ઓડિશામાં ‘રહસ્યમય સંજોગો’માં રશિયન નાગરિકોનાં મૃત્યુ બાદ ઊઠી રહેલા સવાલ જેના જવાબ નથી મળ્યા

ઇમેજ સ્રોત, ZUBAIR AHMED/BBC
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા

- ઓડિશાના રાયગડા શહેરમાં 22 અને 24 ડિસેમ્બરે એક હોટલમાં બે રશિયન પ્રવાસીઓનાં મોત બાદ આ શહેર દુનિયાભરમાં સમાચારોમાં છે
- લોકોનું આશ્ચર્ય ત્યારે વધુ વધી ગયું જ્યારે 3 જાન્યુઆરીએ અહીંથી માઈલો દૂર પારાદીપ બંદર પર એક કાર્ગો જહાજમાં અન્ય એક રશિયન નાગરિકના મૃત્યુના સમાચાર આવ્યા
- એ વાત પણ લોકોના મનમાં ખટકવા લાગી કે શું આ મૃત્યુના તાર એકબીજા સાથે જોડાયેલા છે
- પોલીસ આ વાતને નકારી રહી છે
- રાયગડામાં વાતાવરણ તંગ છે
- હોટલ સ્ટાફ, પોલીસવિભાગ અને સરકારી ડૉકટરો પર જાણે કે મીડિયા સાથે વાત કરવાનો કે અઘોષિત પ્રતિબંધ લાગી ગયો છે
- મૃતકો પૈકી એક 65 વર્ષીય પાવેલ એંતોવ કરોડપતિ ઉદ્યોગપતિ અને રશિયન સંસદસભ્ય હતા
- તેઓ મૉસ્કોના પૂર્વમાં આવેલા વ્લાદિમીર શહેરમાં લોકપ્રિય નેતા હતા
- ગયા વર્ષે જૂનમાં, તેમણે યુક્રેનની રાજધાની કિએવમાં રહેણાક બ્લૉક પર રશિયન હુમલાને લઈને પ્રતિક્રિયા આપી હતી
- પાવેલ એંતોવ અને તેમના મિત્ર વ્લાદિમીર બેદેનોવ ખ્રિસ્તી હતા જેમના મૃતદેહોને સામાન્ય રીતે દફનાવવામાં આવે છે, અગ્નિસંસ્કાર કરવામાં આવતો નથી
- તો પછી શા માટે પાવેલ અને બેદેનોવના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા?
- આ જ સવાલ કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ એક ટ્વીટમાં ઉઠાવ્યો હતો, જેનો જવાબ ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ટ્વીટમાં આપ્યો હતો

રાયગડા દક્ષિણ ઓડિશાનું એક શાંત આદિવાસી શહેર છે.
પરંતુ 22 અને 24 ડિસેમ્બરે અહીંની સાઈ ઈન્ટરનેશનલ હોટલમાં બે રશિયન પ્રવાસીઓનાં મોત બાદ આ શહેર દુનિયાભરમાં સમાચારોમાં છે.
લોકોનું આશ્ચર્ય ત્યારે વધુ વધી ગયું જ્યારે 3 જાન્યુઆરીએ અહીંથી માઈલો દૂર પારાદીપ બંદર પર એક કાર્ગો જહાજમાં અન્ય એક રશિયન નાગરિકના મૃત્યુના સમાચાર આવ્યા.
સમગ્ર ઘટનામાં આશ્ચર્યજનક બાબત એ હતી કે ઓડિશા જેવા ઓછા પ્રવાસીઓ આકર્ષતા રાજ્યમાં બે અઠવાડિયાંમાં ત્રણ રશિયન પ્રવાસીઓનાં મોત કેવી રીતે થયાં.
એ વાત લોકોના મનમાં પણ ખટકવા લાગી કે શું આ મૃત્યુના તાર એકબીજા સાથે જોડાયેલા છે?
પરંતુ પોલીસ આ વાતને નકારી રહી છે.
રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું, "અત્યાર સુધી તેમની તપાસમાં એવું કંઈ નથી મળી આવ્યું કે જેનાથી સાબિત થાય કે મૃત્યુ એકબીજા સાથે જોડાયેલાં છે."
આ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે તપાસ ચાલુ છે છતાં તેમને ખાતરી છે કે કાર્ગો જહાજની અંદર રશિયન વ્યક્તિના મૃત્યુની વાતને રાયગડામાં બે રશિયનોનાં મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાયગડા શહેરમાં વાતાવરણ તંગ

ઇમેજ સ્રોત, ANI
રાયગડામાં વાતાવરણ તંગ છે. હોટલ સ્ટાફ, પોલીસવિભાગ અને સરકારી ડૉકટરો પર જાણે કે મીડિયા સાથે વાત કરવાને લઈને જાણે કે અઘોષિત પ્રતિબંધ લાગી ગયો છે.
બીબીસી એ ઘણા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જેમણે ડરને કારણે નામ જાહેર ન છાપવાની વિનંતી કરી.
આ નાના શહેરના મુખ્ય બજારમાં આદિવાસી કલાકૃતિઓ વેચતા ઋષભ સાહુ કહે છે કે તેમના શહેરમાં અકુદરતી મૃત્યુ ઓછાં થાય છે અને વિદેશીઓનાં મૃત્યુ તો એનાથી પણ ઓછાં થાય છે.
તેઓ કહે છે, "અમે થોડા ચિંતિત છીએ. ચિંતાની એ વાતની છે કે આ મૃત્યુની તપાસનું પરિણામ શું આવશે. અમે સતત મીડિયા કવરેજથી પણ પરેશાન છીએ કારણ કે અમને લાઇમલાઇટની આદત નથી. અમે ઇચ્છીએ છીએ કે આનો જલદી અંત આવે તો અમે પહેલાંની જેમ સામાન્ય જીવન જીવી શકીએ."
વિકાસ પટનાયક ચાની દુકાન ચલાવે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોની સારી જાણકારી ધરાવે છે. તેમની ચાની દુકાન હોટલ સાઈ ઈન્ટરનેશનલથી બહુ દૂર નથી. આ જ હોટલમાં પાવેલ અને વ્લાદિમીર બે દિવસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

વિકાસનું કહેવું છે કે ત્યારથી તેમનાં મૃત્યુ સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં અને સાંભળવામાં આવી રહી છે. તેમને ખબર નથી પડતી કે કોના પર વિશ્વાસ કરવો.
તેઓ કહે છે, "અમે અમારા મોબાઈલ ફોન પર લોકલ નેટવર્ક (ટીવી ચેનલો) જોઈ રહ્યા છીએ અને તેઓ અમને દરેક પ્રકારની કહાણીઓ આપી રહ્યા છે. કોના પર વિશ્વાસ કરવો એ નક્કી નથી થતું. અમે આનાથી કંટાળી ગયા છીએ અને ઇચ્છીએ છીએ કે આ જલદી પૂરું થાય."
1 થી 1.5 લાખની વસ્તી ધરાવતા આ નાનકડા શહેરના લોકોને મીડિયાકર્મીઓની ભીડની આદત નથી. એટલા માટે તેઓ બંને રશિયન નાગરિકોનાં મૃત્યુ પર સ્થાનિક ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર ચર્ચાથી થોડા પરેશાન જણાય છે.
રાજ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચની 16 સભ્યોની ટીમ બંને મોતની તપાસ કરી રહી છે. આ ટીમની સૂચનાને પગલે હોટલ સ્ટાફથી લઈને હૉસ્પિટલના ડૉક્ટરો સુધી કોઈ મીડિયા સાથે વાત નથી કરી રહ્યું. વહીવટી તંત્રે મૌન સેવ્યું છે.

મૃત્યુનો કોયડો હજુ પણ વણઉકેલાયેલો છે

ઇમેજ સ્રોત, RANJAN RATH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
65 વર્ષીય પાવેલ એંતોવ કરોડપતિ ઉદ્યોગપતિ અને રશિયન સંસદસભ્ય હતા.
રશિયન મીડિયા અનુસાર, તેઓ મૉસ્કોના પૂર્વમાં આવેલા વ્લાદિમીર શહેરમાં લોકપ્રિય નેતા હતા.
ગયા વર્ષે જૂનમાં, તેમણે યુક્રેનની રાજધાની કિવમાં રહેણાક બ્લૉક પર રશિયન હુમલામાં જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેની સાત વર્ષની પુત્રી અને માતા ઘાયલ થયાં હતાં તે ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી.
આ ઘટનાને લઈને એંતોવનો એક વ્હોટ્સઍપ મૅસેજ લીક થયો હતો જેમાં તેણે લખ્યું હતું - આ બધું આતંક સિવાય બીજું કંઈ નથી.
તે મૅસેજ બાદમાં ડિલીટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એંતોવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે તે રાષ્ટ્રપતિ પુતિનના સમર્થક છે અને યુદ્ધને યોગ્ય માને છે.
એંતોવનો મૃતદેહ 24 ડિસેમ્બરના રોજ હોટલ સાઈ ઈન્ટરનેશનલના પહેલા માળની છત પરથી મળી આવ્યો હતો.
તેના થોડા કલાકો પહેલાં તેમણે તેમના 61 વર્ષીય મિત્ર વ્લાદિમીર બેદેનોવના અંતિમ સંસ્કાર કર્યા હતા. વ્લાદિમીર બેદેનોવનું 22 ડિસેમ્બરે એ જ હોટલમાં કથિત રીતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
ત્રીજા રશિયન નાગરિક 51 વર્ષીય મિલિયાકોવ સર્ગેઈનું મૃત્યું 3 જાન્યુઆરીએ કાર્ગો જહાજ પર કથિત હાર્ટ ઍટેકથી થયું હતું.
સર્ગેઈ જહાજના મુખ્ય ઈજનેર હતા. તેઓ એમબી અલ્દનાહ જહાજના 23 સભ્યોના ક્રૂનો ભાગ હતા. આ જહાજ બાંગ્લાદેશના ચિત્તાગોંગથી પારાદીપ થઈને મુંબઈ જઈ રહ્યું હતું.

પ્રશ્નો વધુ જવાબો ઓછા

એંતોવ પડ્યા પછી શરીરમાંથી લોહી કેમ ન નીકળ્યું?
આ અંગે સત્તાવાર નિવેદન એમ છે કે તેઓ હોટલની છત પરથી પડી ગયા હતા. એટલે કે તેમનું મૃત્યુ અકસ્માત હતો. તેઓ હોટલના ત્રીજા માળની છત પરથી પડી ગયા હતા. બંને વચ્ચેનું અંતર 20 ફૂટનું હતું.
24 ડિસેમ્બરની સાંજે તેઓ તેમના મિત્ર વ્લાદિમીર બેદેનોવના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યાના થોડા કલાકો બાદ હોટલ પરત ફર્યા હતા. કોઈએ તેમને છત પરથી કૂદતા કે પડતા જોયા ન હતા.
બીજું પેચીદું પાસું એ છે કે તેમનો ઓરડો બિલ્ડિંગના પહેલા ભાગમાં હતો. પરંતુ તેમનું શબ બિલ્ડિંગના છેલ્લા ભાગમાં મળી આવ્યું હતું. એંતોવે બિલ્ડિંગની બીજી બાજુ જઈને કેમ કૂદકો માર્યો તે એક રહસ્ય છે.
એંતોવ મૃત હાલતમાં મળી આવ્યા પછી તરત જ તેમના ગાઈડ જિતેન્દ્રસિંહે મીડિયા અને પોલીસને આ નિવેદન આપ્યું, "અમે લોબીમાં બેઠા હતા ત્યારે હોટલનો એક છોકરો દોડતો આવ્યો અને કહ્યું કે તે (એંતોવ) ગુસ્સામાં છે અને ઉશ્કેરાયેલા છે.
તેમણે તે છોકરાને લાત મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. અમે તેમને દરેક જગ્યાએ શોધ્યા પરંતુ અમે તેમને શોધી શક્યા નહીં અને પછી અમે જોયું કે તેઓ પહેલા માળની છત પર પડ્યા હતા. અમે તરત જ એમ્બુલન્સ બોલાવી અને તેમને હૉસ્પિટલ લઈ ગયા."
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર એંતોવનું મૃત્યુ આંતરિક રક્તસ્રાવને કારણે થયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક અકસ્માત હતો.
રાજ્ય ફોરેન્સિક લૅબોરેટરીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ફોરેન્સિક વિજ્ઞાનના જાણીતા નિષ્ણાત ડૉ. બસંત કુમાર દાસે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની તપાસ કરી અને કહ્યું કે ઈજાઓની પ્રકૃતિ અને અસરથી કોઈ શંકા નથી રહેતી કે મૃતક 20-25 ફૂટની ઊંચાઈએથી પટકાયા છે.
બાહ્ય રક્તસ્ત્રાવ કેમ ન થયો તે સમજાવતાં તેઓ કહે છે, "મોટાભાગની ઈજાઓ છાતીમાં હતી. જો માથામાં ઈજા થઈ હોત તો બહાર રક્તસ્ત્રાવ થયો હોત. પરંતુ રિપોર્ટ કહે છે કે આંતરિક રક્તસ્ત્રાવ ઘણો થયો હતો."

મૃત્યુ કેવી રીતે થયું?

ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે આમાં કોઈ ગડબડ નથી થઈ.
તેમણે કહ્યું, "હાલ તો હું પાવેલ એંતોવના મૃત્યુમાં કોઈપણ ગેરરીતિને નકારી કાઢું છું. પરંતુ હું આ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં તપાસ પૂર્ણ થવાની રાહ જોઈશ."
એ અધિકારીએ એમ પણ કહ્યું કે, "તેઓ દરેક પાસાથી તપાસ કરાવી રહ્યા છે કારણ કે કેસ વિદેશી નાગરિકો સાથે સંબંધિત છે. રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચની 16 સભ્યોની ટીમ આ કામમાં લાગેલી છે."
તપાસ ટીમ હાલમાં હોટલના 50 કર્મચારીઓ તેમજ મૃત્યુ સમયે હોટલમાં રોકાયેલા મહેમાનોની વ્યક્તિગત પૃષ્ઠભૂમિ તપાસી રહી છે.
તેમણે બંને મૃતકોના ફોન અને લૅપટૉપ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. તપાસ ટીમે તેઓ જે ટૂર ગ્રૂપનો ભાગ હતા તે ટૂરિસ્ટ ગાઇડ અને તે રશિયન કપલ સાથે પણ વાત કરી છે.

એંતોવના વિસરાને કેમ રાખવામાં ન આવ્યું?

આશ્ચર્યજનક બાબત એ છે કે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ હોવા છતાં, પાવેલ એંતોવનું વિસરા સાચવવામાં આવ્યું ન હતું.
જ્યારે જેમનું કથિત રીતે હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું હતું તેવા અન્ય બે રશિયન નાગરિકોના કેસમાં વિસરા રાખવામાં આવ્યા હતા.
અકુદરતી મૃત્યુના કેસમાં વિસરા રાખવામાં આવ્યા ન હતા તે સાંભળીને ડૉ. દાસ ચોંકી ગયા.
વરિષ્ઠ અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે તે સ્થાનિક પોલીસની ભૂલ હતી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમ કોઈ ચોક્કસ હેતુપૂર્વકનું નહીં પણ અજાણતાં થયું હતું.
મૃતકને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં તે જાણવા માટે વિસરાની તપાસ કરવામાં આવે છે.
ડૉ. દાસ કહે છે, "પાવેલ એંતોવના વિસરાને સાચવી રાખવું જોઈતું હતું કારણ કે તે વિદેશી નાગરિક હતા અને અકુદરતી સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. વિશ્વમાં 30,000 પ્રકારના ઝેર છે અને ભારતીય પ્રયોગશાળાઓ તેને શોધી કાઢવા માટે અત્યાધુનિક મશીનોથી સજ્જ છે."

બંને રશિયન મિત્રોના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કેમ કરાયા?

પાવેલ એંતોવ અને તેમના મિત્ર વ્લાદિમીર બેદેનોવના અંતિમ સંસ્કાર કંઈક ઉતાવળમાં કરવામાં આવ્યા હતા, જ્યારે પારાદીપ બંદરમાં કાર્ગો જહાજ પર મૃત હાલતમાં મળી આવેલા મિલિયાકોવ સર્ગેઈના મૃતદેહને રશિયા મોકલી દેવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ દાવો કર્યો કે પરિવારજનોએ અંતિમ સંસ્કાર માટે તેમની સંમતિ આપી દીધી હતી.
તેમણે કહ્યું, "અમે એંતોવનાં પુત્રી, તેમનાં ભૂતપૂર્વ અને વર્તમાન પત્નીનો સંપર્ક કર્યો અને અગ્નિસંસ્કાર માટે તેમની સંમતિનું વિડિયો-રેકૉર્ડિંગ કર્યું. એંતોવનાં પુત્રીએ કહ્યું કે તેમનાં પિતાની ઇચ્છા હતી કે તેમના મૃત્યુ પછી તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે. તેમણે કહ્યું કે પાવેલની માતાના પણ અગ્નિસંસ્કાર કરાયાં હતાં."
પુત્રીએ પણ સૂચના આપી હતી કે તેઓ બહુ ધાર્મિક નહોતા. વ્લાદિમીર બેદેનોવના પુત્રે પણ અંતિમ સંસ્કાર માટે સંમતિ આપી હતી. પોલીસનું કહેવું છે કે તેમની પાસે લેખિતમાં પરિવારની સંમતિ પણ છે.
મિલિયાકોવ સર્ગેઈના અંતિમ સંસ્કાર શા માટે કરવામાં આવ્યા ન હતા?
આ અંગે તેમણે કહ્યું કે રાયગડામાં રશિયનોના અંતિમ સંસ્કારના નિર્ણય પર કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, તેથી ભારતમાં મિલિયાકોવ સર્ગેઈના અંતિમ સંસ્કાર ન કરવાનો અને મૃતદેહને રશિયા પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મૃતદેહોના અગ્નિસંસ્કાર કેમ કરાયા, દફનાવ્યા કેમ નહીં?

પાવેલ એંતોવ અને તેમના મિત્ર વ્લાદિમીર બેદેનોવ ખ્રિસ્તી હતા જેમના મૃતદેહોને સામાન્ય રીતે દફનાવવામાં આવે છે, અગ્નિસંસ્કાર કરવામાં આવતો નથી.
તો પછી શા માટે પાવેલ અને બેદેનોવના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ જ સવાલ કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ એક ટ્વીટમાં ઉઠાવ્યો હતો, જેનો જવાબ ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ટ્વીટમાં આપ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક ટ્વીટમાં, રશિયન દૂતાવાસે કોલકાતામાં રશિયન દૂતાવાસને ટાંકીને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "કોલકાતામાં રશિયાનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને કેસ પર નજર રાખી રહ્યું છે. પોલીસને મળેલી માહિતી અનુસાર કોઈ ગુનાહિત પાસું સામે આવ્યું નથી."

રશિયનો રાયગડા કેમ ગયા હતા?

ઇમેજ સ્રોત, NURPHOTO
રશિયન પ્રવાસીઓ ડિસેમ્બરના મધ્યભાગથી ઓડિશામાં હતા અને તેમણે અનેક સ્થળોની મુલાકાત લીધી હતી.
પાવેલ એંતોવ અને વ્લાદિમીર બેદેનોવ ઉપરાંત એક રશિયન કપલ પણ પ્રવાસી દળમાં સામેલ હતું. તેમનું નેતૃત્વ તેમના ટૂર ગાઇડ જિતેન્દ્રસિંહ કરી રહ્યા હતા અને તેઓ તેમના અનુવાદક તરીકે પણ કામ કરી રહ્યા હતા.
રાજ્ય સરકારના એક અધિકારીનું કહેવું છે કે આદિવાસી પરંપરાઓથી સમૃદ્ધ ઓડિશા આદિવાસી ગામો અને તેમની જીવનશૈલીથી અવગત કરાવવા માટે આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપે છે.
બંને રશિયન નાગરિકોએ 21મી ડિસેમ્બરે રાયગડામાં હોટલ સાઈ ઈન્ટરનેશનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજા દિવસે તેઓ જયપુર નામના અન્ય આદિવાસી પ્રવાસન સ્થળ પર પહોંચવાના હતા. હોટલે પણ પુષ્ટિ કરી કે તેમનું બુકિંગ માત્ર એક દિવસ માટે હતું.
હોટલ મૅનેજમૅન્ટના જણાવ્યા પ્રમાણે - બીજા દિવસે (22 ડિસેમ્બરે) પાવેલ એંતોવ ગભરાટમાં પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું કે તેમનો મિત્ર વ્લાદિમીર બેદેનોવ સોફા પરથી પડી ગયો છે અને બેભાન થઈ ગયો છે. તેમને તાત્કાલિક સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
હોટેલ મૅનેજમૅન્ટના એક વરિષ્ઠ કર્મચારી કહે છે, "જ્યારે હું અંદર ગયો તો મેં જોયું કે તે સોફા અને ટેબલની વચ્ચે ફસાયેલા હતા. તેમનું માથું પાછળની બાજુ ઝૂકેલું હતું અને તેનું શરીર અકડાઈ ગયું હતું. ટેબલ પર દારૂની થોડી બોટલો અને ભોજનની પ્લેટો પડી હતી. મને કંઈ ખોટું થયુ હોવાનું લાગતું નહોતું."














