્દો ઘાતક પુરવાર થયા હતા.

બીબીસી ગુજરાતી

‘તેણે આમ શા માટે કર્યું?’

બેલગ્રેવ રોડ પરના આ સ્થળે હુમલો કરતા પહેલા ફ્રેડી નજીકના બગીચામાં સંતાઈ ગયો
ઇમેજ કૅપ્શન, બેલગ્રેવ રોડ પરના આ સ્થળે હુમલો કરતા પહેલાં ફ્રેડી નજીકના બગીચામાં સંતાઈ ગયો

બેલગ્રેવ રોડ પરના ઘટનાસ્થળે પર્સી પર હુમલો કરતાં પહેલાં ફ્રેડી નજીકના ગાર્ડનમાં છુપાઈ ગયો હતો.

1922ની ત્રીજી ઑક્ટોબરની સાંજે એડિથ અને પર્સીએ પિકાડિલી સર્કસ નજીકના ક્રાઈટેરિયન થિયેટરમાં ધ ડિપર્સ કૉમેડી નિહાળી હતી. એ પછી તેમણે લિવરપૂલ સ્ટ્રીટ જવા ગાડી પકડી હતી અને ત્યાંથી ઈલફોર્ડ ટ્રેનમાં આવ્યાં હતાં.

તેઓ બેલગ્રેવ રોડ પર તેમના ઘર તરફ આગળ વધતાં હતાં ત્યારે એક પુરુષે તેમના પર હુમલો કર્યો હતો. પહેલી વાર પૂછપરછ કરવામાં આવી ત્યારે એડિથે પોલીસને જણાવ્યું હતું કે તેમને પછાડી દેવામાં આવ્યાં હતાં અને તેમના પતિ સડક પર ફસડાઈ પડ્યા હતા. એક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે પર્સીને મૃત જાહેર કર્યા હતા.

પ્રારંભે એવું ધારવામાં આવ્યું હતું કે 32 વર્ષના પર્સી બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ પામ્યા હતા, પરંતુ પોલીસે તેમનું શરીર ચકાસ્યું ત્યારે ખબર પડી હતી કે પર્સીના ગળા પર ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. તેમનું લોહી રસ્તાના મોટા હિસ્સામાં ફેલાઈ ગયું હતું.

ફ્રેડીની એડિથના માતા-પિતાની મુલાકાત વખતે ધરપકડ કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રેડીની એડિથના માતા-પિતાની મુલાકાત વખતે ધરપકડ કરવામાં આવી હતી

પર્સીના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે ફ્રેડી સાથે વાત કરવી જોઈએ. ફ્રેડી બે સપ્તાહ પહેલાં જ પાછો આવ્યો હતો. 20 વર્ષના ફ્રેડીનાં માતાના ઘરમાંના ઓરડામાં તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી એડિથે લખેલા કેટલાક પ્રેમપત્રો મળી આવ્યા હતા.

ઇલફોર્ડ પોલીસ સ્ટેશનની પરસાળમાં જાસૂસોએ ખાસ વ્યવસ્થા કરી હતી, જેથી એડિથ અને ફ્રેડી એકમેકને જોઈ શકે. એ મુલાકાત પછી એડિથ બરાડી હતી કે, “તેણે આવું કેમ કર્યું? તે આવું કરે એવું હું ઇચ્છતી ન હતી. હે ભગવાન, ૅ ભગવાન, હવે હું શું કરું? મારે સત્ય કહેવું જ પડશે.”

ફ્રેડી જે જહાજ પર કામ કરતો હતો તે મોરિયામાંની તેની કેબિનની તલાશી લેવામાં આવી હતી. તેમાંથી વધુ પત્રો મળી આવ્યા હતા. તેમાં, પર્સી ચિત્રની બહાર જ રહે તેવી એડિથની ઇચ્છાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો.

ફ્રેડીએ પર્સી પર છરાના ઘા કર્યાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એવો દાવો કર્યો હતો કે એક વૃદ્ધે તેના પર હુમલો કર્યો હતો અને તેણે સ્વબચાવમાં આ કૃત્ય કર્યું હતું. એડિથ પર પણ હત્યાનો આરોપ મૂકવામાં આવશે એવું પોલીસે જણાવ્યું ત્યારે ફ્રેડીએ કહ્યું હતું કે “શા માટે? શ્રીમતી થોમસન મારી હિલચાલથી વાકેફ ન હતાં."

બીબીસી ગુજરાતી

‘પહેલી રાતનું વાતાવરણ’

એડિથ અને પર્સીએ વેસ્ટક્લિફ, એસેક્સમાં તેમનાં હનીમૂન પર જતાં પહેલાં જાન્યુઆરી 1916માં લગ્ન કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એડિથ અને પર્સીએ વેસ્ટક્લિફ, એસેક્સમાં તેમનાં હનીમૂન પર જતાં પહેલાં જાન્યુઆરી 1916માં લગ્ન કર્યાં હતાં

આ કેસની સુનાવણી શરૂ થઈ એ પહેલાં બન્ને વચ્ચેના પ્રેમપત્રોની વિગત તમામ અખબારોમાં પ્રકાશિત થઈ ગઈ હતી. પ્રતિવાદીઓ તોફાનના કેન્દ્રમાં ધકેલાઈ ગયાં હતાં.

પોલા થોમસન કહે છે કે, “તેઓ ગ્લેમરસ હતાં. તેમનું વર્તન ફિલ્મ સ્ટાર જેવું જ હતું. તે લગભગ રુપર્ટ બ્રૂક જેવો દેખાતો હતો.”

1922ની છઠ્ઠી ડિસેમ્બરે એડિથ અને ફ્રેડીને ઓલ્ડ બેઇલી ખાતેની ખીચોખીચ ભરાયેલી અદાલતમાં હત્યાના કેસની સુનાવણી માટે લાવવામાં આવ્યાં હતાં.

પર્સીની પૂછપરછમાં ફ્રેડીનો ફોટો લેવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પર્સીની પૂછપરછમાં ફ્રેડીનો ફોટો લેવામાં આવ્યો હતો

લંડનની વિખ્યાત કોર્ટની બહાર લોકોની ભીડ વહેલી સવારથી ઊમટી પડી હતી. આ કેસની સુનાવણી નવ દિવસ ચાલી હતી. એ દરમિયાન બેરોજગાર પુરુષો રોજ રાતે કોર્ટ બિલ્ડિંગની બહાર કતારમાં ઊભા રહેતા હતા અને બીજા દિવસે સવારે પોતાની જગ્યા બીજાને આપીને તેના બદલામં સરેરાશ સાપ્તાહિક વેતન કરતાં પણ વધુ કમાણી કરતા હતા.

લેખક બેવરલી નિકોલ્સ એ વખતે યુવાન રિપોર્ટર હતા અને કેસની સમગ્ર સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. બેવરલી નિકોલ્સના જણાવ્યા મુજબ, “એ વાતાવરણ રોમન સામ્રાજ્યના સમયમાં ખ્રિસ્તીઓને ભૂખ્યા સિંહોને હવાલે કરવામાં આવતા હતા તેના જેવું હતું.”

બીબીસીના 1973ના એક રેડિયો પ્રોગ્રામમાં તેમણે એ દિવસોની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “મહિલાઓ, સનસનાટી ઇચ્છતા લોકો, તમામ પ્રકારના લોકો કોર્ટમાં આવતાં હતાં. એ બધા એવું માનતા હતા કે આ કોઈ એવી બાબત છે, જેને નિહાળવા માટે તેમણે પૈસા ખર્ચીને સીટ મેળવી છે.”

પહેલા નંબરના કોર્ટ રૂમમાં મેડમ તુસોના કળાકારો બે નવા ખલનાયકના ચહેરા ચિતરતા હતા.

બીબીસી ગુજરાતી

‘સ્વાર્થી યુવતી’

ઑલ્ડ બેઇલીમાં પ્રવેશવા માટે કતાર વહેલી સવારથી જ લાગતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑલ્ડ બેઇલીમાં પ્રવેશવા માટે કતાર વહેલી સવારથી જ લાગતી

કાર્યવાહીમાં નિર્ણાયક પુરાવા તરીકે પ્રેમપત્રોના કેટલાક અંશ કોર્ટમાં વાંચી સંભળાવવામાં આવ્યા હતા. પબ્લિક ગૅેલરીમાંથી એટલી જોરદાર પ્રતિક્રિયા મળતી હતી કે ન્યાયાધીશોને એ ફકરા જાતે વાંચી લેવાની સૂચના આપવામાં આવી હતી.

લોરા થોમસન કહે છે કે, “એ પત્રોનું જાહેરમાં વાચન ભયાનક બાબત હતું. એ ખાનગી, લાગણીથી તરબતર શબ્દોનું, પાગલ જેવું વર્તન કરતા પબ્લિક ગૅેલરીમાંના લોકો સમક્ષનું વાચન, મને લાગે છે કે કોઈને ત્રાસ આપવા જેવું હતું.”

પ્રોફેસર વેઇસના જણાવ્યા મુજબ, આ કેસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી આવ્યો હતો. તેથી એડિથ પ્રત્યેની તિરસ્કારની ભાવનામાં વધારો થયો હોય એવું લાગે છે.

પ્રોફેસર વેઇસ કહે છે કે, “એવી કથા વહેતી થઈ હતી કે સમગ્ર બ્રિટનમાં યુદ્ધને કારણે સંખ્યાબંધ સ્ત્રીઓ વિધવા થઈ છે ત્યારે આ સ્વાર્થી યુવતી તરફ નજર કરો. એ યુવતી પાસે સૌંદર્ય, સુંદર ઘર, પૈસા, સારો પતિ, મોજમજા બધું જ હતું, પરંતુ તેણે શું કર્યું એ જુઓ. એ સારા પતિને લાયક નથી.”

બીબીસી ગુજરાતી

‘મહિલા નિર્દોષ છે’

હોલોવ જેલમાં 29 વર્ષની વયે એડિથને ફાંસી આપવામાં આવી ત્યારે તેને મતાધિકાર ન હતો

ઇમેજ સ્રોત, MUSEUM OF LONDON/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હોલોવ જેલમાં 29 વર્ષની વયે એડિથને ફાંસી આપવામાં આવી ત્યારે તેમને મતાધિકાર ન હતો

હોલોવ જેલમાં 29 વર્ષની વયે એડિથને ફાંસી આપવામાં આવી ત્યારે તેમને મતાધિકાર ન હતો. એડિથ પ્રત્યેના લોકોના અણગમાને ન્યાયમૂર્તિ શીરમેને વ્યક્ત કર્યો હતો. તેમણે ફરિયાદ પક્ષની વારંવાર તરફેણ કરી હતી.

સારાંશની રજૂઆત કરતી વખતે તેમણે એડિથના વ્યભિચાર બાબતે નારાજગી વ્યક્ત કરતાં ન્યાયમૂર્તિઓને જણાવ્યું હતું કે બે મહિલા ભલે ન્યાયાધીશ હોય, પરંતુ તેઓ તેમને જેન્ટલમૅન તરીકે સંબોધિત કરશે. તેમણે કહ્યું હતું કે, “યોગ્ય દિમાગ ધરાવતી વ્યક્તિ તરીકે તમારા મનમાં પણ ઘૃણા ઊભરાઈ આવશે તેની મને ખાતરી છે.”

એડિથ વિરુદ્ધના પુરાવા તદ્દન મામૂલી હતા. ઝેર માટે તથા કાચના ટુકડા માટે પર્સીના શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં કશું વાંધાજનક મળ્યું ન હતું. આ ઘટનાથી પોતાને આશ્ચર્ય થયું હોવાનું એડિથે જણાવ્યું હતું અને હત્યાના એક સાક્ષીની જુબાનીએ તેની સાખ પૂરી હતી.

વકીલની વારંવારની વિનંતી છતાં એડિથે પુરાવા માટે આગ્રહ રાખ્યો હતો. લોરા થોમસન કહે છે કે, “મારા મતે આ બાબત તેમના નિર્દોષ હોવાનો સંકેત છે, પરંતુ એડિથે એક ભયંકર ભૂલ કરી હતી. ફરિયાદ પક્ષે, એડિથે પત્રોમાં જે લખ્યું હતું તેની સાથે હાથચાલાકી કરી હતી, ખોટી કથા ઉપજાવી કાઢી હતી અને એડિથને સજા કરાવવા ભ્રામક સમયગાળાનો હવાલો આપ્યો હતો.”

11 ડિસેમ્બરે અદાલતે ચુકાદો આપ્યો હતો. બે કલાક વિચારવિમર્શ કર્યા બાદ, ભયભીત એડિથને કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં અને જણાવવામાં આવ્યું હતું કે તેમને અને ફ્રેડીને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યાં છે.

કોર્ટરૂમમાં ચાલતા હંગામા વચ્ચે ફ્રેડીએ જોરથી જણાવ્યું હતું કે, “જ્યુરી ખોટી છે. તે મહિલા દોષી નથી.” ન્યાયમૂર્તિ શીરમેનની વિગ પર કાળી ટોપી પહેરાવવામાં આવી હતી અને તેમણે એડિથ તથા ફ્રેડીને મોતની સજા ફટકારી હતી.

એડિથને કોર્ટમાંથી તેમની કોટડીમાં લઈ જવામાં આવ્યાં ત્યારે તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડતાં હતાં.

બીબીસી ગુજરાતી

‘તેને ક્યારેય તક જ ન મળી’

એડિથે છેલ્લે તેમનાં માતા-પિતાને તેમની ફાંસીના એક દિવસ પહેલાં જોયાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એડિથે છેલ્લે તેમનાં માતા-પિતાને તેમની ફાંસીના એક દિવસ પહેલાં જોયાં હતાં

એડિથે તેમનાં માતાપિતાને, ફાંસીની સજાના અમલના એક દિવસ પહેલાં જોયાં હતાં. ફ્રેડીને ફાંસીની સજામાંથી મુક્તિ અપાવવા માટેની એક અરજી પર દસ લાખથી વધુ લોકોએ સહી કરી હતી. જોકે, એડિથને એટલી સહાનુભૂતિ મળી ન હતી.

પોલા થોમસન કહે છે કે, “મહિલાઓ એડિથથી ડરતી હોવાથી તેને ધિક્કારતી હતી. તે એવી સ્ત્રી હતી, જેને પામવાના કલ્પના પુરુષો કરતા હોય છે. તે પરેશાનીનું કારણ હતી અને તેને પ્રત્યે કોઈ દયા દાખવી ન શકાય.”

તમામ અખબારોમાં લેખો પ્રકાશિત થયા હતા. ધ ટાઇમ્સ અખબારે લખ્યુ હતું કે, “આ કેસમાં સહેજ પણ સહાનુભૂતિ સર્જાય તેવું કશું જ ન હતું. આખો મામલો સાદો અને અધમ હતો.”

જાતે બની બેઠેલાં નારીવાદી રેબેક્કા વેસ્ટે તો ત્યાં સુધી લખ્યું હતું કે, “દયાપાત્ર એડિથ કચરાનો આઘાતજનક ટુકડો હતી.” ફાંસીની સજાના અમલ પછી મહિલાઓએ હોમ સેક્રેટરી વિલિયમ બ્રિજમેનને પત્ર લખીને જણાવ્યું હતું કે મૃત્યુદંડની સજામાં ફેરફારને મંજૂરી ન આપીને નારી જાતિના સન્માનને બચાવવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

થોમ્પસનના ઘરમાંથી સામાનની હરાજી કરાઈ હતી

ઇમેજ સ્રોત, RENÉ WEIS

ઇમેજ કૅપ્શન, થોમસનના ઘરમાંથી સામાનની હરાજી કરાઈ હતી

એડિથે જેલમાંથી પણ પત્રો લખ્યા હતા. તેમાં તેમણે ફાંસીની સજાનો સામનો કરી રહેલી સ્ત્રીની વેદનાને વાચા આપી હતી. પોતાનાં માતા-પિતા વિશેની એક નોંધમાં એડિથે લખ્યું હતું કે આજે બધાનો અંત આવ્યો હોય તેવું લાગે છે. હું એક ખાલી, જાડી દીવાલની સામે જોઉં છું અને મારી નજર કે વિચારો તેમાં પ્રવેશી શકતાં નથી. મેં જે નથી કર્યું કે જેના વિશે હું અગાઉથી કે ઘટના બની ત્યારે કશું જાણતી ન હતી એ માટે આ સજા કરવામાં આવી છે એ સમજવાની શક્તિ મારામાં રહી નથી.

આગલા દાયકામાં ફાંસીની સજા પામેલી તમામ મહિલાઓને રાહત આપવામાં આવી હતી, પરંતુ એડિથ વતી કરવામાં આવેલી તમામ અરજીને ફગાવી દેવામાં આવી હતી.

પોલા થોમસન કહે છે કે, “એડિથને ફાંસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ગૃહમંત્રાલયે કરેલી અપમાનજનક કાર્યવાહીની વિગત ખરેખર ભયાનક છે.” પોલા થોમસન માને છે કે એડિથના વ્યભિચારને ‘નૈતિકતા પરનો હુમલો’ ગણવામાં આવ્યો હતો. તેના વર્તનને લગ્નની સંસ્થા તથા તમામ સારી બાબતોના વિનાશનું કારણ ગણવામાં આવ્યું હતું.

બીબીસી ગુજરાતી

‘હવે એ તેમની સાથે છે’

એડિથના મૃતદેહને તેના માતા અને પિતા સાથે સિટી ઑફ લંડન કબ્રસ્તાનમાં દફનાવવા માટે ખસેડવામાં આવ્યો હતો.
ઇમેજ કૅપ્શન, એડિથના મૃતદેહને તેમનાં માતા અને પિતા સાથે સિટી ઑફ લંડન કબ્રસ્તાનમાં દફનાવવા માટે ખસેડવામાં આવ્યો હતો.

એડિથનો મૃતદેહ તેમનાં માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને તેમણે સિટી ઑફ લંડન સેમેટરીમાં તેને દફનાવ્યો હતો.

થોમસનના ઘરની ચીજોનું લિલામ સપ્ટેમ્બર, 1923માં કરવામાં આવ્યું હતું અને તેમાં સંખ્યાબંધ લોકો ઊમટી પડ્યા હતા. હરાજીની પ્રક્રિયા કેવી હતી તેનું વર્ણન કરતાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે લોકો થોમસનના ઘરના બગીચામાંના એક વૃક્ષનાં તમામ પાન સુદ્ધાં તોડીને લઈ ગયા હતા.

એડિથ અને ફ્રેડીનાં મીણના પૂતળાં મેડમ તુસો મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. આખરે 1980ના દાયકામાં એ પૂતળાંને ચેમ્બર ઓફ હોરરમાંથી હટાવી લેવામાં આવ્યાં હતાં. આજે તે પૂતળાં ગોદામમાં કોઈ ઠેકાણે સડી રહ્યાં હશે.

પ્રોફેસર વેઇસ એડિથને માફી અપાવવા માટે વર્ષોથી લડતા રહ્યા છે. 2018માં એડિથના મૃતદેહને મનોર પાર્કમાંની સિટી ઑફ લંડન સેમેટરીમાં તેમનાં માતા-પિતાની કબર પાસે ફરી દફનાવવામાં આવ્યો હતો. પ્રોફેસર વેઇસ કહે છે કે, “મેં તેમનાં માતાની અંતિમ ઇચ્છા સંતોષી હોય એવી આશા છે. કમસે કમ હવે તો એડિથ તેમની સાથે છે.”

પોલા થોમસન માને છે કે બ્રિટનમાંથી ફાંસીની સજાની સમાપ્તિને ભલે આટલાં વર્ષ થઈ ગયાં હોય, પરંતુ એડિથની કથા કાયમ સુસંગત રહી છે. તેઓ કહે છે કે, “કશું બદલાતું નથી, પૂર્વગ્રહનું અસ્તિત્વ કાયમી છે, માત્ર તેનો આકાર બદલાય છે. આ વાત લોકોને યાદ અપાવવી જરૂરી છે.”

તેઓ ઉમેરે છે કે, “આ કથામાં એક ગંભીર ચેતવણી છે : તમને જે લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોય એમના પ્રત્યેના તમારા સૌથી ખરાબ આવેશને ચકાસો. આપણે બધું રદ કરવાની સંસ્કૃતિમાં જીવીએ છીએ. એડિથને શબ્દશઃ કેન્સલ કરવામાં આવી હતી અને તે ખૂબજ ખતરનાક આવેશ છે, પરંતુ સમાજ માટે તેનો પ્રતિકાર કરવો બહુ મુશ્કેલ છે.”

કહાણી સંપાદન: બેન જેફ્રી

રેડ લાઇન
રેડ લાઇન